વ્યંગ્યચિત્રોમાં ગાંધી : ૧૨ : પૂતળાંઓમાં ગાંધી (૧)

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

ગાંધીજીનું પૂતળું મૂકવું અને શહેરના મુખ્ય માર્ગને ‘એમ.જી.રોડ’નું નામ આપવું એ જાણે કે બંધારણીય જોગવાઈ હોય એમ લાગે એ હદે ઠેરઠેર ગાંધીજીનાં પૂતળાં જોવા મળે છે. સૌથી કદરૂપું દૃશ્ય એટલે જે તે પૂતળાની ફરતે મૂકાયેલું તેને હાર ચડાવવા માટે બનાવાયેલું લોખંડનું પ્લેટફોર્મ. સીધી વાત છે કે ગાંધીજી કરતાં વધુ મહત્ત્વ એ પ્લેટફોર્મનું છે. દર વર્ષે 2 ઑક્ટોબરે એ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવે છે. પણ ખરું માહાત્મ્ય 1 ઑક્ટોબરનું છે, જ્યારે ગાંધીજીની પ્રતિમાને વાર્ષિક સ્નાન કરાવવામાં આવે છે. ગાંધીજીની બસ્ટ સાઈઝની તેમજ પૂર્ણ કદની- એમ બન્ને પ્રકારની પ્રતિમાઓ જોવા મળે છે. આ પ્રતિમાઓ પણ કાર્ટૂનિસ્ટોને પ્રેરણા આપતી રહી છે.

અહીં કેટલાક એવાં કાર્ટૂન જોઈએ જેમાં ગાંધીજીને પ્રતિમારૂપે દર્શાવવામાં આવ્યા હોય.

આ પ્રકારનાં કાર્ટૂનોમાં મુખ્યત્ત્વે ગાંધીજીની સાક્ષીએ થતા તેમના સિદ્ધાંતોના અનર્થઘટનની વાત વધુ કરવામાં આવી છે. આ પ્રકારમાં ઉન્નીનાં બે કાર્ટૂન સાવ અલગ ભાત પાડે છે.

આ કાર્ટૂનમાં વિદેશ મંત્રાલયના કાર્યાલયની બહાર ગાંધીજીનું પૂતળું મૂકેલું છે અને આ વિભાગના બે જણા વાત કરી રહ્યા છે. એક જણ કહે છે, ‘અન્ય રાષ્ટ્રોના આંતરિક મામલામાં દખલ દે એવા રાષ્ટ્રપિતા હોવા કેટલું શરમજનક છે!’ ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કરેલાં ‘પરાક્રમો’ના સંદર્ભે આ કર્મચારી આમ કહી રહ્યો છે. તેની બાજુમાં જોધપુરી કોટ પહેરીને ઉભેલી વ્યક્તિ સરકારી અમલદાર જણાય છે અને પોતાના ઉપરીને ‘સારું’ લગાડવા માટે આમ કહેવાઈ રહ્યું હોય એમ લાગે છે. અમલદાર ખુદ આ ‘મૌલિક’ અનર્થઘટન સાંભળીને ડઘાઈ ગયા જણાય છે.

*****

વર્તમાન વડાપ્રધાન ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારનું આ કાર્ટૂન છે. ગાંધીજી પ્રત્યેનો તેમનો અને તેમની માતૃસંસ્થાનો ‘અનુરાગ’ જાણીતો છે. મુખ્યમંત્રીકાળમાં વિવિધ કારણોસર તેમને સુપ્રિમ કોર્ટ સાથે પનારો પડતો રહ્યો હતો. આમ છતાં, બીજી ઑક્ટોબરે ગાંધીજીના પૂતળાને હાર પહેરાવ્યા વિના કેમ ચાલે? આથી તત્કાલીન મુખ્યમંત્રી કહે છે, ‘ગાંધી જયંતિનું શ્રેષ્ઠ પાસું એ છે કે એ દિવસે સુપ્રિમ કોર્ટમાં રજા હોય છે.’

આ બન્ને કાર્ટૂનમાં પૂતળાના ગાંધીજીના ચહેરાના ભાવ જોવા જેવા છે!

*****

મંજુલે આ કાર્ટૂનમાં ગાંધીજીને ખુશીથી નાચતા બતાવ્યા છે. દિવસ બીજી ઓક્ટોબરનો જ છે, કેમ કે, નેતા અને અમલદાર તેમની પ્રતિમાને પુષ્પ અર્પણ કરવા આવેલા છે. અમલદાર નેતાને માહિતી આપતાં કહે છે, ‘ના, તેઓ પોતાનો જન્મદિન નથી ઉજવી રહ્યા. ભ્રષ્ટ નેતાઓને થયેલી કેદના સમાચારનો આ પ્રભાવ છે.’

*****

મંજુલના આ કાર્ટૂનમાં પોલિસો ગાંધીજીના પૂતળાને ઉખાડીને તિહાર જેલ તરફ લઈ જતા બતાવાયા છે. પોલિસો આદેશનું પાલન કરી રહ્યા છે. એક સમયે નવી દિલ્હીને પોતાના ભ્રષ્ટાચારવિરોધી આંદોલનથી હચમચાવનાર અણ્ણા હજારેએ ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કર્યું હતું. અણ્ણાના ગુરુ ગાંધીજી છે એવી ‘બાતમી’ મળતાં સરકારે આ કદમ ભર્યું એમ દર્શાવતું આ કાર્ટૂન એ સૂચવે છે કે ત્યારની સરકાર કઈ હદે રઘવાયી બની ગઈ હતી.

****

ગાંધીજીની કેટલીક ચીજોની બોલી બોલવામાં આવી હતી અને છેલબટાઉ ધનપતિ વિજય માલ્યાએ ગાંધીજીનાં ચશ્મા ખરીદ્યાં હતાં. મંજુલના આ કાર્ટૂનમાં માલ્યા ગાંધીજીને તેમનાં પોતાનાં ચશ્મા ધરી રહ્યા છે. ‘બુરૂં જોવું નહીં’ના પોતાના ત્રણ વાનરો પૈકીના એકના સંદેશાને ગાંધીજી અનુસરી રહ્યા છે અને આંખો બંધ કરી દીધી છે.

****

નશાબંધી અમલી નથી એવાં રાજ્યોમાં ગાંધી જયંતિના દિવસે ‘ડ્રાય ડે’ રાખવામાં આવે છે. તેને અનુલક્ષીને એક નેતા કહી રહ્યા છે, ‘તેમનો જન્મદિન હું કદી ભૂલી શકું એમ નથી. એ દિવસે ‘ડ્રાય ડે’ હોય છે.

****

મંજુલનું વધુ એક કાર્ટૂન પણ મઝાનું છે. અંગ્રેજીમાં ‘ટુ ફોલો’ એટલે અનુસરવું, પણ સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો આવ્યા પછી ‘ફોલો’નો અર્થ આખેઆખો બદલાઈ ગયો છે. એમાંય ટ્વીટર પર જે રીતે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ધડબડાટી બોલાવે છે, તેને લઈને તેમને ‘ફોલો’ કરનારો આગવો વર્ગ ઉભો થયો છે. અહીં એક યુવા નેતા બીજાને કહે છે, ‘હું તેમને ‘ફોલો’ કરવા માંગું છું, પણ તેઓ ટ્વીટર પર નથી.’

મંજુલનાં અહીં મૂકેલાં કાર્ટૂનોમાં ગાંધીજીને ફૂલહારને બદલે ‘રીથ’ બતાવવામાં આવી છે. સામાન્ય રીતે ફૂલહાર જીવિત વ્યક્તિને અને રીથ મૃતક સમક્ષ મૂકવામાં આવે છે. પોતાના સિદ્ધાંતો દ્વારા જીવિત રહેલા ગાંધીજીનું વાસ્તવમાં મૃત્યુ થઈ ગયું છે એમ કાર્ટૂનિસ્ટ સૂચવવા માગતા હશે? ખબર નથી.

****

મંજુલના આ કાર્ટૂનમાં ગાંધીજી અને તેમની સાથે સાંકળી દેવાયેલા સ્વચ્છતા અભિયાનની વાત એક પણ શબ્દ વિના બતાવી દેવાઈ છે.

*****

લગભગ આવો જ વિચાર કાર્ટૂનિસ્ટ કાજલ કુમારે આ કાર્ટૂનમાં બતાવ્યો છે. તેમણે નેતાને સાવરણી લાકડીની ટોચે ભરવી દેતો બતાવ્યો છે એટલો જ ફરક છે. પોતાના પરિચયમાં ‘મુઝે કાર્ટૂનિંગ કે અલાવા કુછ નહીં આતા’ લખનાર કાજલ કુમારનાં વધુ કાર્ટૂન તેમના બ્લૉગ http://kajal.ga/ પર માણી શકાશે.

******

આ જ વિષય પરનાં વધુ કાર્ટૂનો આગામી કડીમાં…..


(ક્રમશ: )


સ્પષ્ટતા:
૧. આ કાર્ટૂનો મારા અંગત સંગ્રહમાંથી છે. તેમાં ક્યાંય કૉપીરાઈટનો ભંગ થતો હશે અને તેની જાણ કરવામાં આવશે તો તે ચોક્કસપણે દૂર કરવામાં આવશે. જે તે કાર્ટૂનિસ્ટના નામ સાથે તે મૂકવામાં આવશે.

(Disclaimer: All the images and cartoons used or are going to be used here are either from personal collection or taken from net. Wherever it is taken from net, the source is mentioned. They are not intended for any commercial use. If there is a breach of copyright, please inform about it at bakothari@gmail.com and they will be removed. )


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

1 comment for “વ્યંગ્યચિત્રોમાં ગાંધી : ૧૨ : પૂતળાંઓમાં ગાંધી (૧)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *