પરિસરનો પડકાર ૦૬ : ભારતની વનસંપદા [૦૨]

Facebooktwitterredditpinterestlinkedinmail

ભારતની વનસંપદા ૦૨

વનોન્મૂલન: (જંગલોનો નાશ; Deforestation)

ચંદ્રશેખર પંડ્યા

ગયા અંકમાં આપણે ભારતના જંગલોની ઉપયોગિતા વિષે વાત કરી હતી. જંગલ એ એક વિરલ પ્રકારની પર્યાવરણ પ્રણાલી છે જેની વિવિધ-લક્ષી સેવાઓનો સીધો અથવા આડકતરો લાભ સમગ્ર માનવજાતિ અને અન્ય સજીવો અનાદિકાળથી લેતા આવ્યા છે. વૃક્ષો વાતાવરણમાં રહેલો હાનિકારક કાર્બન ડાયોક્સાઇડ વાયુ પોતાના શ્વાચ્છોશ્વાસ દરમિયાન શોષીને આપણા માટે અત્યંત જરૂરી એવો ઓક્સિજન વાયુ બહાર ફેંકે છે જે અગાઉ આપણે જોઈ ગયા. જંગલોના વિનાશના પરિણામે વાતાવરણમાં રહેલા ઓક્સિજનનું પ્રમાણ સતત ઘટતું જાય અને અને સજીવો દ્વારા શ્વાસ લેવાની પ્રક્રિયા ચાલતી જ રહેવાથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ભયજનક રૂપે વધતું જ રહે. અંતે કેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તે આપણે કલ્પી શકીએ છીએ. કદાચ અત્યારની પેઢીને બહુ ખરાબ અસર ન પણ થાય પરંતુ આગામી પેઢીઓ માટે વૃક્ષોની ઘટતી જતી સંખ્યા કટોકટી ભરેલી સ્થિતિનું નિર્માણ અવશ્ય કરે. શ્વાચ્છોશ્વાસ માટે ઓછો ઓક્સિજન ધરાવતી હવા તેમને મળે. એક અંદાજ પ્રમાણે, પૃથ્વી પર વસતા બધા જ માનવીઓ માટે છ માસ ચાલે તેટલી માત્રામાં કૃત્રિમ રૂપે ઓક્સીજનના પરમાણુઓ પેદા કરવા હોય તો ત્રણ ટ્રિલિયન અમેરિકી ડૉલરનું (એટલે કે લગભગ ૩ લાખ કરોડ ભારતીય રૂપિયા)નો ખર્ચ કરવો પડે! હવે વિચારો કે વૃક્ષો આ સેવા સાવ મફત આપી રહ્યાં છે. આપણા પૂર્વજોને પાણીની અછતનો સામનો ક્યારે પણ કરવો પડ્યો ન હતો કારણ કે તેમના જમાનામાં પૂરતી સંખ્યામાં વૃક્ષોની હાજરી હતી. કાળક્રમે જંગલો અને વૃક્ષોનો વિનાશ થતો ગયો અને આજે એવા વિસ્તારો મોજૂદ છે કે જ્યાં પાણીની કારમી અછત વરતાઈ રહી છે. હજુ પણ વૃક્ષોનું નિકંદન થવાની ગતિ પર રોક નહી લાગે તો આગામી પેઢી આપણને કદી માફ નહી કરે. કારણ બિલકુલ સ્પષ્ટ છે.

વન-વિનાશનાં કારણો:

મારતી લાકડાની જરૂરિયાત: ખાદ્ય અને કૃષિ સંસ્થાન (FAO: Food and Agriculture Organization) ના સન ૨૦૧૦ સુધીના અભ્યાસના એક તારણ મુજબ, મોટા ભાગની વન પેદાશોની ઉત્પાદન અને વપરાશની વૃદ્ધિ સન ૧૯૮૧થી સન ૨૦૦૦ના ગાળા દરમિયાન, ૧૯૭૦-૧૯૮૦ની સરખામણીએ ઘણી જ મંદ રહી છે. વ્હેરેલું લાકડું, લક્કડ આધારિત પેનલ, કાગળનો માવો તેમ જ વિવિધ પ્રકારની કાગળની ચીજવસ્તુઓના વપરાશ અને ઉત્પાદનનો દર ઈંધણ અને લક્કડિયા કોલસા કરતાં ખૂબ જ વધારે જોવા મળ્યો છે. વસતી વધારો અને આર્થિક વિકાસના વધવાથી વન પેદાશોની જરૂરિયાત દિન-બ-દિન વધતી જ રહી છે. માંગ અને પુરવઠાનું ચિત્ર સ્પષ્ટ રૂપે બતાવે છે કે જો રાષ્ટ્રીય વનનીતિ અનુસાર અન્ય વિસ્તારો વન-આચ્છાદિત કરવામાં નહી આવે તો મોટા ભાગની વનપેદાશોની માંગ અને પુરવઠા વચ્ચેનું અંતર વધતું જ રહેશે. જો કે માંગ તો વધતી જ રહી છે પરંતુ એને પહોંચી વળવા જેટલો વધારાનો દર અગાઉની સરખામણીએ ઓછો જોવામાં આવ્યો છે. આ પરિસ્થિતિ ખરેખર ચિંતાજનક છે જે માત્ર સકારાત્મક નીતિઓ અપનાવવાથી સુધરી શકે. લોકોની સક્રિય ભાગીદારીથી સામાજિક અને ખેત વનીકરણ જેવા પગલાં વડે વૃક્ષ-આચ્છાદિત વિસ્તારમાં વધારો કરવા માટેના સંનિષ્ઠ પ્રયાસ કરવા જ રહ્યા. વળી ઉત્પાદન-પૂર્વની અવધિ (વૃક્ષોની રોપણીથી પરિપક્વ થવાનો સમય) લાંબી હોવાથી ઉચિત પ્રમાણમાં નાણાંકીય જોગવાઈ પણ જરૂરી બની જાય છે.

શહેરીકરણ: શહેરી વિસ્તારોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગ્રામીણ પ્રજાને પણ રોજી કમાવાના આશયથી ગામડાંઓમાંથી શહેરો તરફ સ્થળાંતર કરવા ફરજ પડી રહી છે. ખેતી અને પશુપાલન જેવા વ્યવસાયોની જગ્યાએ આજની યુવા પેઢીને ‘વ્હાઈટ કોલર જોબ’માં રુચિ વધી રહી છે. આના પરિણામસ્વરૂપ શહેરોની સીમાઓ નિરંતર વધતી જાય છે અને વિશાળ પાયે મકાનો બનવાની સ્કીમોએ જન્મ લીધો છે. ઝાડીઝાંખરાં અને નાનાંમોટાં વૃક્ષો કાપીને મેદાનોમાં સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ઉભાં થઈ રહ્યાં છે. આ ઉપરાંત વિવિધ કેશ-ક્રોપ તેમ જ એનિમલ-ફાર્મના વ્યવસાય પ્રત્યે ઝુકાવ વધવાથી વૃક્ષોનો વિનાશ કરવામાં આવે છે.

કૃષિ: લોકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે જંગલોની જમીનોને ખેત ઉત્પાદનો માટે તબદીલ કરવામાં આવે છે. ભારતમાં અંદાજે ત્રીસ કરોડ લોકો ફરતી/સ્થળાંતરિત ખેતી (Shifting Cultivation) આધારિત ગુજરાન ચલાવે છે જેઓ વાર્ષિક ધોરણે જંગલના નવા વિસ્તારોમાં વૃક્ષોને કાપી તેને આગ લગાડે છે જેથી કે જમીનનું ઉપરીય સ્તર ફળદ્રુપ બને. આવા વિસ્તારોમાં કૃષિ-પાક લીધા બાદ ફરી નવા વિસ્તારોમાં આ પ્રક્રિયા દોહરાવવામાં આવે છે. વર્ષે લગભગ પાંચ લાખ હેક્ટર જંગલ વિસ્તારનો ખુરદો બોલી જાય છે. મહદ્ અંશે ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં તેમ જ આંધ્રપ્રદેશ, મધ્ય પ્રદેશ અને બિહારના આદિવાસી વિસ્તારોમાં ફરતી ખેતી કરવામાં આવે છે.

image

ત્રિપુરામાં સ્થળાંતરિત ખેતી

વ્યાવસાયિક ઉદ્દેશો માટે લાકડાં કાપવાં: સ્થાનિક તેમ જ વૈશ્વિક બજારોમાં સાગ, શીશમ, સાલ મહાગોની જેવાં લાકડાનો પુરવઠો જાળવવો, ઈંધણ સારુ બળતણનું લાકડું કાપવું, કૃષિ માટે લાકડાનું કપાણ, કાગળ ઉદ્યોગ માટે વાંસ અને ઠંડા પ્રદેશોમાં ઉગતા શંકુદ્રુમના વૃક્ષોનું કપાણ, ઢોરના ચારા માટે પાંદડાઓ અને કુમળી ડાળીઓનું કપાણ અને જંગલ વિસ્તારોમાં હદ બહારનું ભેલાણ/ચરિયાણ. આ તમામ પાસાઓ વનોન્મૂલન નોતરે છે.

ઉત્ખનન (Mining activity): બાંધકામ માટે રેતી-કપચી મેળવવા માટે અને અગત્યના મિનરલ્સ માટે ખાણ ખોદવાની પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ પ્રવૃત્તિની ઘણી જ માઠી દૂરગામી પર્યાવરણીય અસરો પડતી હોય છે. જમીનને ઘસારો, જૈવિક વિવિધતામાં ઘટાડો, તળના પાણી અને જમીન ઉપર આવેલ પાણીમાં પ્રદૂષણ, કોઈ વખત ખાણોની આસપાસ આવેલાં વૃક્ષોનું કપાણ વિગેરે જેવાં દૂષણોનો સામનો કરવો પડતો હોય છે. ઉત્ખનનની પ્રક્રિયા વખતે કોઈ વાર જમીનમાં ધરબાયેલા કોલસામાં ભયાનક આગ ફાટી નીકળવાના બનાવ પણ બનતા હોય છે જેને કાબુમાં લાવી શકાતી નથી અને એકાંતિક કિસ્સામાં વર્ષો સુધી ધૂંધવાતી રહે છે. આવો દાવાનળ પર્યાવરણ માટે ઘાતક સાબિત થાય છે.

વસતી-વધારો: માનવ વસ્તીમાં થઇ રહેલા બેફામ વધારાને કારણે વન સંપદાની પુરવઠો પાડવાની ક્ષમતા પર નકારાત્મક અસર પડે છે. કૃષિ પેદાશોની વધતી જતી માંગ, નવી વસાહતો ઊભી કરવાની જરૂરિયાત વગેરને પહોંચી વળવા માટે જંગલો સાફ કરી નાખવામાં આવે છે.

ઔદ્યોગીકરણ: આજે આર્થિક વિકાસ પાછળ આંધળી દોટ મુકાઈ રહી છે અને ઔદ્યોગીકરણને અગ્રતા આપવામાં આવી રહી છે. શહેરીકરણની માફક જ ઔદ્યોગીકરણ માટે વિશાળ વિસ્તારોની જરૂર પડે તે સ્વાભાવિક છે. વિશાળ પાયા પર જંગલોની જમીનો આના માટે તબદીલ કરવાથી પર્યાવરણનું સંતુલન જોખમાતું હોય છે.

નદીઓ ઉપર મહાકાય બંધોનું નિર્માણ: સિંચાઈ તેમ જ પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે આજે બંધોનું નિર્માણ કરવાની ફરજ પડી રહી છે. આ પ્રમાણે સરોવરના નિર્માણથી જંગલનો મોટો વિસ્તાર ડૂબમાં જતો રહે છે અને સ્થાનિક પર્યાવરણમાં અનિચ્છનીય અસંતુલન પેદા થાય છે. આવા વિસ્તારો હમેશા પૂર, દુકાળ અને જમીન ધસી પડવા જેવી કુદરતી ઘટનાઓ પ્રત્યે સંવેદનશીલ હોય છે. જંગલો જૈવિક વિવિધતા સમી અમૂલ્ય પ્રકારની નૈસર્ગિક સંપદાનો ભંડાર છે. તેના વિનાશને કારણે કેટલીક એવી પ્રજાતિઓ નામશેષ થઈ જાય છે જેની માનવીને હજુ કોઈ માહિતી ઉપલબ્ધ નથી. આવી પ્રજાતિઓ ઔષધીય ગુણવત્તા ધરાવતી હોવા સંભવ છે અને આર્થિક રૂપે તે ઘણી મુલ્યવાન પણ હોય શકે છે. આ પ્રમાણે બહુમુલ્ય પ્રજાતિઓના ભંડાર સમા વન, જેને ઉદ્‍ભવતાં હજારો કે કદાચ લાખો વર્ષ વીત્યાં હોય તે ઘડીના છઠ્ઠા ભાગમાં નાશ પામે છે.

જંગલની આગ/દવ (Forest fires): આજકાલ અખબારોમાં કેલીફોર્નિયાના જંગલોમાં લાગેલી આગ વિષે આપણે વાંચીએ છીએ. જંગલની આગને ઓલવવી ઘણું મુશ્કેલ કામ છે. આગના પરિણામે પણ જંગલોનો વિનાશ સર્જાય છે.

image

જંગલની આગ

અમર્યાદ ચરિયાણ (Over-grazing): એક જ વિસ્તાર લાંબા સમય સુધી ચરિયાણ માટે ખુલ્લો રાખવામાં આવે ત્યારે તેની નકારાત્મક અસરો જેવી કે નબળી ઉત્પાદન ક્ષમતા, જૈવિક વિવિધતા ઘટવી, જમીન કડક બની જવી, ફળદ્રુપ વિસ્તાર રણ બની જવા વિગેરે. ઘણી વખત આવા અતિ ચરિયાણનો ભોગ બનેલા વિસ્તારોમાં બહારની નિંદામણ જેવી વનસ્પતિઓ ફેલાય છે અને મૂલ્યવાન સ્થાનિક પ્રજાતિઓ ઊગી શકતી નથી.

ઉપર જોયા મુજબ વનોન્મૂલનના ઘણા ફાયદા નજરે ચઢ્યા વગર ના રહે. જન સમુદાયો માટે પ્રગતિનો પંથ જાણે કે ખુલ્લો થઈ જાય. લોકોને ખોરાક, વસાહતો, ઉદ્યોગોની સ્થાપનાથી રોજીરોટી કમાવાના દ્વાર ઉઘડી જવાં, રસ્તાઓનું નિર્માણ થવાથી યાતાયાતમાં સુધાર, ડેમ બનવાથી પાણીની સમસ્યાનો હલ વગેરે. કમનસીબે વનોન્મૂલનનાં નકારાત્મક પરિણામો આવા દેખીતા ફાયદાઓને મહદ્ અંશે ઢાંકી દેતાં હોય છે જેવાં કે

ખોરાકની સમસ્યા: વન વિનાશ બાદ આવા વિસ્તારો લાંબા ગાળાની કૃષિ-ઉત્પાદકતા અને પશુ-પાલન/વર્ધન માટે અયોગ્ય સાબિત થાય છે. એક વાર જમીન પર વૃક્ષોનું આચ્છાદન દૂર થાય એટલે તે જમીનની ગુણવત્તા ઝડપભેર કથળી જતી હોય છે. તેની ફળદ્રુપતા અને ખેડી શકાય તેવી ક્ષમતા સમૂળગી નાશ પામે છે. વનની ગેરહાજરીમાં વાર્ષિક પાક ઊગવાની જમીનની ક્ષમતામાં પણ ઘટાડો થતો જાય છે. ખેડી શકાય તેવી (Arable) જમીનોની સરખામણીમાં ઘાસિયા મેદાનો ચરિયાણની દૃષ્ટિ ખૂબ જ ઓછાં ઉત્પાદક રહે છે અને પરિણામે લાંબા ગાળાના ચરિયાણ માટે અશક્ત પુરવાર થાય છે.

વરસાદ અને સૂર્યના તાપ સામે જમીન ખુલ્લી પડવી: અતિવૃષ્ટિ અને સૂર્યના પ્રખર તાપની સામે જમીન અરક્ષિત થઈ જવાથી ઉપરના ફળદ્રુપ સ્તરને અત્યંત માઠી અસર પહોંચે છે. સારા એવા સમય સુધી કૃષિ માટે અયોગ્ય બને છે તેમ જ જંગલોનું પુન:સંવર્ધન પણ ખાસું લંબાય છે.

વિનાશક પૂર: નદીઓના સ્રાવ વિસ્તારમાં નાના વીરડાઓ, ઝરણાંઓ ઝડપભેર ધસી જાય છે કારણ કે વૃક્ષોની હાજરી ન હોવાથી પાણીના વહેણોનુ સુયોગ્ય રૂપે નિયમન થઈ શકતું નથી. વૃક્ષોની હાજરી અને પરિણામે જમીન પર બનતા ‘હ્યુમસ’માં પાણીને સંગ્રહવાની ક્ષમતા રહેલી છે અને તેથી નદીઓના સ્રાવ વિસ્તારમાં પાણીના વહેણનું નિયમન કુદરતી રીતે જ થઈ જતું હોય છે. જંગલો જમીનનું ધોવાણ થતું અટકાવે છે. વૃક્ષોની ગેરહાજરીથી વરસાદનું પાણી અટક્યા વગર સીધું જ દરિયા તરફ ગતિપૂર્વક ધસી જાય છે અને નદીઓના મુખ તરફના વિસ્તારોમાં પૂરના સ્વરૂપે તારાજી સર્જે છે. જમીનના ઉપલા સ્તરની માટી વહીને સમુદ્ર તરફ ધસી જવાથી કાંઠાળ વિસ્તારોમાં મત્સ્યોદ્યોગને અવળી અસર કરે છે.

જૈવિક વિવિધતાનો નાશ: વનોન્મૂલનની આ એક સૌથી વધારે ગંભીર અસર ગણી શકાય. સરળ રીતે સમજવા માટે, કેટલીય પ્રકારની પ્રજાતિઓ (નાના જીવાણુઓ, વૃક્ષો, જંગલી જાનવરો વ.)નો નાશ અને વિલુપ્ત થવું જેમની ઉપયોગિતાથી આજનું વિજ્ઞાન હજુ અજાણ છે.

સ્થાનિક સમુદાયોનું સ્થળાંતર: વનપ્રણાલીના અવિભાજ્ય અંગ ગણાતા વનવાસીઓનું અસ્તિત્વ જોખમાય છે અને તેઓને શહેરો તરફ પ્રયાણ કરવા ફરજ પડે છે.

જળ-વાયુ પરિવર્તન (Climate change): આબોહવામાં ભયજનક પરિવર્તનને કારણે ઋતુચક્રમાં ફેરફાર, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણમાં વધારો જે ‘ગ્લોબલ વોર્મિંગ’ નોતરે છે.

મિત્રો, જળવાયુ પરિવર્તન અને જૈવિક વિવિધતા ઘણા જ ગહન અને વિશાળ વિષયો છે જેની ચર્ચા એક અલાયદી શ્રેણીના રૂપે ‘પરિસરનો પડકાર’માં આપશું.


તસવીર સૌજન્ય: ઈન્ટરનેટ.


ચંદ્રશેખર પંડ્યાનાં સંપર્કસૂત્રો:

ઈ-મેઇલ : chp4491@gmail.com

મોબાઈલ નંબર: +૯૧૯૮૨૫૦ ૩૦૬૯૮

1 comment for “પરિસરનો પડકાર ૦૬ : ભારતની વનસંપદા [૦૨]

  1. Pravina
    December 8, 2017 at 11:57 pm

    bahu saras jankari bhayo, ne samajava jevo lekh che bhai. pan samjava ni asha aapne America ke Eroupe na desho pase thi rakhi shakie chie. India wala ne kai kahevu nakkamu che. Patthar upar Pani ne bhens agal bhawad.

Leave a Reply to Pravina Cancel reply

Your email address will not be published. Required fields are marked *