





દીપક ધોળકિયા
૧) રુમેટૉઇડ આર્થરાઇટિસને રોકવામાં વિટામિન Dની મહત્ત્વની ભૂમિકા
રુમેટૉઇડ આર્થરાઇટિસને રોકવા માટે વિટામિન Dનું સ્તર જાળવી રાખવાનું જરૂરી છે.બર્મિંગહામ યુનિવર્સિટીના સંશોધકો આ તારણ પર પહોંચ્યા છે. એમનું બીજું મહત્ત્વનું તારણ એ છે કે રોગગ્રસ્ત પેશીમાંથી લીધેલા કોશોનું બંધારણ બદલી ગયું હોય છે એટલે કોઈ તંદુરસ્ત વ્યક્તિના કોશ અથવા તો રોગીના જ નીરોગી કોશો પરથી એમની સ્થિતિ વિશે અનુમાન ન કરી શકાય. પરંતુ વિટામિન D પણ રોગ શરૂ થઈ જાય તે પછી બહુ અસરકારક નથી રહેતું.
‘ઑટોઇમ્યૂન’ મૅગેઝિનમાં આ સંશોધનનો અહેવાલ પ્રસિદ્ધ થયો છે. સામાન્ય રીતે લોહીના નમૂના પરથી રુમેટૉઇડ આર્થરાઇટિસનો કયાસ કાઢવામાં આવે છે પરંતુ સંશોધકોએ સીધા જ,સાંધાના સૂઝેલા કોશ પર વિટામિન Dના પૂરક ડોઝની શી અસર થાય છે તે તપાસી જોયું. જે કોશ રોગગ્રસ્ત થઈ ગયા હોય છે તે વિટામિન Dને સ્વીકારતા નથી. આ સંશોધને હવે રુમેટૉઇડ આર્થરાઇટિસના ઇલાજ માટે નવી દિશામાં જવાનો સંકેત આપ્યો છે. રોગગ્રસ્ત કોશો વિટામિન Dને સ્વીકારતા થઈ જાય એવા રસ્તા હવે શોધવાના રહે છે.
સંદર્ભઃ વિટામિન D
૦-૦-૦
(૨) તજ ખાઓ, વજન ઘટાડો
મિશિગન યુનિવર્સિટીના લાઇફ સાયન્સિઝ ઇન્સ્ટીટ્યૂમાં કરાયેલા એક સંશોધનનો નિષ્કર્ષ એવો છે કે તજ સ્થૂળતા ઘટાડે છે. તજમાં ‘સિનેમલ્ડિહાઇડ’ નામનું તેલ હોય છે. તજની સોડમ આ તેલને આભારી છે. ઉંદર પર એ તેલનો ઉપયોગ કરતાં જોવા મળ્યું કે ઉંદરને સ્થૂળતા અને હાઇપરગ્લાઇસેમિયા (લોહીમાં સાકર વધી જવી) સામે રક્ષણ મળ્યું. જો કે આ તેલ શી રીતે આ કામ કરે છે તે હજી સંશોધનનો વિષય છે.
વૈજ્ઞાનિકો એ જોઈ શક્યા કે સિનેમલ્ડિહાઇડ ચયાપચયની ક્રિયામાં ચરબીના કોશો (ઍડિપો સાઇટ્સ) પર સીધી અસર કરે છે. પરંતુ એ માત્ર ઉંદર પર સાબીત થયું છે; માણસ પર પણ એવી જ અસર થાય છે?
એમણે માણસના ઍડિપોસાઇટ્સ પર સિનેમલ્ડિહાઇડનો પ્રયોગ કરતાં ઉત્સાહવર્ધક પરિણામો મળ્યાં છે. એના પ્રભાવ નીચે ચરબીના કોશ જલદી ઊર્જાને બાળવા લાગે છે. આ પ્રક્રિયાને ‘થર્મોજેનેસિસ’ કહે છે.
‘મેટાબોલિઝમ’ મૅગેઝિનના આ મહિનાના અંકમાં એમના સંશોધનનાં પરિણામો પ્રકાશિત થયાં છે.
સંદર્ભઃ તજ ચરબીને બાળે છે
૦-૦-૦
(૩) શેરડીના ઇથેનોલનો ઉપયોગ કરવાથી પેટ્રોલનો વપરાશ ઘટી શકે છે.
બ્રાઝિલ એક એવો દેશ છે કે જે શેરડીનો ઉપયોગ જૈવિક ઈંધણ તરીકે કરવા આતુર છે. એક આંતરરાષ્ટ્રીય પ્રયોગ બ્રાઝિલમાં ચાલે છે, જેમાં જુદા જુદા પ્રકારની જમીનમાં શેરડીનું વાવેતર કરાયું આ શેરડીમાંથી ઇથેનોલ બનાવાયું. ઇથેનોલ ક્રૂડ ઑઇલની જગ્યાએ કામ આપે છે. હવે ત્યાં મોટી યોજના હેઠળ ઓછામાં ઓછા પોણાચાર કરોડ હેક્ટર અને તે પછી આગળ વધીને ૧૧ કરોડ ૬૦ લાખ હેક્ટર જમીનમાં શેરડીનો પાક લેવાશે. ૨૦૪૫ સુધીમાં આ રીતે જેટલું ઇથેનોલ પેદા થશે તે રોજના ૩૬ લાખથી માંડીને ૧ કરોડ ૨૮ લાખ બૅરલ તેલ જેટલું હશે. આમ થવાથી ૨૦૪૫ સુધીમાં તેલના વપરાશમાં ૧૩.૭% જેટલો ઘટાડો કરી શકાશે.
માત્ર એટલું જ નહીં, તેલને કારણે જેટલો કાર્બન ડાયોક્સાઇડ બને છે તેના માત્ર ૧૪% કાર્બન ડાયોક્સાઇડ ઇથેનોલના ઉપયોગથી બને છે. આમ આવતાં ૩૦ વર્ષમાં તેલનો વપરાશ ઘટાડી શકાશે તે ઉપરાંત, વાયુ પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ મળશે.
સંદર્ભઃ બ્રાઝિલ_ઇથેનોલ-26688
૦-૦-૦
(૪) કૂતરા ગુસ્સે ભરાયેલા માલિકનો ભાવ સમજવા પોતાનું મોઢું ચાટે છે!
પાળેલા કૂતરા માણસના મનોભાવો ચહેરો જોઈને કળી શકે છે. બ્રાઝિલની સાઓ પાઓલો યુનિવર્સિટી અને અમેરિકાની લિંકન યુનિવર્સિટીના સંશોધકોએ જોયું કે માલિકનો ક્રોધિત ચહેરો જોઈને કૂતરા પોતાની જીભથી મોઢું ચાટે છે. આમ તો,મોઢું ચાટવાની ક્રિયા કૂતરો ખાવાનું માગે છે એવો સંકેત આપે છે. પરંતુ કૂતરાઓને એક પ્રયોગમાં એક જ માણસના બે ચહેરા દેખાડવામાં આવ્યા – એક પ્રસન્ન ચહેરો અને બીજો ગુસ્સાવાળો. ગુસ્સાવાળો ચહેરો જોતાં જ કૂતરાઓની જીભ બહાર નીકળી આવી અને એ પોતાનાં મોઢાં પર ફેરવવા લાગ્યા! પણ એમને જ્યારે બીજા કોઈ કૂતરાના ખૂંખાર ચહેરા દેખાડ્યા ત્યારે એમણે એ જ કર્યું પણ પ્રમાણમાં એમને પોતાના જાતભાઈની બહુ પરવા નથી, એવું દેખાયું!
શું કહેતા હશે, કૂતરા? માફી માગતા હશે? કે પૂછતા હશે કે “અરે ભાઈ, શું થઈ ગયું તે આટલા ઊકળી ઊઠ્યા છો?”
સંદર્ભઃ કૂતરા_ લાગણી-171128120214
શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gamil.com
બ્લૉગઃ મારી બારી