ગીત અને રસદર્શન

ગીતઃ કવિ શ્રી અનિલ ચાવડા.
રસદર્શનઃ દેવિકા ધ્રુવ.

clip_image001

ઇચ્છાઓથી ભરચક બરણી ફૂટી ગઈ રે લોલ……

ખૂબ જાળવી તોય હાથથી છૂટી ગઈ રે લોલ,

ઇચ્છાઓથી ભરચક બરણી ફૂટી ગઈ રે લોલ.

કઈ રીતે એ ફૂટી ગઈ
સૌ ચરચો ચરચો ચરચોજી,
કાચ તૂટતાં વેરાઈ કંઈ
કરચો કરચો કરચોજી.

કરચો વીણવામાં જ જિંદગી ખૂટી ગઈ રે લોલ;
ઇચ્છાઓથી ભરચક બરણી ફૂટી ગઈ રે લોલ.

મનની આ અભરાઈ ખૂબ જ
ઊંચી ઊંચી ઊંચીજી,
અને અમે સંતાડી રાખી
કૂંચી કૂંચી કૂંચીજી.

તોય કઈ ટોળી આવીને લૂટી ગઈ રે લોલ?
ઇચ્છાઓથી ભરચક બરણી ફૂટી ગઈ રે લોલ.

                                                                                   – અનિલ ચાવડા

* * *

રસદર્શન :

ગુજરાતી કાવ્ય-જગતનો એક નવો અવાજ, એક તાજગીભર્યો યુવાન ચમકારો એટલે કવિ શ્રી અનિલ ચાવડા. ૨૦૧૦થી સાહિત્ય અકાદમીના એકથી વધુ એવોર્ડ પ્રાપ્ત કરનારા શ્રી અનિલ ચાવડાનું લોકગીતના લયમાં લખાયેલું આ મસ્ત મઝાનું ગીત “ઇચ્છાઓની ભરચક બરણી ફૂટી ગઈ રે લોલ”વાંચતાની સાથે જ મન મોહી લે છે. ઉપરઉપરથી રમતિયાળ જણાતા આ ગીતના ભાવો અનેક અર્થચ્છાયાઓ ઊભી કરે છે.

પ્રથમ પંક્તિ જ કાર્યના કારણોથી શરૂ થાય છે. ખૂબ જાળવી છે તોયે બરણી ફૂટી ગઈ છે. એવું નથી કે એ બેદરકારીથી છૂટી ગઈ છે! ભલા, આવું તે કંઈ થાય? ના થાય, પણ તોયે થયું; કારણ કે આ બરણી કોઈ સામાન્ય બરણી નથી. એ તો છે ઇચ્છાઓની બરણી. વાહ! શું નવીન કલ્પન છે? ગીતની ધ્રુવ પંક્તિ પણ એ જ છે કે, ઇચ્છાઓથી ભરચક બરણી ફૂટી ગઈ રે લોલ. આ ઇચ્છાઓની વાત આવે ત્યારે સ્વાભાવિક રીતે જ એ જીંદગીના ચિંતન-પ્રદેશે પહોંચાડી દે છે.

પહેલા અંતરામાં કવિ પૂછે છે કે, કઈ રીતે બરણી ફૂટી? કેટલી કરચો વેરાઈ ગઈ? એને વીણવામાં જીવન પૂરું થઈ ગયું!

“કઈ રીતે એ ફૂટી ગઈ
સૌ ચરચો ચરચો ચરચોજી,
કાચ તૂટતાં વેરાઈ કંઈ
કરચો કરચો કરચોજી
કરચો વીણવામાં જ જિંદગી ખૂટી ગઈ રે લોલ;
ઇચ્છાઓથી ભરચક બરણી ફૂટી ગઈ રે લોલ.”

જરા ઊંડાણથી વિચારીશું તો ભાવકના ભાવવિશ્વ અનુસાર તેમાંથી અનેક અર્થો નિષ્પન્ન થાય છે. માનવીની ઇચ્છાઓના જો કોઈ ધ્યેય ન હોય, તેને પૂર્ણ કરવાનાં સંકલ્પ, મક્કમતા અને સંપૂર્ણ તૈયારી ન હોય તો એવી ઇચ્છાઓની બરણી ફૂટે તેમાં કોઈ નવાઈ નથી. તો સાથે સાથે એ બધું જ હોય છતાંયે  પ્રારબ્ધ વાંકુ હોય તો સફળતા ન મળે અને ફૂટવાના સંજોગો ઊભા થઈ જાય એમ પણ બને. જિંદગીની આ એક અનુત્તર સમસ્યા છે. આવી ગંભીર વાતને કલમના જાણે કે એક  જ લસરકાની જેમ કેટલી સહજતાથી કવિએ આલેખી છે!

વિષયનો ક્રમિક વિકાસ કરતાં બીજા અંતરામાં એ જ વાત આગળ વધે છે. જાણે કવિ પોતે કારણોની પળોજણમાં ઊંડા ખૂંપે છે કે મનની ખૂબ ઊંચી છાજલીએ એની કૂંચી મૂકી હતી. તો યે કોણ જાણે કોણ આવી એને લૂટી ગયું? ને બધુંયે ફૂટી ગયું?

“મનની આ અભરાઈ ખૂબ જ
ઊંચી ઊંચી ઊંચીજી,
અને અમે સંતાડી રાખી
કૂંચી કૂંચી કૂંચીજી
તોય કઈ ટોળી આવીને લૂટી ગઈ રે લોલ?
ઇચ્છાઓથી ભરચક બરણી ફૂટી ગઈ રે લોલ.”

અહીં મને સંસ્કૃતનું એક સુંદર સુભાષિત યાદ આવે છેઃ

मनसा चिन्तितं कार्यं वचसा न प्रकाशयेत्।
अन्यलक्षितकार्यस्य यतः सिध्धिर्न जायते॥.

મનથી વિચારેલા કામને કદી કોઈની આગળ જાહેર ન કરવું. બીજાંના ધ્યાનમાં આવેલ કાર્યને સફળતા મળતી નથી!

કંઈક આવો જ ભાવ આ બીજા અંતરામાં સમાયેલો છે કે જ્યાં સુધી નક્કી કરેલ કામ કે કોઈ સારો આશય/ઇચ્છા અંગે બહુ વાતો નહિ કરવી પણ એને પાર પાડવા મથતા રહેવું, કારણ દુનિયા તો દોરંગી છે. ક્યારે કયા ઢાળમાં વળી જાય, કહેવાય નહિ! કેટલીક વાર સાથ-સંવાદને બદલે વિખવાદ ઊભો થાય અને બધું વેરવિખેર કરી નાંખે. સજ્જતાની સાથેસાથે સજાગતા અને સભાનતા ખૂબ જ જરૂરી હોય છે.

અગાઉ કહ્યું તેમ એક બીજો પણ ગૂઢાર્થ નીકળે છે. ફરીવાર આખું યે ગીત વાંચતાં એમ લાગે છે કે, આમ તો આમાં કશુંક ફૂટ્યાની વેદના વ્યક્ત થઈ છે. વ્યથાની કથા કરી છે, કાચ ફૂટ્યાથી થતી ઝીણી ઝીણી કરચો પથરાયાની અને કદાચ વાગ્યાની વાત છે. અરમાનોની આતશબાજી સળગી છે. છતાં ક્યાંયે ચીસ નથી, આહ નથી, પીડા નથી, કોઈ રુદન નથી. બલ્કે શાંતિપૂર્વકનો સાચો ઉકેલ છે. ચર્ચા જાત સાથે કરવાની છે. જગત સાથે નહિ. મનોમંથન કરી કારણને નાબૂદ કરવાનું છે. એ અંગે રોદણાં રડીને જીવનનો અમૂલ્ય સમય વેડફવાનો નથી. પણ સાચી શાંતિના ઉકેલરૂપ  સમજણની ચાવી શોધીને, કાયાની ઊંચી અભરાઈએ રહેલા દિમાગના એક ખાનામાં સાચવીને રાખવાની છે; એવી રીતે કે કોઈ દુર્વૃત્તિની ટોળકી આવીને ફરીથી લૂંટી ન લે અને ફરી પાછી બરણી ફૂટી ન જાય..!!

ખૂબ જ નાનકડા ગીતમાં કવિએ કેટકેટલું સરળતાથી, ખળખળ વહેતા ઝરણાની જેમ ભર્યું છે. સાચા કવિની આ જ તો ખૂબી છે ને? જિંદગીની એક ખૂબ ઊંચી વાત, ઉમદા શીખ, ઇચ્છાઓની બરણી દ્વારા લોકગીત જેવા અનોખા અંદાઝમાં અહીં કહેવાઈ છે. માત્ર બે જ અંતરામાં પૂરા થતા આ ગીતમાં શરૂઆતથી અંત સુધી વિષય, તેનો વિકાસ, લય, લોકગીત જેવો ઢાળ, રાગ વગેરે સુંદર રીતે સચવાયાં છે. કેટલાક શબ્દોની પુનરુક્તિ જેવી કે,  કરચો કરચો, ઊંચી ઊંચી, કુંચી કુંચી વગેરે પણ ભાવને અને તેના માધુર્યને, અર્થગાંભીર્યને વધુ ઉઠાવ આપે છે.

આમ નાજુક નાજુક ઇચ્છાઓ તૂટ્યાની, ભારે ભારે વાત, આટલી હળવી હળવી રીતે કરનાર કવિ શ્રી અનિલ ચાવડાની કલમને સલામ અને ખૂબ ખૂબ અભિનંદન.

– દેવિકા ધ્રુવ

* * *

સંપર્કસૂત્રો :

અનિલ ચાવડા

ઈ-સંપર્ક: anilchavda2010@gmail.com
મો. 09925604613

દેવિકા ધ્રુવ

શબ્દોને પાલવડે (બ્લોગ) – http://devikadhruva.wordpress. com
ઈ મેઈલ : Devika Dhruva ddhruva1948@yahoo.com

Facebooktwitterredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.