લ્યો, આ ચીંધી આંગળી : સંત વસંત (ભાગ ૨)

Facebooktwitterredditpinterestlinkedinmail

(ગયા હપ્તાથી ચાલુ)

– રજનીકુમાર પંડ્યા

“અહીં હું તને પત્ર લખું છું એ જગ્યાએ દસ ડગલાં ચાલીએ અને એક સાથે હડફેટે ચડે છે. વીંછીકુંછીનો તો પાર જ નથી. અહીં આ જગ્યાએ આજથી તેર-ચૌદ વરસ પહેલાં જ્યારે ઑપરેશન થયેલું ત્યારે એ પહેલું ઑપરેશન, ઑપરેશન થિયેટર વગર જ થયેલું. ઘાસ ઊગેલું અને ખુલ્લો વરંડો હતો. ડૉક્ટર ઑપરેશન શરૂ કરે તે પહેલાં અકસ્માત જ બાજુના જૂના છાપરા પરથી જૂનું નળિયું વાનું માર્યું માથે પડ્યું. કોઈને કંઈ વાગ્યું નહીં, પણ આજે એ વાતને બાર વરસ થયા છતાં વડનગર નાગરિક મંડળે સ્થાપેલી આ નાનકડી હૉસ્પિટલ ચાલે છે. યાદ છે, તું જ્યારે મુંબઈમાં ફેરી કરતો અને ક્યારેક વડનગરનો હોવાના કારણે મારા દવાખાને દવા લેવા આવતો. ત્યારે હું વડનગર આવીને સ્થાયી થવાની મારી ઝંખના તારી પાસે વ્યક્ત કરતો ! આજે એ ઝંખના સાકાર થઈ છે. હું મુંબઈની મારી ધીકતી પ્રેક્ટિસ છોડીને સાવ મામૂલી વળતરે કામ કરવા અહીં આવ્યો છું. ત્યારે સૌ પ્રથમ મને તારી યાદ આવી. હવે તું પણ ડૉક્ટર થયો છે. અહીં આવીને વતનમાં રહીશ ? કામ કરીશ ?”

વડનગરથી ડૉ. દ્વારકાદાસ જોશીનો આ આવા ભાવનો પત્ર લીંબડી આવ્યો, ત્યારે વસંત પરીખ હવે તો ડૉ. વસંત પરીખ પળનોય વિચાર કરવા ના રોકાયા. રાજીનામું આપીને તરત નીકળી ગયા. ને વડનગર આવી ગયા.

પણ હવે તો પરણેલા હતા. પત્ની રત્નપ્રભાને પણ હવે થોડી થોડી રઢ લાગી હતી.

એમણે ડૉક્ટર આગળ ઈચ્છા વ્યક્ત કરી : “બાળકની પળોજણનો પ્રશ્ન આપણને નડવાનો નથી, એ તમે જાણો છો” ડોકટર તરફ મર્મમાં જોઈને એ મલક્યાં : “તો પછી મને કંઈક ભણવા દો ને !”

તરત ડૉક્ટરના મનમાં ઝબકારો થયો : “નર્સિંગમાં જઈશ? ફાવશે ?”

“કેમ નહીં ?” રત્નપ્રભાબહેન બોલ્યાં : “મને બહુ ગમશે. તમારા સાથે રહેવાનું તો મળશે !” ફોર્મ ભર્યું. એડમિશન મળ્યું. અમદાવાદ જવા માટે ડૉક્ટર રત્નપ્રભા બહેનને લઈને સ્ટેશને પહોંચ્યા. ગાડી આવવાને થોડી વાર. ત્યાં કોઈ બોલ્યું કે “ડૉક્ટર , તમારાં બા, જુઓ, પાછળ રડતાં રડતાં ચાલ્યાં આવે છે.” ડૉક્ટર ચમક્યા : ”અરે ! શા માટે ?”

ડૉક્ટર વસંત પરીખે પાછળ નજર કરી તો બા સાચેસાચ રડતાં રડતાં સ્ટેશનના દરવાજેથી પ્લેટફોર્મ પર દાખલ થતાં હતાં. વિદાયના આંસુ હશે ? હોય. બાને રત્નપ્રભા ઉપર ભાવ તો જેવો કહે તેવો હતો. હજી હમણાં તો ઘેરથી પાયલાગણમાં આશીર્વાદ વરસાવ્યા હતા. ને પાછું આ વૃદ્ધ શરીરે સ્ટેશન સુધી લાંબા થવાનું શું સૂઝ્યું ?

“કેમ, બા ?” ડોક્ટરે પૂછ્યું : કેમ ?કેમ ?”

“મારી આવી દાણિયા જેવી વહુને તું નર્સનું ભણવા મોકલ એમાં મન માનતું નથી. આપણા ઘરની વહુ પારકાંની નર્સ થાય એમાં આબરૂ શું ? એવું તે શું ભણ્યા વગરનું રહી જાય છે ?”

આજુબાજુમાં માણસોને જોણું થતું હતું. ગાડી ઊપડવાને કાંઈ વાર નહીં ને બા ધરારગીરી પર ઊતરી ગયાં હતાં. હવે એમને રડાવીને મોકલવામાં આપણું મન રાજી નથી. ડોક્ટરે એટલો વિચાર કર્યો ને ગજવામાં ટિકિટ હતી તે કાઢીને ફાડી નાખી. બેઠેલી પત્નીને ગાડીમાંથી નીચે ઉતારી. ઘોડાગાડી કરીને આખું સાજનમાજન પાછું ઘેર.

(ડૉ. વસંત પરીખ)

પણ રાતે જ્યારે જળ જંપી ગયા હતાં ત્યારે ડોક્ટરે બાને એક જ પ્રશ્ન પૂછ્યો : ‘હેં બા, તું લાંબું જીવીશ કે હું?”

બા પથારીમાં બેઠાં થઈ ગયાં બોલ્યાં : “ભગવાન તને કરોડ વરસનો કરે. આવું કેમ પૂછે છે ? પહેલાં તો હું જ જવાની ને?”

“તો પછી, બા તારું સુખ નહીં, મારું જો. મને ગમે એમ કરવા દે.”

બાની આંખો સમક્ષ સાંજનું સ્ટેશનવાળું દૃશ્ય ખડું થઈ ગયું. સાંજે તો આ છોકરે સૌના દેખતાં ટિકિટ ફાડી નાખી હતી ને “બા, તું કહે તેમ” કહી દીધું હતું. ને પાછો આ શો વિચાર કર્યો ? ને એમાં વલોણું કરી જોયું તો જે જવાબ નીકળ્યો તે એવો હતો કે લગ્ન કરવાની ઈચ્છા નહોતી તોય પરાણે આપણા કહેવાથી લગ્ન કર્યા છે. જો એની અનિચ્છા છતાં ઘરસંસાર માંડ્યો છે, હવે એ પોતાની ઈચ્છા મુજબ પોતાનું હજુ બાકીનું પોણો સો વરસનું લાંબું જીવન ઘડવા માગે છે, તો એમાં આપણે પાંચ-દસ વરસની બાકી આવરદાવાળા સ્વજને ઘોંચપરોણો ન કરવો.

“ભલે, તને ઠીક પડે એમ કર.”બા બોલ્યાં : “ભાઈ, તારા સત્ય આગળ હું નહીં જીતું. જા, મારી રજામંદી છે, રાજીખુશીથી.”

બાએ રજા આપી. સવારની ગાડીમાં અમદાવાદ ગયાં, પણ ત્યાં નર્સિંગ કૉલેજવાળાએ વાંધો પાડ્યો – “તમારાં પત્ની આઠ ધોરણ જ પાસ છે. એડમિશન ન મળે. આ વખતે ડૉક્ટર ગરમ ના થયા. ના કોઈ નિયમમાં નુકતેચીની કરી. ત્રણ જ વાક્યો એડમિશન આપવા- ન આપવાનો નિર્ણય કરનારને સવાલરૂપે પૂછ્યાં : પહેલું – “આપની કોલેજમાં રોટલા માટે નહીં, પણ સેવાભાવથી નર્સિંગનું શીખવા આવ્યાં હોય એવાં કેટલાં?”

જવાબ આપનારને થયું હશે કે જવાબમાં “ઝીરો” બોલવા કરતા એડમિશન માટે “યસ” બોલવું વધુ ગનીમત. એટલે એમણે કાઉન્ટર તરફ આંગળી ચીંધીને કહ્યું, “જાઓ, ફી ભરી આવો, તમે એડમિટ.”

આમ રત્નપ્રભાબહેન પતિની જીભ પર ચડીને નર્સિંગ કોલેજમાં પેસી ગયાં.

**** **** ***** ****

ડૉ. જોષી કે જેમણે ડૉક્ટરને લીંબડીથી વડનગર તેડાવી લીધા, એમના વેવાઈએ (એટલે કે ડૉક્ટર મિહિર દ્વારકાદાસ જોષીના સસરાએ) આ સાંભળ્યું એટલે તરત બોલ્યા કે એ બહેન જો ભણીને વડનગરમાં માત્ર સેવા જ કરવા માગતાં હોય, તો મારું વપરાશ વિનાનું પડેલું વિશાળ મકાન એમને સુવાવડખાનું કરવા માટે મફત આપું.

એ ગૃહસ્થ, એટલે કે ધનજીભાઈ છોટાલાલે આપેલું વેણ વાળ્યું. બે વરસ પછી રત્નપ્રભા પરીખ નર્સિંગનું કરીને આવ્યાં એટલે એ વિશાળ મકાનમાં મફત પ્રસુતિગૃહ શરૂ કર્યું. વડનગર જેવા નાનકડા ગામને આંગણે આ સોઈ ઊભી થઈ, છતાં ગામલોકોએ ટીકા કરી.

ધનજીભાઈને કહ્યું : “મકાનનો કોઈ બીજો સારો ઉપયોગ ન મળ્યો કે સુવાવડખાનું કર્યું? હવે એમાં કેવા કેવા પાપિયા આવશે, જાણો છો ?’

અને રત્નપ્રભાબહેનને સંભળાવ્યું : “બસ. ભણીભણીને તો થયાં દાયણ જ ને ?”

એક વાર અકળાઈને બહેને ડૉક્ટરને કહ્યું, તો ડૉક્ટર બોલ્યા : “સુધર્યું છે, રામાયણના જમાના કરતાં તો લોક ઘણું સુધર્યું છે. ટીકા કરી, તો પણ શિષ્ટ કરી. ધન્ય છે.”

મુંબઈની ફૂટપાથ પર ઊલિયાં, બટન, નાડાં અને પેન્સિલોની ફેરી કરતો વામન વસંત દાક્તર બન્યો, આજીવન બ્રહ્મચર્ય પાળવાના વ્રત સાથે રત્નપ્રભાબહેન સાથે પરણ્યો ને પછી તો એ બેઉ જણ લોકસેવાનાં ભેખધારી બની રહ્યાં.

**** ***** ****

વડનગર નાગરિક મંડળના દવાખાનામાં આવ્યા પછી ડૉક્ટર વસંત પરીખને લાગ્યું કે હજી આને ઔષધાલય જ કહેવાય, હોસ્પિટલ ના કહેવાય. લોકો દવા લેવા આવે અને જતા રહે. પણ 1949માં જે ચાર ખાટલા હતા એમાં વધારો થયો નથી. એટલે જિંદગીની સમગ્ર ચેતનાને આ દવાખાના પાછળ વાળવી જોઈએ.

(કન્યાવિદાય આપતાં રત્નપ્રભાબેન)

એમાં 1957માં રત્નપ્રભાબહેનવાળું પ્રસૂતિગૃહ શરૂ કર્યું. ને એમાં માત્ર છ જ ખાટલા મૂક્યા. ત્યાં ડોક્ટર દ્વારકાદાસ જોષીને ભૂદાનપ્રવૃત્તિમાં જોડાવાનું મન થયું. એમણે એક વાર ડૉક્ટર વસંતને બોલાવ્યા. કહ્યું :”તને આ દવાખાનું સોંપીને હું તો વિનોબા પાસે ચાલ્યો. હવે તારે આ દવાખાનાનું જે કરવું હોય તે કર. પણ એક વાત યાદ રાખ. જે કરવું તે સાક્ષીભાવે કરવું. જેટલી સરળતાથી ઓતપ્રોત થવું એટલી જ સરળતાથી જરૂર પડે ત્યારે વિમુખ થવું. વિઘ્નો આવશે. ક્યારેક અંદરના માણસો પણ ઉદ્વેગ કરાવશે. પણ એનાથી વિચલિત ન થવું. જો થઈશ, તો સમજીશ કે તારો સાક્ષીભાવ એટલો કાચો.”

ડૉક્ટરના એ પછીના પાંચ વરસ દવાખાનાના મકાનને વિકસાવવામાં ગયાં.પણ દર્દીઓના રૂબરૂ સંપર્કમાં આવ્યા પછી જાણે કે બે આંખો ઉપરાંતની એક ત્રીજી આંખ હૃદયમાં ઊગી. એ આંખની નજીકમાં જ આંસુનો કૂવો હોય છે. ડૉક્ટર વસંતે એ આંખથી જોવા માંડ્યું જોયું કે માણસો ઉપર જ્યારે દર્દ ચડાઈ કરે છે, ત્યારે એનું કોઈ ડહાપણ કે બુદ્ધિ કામમાં નથી આવતાં. કામ આવે છે માત્ર સારવાર અને દવા. અને એના સુધી દરેકની પહોંચ નથી હોતી. કેટલીય વાર પૈસાના અભાવે માણસ દવાખાનાનાં પગથિયાં ચડી શકતો નથી. પણ તેથી શું ? દર્દ કંઈ એનો પીછો છોડી દેતું નથી. દવાખાનાનું મકાન એ વખતે માત્ર પથ્થરની ઈમારત બનીને ઊભું રહે છે. દવાખાનું કહેવડાવવાને લાયક રહેતું નથી. એથી ડોક્ટરે એના ઉપર પથ્થરની તકતી મુકાવી : “કોઈ માણસ પૈસાના અભાવે અહીંથી સારવાર વગર પાછો નહીં જાય.”

આ પાંચ વરસમાં ઘણું ઘણું થયું. ડૉક્ટરનાં મોટાં બહેન ટી.બી.માં ગુજરી ગયાં હતાં એમની સ્મૃતિપ્રેરણાથી ટી.બી. હોસ્પિટલ થઈ, જેમાં નિષ્ણાતો સેવા આપે. એમાં માસિક ચાર્જ પણ (દવા-રહેવાનો) સાવ મામૂલી, અને તે પણ જે ભરી ન શકે તેને માફ. એમાં દર્દી જીવનની પ્રસન્નતાનો અનુભવ કરે.એમાં પ્રાર્થના – મંદિર અને એમાં જ મનોરંજન ઘર. આવું તો વરસોના વીતવા સાથે વધતું જ ગયું. દંતચિકિત્સા વિભાગ, લેબોરેટરી, એક્સ-રે મશીનો, એમ્યુલન્સ, સર્જિકલ વિભાગ કાર્ડિયોગ્રામ વિભાગ, લોહી લેવાની, સાચવવાની અને આપવાની વ્યવસ્થા.

અને સૌથી મોટી વાત. ડૉક્ટર દ્વારકાદાસ જોષી આંખના ઑપરેશનના નિષ્ણાત. એ વારસો ડૉક્ટર વસંતે જાળવ્યો. આંખની સુસજ્જ હોસ્પિટલ તો ઠીક, પણ આજુબાજુનાં ગામડાંઓમાં ફરતું નેત્રચિકિત્સા યુનિટ પણ પેદા કર્યું. સંખ્યાબંધ નેત્રયજ્ઞો, આ બધામાં ઑપરેશન કે સારવારનો ચાર્જ સાવ મામૂલી અને ન આપી શકે તેને માટે મફત.

ડૉક્ટરના હૃદયમાં જે ચક્ષુ ફૂટ્યું હતું એણે અવનવા અનુભવો કરાવ્યા. સિપોર ગામની એક છોકરી. એને પરણવવામાં ડૉક્ટરનો ફાળો. ડૉક્ટર ને ”મામા” કહીને બોલાવવાવાળી. સુવાવડ માટે વડનગર લઈ આવ્યા અને બરાબર પ્રસૂતિની વેળાએ જ એને કમળો થયો. પ્રસૂતિ માટે ટેબલ પર લીધી ત્યારે ડૉક્ટર સમજી ગયા કે આ નાનકડી પંખિણી હવે ઊડી જવામાં છે. ઑપરેશન ચાલુ હતું ત્યારે આ વિચારે ડૉક્ટરની આંખમાં આંસુ આવી ગયાં. છોકરી ભાનમાં હતી.”મામા”ના આંસુ એને પહોંચ્યાં. બોલી : ”મામા, કદી કોઈને સ્ટેશને મૂકવા ગયા છો ?”

ડૉક્ટર બોલ્યા : “અનેક વાર બેટા,પણ કેમ તે મને પૂછ્યું ?”

“તો મામા” છોકરી બોલી :“રડો છો કેમ ?’ હું મોટે ગામ જાઉં છું. એમ જ સમજો ને આ ઓપરેશન ટેબલ એ ટેબલ નથી, પ્લેટફોર્મ છે. તમે હસતે મોંએ મને વિદાય કરો.”

ડોક્ટરે તરત જ આંખો લૂછી નાખી. અને એ “ભાણી” ના કપાળે હલકી ચૂમી લીધી. છોકરી થોડી જ વારમાં નિશ્ચેતન થઈ ગઈ.

ડૉક્ટર બહાર નીકળીને તરત જ એક જણને ઓક્સિજન આપવાનો હતો, એ તરફ વળી ગયા. હા, પ્લેટફોર્મ પરથી કોઈને વળાવીને આવેલો માણસ પછી કંઈ ત્યાં ને ત્યાં ઊભો થોડો જ રહે ? બહાર નીકળે અને બીજા કામે વળગે.

**** **** ****

“અરે,તું તો….”

કહીને ડોક્ટરે એક ગામનું નામ લીધું. સાચું હતું. આવનારનું નામ બોલ્યા એ પણ સાચું હતું. આવનાર દંગ થઈ ગયો. ડૉક્ટરને અટલું બધું યાદ ? રોજ કેટકેટલા માણસો એમને મળતાં હશે ?

“તારે તો મીઠાઈનો ધંધો છે, ખરું ?”

એ વાત પણ સાચી, પેલો ચૂપ થઈ ગયો. એટલે ડૉક્ટર કહે, ‘હવે તું બોલ !’ પેલો કહે કે ગામના અમલદારે મારા ઉપર બનાવટી ફરિયાદ કરાવી મને સકંજામાં લીધો. પછી કહ્યું કે મોં મીઠું કરાવ તો છોડું. મને એમ કે હશે, બેપાંચ કિલો બરફી, એને મોં મીઠું કરાવવું કહેતા હશે. તો અમલદાર બોલ્યો, અમલદારનું એવું ગજવું હોય છે, અને એમાં જેટલા પ્રમાણમાં ઓરવામાં આવે એટલા પ્રમાણમાં…..

“પછી ?” ડૉક્ટર બોલ્યા.

“પછી મેં એમના ગજવામાં ઓર્યું. પણ પછી ચચર્યું, એટલે તમારી કને આવ્યો છું. હવે આમાં કંઈક કરો.”

આ તો આંબો વેડાઈ ગયા પછી એના પર કેરીઓ પાછી લટકાડી દેવાનો ખેલ કહેવાય. છતાં પેલા પાસે સોગંદનામું કરાવીને ડૉક્ટર ક્લેક્ટર પાસે ગયા. કહ્યું કે આમ આમ આમ… તમારા અમલદારને દંડો, તો વળી કલેક્ટર એથી મોટો તોડ કરનારો નીકળ્યો. કહે કે “ડૉક્ટર, દુનિયામાં આવું જ ચાલે છે. લો, આ તમે જ શું હતા, ને શું થઈ ગયા ? વગર ડિગ્રીએ ડૉક્ટર થનારા કેટલા હશે ? માટે જવા દો અને એ…! ખાદી પહેરી એટલે તમને કંઈ વહીવટી તંત્રમાં દખલ કરવાનો પરવાનો મળી ગયો ? જાઓ અહીંથી !”

ડોક્ટર આમ તો ઠંડા માણસ, પણ આવું સાંભળીને ધગી ગયા. કહે : “તમારા જેવા જિલ્લા-અધિકારીનાં કાળાં કામોથી હું વાકેફ છું, અને તેથી જ તમે પેલા ઘંટીચોરને છાવરો છો. ઠીક છે. હું પુરાવા ભેગા કરીને તમને ઠેકાણે લાવીશ..”

એમના ગયા પછી કલેક્ટરે સોગંદનામા પર નજર નાખી, તો નજર દાઝી જાય એવી કથની નીકળી. આ સોગંદનામાને જોયું- ન જોયું ન કરાય. પેલા અમલદારને એમણે સસ્પેન્ડ કરવાનું નક્કી કર્યું. તો બીજો સ્ટાફ આડો ફાટ્યો. હડતાળની ધમકી આપી. એટલે હવે વડનગર જઈને ડૉક્ટરને મનાવી લેવાનો જ રસ્તો રહ્યો. પછી ત્યાં ગયા અને માણસ દોડાવ્યું. કહેવડાવ્યું કે કલેક્ટર સાહેબ બોલાવે છે. તો ડોક્ટરે કહ્યું કે કે કલેક્ટરને ગરજ હોય તો મને મળવા આવે. મારે મળવા આવવાની હવે જરૂર નથી. કલેક્ટરે સમસમીને આ જવાબ સાંભળી લીધો, એને જખ મારીને જીપ લઈને મળવા ગયા કે “ડૉક્ટર , સૉરી. હું તમને ઓળખી શક્યો નહીં. હવે જે થયું તે. તમે મોટું મન રાખો. સોગંદનામું પાછું ખેંચો અને સાંભળો.”

કલેક્ટર બીજી સોગઠી અજમાવી. “એ અધિકારી હિંદુ છે અને એટલે મુસ્લિમ બાઈ સાથે લગ્ન કરીને હિંદુની સંખ્યામાં વધારો કર્યો છે. એટલા પૂરતી પણ એની આણ રાખો –“ ડૉક્ટર આ સાંભળીને ઊલટાના વધુ તપ્યા. બોલ્યા: “મારું હિંદુત્વ લાંચિયાને છાવરી ન શકે. એક જ શરતે સોગંદનામું, ફરિયાદ બધું જ પાછું ખેંચું, તે એ કે પેલા પાસેથી લાંચની રકમ પાછી ઓકાવો.”

અંતે એમ જ થયું. લાંચની રકમ પાછી કઢાવી. મીઠાઈવાળાને અપાવી, “ડૉક્ટર ” એક જણે પૂછ્યું, “તમારી જાણમાં આ એક કિસ્સો આવ્યો અને તમે આટલી ઝીંક ઝીલીને રૂપિયા પાછા અપાવ્યા. પણ બીજા એવા કેટલા બધા હશે ? તમે કોને કોને લાંચની રકમ પાછી અપાવશો, ને કોને ડૉક્ટર વસંત પરીખ જેવો બેલી મળશે?”

જવાબ નહોતો ડૉક્ટર પાસે. બસ, એક શૂળ ભોંકાઈ હૃદયમાં અને સિસકારો થયો જે કોઈએ સાંભળ્યો નહીં.

**** **** ***

1967. થોડા મિત્રોની સલાહ પડી કે “ડૉક્ટર, જો સેવા જ કરવા બેઠા, તો પછી આવી આવી સ્થાનિક થીગડીઓ ન ચાલે. વ્યાપક ક્ષેત્રમાં પહોંચો. બીજાં પાંચસો કામો છે. તમે ડૉક્ટર છો તો રહો,પણ રોગ માણસને જ નથી. જાહેર જીવનને પણ અનેક રોગ છે. રાજકારણમાં પારાવાર સડો છે. પ્રજાના પ્રશ્નોની મશ્કરી થાય છે. અમલદારી વહીવટી તંત્ર, ધારાસભા અને પ્રજા, એ ત્રણેય વચ્ચે કોઈ સુમેળ, સંકલન નથી. ઊલટાનું એક પ્રકારની ખાઈ છે. તમે જાઓ ત્યાં. અમારા પ્રતિનિધિ તરીકે ચૂંટીશું.”

“કોઈ પક્ષમાં નહીં જોડાઉં.” ડૉક્ટર બોલ્યા.

‘જરૂર પણ નથી. તમારા વિચારો ઉપર કંઠી બંધાઈ જાય.”

“મારી પાસે પૈસા નથી.પક્ષ વગર પૈસા કોણ આપે ?”

“અમે આપીશું.”

લેવાય ? ડૉક્ટરને વિચાર આવ્યો. કેટલા જોઈએ ? હિસાબ માંડ્યો. કેટલા મિત્રો ?ગણતરી કરી. માથાદીઠ કેટલા રૂપિયા ઉઘરાવવા? ગણિત માંડ્યું. બસ, પરિણામમાં મન પ્રફુલ્લિત થઈ ગયું. દરેક પાસેથી બે રૂપિયા ઉઘરાવવા. એટલા કાફી છે. આપણે રૂપિયા છ હજાર જોઈએ. કારણ કે આપણે રસોડાં નથી ખોલવાં, ચા-પાણી, નાસ્તાની જ્યાફતો નથી કરવી. નથી કરવાં ધગધગતાં ભાષણો. ન દેખાવો, ન નારાબાજી, નહીં હેલિકોપ્ટરમાંથી પત્રિકાનો વરસાદ, ભીંત પર ચિતરામણ પણ નહીં.

મિત્રોને જણાવ્યું કે દરેક જણ માત્ર બબ્બે રૂપિયા આપો. ચૂંટણી લડીશ. સૌનું સમર્થન તો હતું જ. બધાં આપ્યા. છ હજારની જરૂર હતી. એમાં એક શુભેચ્છક બહેને બેને બદલે પાંચસો સ્વૈચ્છિક મોકલ્યા. પણ ડોક્ટરે બે કાપીને ચારસો અઠ્ઠાણું પરત કર્યા – જરૂર જ નથી.

ચૂંટણી પ્રચાર માટે એ છ હજારના ફંડમાંથી ગામડે ગામડે ફર્યા, ત્યાં એક નબુ નામના ગામે એક નવતર અનુભવ થયો. એક માણસ આજુબાજુનાં અગિયાર ગામોમાં ફરીને પાછો ફરતો હતો ત્યાં પાદરમાં જ ડૉક્ટર વસંત ભટકાયા. ડોક્ટરે બે હાથ જોડીને કહ્યું : “ભાઈ, આપણે થાય તેટલો કંઠોપકંઠ મારો પ્રચાર કરજો. હું ચૂંટણીમાં ઊભો છું. ત્યાં તો પેલો શખ્સ ડોળા કાઢીને બોલ્યો: ”તમારો શેનો પ્રચાર ? હું તો અગિયાર ગામોમાં ગામોમાં ફરી ફરીને સૌને કહી આવ્યો છું કે આ ડૉક્ટરને તમારો મત હરગિઝ ના આપશો ! એવાને તે મત દેવાતા હશે ?”

“કેમ ?” ડોક્ટરે નવાઈથી પૂછ્યું : “મારો કાંઈ ગુનો ?”

ત્યાં તો પડખામાં કોણી મારીને એક જણ ડૉક્ટરના કાનમાં ગણગણ્યો :”અરે,આ તો એજ જણ, જેની બૈરીની પ્રસૂતિ વખતે લોહી ન મળવાને કારણે તમે જાતે તમારું લોહી આપેલું. જોયું ને ! માણસો કેવા નગુણા થાય છે ? ઉપકાર પર અપકાર!”

ત્યાં જ પેલા શખ્સે વાત સાંધી : “તમારો ગુનો એટલો જ કે તમે અમારા દેવતા છો. તમને અમારાથી ક્યાંય જવા દેવાય ? લોકોને તો મેં કહ્યું કે જેઓને ચૂંટીને ગાંધીનગર મોકલશો. તો આપણો અહીં બેલી કોણ ?”

ડોક્ટરે એને ખભે હાથ મૂક્યો. એની લાગણી અવળી દિશામાંથી પણ પહોંચતી હતી ખરી.

આમ છતાં ડૉક્ટર 1967ની ચૂંટણીમાં જીત્યા ત્યારે નબુ ગામમાં ગયા…. એ વખતે પેલી બાઈએ જાતે શીરો રાંધીને ડૉક્ટરને કોળિયો ખવરાવ્યો. જ્યારે એનો પતિ વિચારતો હતો કે વાદળું માથેથી હટીને ક્ષિતિજે જવા નીકળી ગયું. પણ હવે અહીં વરસનાર કોણ ? ડોક્ટરે સમજાવ્યું કે ભાઈ, ઘણી વાર વાદળાંએ પાણી ભરવા માટે પણ સમુદ્ર સુધી જવું પડતું હોય છે.

પણ ચુંટાયા પછી શું ?


(ક્ર્મશઃ)


લેખક સંપર્ક-

રજનીકુમાર પંડ્યા.,બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com

6 comments for “લ્યો, આ ચીંધી આંગળી : સંત વસંત (ભાગ ૨)

 1. પ્રફુલ્લ ઘોરેચા
  November 27, 2017 at 4:36 pm

  બહુ જ રસીલી વાત. આગળના હપ્તાની રાહ જોવી જ રહી.

 2. Piyush Pandya
  November 27, 2017 at 7:20 pm

  ‘ઘણી વાર વાદળાંએ પાણી ભરવા માટે દૂર સમુદ્ર સુધી જવું પડતું હોય છે.’ શું હૃદયસ્પર્શી પ્રયોગ છે! એકદમ શાતાદાયક લખાણ છે.

 3. November 28, 2017 at 5:13 am

  આવી વિભૂત્તિઓ ખરેખર હોય ? શંકા પડે છે !

 4. Ishwarbhai Parekh
  November 29, 2017 at 8:12 pm

  ગુજરાત માં વસંત પરીખ /રત્નપ્રભબેન જેવા ડોક્ટરો /નર્સો /સમાજસેવકો /દુઃખીઓના બેલી કેટલા હશે તેથી જ મારી ગુર્જરી મૈયા આટલી ઝાકમ ઝોળ છે રજનીભાઇ આવા રત્નો ની ખાણ માં થી આપ અમને સુખદ પળોમાં જીવાડો છો ,આવું બધું વાંચીયે /સાંભળીયે ત્યારે આપણો અવતાર એરે ગયો લાગે માણસ કેવું સેક્રીફાઈ કરી શકે !ગાંધી ની ધૂણી ની ઝાળ આવા કેટલાના જીવન માં લાગી ~બસ તમે લખતા રહો શોધતા રહો અમર જેવા નું જીવન ધન્ય બને .આજના ૨૧ મી સદી ના કળિયુગી માહોલ માં પવિત્ર ઝરણું કલકલ વહેતુ હોય તેમાં મન ઝાકોરી લેવાય .ખુબ અભિનંદન ..સાથે જયશ્રી કૃષ્ણ

 5. Mrs Priti Trivedi
  February 9, 2020 at 5:20 pm

  ધન્યતા અનુભવાય છે આવા વિરલાઓ ની વાત વાંચી ને પંડ્યા સાહેબ ને ખુબ ખુબ અભિનંદન આવા અદ્ભુત વ્યકિત ની ઝાંખી કરાવવાં માટે. ???

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *