





-બીરેન કોઠારી
રાજાની મોટા ભાગની વાર્તાઓમાં શરૂઆત ‘એક રાજા હતો’થી થતી અને અંતમાં ‘ખાધું, પીધું ને રાજ કર્યું’ આવતું. હવે લોકશાહીનો જમાનો છે. રાજાઓ રહ્યા નથી, પણ રાજાશાહી માનસિકતા ક્યાં કશાની મોહતાજ હોય છે! લોકશાહીની વાર્તાઓ લખાય તો ‘એક કાર્ટૂનિસ્ટ હતો’થી વાત શરૂ થાય અને અંત ‘તેને જેલની સજા ફટકારવામાં આવી’થી આવી શકે.
આ વાર્તા વધુ એક વખત ગયા સપ્તાહે તામિલનાડુમાં ભજવાઈ ગઈ. ચેન્નાઈમાં રહેતા કાર્ટૂનિસ્ટ બાલા જી.ની ધરપકડ તિરુનેલવેલી પોલિસ દ્વારા કરવામાં આવી. તેમની પર ભારતીય દંડસંહિતાની કલમ 501 તેમજ આઈ.ટી.કાનૂનની કલમ 67 લગાવવામાં આવી. આ ધરપકડ પછી અલબત્ત, તેમનો છૂટકારો જામીન પર થયો. પણ તેમણે એવું શું ચીતર્યું કે સત્તાવાળાઓ ખફા થઈ ગયા? બાલાએ ચીતરેલા કાર્ટૂનની વાત કરતાં પહેલાં મૂળ ઘટના જાણવી જરૂરી છે.
ઑક્ટોબરના છેલ્લા સપ્તાહમાં તિરુનેલવેલી કલેક્ટર કચેરી સામે ચાર જણના પરિવારે જાતે જાહેરમાં બળી મરવાનું પગલું ભર્યું. પરિવારના વડા ઈઝાકીમુતુ, તેમનાં પત્ની સુબુલક્ષ્મી અને ચાર તેમજ બે વર્ષની બે દીકરીઓ આમાં સામેલ હતા. આ ચારમાંથી ઈઝાકીમુતુ બચી ગયા અને ગંભીર રીતે દાઝેલા છે, જ્યારે બાકીનાં ત્રણનું મૃત્યુ થયું. હચમચાવી નાખે એવી આ ઘટનાની પૃષ્ઠભૂમિ એવી છે કે તિરુનેલવેલી જિલ્લાના કાશીધર્મમ ગામના આ ભાઈ રોજમદાર હતા. તેમણે પોતાનાં એક સગાં મુથુલક્ષ્મી પાસેથી નાણાં ઉછીના લીધા હતા, અને આ સગાએ પછી હેરાનગતિ શરૂ કરી હતી અને બમણાથી વધુ રકમની માગણી કરવા માંડી હતી. આ બાબતે પોલિસ ફરિયાદ નોંધાવવાનો પ્રયત્ન કરતાં પોલિસે ફરિયાદ દાખલ કરી નહોતી. તેને બદલે નાણાં ધીરનારે પોલિસમાં સામી ફરિયાદ નોંધાવી હતી. કહેવાય છે કે મુથુલક્ષ્મીની સ્થાનિક પોલિસમાં ઓળખાણ હોવાથી આમ થયું હતું. પોલિસે ઈન્કાર કર્યા પછી આ પરિવારે કલેક્ટર સમક્ષ ફરીયાદ નોંધાવી હતી. આમ છતાં, કોઈ પગલાં લેવામાં આવ્યાં નહીં, અને હેરાનગતિ વધતી રહી હતી. આથી હારી-ત્રાસી ગયેલા ઈઝાકીમુતુએ આત્મવિલોપનનું અંતિમવાદી પગલું ભર્યું હતું. પત્ની અને બન્ને દીકરીઓને બાથ ભીડીને તેમની પર કેરોસીન છાંટીને પછી આગ ચાંપવામાં આવી. આ દુર્ઘટના બની એ સમયે લોક ફરિયાદ નિવારણ માટેની કાર્યવાહી કલેક્ટર ઑફિસમાં ચાલુ હતી.
આ દુર્ઘટનાને પગલે પોલિસ વિભાગ તેમજ કલેક્ટર કચેરી સક્રિય બની ગયાં હતાં અને મરણપથારી પર રહેલા ઈઝાકીમુતુને મળવા, તેનું નિવેદન લેવા સૌ દોડી ગયા હતા. આ થઈ મૂળ ઘટના.
કાર્ટૂનિસ્ટ બાલાએ ચીતરેલા કાર્ટૂનમાં તેમણે અગ્રભૂમિમાં એક બાળકને સળગતું બતાવ્યું હતું. અને પૃષ્ઠભૂમિમાં ત્રણ માણસોને સાવ નગ્નાવસ્થામાં ઉભેલા દર્શાવાયા હતા. આંખો બંધ કરીને ઉભેલા આ ત્રણમાંના એક પોલિસ કમિશ્નર, એક જિલ્લા કલેક્ટર અને એક મુખ્ય પ્રધાન પોતે છે. આ સૌએ પોતાની લાજ ઢાંકવા સારું પોતપોતાના ગુપ્ત ભાગને રૂપિયાની નોટોના બંડલ વડે ઢાંકેલો બતાવાયો છે. આ કાર્ટૂનનો સીધો અર્થ એ થયો કે આ ત્રણે હોદ્દાધારીઓ પોતાની નજર સામે બનેલી દુર્ઘટના સામું આંખ મીંચી દે છે અને ખરીદાઈ ગયા છે.
બસ, આ કાર્ટૂનથી સરકાર ભડકી ગઈ અને બાલાની ધરપકડનો આદેશ છોડવામાં આવ્યો. આ કાર્ટૂનમાં દર્શાવાયેલું ચિત્રણ હકીકત છે કે કેમ એ વાત જવા દઈએ. કાર્ટૂનિસ્ટને એમ લાગ્યું હોય અને ખરેખર આમ ન હોય એ પણ શક્ય છે. આમ છતાં, જે સંજોગોએ આ પરિવારને આત્મહત્યા કરવા પ્રેર્યો એ કઈ હદે વિપરીત હશે તેનું અનુમાન કરી શકાય એવું છે. આ ફરિયાદ પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવ્યું એ પણ સ્પષ્ટ છે. પણ તેની વિગતમાં ઉતરવાને બદલે કાર્ટૂનિસ્ટ પર તવાઈ ઉતારવી એ સ્વસ્થ લોકશાહીનું લક્ષણ નથી.
કાર્ટૂનિસ્ટનું કાર્ટૂન બદનક્ષીને લાયક મનાતું હોય તો જે ઘટના તેમાં દર્શાવાઈ છે તેને કેવી માનવી?
જામીન પર છૂટેલા આ કાર્ટૂનિસ્ટે કહ્યું છે, ‘મેં કંઈ હત્યા નથી કરી. મને કશો રંજ નથી. મારા કાર્ટૂનો દ્વારા સરકારની અક્ષમતાઓ હું દેખાડતો રહીશ. હું અટકવાનો નથી.”
બાલા સામાજિક પ્રસારમાધ્યમો પર પોતાનાં કાર્ટૂનો મૂકે છે અને હવે તેઓ કોઈ અખબાર સાથે સંકળાયેલા નથી. શું સરકારને ખરેખર લાગે છે કે પોતાની છબિ તેમજ કામગીરી એટલી બધી સ્વચ્છ છે કે આવાં કાર્ટૂનોથી પોતાની બદનક્ષી થઈ રહી છે? એમ જ હોય તો આવાં કાર્ટૂનથી શું ગભરાવાનું?
આજકાલ એક પ્રવાહ એવો પણ જોવા મળે છે કે જે સરકારનો નહીં, પણ મુક્ત અભિવ્યક્તિ કરનારાઓનો દોષ જુએ અને એમ માને કે તેમણે માપમાં રહેવું જોઈએ. ખરેખર તો સરકારનું તંત્ર અને તેની ગતિવિધીઓ એટલી વિરાટ અને અગમ્ય હોય છે કે તેને પૂરેપૂરી સમજી જ ન શકાય. આ સંજોગોમાં તેની પર ડોળો રાખવો જરૂરી છે. આવા અસંગઠિત અવાજો આ કામ કરે ત્યારે તેને દાબવાના ન હોય, પણ આંતરદર્શન કરીને પોતાની ક્ષતિઓ નિવારવા કે સુધારવાનું કામ કરવાનું હોય. હવે તો વિરોધ પક્ષને જ મિટાવી દેવાની દિશામાં જાણે કે કામ થઈ રહ્યું છે, જેથી રાજાને કોઈ કહી જ ન શકે કે તેણે વસ્ત્રો પહેર્યાં નથી. લોકશાહીમાં માનનારાઓએ એટલું અવશ્ય યાદ રાખવું રહ્યું કે અરીસો અંતર્ગોળ હોય કે બહિર્ગોળ હોય તો તેમાં જોવા મળતા પ્રતિબિંબના પ્રમાણમાં ફેર ચોક્કસ હોઈ શકે, પણ તેમાં સચ્ચાઈનો અંશ હોય છે. તે કોઈ વસ્તુને સદંતર ન બતાવે કે એકને બદલે બીજું બતાવે એમ બનતું નથી. કાર્ટૂનિસ્ટો એક રીતે આવા અરીસાનું કાર્ય કરે છે. પ્રતિબિંબમાં કશી ભળતી ચીજ દેખાય તો અરીસાને ફોડવાનો હોય કે જાત સામું જોવાનું હોય?
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૬-૧૧ -૨૦૧૭ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
vicharva jevi vat
બાલાજી કી જય હો !
A picture is worth a thousand words. If ever this adage brings home and exposes the naked(!) truth, this is telling graphic is it. Kudos to Balaji for sticking to his convictions and thanks to you for highlighting this appalling tragic tale.