સાયન્સ ફેર :: ચીન ગમે તે ભોગે અમેરિકન જાસૂસી રોકશે!

Facebooktwitterredditpinterestlinkedinmail

જ્વલંત નાયક

આપણે માટે જે માત્ર ‘સુવાક્ય’ છે, વિસ્તારવાદી ચીન માટે એ વાત વિદેશનીતિ અને સંરક્ષણનીતિનો મુખ્ય હિસ્સો છે!

દુનિયાના દરેક દેશોના પ્રમુખો અને વડાઓ વાતોના ગમે તેવા વડા કરે, પણ ખરું પૂછો તો આજની તારીખે પણ આંતરરાષ્ટ્રીય બાબતોમાં ‘જિસકી લાઠી ઉસકી ભેંસ’નાં નિયમે જ કામ થાય છે! પરિણામે દરેક દેશ બદલાતા સમયને અનુરૂપ, પોતાની લશ્કરી ક્ષમતા વધારતો જ રહે છે. ખાસ કરીને આપણું પડોશી ચાઈના! ભારતે મિસાઈલ્સના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી હોવા છતાં, વૈશ્વિક મિસાઈલ ગ્રુપમાં આપણને એન્ટ્રી મળી નહોતી. પણ ઇસ 2014 દરમિયાન મોદી-ઓબામા મુલાકાત ફળદાયી નીવડી અને મિસાઈલ ગ્રુપમાં ભારતનો પ્રવેશ પાકો થયો. જો કે એનાથી આપણા ‘પ્રેમાળ’ પડોશીઓ ચીન અને પાકિસ્તાન વંકાયા. પાકિસ્તાનની શક્તિઓ મર્યાદિત છે અને એની લશ્કરી ક્ષમતા પારકા દેશોના ભરોસે છે. પણ ભવિષ્યમાં એશિયન ઉપખંડમાં ચીનાઓને ટક્કર આપી શકે એવો એકમાત્ર બળીયો દેશ ભારત જ છે, એવું ચીનાઓ બરાબર સમજે છે. આથી તેઓ ભારતને એક સતત વિકસી રહેલા શત્રુ તરીકે જુએ છે. “રોગ અને શત્રુને ઉગતા જ ડામવા જોઈએ”વાળી વાત આપણે માટે માત્ર ‘સુવાક્ય’ છે, પરંતુ વિસ્તારવાદી ચીન માટે આ વાત વિદેશનીતિ અને સંરક્ષણનીતિનો મુખ્ય હિસ્સો છે! કોઈ પણ વૈશ્વિક સંગઠનમાં ભારતના સમાવેશ સામે, વ્યવહારુ માગણીઓ સામે કે પછી સ્વ-રક્ષણની જરૂરીયાતો સામે ચીન સતત વિરોધ કરતુ રહે છે. પણ આ ચીન પોતે કેટલું સજ્જ છે? સંભવિત આક્રમણને ખાળવા માટે ચીન પોતે કયા પ્રકારની લેટેસ્ટ ટેકનોલોજી વાપરે છે?

ચૂંચી આંખવાળા ચીનાઓ સ્વભાવે આક્રમણખોર કહી શકાય એવા ‘વિસ્તારવાદી’ તો ખરા જ, ડોક્લામ સમસ્યા એનું તાજું ઉદાહરણ છે. વળી ચીનાઓને અમેરિકા અને ભારત જેવા દેશોનો છુપો ભય ખરો! આમ તો ચીન લોખંડી પડદાઓ પાછળ સંતાઈ રહેતો દેશ છે પણ ખંધુ અમેરિકા ભલભલા દેશોની જાસૂસી કરીને ‘કોલ્ડ વોર’માં મેદાન મારી જાય, એ વાત ચીનના નેતાઓ બરાબર સમજે! એટલે જ ચીનાઓ દુશ્મનોની જાસૂસીથી બચવા માટે સતત ટેકનીકલ સજ્જતા કેળવતા રહે છે. ખાસ કરીને ડ્રોન વડે થતી હવાઈ જાસૂસી અને ઈન્ટરનેટ હેકિંગને રોકવા માટે ચીન સતત જાગૃત રહે છે.

હળવા વજનના ડ્રોન વિમાનોને અત્યંત સટિકપણે વીંધીને ભોંયભેગા કરી શકે એવા લેસર હથિયારો ચાઇનાએ વિકસાવ્યા છે. જે રીતે ભારતમાં લશ્કરી શસ્ત્ર-સરંજામની બનાવટ અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે DRDO છે, એમ ચીનમાં ચાઈનીઝ એકેડેમી ઓફ એન્જીનીઅરિંગ ફિઝીક્સ (CAEP) છે. CAEP જણાવે છે કે લેસર વેપન્સ, ડ્રોન અને બીજા કેટલાક હળવા વજનના એરક્રાફ્ટનનું સચોટ નિશાન તાકીને તોડી પાડવા માટે માત્ર પાંચ જ સેકન્ડ જેટલો અલ્પ સમય લેશે! લેસર વેપન્સની મારક ક્ષમતા લગભગ ૨ કિલોમીટર સુધીની રહેશે અને તે જમીનથી ૫૦૦ મીટર ઊંચાઈ સુધીની રેન્જમાં ઉડનારા વિમાન પર સચોટ રીતે વાર કરી શકશે. જો કે લેસર વેપન્સની સટિકતા ૧૧૨ માઈલ્સ/કલાક કે તેનાથી ઓછી ઝડપે ઉડનારા એરક્રાફ્ટસ્ પુરતી જ સીમિત છે.

અહીં પ્રશ્ન એ થાય કે ડ્રોન અને બીજા કેટલાક અત્યંત નાના કદના વિમાનો સિવાય કોઈ એરક્રાફ્ટ આટલી ઓછી ઝડપે અને આટલી ઓછી ઊંચાઈએ ઉડતું ન હોય! તો પછી ચીનાઓએ આવા લેસર વેપન્સ બનાવીને શું ધાડ મારી? સાચું પૂછો તો આ વેપન્સ બે સૈન્યો વચ્ચે ખેલાનારા ખરાખરીના જંગ માટે બહુ ઉપયોગી થઇ શકે એમ છે જ નહિ! લેસર વેપન્સ બનાવવા પાછળનો મુખ્ય હેતુ છે યુદ્ધ સિવાયના સમય દરમિયાન દુશ્મન દેશો દ્વારા થતી હવાઈ જાસૂસીને રોકવાનો! હવાઈ જાસૂસીનું કામ આમ તો બહુ અઘરું ગણાય. કારણકે આકાશમાં ચોક્કસ ઊંચાઈએ ઉડતું કોઈ ભારેખમ લડાયક જહાજ રડાર સિસ્ટમ ઉપર વહેલું મોડું પકડાયા વિના રહે નહિ! પરંતુ અમેરિકનોએ વિકસાવેલા, અને ખુબ નીચી ઊંચાઈએ ઉડનારા નાની સાઈઝના રમકડા જેવા ડ્રોન વિમાનો રડારમાંથી બચીને આસાનીથી દુશ્મન ઇલાકામાં ઘુસી જઈ શકે છે. આ ઉપરાંત ડ્રોન જેવા વિમાનો, મોટા વિમાનોની દ્રષ્ટિએ અત્યંત સસ્તા પડે છે. આથી આતંકી હુમલો કરવા માટે આતંકવાદીઓ ડ્રોનનો ઉપયોગ કરે એ બનવાજોગ છે. (૯/૧૧ની ઘટનાને અંજામ આપવા આતંકવાદીઓએ બે મોટા પ્લેન હાઈજેક કરવા પડેલા, હવે આજ કામ ટચુકડા ડ્રોન વિમાનો કરી શકાય છે!) અત્યાર સુધી ડ્રોનને તોડી પાડવા માટે સ્નાઈપર્સ (તાલીમ પામેલ બંદૂકબાજ) અથવા તો હેલિકોપ્ટરનો ઉપયોગ કરવાના પ્રયત્નો થતાં હતા. પરંતુ એમાં સફળતાનો રેશિયો નોંધપાત્ર રીતે ઓછો હતો. ઉપરાંત હેલિકોપ્ટરનાં વપરાશને કારણે આજુબાજુના વિસ્તારોમાં મોટા પાયે ખાનાખરાબી સર્જાવાનો ભય તો ખરો જ! બીજી તરફ લેસર વેપન્સની ચકાસણી દરમિયાન, કુલ ત્રીસ કરતા વધારે ડ્રોન્સ ‘ટાર્ગેટ’ તરીકે ઉડાડવામાં આવ્યા, અને આ તમામ ડ્રોન્સને તોડી પાડવામાં લેસર વેપન્સને સફળતા પણ મળી! CAEPનાં દાવા મુજબ, પ્રથમ પ્રયત્ને ૧૦૦ % સફળતા! ચીનાઓ હવે આ લેસર વેપન્સની મારક ક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવાના છે.

બીજી તરફ, કોમ્પ્યુટરના હેકિંગથી બચવા માટે ચીનાઓએ ‘ક્વોન્ટમ કોમ્યુનીકેશન નેટવર્ક’ની ટેકનોલોજી વિકસાવી છે. આ નેટવર્ક બીજિંગથી શાંઘાઈ સુધીના લગભગ ૨,૦૦૦ કિમીનાં વિસ્તારમાં કામ કરશે. સૌથી સુરક્ષિત ગણાતી એનક્રિપ્શન ટેકનોલોજી દ્વારા કાર્ય કરતુ આ નેટવર્ક હેકર્સ માટે ‘અનબ્રેકેબલ’ ગણાય છે. ચીન પોતાની આ ટેકનોલોજીને ઇસ ૨૦૨૦ સુધીમાં સેટેલાઇટની મદદથી વિશ્વવ્યાપી બનાવવા માંગે છે, જેમાંથી તે પોતાની સુરક્ષાના હેતુઓ પાર પાડવા ઉપરાંત અઢળક નાણા પણ કમાવાનું છે!


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *