ભગવત રાવત : માણસ અને માણસાઈના કવિ :: મ ણ કો – ૫

Facebooktwitterredditpinterestlinkedinmail

ભગવાન થાવરાણી

એવું પણ નથી કે કવિતામાં દર્શાવાયેલી વાતો – જે રોજેરોજ ઘટિત થતી ઘટનાઓ જ છે – એ વિષે આપણને ખબર જ ન હોય. અથવા એ પરિસ્થિતિઓ તરફ કવિ પોતે પ્રથમ વાર પ્રકાશ ફેંકીને આપણી સમક્ષ ઉજાગર કરે. આપણને એ બધી ખબર હોય છે. આપણે જાણતા જ હોઇએ છીએ કે એ ઘટના પ્રત્યેના કવિના અને આપણા પ્રતિભાવોમાં લેશમાત્ર તફાવત નથી હોતો કારણકે તીવ્રતાની માત્રાને બાદ કરતાં કવિના અને આપણા સંવેદના-જગતમાં કોઈ ફેર નથી હોતો. કવિ જે કરે છે એ કેવળ એટલું કે જે ઘટનાઓ આગળથી આપણે અજાણતાં કે ઉતાવળે પસાર થઈ જઈએે છીએ ત્યાં એ આપણને રોકી અને ઢંઢોળે છે, હલબલાવે છે અને કહે છે, ‘ ઊભા રહો. અહીં ઊભા રહીને વિચારવું જોઈએ અને શક્ય હોય તો કંઈક કરવું પણ જોઈએ. ‘ આ રીતે કવિ, જે પહેલેથી  ‘ છે અને આપણને ખબર છે કે છે ‘ તરફ ઇંગિત માત્ર કરે છે.

હોય તો  એ  જ  છે  સૌથી  પ્રચંડ  દુર્ઘટના

કે  કોઈ  નોંધ  નથી  લેતું  કોઈ  ઘટના  ની ..

                                                                             – ર. પા

આ એક રીતે એક અજીબ અંગુલિનિર્દેશ છે કારણકે એક તરફ વિજ્ઞાન છે જે,  પહેલા ખબર ન હોય એવી વાત આપણને સમજાય એ ભાષામાં કહે છે તો બીજી તરફ કવિતા છે જે આપણને પહેલેથી ખબર હોય એવી વાત જરાક અસ્પષ્ટ રીતે કહે છે ! ભગવત રાવત એમાં નાનકડો અપવાદ એ રીતે કે એ આપણને ખબર હોય એ વાત, આપણને ખબર પડે એ ભાષામાં જ કહે છે !

નમૂનારૂપે જૂઓ એમની એક કવિતા :

                                                                         ==  नु ष्य ==

दिखते रहने के लिये मनुष्य

हम काटते रहते हैं अपने नाख़ून

छंटवा कर बनातेसँवारते रहते हैं बाल

दाढ़ी रोज़ सही तो एक दिन छोड़ कर

बनाते ही रहते हैं

जो रखते हैं लंबे बाल और

बढ़ाए रहते हैं दाढ़ी वे भी उसे

काटछाँट कर ऐसे रखते हैं जैसे वे

इसी तरह दिख सकते हैं सुथरेसाफ़

 

मनुष्य दिखते भर रहने के लिए हम

करते हैं जाने क्याक्या उपाय

मसलन हम बिना इस्त्री किए कपड़ों में

घर से बाहर पैर तक नहीं निकालते

जूतेचप्पलों पर पालिश करवाना

कभी नहीं भूलते

ग़मी पर याद आती है हमें

मौक़े के मुताबिक़ पोशाक

 

अब किसी आवाज़ पर

दौड़ नहीं पड़ते अचानक नंगे पाँव

कमरों में आराम से बैठेबैठे

देखते रहते हैं नरसंहार

और याद नहीं आता हमें अपनी मुसीबत का

वह दिन जब हम भूल गए थे

बनाना दाढ़ी

भूल गए थे खानापीना

भूल गए थे साफ़सुथरी पोशाक

भूल गए थे समय, दिन, तारीख़

 

भूल जाते हैं हम कि बस उतनेसे समय में

हम हो गए थे कितने मनुष्य ….

                                                        – भगवत रावत

                                                                          ગુજરાતી ભાવાનુવાદ :

                                                         ==  મ નુ ષ્ય  ==

મનુષ્ય જેવા લાગતા રહેવા માટે

આપણે કાપતા રહીએ છીએ નખ

કાપકૂપ કરી સજાવતા-ધજાવતા રહીએ છીએ વાળ

રોજ નહીં તો એકાંતરે

કરતા રહીએ છીએ દાઢી

જે રાખે છે લાંબા વાળ

અને ભરાવદાર દાઢી

એ લોકો પણ એને

કાપીકૂપીને વ્યવસ્થિત રાખે છે

જાણે કે એમ કરવાથી જ લાગી શકશે એ લોકો

સુથરા અને સાફ

 

મનુષ્ય-સમ દેખાતા રહેવા માટે

આપણે કેવા કેવા ઉપાય કરીએ છીએ

જેમ કે ઇસ્ત્રી વગરના કપડે

આપણે ઘરની બહાર પગ પણ નથી મૂકતા

જોડાચંપલને પાલિશ કરાવવું

ક્યારેય નથી ભૂલતા

શોક પ્રસંગે હમેશાં યાદ આવે આપણને

પ્રસંગાનુરૂપ પોશાક

 

હવે કોઈની હાક સાંભળી

દોડીને બહાર નથી નીકળતા ઉઘાડા પગે

દીવાનખંડોમાં આરામથી બેઠા બેઠા

જોતા રહીએ છીએ નરસંહાર

અને યાદ પણ નથી આવતો આપણને

આપણી મુસીબતનો એ દિવસ

જ્યારે સાવ ભૂલી જ ગયા હતા

દાઢી કરવાનું

ખાવુંપીવું

ભૂલી ગયા હતા ચકાચક પોશાક

ભૂલી ગયા હતા સમય, વાર, તારીખ

 

ભૂલી જઈએ છીએ આપણે

કે બસ એટલા સમય પૂરતા જ

આપણે બન્યા હતા

કેટલી હદે મનુષ્ય …

                                                    – ભગવત રાવત

ભગવતની આ અને આવી કવિતાઓ વાંચીને સાચા ભાવકનો પ્રથમ પ્રત્યાઘાત એ હોય કે કશું જ ન બોલવું, કશું જ ન લખવું . માત્ર અદબ વાળીને એમણે ધરેલા આયના સામે ઊભા રહેવું. ચુપચાપ!

ખેર! અહીં એમણે, આપણા જીવનમાં રોજબરોજ બનતી અને આપણે જેનાથી ટેવાઈ ગયા છીએ, રીઢા બના ગયા છીએ એવી વાતની યાદ દેવડાવી છે.

મનુષ્ય એટલે શું? મનુષ્ય હોવું એટલે શું? આપણું મનુષ્યપણું સાબિત કરવા માટે શું પહેલેથી લિખિત કે રૂઢિગત કોઈ ધારાધોરણો છે? જગતમાં બધા ‘મનુષ્યો’ જે સામાન્યત: કરે એને યંત્રવત્ અનુસરતા રહેવામાં જ શું  ‘ મનુષ્યતા ‘ની ઈતિ છે?  ‘લોકો શું કહેશે, શું માનશે, કેવો પ્રતિભાવ આપશે?’ની અતિ તીવ્ર સભાનતા જ શું મનુષ્યતા છે ? ભેડચાલથી આગળપાછળ, આડુંત્રાંસું શું કંઈ જ એવું નથી જે મનુષ્યતામાં ખપે? આપણાથી સહજ, સ્વયંભૂ, કુદરતી, અનાયાસ પ્રતિક્રિયારૂપે જે થાય કે કરીએ કે કરી બેસીએ એ શું મનુષ્ય હોવામાં અવરોધરૂપે છે?

અહીં શરૂઆતમાં જ એક વાગે તેવું સત્ય છે. આપણે સૌએ મનુષ્ય દેખાવું છે. એવું નથી કે મનુષ્ય  ‘થવું’ નથી પરંતુ કદાચ મનુષ્ય  ‘હોવા’ અને  ‘દેખાવા’ વચ્ચેનો ભેદ જ વર્ષોના સમજીવિચારીને કરાતા ક્રિયાકલાપના કારણે ભુલાઈ ગયો છે. નખ કાપતા રહીએ છીએ, બાલ – દાઢી બનાવતા રહીએ છીએ પણ એ તો સ્વચ્છતા અને તંદુરસ્તીના નિયમોને કારણે છે એ વાત ક્યાંક અચેતન મનમાં ધકેલાઈ ગઈ છે અને  ‘સારા તો લાગવું જ જોઈએ, લાગવું જ પડે’ એ કારણ સભાનપણે આગળ છે. સાફસુથરા હોઈએ કે નહીં, દેખાવું તો જોઈએ જ!

ઘરની બહાર તો ઇસ્ત્રીબંધ કપડા પહેર્યા વગર નીકળાય જ કેમ ? એવું શા માટે ? નો જવાબ કેવળ એટલો કે  ‘એ તો એમ જ હોય ને!’. આ બધી સભાનતા અને એમાંથી આપોઆપ નીપજતી કૃત્રિમતા પહેલેથી ચાલી આવતી નથી. કોઈક જમાનામાં કદાચ આપણામાં સાચી મનુષ્યતાની ટકાવારી થોડીક વધારે હતી. કદાચ આજે પણ થોડાક એવા લોકો છે જે મનુષ્યતાનો સાદ પડે તો ‘પહેરેલ લુગડે’ નીકળી પડે છે, કંઈ પણ વિચાર્યા વગર. આખી તકલીફ એ રીતે ઊભી થઈ છે કે આપણે હવે બધું સમજીવિચારીને કરીએ છીએ. કવિ બાલૂભાઈ પટેલ કહેતા:

મેલ  સમજણનું   કવચ  ‘ બાલૂ ‘  અને

કો’ક  દિ’  સમજ્યા  વગરની  વાત  કર ..

જ્યારથી હૃદય પર બુદ્ધિનું સામ્રાજ્ય વકર્યું છે ત્યારથી મનુષ્ય-સહજ પ્રતિક્રિયાઓનો લોપ શરૂ થયો છે. શેરીમાં કે એથી થોડેક દૂર કશુંક અઘટિત, અસહ્ય, અમાનવીય અથવા આપણે દેખી શકીએ એવું વાંધાજનક થાય તો જેવા છીએ એવા જ દોડી નહીં જવાનું ? અંદરનો સાદ અગત્યનો કે બુદ્ધિનો અંકુશ?

આપણે રીતરસમના કેદી છીએ. આપણે રૂઢિના ગુલામ છીએ. આપણે, હચમચાવી મૂકે એવી ઘટનાઓ દીવાનખાનામાં ટી.વી પર જોઈ મનોમન અરેરાટી અનુભવી બેસી રહેવાની માનસિકતાના કેદી છીએ.

પણ એક જમાનો હતો, કહો કે એવા લોકો હતા, બલ્કે એમ કહો કે હજી પણ છે જે કોઈ ઘટનાના knee-jerk reaction રૂપે,  જેવા છે તેવા, ભૂખ્યા- તરસ્યા હોવાની સભાનતા વિના, કોઈની સાડીબાર રાખ્યા વિના નીકળી પડે છે.

કવિ આપણને યાદ દેવડાવે છે અંતે, કે જો આપણે પણ ક્યારેક એવી રીતે નીકળ્યા હોઈએ, નીકળી શકીએ તો માત્ર એટલી જ ઘડીઓ પૂરતા, સાચા અર્થમાં મનુષ્યતાની નિકટ કહેવાઈએ ….


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

5 comments for “ભગવત રાવત : માણસ અને માણસાઈના કવિ :: મ ણ કો – ૫

 1. सत्यपाल यादव
  December 6, 2017 at 8:39 am

  सरल, सहज
  बस! उतने से समय के लिए,
  बन गये थे, मनुष्य!!

 2. Arvind Bhatt
  December 6, 2017 at 1:40 pm

  Excellent.

 3. ઉર્મિલા જુંગી
  December 6, 2017 at 10:53 pm

  કવિના અને આપણા સંવેદના-જગતમાં કોઈ ફેર નથી હોતો. કવિ જે કરે છે એ કેવળ એટલું કે જે ઘટનાઓ આગળથી આપણે અજાણતાં કે ઉતાવળે પસાર થઈ જઈએે છીએ ત્યાં એ આપણને રોકી અને ઢંઢોળે છે, હલબલાવે છે અને કહે છે, ‘ ઊભા રહો. અહીં ઊભા રહીને વિચારવું જોઈએ અને શક્ય હોય તો કંઈક કરવું પણ જોઈએ. ‘ આ રીતે કવિ, જે પહેલેથી ‘ છે અને આપણને ખબર છે કે છે ‘ તરફ ઇંગિત માત્ર કરે છે.
  વાહ વાહ વાહ………

 4. ઉર્મિલા જુંગી
  December 6, 2017 at 11:35 pm

  ભગવત સાહેબ ની વાત જ ન્યારી….
  આપણને એમ જ થાય કે હા હા મને પણ આવો વિચાર આવ્યો હતો..મને પણ આવું જ લખવું હતું પણ વ્યક્ત કરવા શબ્દો ન્હોતા…

 5. mahesh joshi
  December 10, 2017 at 11:09 am

  A Reality in Our Life Now A Days.

  મેલ સમજણનું કવચ ‘ બાલૂ ‘ અને
  કો’ક દિ’ સમજ્યા વગરની વાત કર ..

  આપણે રીતરસમના કેદી છીએ. આપણે રૂઢિના ગુલામ છીએ. આપણે, હચમચાવી મૂકે એવી ઘટનાઓ દીવાનખાનામાં ટી.વી પર જોઈ મનોમન અરેરાટી અનુભવી બેસી રહેવાની માનસિકતાના કેદી છીએ.

  Compliments for nice presentation.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *