કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૧૭

Facebooktwitterredditpinterestlinkedinmail

નયના પટેલ

સરલાબહેને આંખો ખોલી, થોડીવાર પડી રહ્યાં, ગઈ રાતના બનાવની તાણ રગ રગમાં ફરી વળી હોય તેમ લાગ્યું. ઘડિયાળ તરફ નજર ગઈ અને સફાળા બેઠાં થઈ ગયા – ‘ બાપ રે, નવ વાગી ગયા !’

હાંફળા ફાંફળા ઊભાં થઈ ગયાં. શ્વાસ હેઠો બેઠો, સામાન્ય રીતે તૈયાર થઈને નીચે જતાં સરલાબહેન નાહ્યા વગર ગાઉન પહેરીને નીચે ગયાં, જોયું તો ધનુબા સોફા પર બેઠાં બેઠાં માળા ફેરવતાં હતાં. છોકરાંઓ કોઈ ઊઠ્યા લાગતા નહોતા. સરલાબહેને જાણે મોડા ઊઠવાનો અપરાધ કર્યો હોય તેવા ભાવે ધનુબાને પૂછ્યું, ‘ મને કેમ ઊઠાડી નહીં, બા ? આજે કેટલું મોડું થઈ ગયું !’

ઉપકાર કર્યો હોય તેવા સ્વરે ધનુબા બોલ્યા, ‘ મનુ તને સૂવા દેવાનું કહીને ગયો એટલે ન ઊઠાડી.’

વહુ આટલી મોડી ઊઠે તો તેને ખખડાવી નાંખવાની મનોવૃત્તિને બદલતા સમય તો લાગે જ ને ?

સરલાબહેને રસોડામાં જતાં જતાં ધનુબાને ચા-નાસ્તાનું પૂછ્યું અને તેમના આશ્ચર્ય વચ્ચે ધનુબાએ કહ્યું કે મનુભાઈએ તેમને ચા બનાવી આપી હતી અને નાસ્તો તેમણે જાતે જ લઈ લીધો હતો. આ મળેલી સહાનુભૂતિએ ગઈકાલે રાત્રે ઉઠેલી વેદનામાં થોડી રાહત આપી.

મનુભાઈએ જે લાગણી બતાવી તે ગમી અને સામાન્ય રીતે જેમ બને છે તેમ ઊઠેલી પીડાને ફરી મનના એક ખૂણામાં ધરબીને, કામે વળગ્યાં. ચાનો મગ અને ટપાલ લઈને સરલાબહેન હજુ ડાયનીંગ ટેબલ પાસે આવ્યાં જ ત્યાં તો ફોનની રીંગ વાગી.

પરિમલભાઈનો ફોન હતો, ‘ સુરુ, પહેલા તો તમારા સૌનો આભાર માનવા દે, બાકી એરપોર્ટ પર ઊતર્યો ત્યારે તો થતું હતું કે આ સાવ અજાણ્યા દેશમાં શું કરીશ ? મનુભાઈ પણ ખૂબ સરસ વ્યક્તિ છે, તું નસીબદાર છે સુરુ !’

ગઈકાલે રાતનો બનાવ ખંખેરી નાંખવો હોય તેમ સરલાબહેને જોરથી માથું હલાવ્યું.

‘ ચાલો હવે એ ઔપચારિકતા છોડો અને મને કહો કે આજનો પ્રોગ્રામ શું છે ?’

‘ બસ, હવે કેથીની રાહ જોવા સિવાય કોઈ કામ નથી.’

‘ સાચું કહેજો પરિભાઈ, સ્નેહાને મળીને કેવું લાગ્યું ?

‘ હૃદયના ટુકડાને જુદો કરવો પડ્યો હતો તેને પાછો અંદર સમાવી લીધો અને તે ક્ષણે નક્કી કરી લીધું કે સ્ત્રીની છઠ્ઠી ઈન્દ્રિયના અવાજ પર દરેક પુરુષે વિશ્વાસ રાખવો જ જોઈએ, પછી તે બાપ, ભાઈ કે પતિ હોય . મારી સ્નેહુએ ભાવિનને પહેલી વખત મળીને જ કહ્યું હતું કે ‘ સમથીંગ રોંગ, આ વ્યક્તિ દેખાય છે તે નથી !’ એ વખતે જો એનું સાંભળ્યું હોત તો આજે આ દિવસ ન આવત અને મારી દીકરીને નરકની યાતના તો ન ભોગવવી પડતને ?’

‘ સાચું કહું ભાઈ, તમારી વાત સાચી છે પરંતુ સ્ત્રીને અનુભવવી પડતી દરેક યાતના શક્તિનો સ્ત્રોત બનીને સંસાર સામે ઊભરે છે.’

‘ વાહ સુરુ, તું તો કાંઈ કવિ બની ગઈને ! ખૂબ સાચું કહ્યું તેં, પરંતુ બાપ તરીકે મનમાં વસવસો રહ્યા કરે છે તેનું શું ?’

‘ વસવસાને નિર્ણયમાં પલટી નાંખો ભાઈ, જેથી ભવિષ્યમાં પોતાનાં આત્મીયજનને ફરી એવી પીડામાંથી પસાર ન થવું પડે, પરંતુ એક વાત કહું, પરિભાઈ, નસીબમાં જો વેદના લખાઈ હશે તો તેને કોઈ ટાળી શકે નહીં-એ નિશ્ચિત છે.’

‘ સુરુ, તું કેટલી સમજુ છે ? જો કે તારા સંજોગો તને સમજુ બનાવવા સિવાય કાંઈ આપી શકે તેમ જ ક્યાં હતાં ? ખેર, થેન્ક્સ, તારી પાસેથી આજે હું જીવનનો એક મર્મ શીખ્યો . ચાલ , હવે જલ્દીથી મને મનુભાઈનો ફોન આપી દે. એમને ફોન કયા સમયે કરું ? હમણા તો બીઝી હશેને ?’

‘ બીઝી હશે તો પણ વાત કરવામાં કાંઈ વાંધો નહી આવે અને એવું હશે તો તમને એ કહેશે કે ક્યારે ફોન કરવો. તમે ફોન કરશો તો એમને ગમશે. એમનો ફોન છે………., ચાલો આવજો , પછી મળીશું , જે શ્રીકૃષ્ણ.’

ધનુબાની માળા પૂરી થઈ. એમના મનમાંય ગઈકાલથી જે વાત ઘૂમરાતી હતી તે પૂછ્યા વગર કેમ ચાલે ?

‘ પરિમલનો ફોન હતોને ?’

‘ હા ‘ કહી ચા પીતાં પીતાં સરલાબહેને ટપાલ જોવાનું ચાલુ રાખ્યું.

‘ તે….મેં એને તારા લગન વખતે તો જોયો નહોતો, સંબંધ હોય તો નોતર્યો હોયને ?’

સરલાબહેનના પિયરથી ભાગ્યે જ અહીં કોઈ આવ્યું હશે અને આજે આવ્યા છે તો તેની ચોખવટ કરતા ફરવાની ? શા માટે દુનિયા સીધા-સાદા અને અટપટા સંબંધો વચ્ચેનો તફાવત સમજતી નહીં હશે ? હમણા મનુને કોઈ જૂની ઓળખીતી સ્ત્રી મળી હોત તો શું મને આવી શંકા જાત ? એમણે પોતાના મનને પ્રશ્ન પૂછ્યો કદાચ ‘ શંકા’ એ સરલાબહેનનો સ્વભાવ જ નથી , સ્ત્રી- પુરુષનાં સંબંધમાં શા માટે હંમેશા ‘ કંઈક હશે જ‘ની દિવાસળી લોકો ચાંપતા હશે ? શા માટે હંમેશા સ્ત્રીએ જ પોતાની નિર્દોષતા પુરવાર કર્યા કરવાની ? અને શા માટે ધનુબા જેવી સંસારની અગણ્ય સ્ત્રીઓ જ સ્ત્રીની દુશ્મન બની એક બીજાને કનડ્યા કરે છે ? શા માટે લોકો સરળતાથી જીવતા નહીં હોય ?

વિચાર કરતાં કરતાં સરલાબહેન ટપાલ વાંચતા રહ્યા અને ધનુબાને જવાબ આપવાનું ટાળ્યું.

સામાન્ય સંજોગોમાં ધનુબા આવા બનાવનું વતેસર કરવાનું ચૂકત નહીં, પરંતુ બદલાયેલી પરિસ્થિતિએ તેમને ચૂપ રાખ્યા.

‘ હશે, મારે શું !’ વિચારી પાણી પીવા રસોડામાં ગયાં, અને ગયાં તેવા જ ઝડપથી પાછા આવ્યા. એકદમ ધીમા અવાજે બોલ્યા, ‘ સરલા બાજુનાં ઘરનાં વાડામાં મેં કંઈક અવાજ સાંભળ્યો, તું જો તો !’

સરલાબહેનને એક ક્ષણ તો એ વાતમાં પડવાનું મન ન થયું. વિચાર્યું, ‘ આપણી ફરજ એક નિર્દોષને બચાવવાની હતી, તે કર્યું, હવે બાકીનું પોલીસને જે કરવું હોય તે કરવા દેવાનું.’

એમની ઊઠવાની કોઈ નિશાની દેખાય નહીં એટલે ધનુબાએ એમનો હાથ પકડી ઊઠવાનું કહ્યું એટલે ઊઠીને ન છૂટકે રસોડામાં ગયાં અને અવાજ સાંભળવા પછળનું બારણું ખોલ્યું. કાન માંડ્યા પણ થોડીવાર કાંઈ સંભળાયું નહીઃ એટલે બારણું બંધ કરવા જ ગયા ત્યાં તેમની નજર ફેન્સની ફાટમાંથી પેલી તરફ પડી. સાચે જ કોઈ વ્યક્તિ બાજુનાં ઘરનાં રસોડાના બારણા પાસે દેખાઈ અને એકદમ અંદર ઘૂસી જઈને ધીમેથી બારણું બંધ કર્યું !

સરલાબહેન જલ્દી જલ્દી ઉપર ગયા અને ધીમેથી કિશન અને નમનને ઊઠાડ્યા. એમણે જે જોયું તે વાત કરી એટલે નમને તરત જ મોબાઈલ પરથી પોલીસમાં કામ કરતાં એનાં ફ્રેંડ ચિંતનને ફોન કર્યો અને ધીમા અવાજે માહિતી આપી.

ધનુબા આગલા બારણેથી એ નાસી ન જાય એની તકેદારી રાખવા બારીની નેટ ઊંચી કરી જોતા રહ્યાં.

નંદા પણ ઘરમાં ચાલતી ચહલ-પહલથી ઊઠીને નીચે આવી, ધનુબાને આગળની બારીએ ડોકાતાં જોઈ કંઈ પૂછવા ગઈ, પરંતુ ધનુબાએ ચૂપ રહેવાની નિશાની કરી ધીમેથી હકિકત કહી ત્યાં તો બહાર વૅન ઉભા રહેવાનો અવાજ આવ્યો.

પોલીસની વૅન જ હતી. થોડા પોલીસ આગળને દરવાજે ઊભા અને થોડાં પાછળના ગાર્ડનના દરવાજા પાસે ગયા.

નમન બાથમાં હતો એણે બારી ખોલી બાજુના ગાર્ડનમાં નજર નાંખી અને એણે જોયું તો ભાવિન તેના રસોડાના દરવાજેથી બહાર નીકળી પાછળની ફેંન્સ કૂદવા માટે ભાગતાં જોયો. તેના પર નજર રાખતાં રાખતાં એ ચિંતનને ભાવિનની હીલચાલની રનીંગ કોમેંટ્રી આપતો રહ્યો.

ફેંન્સ કૂદીને ભાગેલો ભાવિન મુંઝાયો કારણ જે ઘરનાં પાછળના ગાર્ડનમાં એ કૂદ્યો એનું બેકડોર લૉક કરેલું હતું પાછો ફરીને બાજુમાં પડતાં બીજા ઘરનાં ગાર્ડનમાં કૂદવા જતો હતો અને પોલીસને ફેન્સ પરથી તેના તરફ આવતા જોયા. થોડા ધમપછાડા પછી પોલીસે તેને પકડ્યો.

સૌ પાડોશીઓ ટોળે વળી તમાસો જોતાં હતા. તેમના તરફ જોયા વગર ભાવિન પોલીસવૅનમાં બેઠો, પરંતુ બહાર આવીને ઊભેલા નમન, કિશન, નંદા, ધનુબા અને સરલાબહેન તરફ ભયંકર નજરે જોયું.


ક્રમશઃ


સુશ્રી નયનાબહેન પટેલનું વીજાણુ સંપર્ક સરનામું: ninapatel47@hotmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *