યૂં કિ સોચનેવાલી બાત : સફરની જીન્દગી: ઓહ, તમે એકલા ફરવા જાઓ છો?!

Facebooktwitterredditpinterestlinkedinmail

– આરતી નાયર

પ્રવાસના વિશ્વઈતિહાસમાં એકાકી સફર કરવા નીકળી પડીને અને સાવે સાવ નવી જગ્યાઓ ખોળી કાઢવાવાળા પ્રવાસીઓ આમ તો બહુ જાણીતી બીના છે. પરંતુ આજના સમયમાં એકલ-પ્રવાસનું ચલણ છેલ્લાં દસેક વર્ષથી વધારે પ્રચલિત થયેલું જોવા મળે છે.તમારા મનમાં ‘ ઓહો, એ તો મેં પણ કરેલ છે !’ નીકળી પડે તે પહેલાં ચોખવટ કરી દઉં કે આપણે જાણીતી કે બધી સગવડોવાળી જગ્યાઓએ એકાકી સફરે નીકળી પડવાની વાત નથી કરતાં સ્ટેશનેથી હૉટેલ, ત્યાંથી આપણી કામનાં સ્થળે અને પાછાં ફરતાં એકાદ બે જોવાનાં સ્થળોએ જઈ આવ્યાં એવા એકલ-પ્રવાસની વાત પણ આપણે નથી કરતાં.આપણે તો એવા એકલ-પ્રવાસની વાત કરીએ છીએ કે જે ખાસ, અલગથી, સમય ફાળવીને, નવી જગ્યા ખુંદી વળવાના આશયથી કરવામાં આવ્યો હોય.

આપણા જેવા એકબીજાં સાથે બહુ ઘનિષ્ઠપણે સંકળાયેલાં લોકોના સમાજમાં એકલ-પ્રવાસની વાત, પહેલાં તો સીધે સીધી સ્વાર્થની બાબત લાગે. ‘અરે ભગવાન, તારાં માને સાથે લઈ જા ને! એ આમ પણ ઘરે એકલાં જ છે.’ બીજાનાં એકાંતનો મલાજો ન રાખવો એ આમ પણ આપણા દેશમાં લગભગ સર્વસ્વીકૃત ગણાય છે. એટલે એકાંત એ ખુદ જ એક કોયડો છે – ઘણાંને મન તો સરેઆમ નિર્દયતા છે. જો કોઈને પોતાની જાત સાથે એકલાં રહેવું પસંદ હોય તો એ ભાવનાનું તો સન્માન કરવું જોઈએ. કમસે કમ, મારા પોતાના કિસ્સામાં તો એકલ-પ્રવાસને કારણે હું મારાથી મારાં કુટુંબની વધારે નજદીક જવાય છે એમ હું માનું છું. તમે સમુદ્ર કિનારા જેવી જગ્યાએ એકલાં ગયાં હો, કુદરત સાથેનું તાદાત્મ્ય અનુભવતાં હો, ત્યારે તમારા મનના ખૂણે એવો એકાદ વિચાર તો સ્ફુરી જ પડવાનો કે ‘મૉમને પણ અહીં કેવું ગમે!’. જેમ જેમ અલગ અલગ અનુભૂતિઓ થાય એમ એમ તમને તમારાં કુટુંબની જૂદી જૂદી વ્યક્તિઓની યાદ આવશે અને એ રીતે તમે એ એ લોકો સાથે, મનથી, વધારે ને વધારે નજ્દીક આવશો. પાછાં જઈને એ લાગણીને કારણે આપણી ભૌતિક નજ઼દીકી પણ વધારે મજબૂત બનશે. વળી એ લોકોએ તમને આ તક આપી છે એનું મહત્વ પણ હવે વધારે ઘૂંટાશે અને એથી પણ આપણે એ લોકોથી વધારે નજદીક થવા લાગશું. માતાપિતા માટે પોતાનાં સંતાન માટે આવો નિર્ણય લેવો થોડું મુશ્કેલ છે એ વાતે હું સહમત છું. પણ જો તેઓ તમને આ રીતે જવા દે, તો એનો અર્થ એ પણ થાય કે એમને તમારી સહજ વૃત્તિ સમજાય છે અને તેમને તેના પર ભરોસો પણ છે. એકલ-પ્રવાસનાં જોખમો ભલી ભાંતિ જાણતાં હોવાં છતાં તેઓ પોતાનાં ‘માસુમ બચ્ચાં’ને માળામાંથી એકલાં ઉડાન ભરવા દેવા માટે તૈયાર છે. (માતાપિતાને આ વિષયમાં સહમત કરવાં એ જરા પણ સહેલું નથી. જોકે એ વળી એક અલગ લેખનો વિષય બની રહે છે.)

‘સ્વાર્થી’થી વધારે પણ કંઈ ખરાબ કહી શકાય? કદાચ, હા – પાગલ! તમને અસામાજિક્પણાની છાપ પણ લાગી શકે.તમારાં મિત્રોમાં એક પ્રકારની અસલામતીની ભાવના પણ જન્મી ઊઠે. ‘પણ હું તારી સાથે કેમ ન આવું? બીજે બધે તો આપણે જ્યારે સાથે જઈએ છીએ ત્યારે તો તને મજા પડે છે !’ અને તેમાં પણ જો તમે પરિણિત હો અને પત્ની હો અને તમારા પતિને મૂકીને પ્રવાસે જવાની વાત મૂકો તો તો તમને સો સો શાબ્દિક કોરડાના ફીટકાર ખાવાના દિવસો આવે. જોકે આ દાખલાઓ સીધે સીધી સરખામણી માટે નથી. પણ જો તમને કોઈ પૂછે કે ‘તને મોમ વધારે પસંદ છે કે ડેડ?’ તો જેવું લાગે તેવી જ ભાવના આ સરખામણીની વાતમાં છે. મારા ધ્યાનમાં કોઈ એવી વ્યક્તિ નથી જેણે ‘હું તો એકલ-પ્રવાસી’ના સિધ્ધાંતનો ભેખ લીધો હોય. દરેક પ્રકારના પ્રવાસના પોતાના ફાયદા-ગેરફાયદા હોય છે. ક્યારેક મિત્રો સાથે મસ્તી કરવી હોય તો ક્યારેક તમને નિરવ એકાંત જોઈતું હોય.કેટલાંક લોકોને એકલાં પડવાનો ભય સતાવતો હોય છે. એવા પ્રકારનાં લોકો માટે એકલ-પ્રવાસનો વિચાર અત્યંત આશ્ચર્યજનક (કે આઘાતજનક) નીવડી શકે છે. ઓળખીતાં પારખીતાંઓના ભાથામાં બીજા સવાલોનાં તીર તૈયાર હોય છે – ‘એકલાં પડી ગયાં છો?’ ‘ના, રે. હું એકલી નથી.’ એમને કોણ સમજાવે કે એકલતા અને એકાંતમાં શું ફરક છે !

સવાલો અને નિયંત્રણોની ઝડીથી બચીને જો તમારે જાતે નિર્ણય કરવાનો આવે, અને જેમ જેમ એ દિવસ નજદીક આવવા લાગે ત્યારે ચિંતા અને મૂડની ભરતી ઓટની અસરોમાં તમારૂ પેટ પણ અમળાવા લાગી શકે છે – કમસે કમ મને તો એવું જરૂર થાય છે.એવી ઘડીઓ પણ આવવા લાગે જ્યારે પારોઠનાં પગલાં ભરવાનું મન થાય. એવા વિચારો આવવા લાગે કે ચલો, આખી વાત જ પડતી મેલીએ. થઇથઇને કેટલો ખર્ચો માથે પડશે?. આવા નકારાત્મક વિચારોને અતિક્રમવા રહ્યા. તમારી સફર સારી નીવડે કે ન નીવડે, પણ તમે તમારા ભયને અતિક્રમી શક્યાં એ વાતનો તમને સંતોષ રહેશે. આવી દ્વિધાભરી પરિસ્થિતિઓમાં સૌથી વધારે મદદરૂપ થાય છે પૂરતું સંશોધન. જો તમે પૂરતી છાનબીન કરી રાખી હશે તો તમારા પ્રવાસની જગ્યાની બાબતે, સગવડો-અસગવડો બાબતે, ત્યાંની સ્થાનિક પરિસ્થિતિઓ બાબતે ઘણી ઘણી વાતો વિષે તમે સારાં એવાં માહિતગાર બની શકો છો. જેમ કે, મારી ચેન્નઈની ટ્રિપ પહેલાં લોકોએ કહ્યું હતું કે ત્યાંના લોકો બરછટ અને જક્કી હોઈ શકે છે.પણ આ સંબંધિત બ્લોગ્સ કે વેબસાઈટ પર વાંચતાં મને આવું ક્યાંય જોવામાં નં આવ્યું. મેં એ પણ શોધી રાખ્યું હતું કે એરપોર્ટથી જૂદા જૂદા પ્રકારનાં સાધનો વડે અમુક અમુક જગ્યાએ જવાનો કેટલો કેટલો ખર્ચ થઈ શકે અને કેટલો સમય લાગી શકે. મને ચેન્નઈમાં એક પણ ખરાબ અનુભવ ન થયો. લોકો પણ એકદમ સારી રીતે જ વર્ત્યાં હતાં. એનો અર્થ એમ પણ નહીં કે ચેન્નઈમાં બરછટ લોકો મળી શકે છે એ વિધાન ખોટું હતું. દરેક જગ્યાએ દરેક પ્રકારનાં લોકો તો હોવાનાં. આ પાઠ મને મારી પોંડુચેરીની એકલ- ટ્રિપમાં મળેલ એક ઓસ્ટ્રેલીયન પાસેથી શીખવા મળ્યો હતો.

મારા હમઉમ્ર એ ઓસ્ટ્રેલીયને થોડા સમય પહેલાં જ નોકરી છોડી દીધી હતી અને હવે જ્યાં સુધી ખિસ્સામાંના પૈસા ચાલે એટલા દિવસ પૂરતું તે આ અલગારી રખડપટ્ટીએ નીકળી પડ્યો હતો. ઓસ્ટ્રેલીયાથી શ્રી લંકા થઈને અને હવે તે ભારત આવ્યો હતો. આપણે ત્યાં તે કેરળ જઇ આવ્યો હતો. મેં તને પૂછ્યું કે એક વિદેશી તરીકે તને ચિત્રવિચિત્ર અનુભવ નથી થતા? તેના જવાબમાં તેણે કહ્યું કે ‘જરૂર થાય છે અને બહુ સારા અને બહુ ખરાબ એમ બન્ને છેડાના એ અનુભવો હોય છે. પણ જ્યારે, મને કોઈ મદદ નથી કરતું ત્યારે હું જલ્દી જલ્દીમાં કોઈ અભિપ્રાય નથી બાંધી લેતો કેમકે તેઓની એ વર્તણૂકનું મને કારણ ખબર નથી હોતું. કોને ખબર કદાચ એ દિવસ એ વ્યક્તિ માટે ખરાબ હોય કે કોઈને મદદ કરવાનો તેને કડવો અનુભવ થયો હોય ! આપણે જ્યારે કોઈ પણ જગ્યાએ જઈએ છીએ ત્યારે દરેક પ્રકારનાં લોકો મળશે એ વાત તો સ્વીકારીને જ ચાલવું રહ્યું.’ અને આ વાત કોઈને પણ, ક્યાંય પણ જવા માટે લાગૂ પડી શકે છે. એક જ જગ્યાએ સારો અનુભવ પણ થાય, અને ન પણ થાય !

સલામતીનો મુદ્દો તો સ્વાભાવિક છે કે પહેલી પ્રાથમિકતા હોય, તેમાં પણ જો તમે સ્ત્રી હો તો તો ખાસ. સલામતીની દૃષ્ટિએ બધી જગ્યાઓ ઉત્તમ નથી હોતી. કેટલીક જગ્યાઓ દિવસ દરમ્યાન સલામત હોય, પણ રાતનાં અંધારાં ઉતરતાં જ એ સલામતી પણ હોલવાઈ જાય છે. જેમકે પોંડુચેરીમાંનું ઑરોવિલ બહુ જ સલામત ગણાય છે, પણ રાત્રે નહીં. રસ્તાઓમાં દીવા નથી હોતા અને માણસો ઉપરાંત જોખમી જાનવરો પણ સામે રસ્તા પર મળી જઈ શકે છે. કેટલીક જગ્યાઓએ તમને ઘણાં સારાં સલામતી પગલાંની મદદ મળી શકે છે. જેમકે, મુંબઈની લોકલ ટ્રેનોમાં સ્ત્રીઓના ડબ્બામાં વહેલી સાંજથી કરીને રાત સુધી પોલીસ સાથે રહે છે. આ મારો ખુદનો અનુભવ છે. હું આખી યાદી અહીં ઠલવી નહીં નાખું, પણ તમે તમારાં સંશોધનના આધારે જરૂરી નિર્ણય લઈ શકો છો. આ ડુંગરા દૂરથી બધું જ બહુ પ્રતિકુળ દેખાઈ શકે છે.


સુશ્રી આરતી નાયરનો સંપર્ક rtnair91@gmail.com વીજાણુ સરનામે થઈ શકશે.

2 comments for “યૂં કિ સોચનેવાલી બાત : સફરની જીન્દગી: ઓહ, તમે એકલા ફરવા જાઓ છો?!

  1. Pravina
    November 30, 2017 at 6:19 pm

    sundar

  2. November 30, 2017 at 6:26 pm

    મારી કેરો/ દુબાઈ એકલયાત્રા યાદ આવી ગઈ. ઘણા ફોટાઓ સાથેનો અહેવાલ વાંચવો હોય તો ઈમેલ કરજો. સાત જ લેખ છે!

Leave a Reply to સુરેશ જાની Cancel reply

Your email address will not be published. Required fields are marked *