ફિર દેખો યારોં : નીંદર ન આવે કોઈને ભૂખે પેટે, કોઈક પડખાં ઘસે ભારે પેટે

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

વિકાસના ગુજરાત મોડેલની ચર્ચા બહુ થઈ, પણ એ ચર્ચા મોટે ભાગે ચોમાસા દરમિયાન તૂટી ગયેલા રસ્તાની આસપાસ ફરતી રહી. માર્ગ બનાવવા, પરિવહન પ્રણાલિ જેવી બાબતો મૂળભૂત માળખાગત સુવિધામાં ગણાવી શકાય. એ કંઈ સવલત નથી અને એ પૂરી પાડીને કોઈ પણ સરકાર નાગરિકો પર ઉપકાર કરતી નથી. એક પક્ષની સરકાર આ માળખાગત સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ જાય તો એ ગંભીર બાબત છે, અને બીજા કોઈ પક્ષની સરકાર આ સુવિધા ઉભી કરે અને નાગરિકોને એ જતાવ્યા કરે એ પણ ગંભીર બાબત છે. હવે સામાજિક નેટવર્કિંગ માધ્યમોના પ્રભાવના જમાનામાં કોઈ એકાદી બાબત પકડાઈ જાય એ સાથે જ તે વાઈરલ બની જાય છે. આ રીતે ક્યારેક સાવ નજીવી બાબત સર્વત્ર પ્રસરી જાય છે. પણ ઘણી એવી બાબત કે જેની ચર્ચા યા ચિંતા થવી જોઈએ એ ધ્યાનબહાર રહી જાય છે.

તાજેતરમાં ભારતની ઈન્‍ડીયન કાઉન્‍સિલ ઑફ મેડીકલ રિસર્ચ અને પબ્લિક હેલ્થ ફાઉન્‍ડેશન તેમજ અમેરિકાની હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશન- એમ ત્રણ અગ્રણી સ્વાસ્થ્યસંસ્થાઓ દ્વારા એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો. આ અહેવાલમાં ઉજાગર થયેલાં કેટલાંક તથ્યો પર નજર નાખવા જેવી છે.

ભારતનાં રાજ્યોમાં ચૌદ વર્ષ સુધીનાં બાળકોના મૃત્યુદર માટે મુખ્યત્ત્વે ત્રણ પરિબળો જવાબદાર છે. કુપોષણ, આહારલક્ષી જોખમો તેમજ હવાનું પ્રદૂષણ. આ ત્રણેમાં સૌથી વધુ પ્રમાણ કુપોષણથી થતા મૃત્યુનું છે, જે 14.6 ટકા છે.

કુપોષણથી થતા આ વયજૂથના મૃત્યુમાં દસ રાજ્યો અગ્રસ્થાને છે, જેમાં બિહાર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, આસામ, ગુજરાત, ઓરિસ્સા, હરિયાણા, જમ્મુ અને કાશ્મિર તથા આંધ્ર પ્રદેશ/તેલંગણાનો આ જ ક્રમમાં સમાવેશ થાય છે. અહીં જોઈ શકાય છે કે સમૃદ્ધ અને વિકાસશીલ ગણાતું આપણું ગુજરાત રાજ્ય છઠ્ઠા ક્રમે છે. કુપોષણ અને આહારલક્ષી જોખમોને લઈને આ એકવીસમી સદીમાં બાળમૃત્યુ થાય એ ખરેખર શરમજનક કહેવાય! અને આ શરમ કોઈ સરકારની, રાજકીય પક્ષની કે સ્વૈચ્છિક સંસ્થાઓની જ ન ગણાય, તેમની સાથેસાથે એક નાગરિક તરીકે આપણા સૌની પણ ગણાવી જોઈએ. એવું નથી કે સરકાર દ્વારા પ્રયત્નો થયા નથી કે તેમના ધ્યાનમાં આ બાબત નથી. આમ છતાં એ હકીકત છે કે યોગ્ય વર્ગ લગી હજી સુધી આ પ્રયત્નો પહોંચી શક્યા નથી. હેલ્થ કમિશ્નર જયંતિ રવિએ આ અહેવાલ બાબતે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું છે કે પોષણ હંમેશાં પડકારરૂપ રહ્યું છે અને આહારસંબંધી આદતોમાં આપણે શું ખોટું કરી રહ્યા છીએ એ સમજવા માટે અમે નેશનલ ઈન્‍‍સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રીશન સાથે સહયોગ કર્યો છે. વર્તમાન કાર્યક્રમો કુપોષણની સમસ્યાના ઉકેલનો સમાવેશ થઈ જાય એ અમે સુનિશ્ચિત કરવા માગીએ છીએ.

ગુજરાત ઈન્‍સ્ટિટ્યૂટ ઑફ ડેવલપમેન્‍ટ રિસર્ચનાં માનદ્‍ પ્રાધ્યાપિકા ડૉ. લીલા વિસારીયાએ કહ્યું કે બાળકોના સ્વાસ્થ્યની આ બોલતી કથા છે. તે માતાઓના પોષણની સ્થિતિ પણ પ્રતિબિંબીત કરે છે. માતાઓ પૂરતા પોષણના અભાવે ઓછું વજન ધરાવતા બાળકને જન્મ આપે છે, જેના જીવવાની તકો સાવ ઓછી હોય છે.

2016માં ગુજરાતમાં આવાં મૃત્યુનો દર 10.6 ટકા હતો. મહારાષ્ટ્રમાં તે 6 ટકા અને ઓરિસ્સા જેવા રાજ્યમાં 9 ટકા હતો. ડૉ. વિસારીયાએ એ હકીકત દર્શાવી હતી કે એક તરફ ગુજરાત એક વિકસીત રાજ્ય બનીને પોતાને ત્યાં મેડીકલ ટુરિઝમનો પ્રચાર કરીને તેને ઉત્તેજન આપે છે, જ્યારે બીજી તરફ બાળકો કુપોષણનો ભોગ બનીને મૃત્યુ પામે છે.

આ અહેવાલમાં જણાવાયા મુજબ, 1990માં કુપોષણથી થતાં મૃત્યુનો દર 36.1 ટકા હતો, જે 2016માં ઘટીને 14.6 ટકા જેટલો થયો છે. એટલે આશ્વાસન લેવું હોય તો એટલું જ કે આ પ્રમાણમાં સમગ્રપણે ઘટાડો નોંધાયો છે.

આ તથ્યની સામે એક વિરોધાભાસી હકીકત જોઈએ. ‘ધ ન્યુ ઈન્ગ્લેન્‍ડ જર્નલ ઑફ મેડીસીન’માં પ્રકાશિત એક શોધપત્રમાં જણાવાયા મુજબ 2015માં ભારતમાં 1.44 કરોડ બાળકો મેદસ્વિતના શિકાર છે, જે ચીન પછી બીજા ક્રમે છે. એક તરફ યોગ્ય ખોરાકના અભાવે થતાં મૃત્યુ અને બીજી તરફ અયોગ્ય ખોરાક તેમજ જીવનશૈલીને પરિણામે મેદસ્વિતા અને તેને પગલે વધી રહેલું વિવિધ રોગોનું જોખમ! મેદસ્વિતા માટે અલબત્ત, સરકાર કશું ન કરી શકે, કેમ કે, એ મુખ્યત્ત્વે શહેરી તેમજ જીવનશૈલીને લગતો રોગ છે. પણ આ બન્ને બાબતોને સામસામે મૂકતાં એક બાબત જોઈ શકાય છે કે જીવનશૈલીની સમતુલા ક્યાંક ને ક્યાંક ખોરવાઈ રહી છે અથવા તો ખોરવાયેલી જ રહી છે. કુપોષણથી થતા મરણમાં અજ્ઞાન અને ગરીબી જ જવાબદાર હોય છે. સરકાર તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ એ ક્ષેત્રે કામ કરી રહી હશે, પણ લાગે છે કે હજી તેમણે ઘણું કરવાનું બાકી છે.

એકવીસમી સદીના બીજા દાયકાના ઉત્તરાર્ધમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે આ સ્થિતિ હોય એ માનવામાં ન આવે એવી, છતાં વાસ્તવિકતા છે. એક નાગરિક તરીકે આપણાથી આમાં કંઈ થઈ શકે કે કેમ, એ પણ વિચારવા જેવું છે. ઘણા નાગરિકો એકલપંડે કે કોઈ સંસ્થાના નેજા હેઠળ અમુક સમૂહમાં કોઈ ને કોઈ રીતે સેવાકાર્યો કરતા જોવા મળે છે. નાના નાના જૂથમાં આવા નાગરિકો કોઈ ચોક્કસ વિસ્તારની જવાબદારી ઊપાડી શકે. ઘણા કિસ્સાઓમાં એમ જોવા મળે છે કે આવા સમૂહો સામાવાળાની જરૂરિયાતને પિછાણીને નહીં, પોતાની દાતાવૃત્તિને સંતોષવા માટે સેવાકાર્યો હાથ ધરે છે. તેને કારણે તેમને પોતાને સેવાકાર્યનો સંતોષ મળે ખરો, પણ સામાવાળાની સ્થિતિમાં તેનાથી ભાગ્યે જ ફરક પડે. હજી ઘણા ખરાની દાતાવૃત્તિ ગરીબોને ધાબળા કે આદિવાસી વિસ્તારોમાં જઈને સેવબુંદીનાં પડીકાં વહેંચી આવવા પૂરતી જ મર્યાદિત રહી છે. પોતાના ખાતામાં પુણ્ય જમા કરાવવાની ઉતાવળ કરવાને બદલે સામાવાળાને પૂછીને તેની જરૂરિયાત જાણ્યા પછી મદદ કરવામાં આવે તો તે લેખે લાગે છે. સરકાર કે સ્વૈચ્છિક સંસ્થાઓ ભલે પોતાની રીતે કામ કરતાં રહે, સેવાવૃત્તિવાળા નાગરિકો આટલું ધ્યાન રાખે એ ઈચ્છનીય છે. સાથેસાથે એ પણ જરૂરી છે કે પોતાનાં બાળકોને જંક ફૂડ સિવાય કંઈ ભાવતું જ નથી એમ માનીને પોરસાનારાં માતાપિતા એ યાદ રાખે કે આવું બાળક ખોરાકના અતિરેકથી રોગને નોંતરે છે, અને બીજી તરફ આપણા જ રાજ્યમાં, આપણી આસપાસ કોઈક બાળકને પૂરતું ભોજન પણ નસીબ થતું નથી. નાગરિક તરીકે આટલું તો આપણે કરી જ શકીએ.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૩-૧૧-૨૦૧૭ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *