મંજૂષા : ૬ : સંગીત અને બાળવિકાસ

Facebooktwitterredditpinterestlinkedinmail

-વીનેશ અંતાણી

મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈને કહ્યું છે કે ન્યૂટન જેવા વૈજ્ઞાનિકો વિના આ જગત કદાચ એટલું બધું અધૂરું રહ્યું ન હોત, પરંતુ બીથોવન જેવા સંગીતકારો વિના આપણું જગત ચોક્કસ અધૂરું રહી ગયું હોત. જૂન મહિનાની 21મી તારીખનો દિવસ વિશ્વ સંગીત દિવસ તરીકે ઊજવવામાં આવે છે. એ સંદર્ભમાં ચેન્નઈના એક સંગીતજ્ઞ અનિલ શ્રીનિવાસે કહ્યું હતું કે વર્ષનો માત્ર એક જ દિવસ નહીં, વર્ષના બધા જ દિવસો સંગીતના સંદર્ભમાં મહત્ત્વના દિવસ હોય છે. માણસજાતના બૌદ્ધિક અને સંવેદનાત્મક વિકાસમાં સંગીતનો ફાળો અમૂલ્ય છે. સંગીત દ્વારા વિવિધ પ્રકારની સારવારની વાત તો હવે બહુ જાણીતી છે. સતત તાણભરી પરિસ્થિતિમાં જીવતા લોકોને સંગીત માનસિક તેમ જ શારીરિક શાંતિનો અનુભવ કરાવીને તાણમુક્ત કરે છે એ વાત પણ હવે સર્વસ્વીકૃત બની ગઈ છે.

આ વાત માત્ર મોટી વયના લોકોને જ લાગુ પડતી નથી. બાળકોને પણ એટલા જ પ્રમાણમાં લાગુ પડે છે. આ દિશામાં થયેલાં અનેક સર્વેક્ષણોથી સાબિત થયું છે કે નાની વયથી જ બાળકોને સંગીતમાં રસ લેતાં કરવામાં આવે તો એમનો સર્વાંગી વિકાસ વધારે ઝડપથી અને સાચી દિશામાં થાય છે. યુનિવર્સિટી ઑફ સેન્ટ્રલ ફ્લોરિડા દ્વારા કરવામાં આવેલા એક સર્વેક્ષણના તારણ મુજબ જે બાળકો તાલ અને સૂરની સમજ ધરાવતાં હતાં તે બાળકો સંગીતમાં જરાસરખી પણ રુચિ ન ધરાવતાં બાળકોની સરખામણીમાં અભ્યાસમાં વધારે તેજસ્વી સાબિત થયાં હતાં. એક અન્ય સર્વેક્ષણથી સાબિત થયું હતું કે સંગીતનાં વિવિધ વાદ્યો વગાડતાં કે માત્ર સંગીત સાંભળવાનો રસ ધરાવતાં બાળકો ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોમાં પણ વધારે સારા ગ્રેડ મેળવી શક્યાં હતાં.

સંગીતને લીધે બાળકોમાં નાનપણથી જ એકાગ્રતા વધે છે. એમનું મન સંવેદનશીલ બને છે. એમનો અભિગમ સકારાત્મક બને છે. અન્ય વ્યક્તિઓ તરફ એમનો વ્યવહાર સમજભર્યો અને માનવીય રહે છે. એમનામાં નાનપણથી જ દરેક બાબતો માટે સર્જનાત્મક દ્રષ્ટિકોણ વિકસે છે. જરૂરી નથી કે સંગીતમાં રસરુચિ ધરાવતું દરેક બાળક મોટું થઈને માત્ર સંગીત કે કળાના ક્ષેત્રમાં જ આગળ વધી શકે. સંગીત સાથેના નિકટના સહવાસને લીધે એનામાં વિકસતી દ્રષ્ટિ અને એકાગ્રતા એને કોઈ પણ ક્ષેત્રમાં સફળ બનાવે છે. ચેન્નઈના સંગીતજ્ઞ અનિલ શ્રીનિવાસ કહે છે તેમ “સંગીતમાં અભિરુચિ ધરાવતા બાળકમાં એક પ્રકારની લયબદ્ધતાનો વિકાસ થાય છે અને તે કારણે એ જે કાંઈ વિચારે છે, જે લાગણી અનુભવે છે, જે નિર્ણયો લે છે તેમાં સ્વાભાવિક લયબદ્ધ સંવાદિતા પ્રવેશે છે. એની બૌદ્ધિકતા માત્ર શુષ્ક રહેતી નથી, તેમાં સંવેદનશીલતા અને સમજ ભળે છે. એવાં બાળકો મોટાં થાય પછી એમના જીવન પ્રત્યેના સમગ્ર અભિગમમાં સકારાત્મકતાનો વિકાસ થાય છે.”

એક કુટુંબમાં માતાપિતા બંને સંગીતમાં રસ ધરાવતાં હતાં. માતા સારું ગાતી હતી અને પિતા તબલાં વગાડતા હતા. એ એમનો અંગત શોખ હતો. તે દિશામાં તેઓ જે કરતાં તે નિજાનંદ માટે કરતાં. સાથે બેસીને ગાય-વગાડે. આખા દિવસના કામ પછી તેઓ સાથે બેસીને સંગીત સાંભળે. એ કારણે એમના દામ્પત્યજીવનમાં પણ એક પ્રકારની મધુરતા અને લયબદ્ધતા રહેતી હતી. સમય જતાં એમને બે દીકરા જન્મ્યા. માતાપિતાએ બંને દીકરાને નાનપણથી જ સંગીત સાંભળવાથી માંડીને સંગીત શીખવા તરફ દોર્યા. સંગીતશ્રવણની ટેવ વિકસે તે માટે દીકરો ચાર-પાંચ માસ થાય ત્યારથી એ ગોદડીમાં સૂતો-રમતો હોય ત્યારે એના બંને કાનની આજુબાજુ બે નાનકડાં સ્પીકર ગોઠવીને તેમાં ખૂબ ધીમા અવાજે સંગીત વગાડતાં.

એમણે બંને દીકરાને નાનપણથી જ સંગીતની તાલીમ આપવાનું શરૂ કર્યું. દીકરા થોડા મોટા થયા અને ઘરમાં કશું વગાડતા કે ગાતા હોય ત્યારે પિતા એમની સાથે તબલાં લઇને સંગત કરવા બેસી જાય અને મા એનાં કામકાજ વચ્ચે સમય કાઢીને વચ્ચેવચ્ચે સૂર પુરાવી જાય. એ કારણ એમના ચાર જણનાં કુટુંબમાં આપોઆપ સંવાદિતા, લયાત્મકતા અને એકત્વનો વિકાસ થતો ગયો. તે માટે એમને કશા જ બાહ્ય પ્રયત્નોની જરૂર પડી નહીં. બંને દીકરા અભ્યાસમાં અને ઈતર પ્રવૃત્તિઓમાં આગળ રહેવા લાગ્યા. મોટો દીકરો સંગીતના ક્ષેત્રમાં આગળ વધ્યો, નાનો દીકરો કોમ્પ્યુટરના ક્ષેત્રમાં સફળ થયો.

સંગીતમાં રસ લેતાં કરીને બાળકોનો વિકાસ કરવા માટે પ્રયત્નશીલ બાળમનોચિકિત્સક ડોન કૅમ્પેલન માને છે કે સંગીત દ્વારા જીવનની ગુણવત્તામાં અનેક ગણો સકારાત્મક ફેર પડે છે. સંગીત બાળકોની માનસિક સ્વસ્થતાની કાળજી તો લે જ છે, સાથેસાથે એમને શારીરિક રીતે સ્વાસ્થ રાખવામાં પણ મદદ કરે છે. સંગીતને લીધે બાળકોના શિક્ષણ-કેળવણીમાં નોંધપાત્ર સુધારો થાય છે, એમનામાં સર્જનાત્મક દ્રષ્ટિકોણ વિકસે છે. એમની અભિવ્યક્તિક્ષમતામાં અણધાર્યો ફરક પડે છે. આ બધું જ એમને મોટી વયે સાચા અર્થમાં માનવી બનવામાં મદદ કરે છે.

બ્રિટનમાં જન્મેલા પ્રસિદ્ધ સંગીતકાર લિયોપોલ્ડ સ્ટોકોવસ્કીએ કહ્યું છે: “ચિત્રકાર કેનવાસ પર ચિત્ર દોરે છે, સંગીતકાર નીરવ શાંતિમાં પોતાનાં ચિત્રો દોરે છે.” બીજા એક સંગીતકારે કહ્યું છે કે સંગીત આપણા આત્મા પર છવાઈ જતી રોજરોજની ધૂળને સાફ કરે છે.

***

શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *