અવલોકન : વૃક્ષ અને વેલી, ભાગ – ૧

Facebooktwitterredditpinterestlinkedinmail

સુરેશ જાની

વસંત ઋતુની શરૂઆત હતી. હું પાર્કમાં ચાલવા ગયો હતો. ચોમેર શિયાળાની ભુખ્ખડતાનું સ્થાન લીલીછમ હરિયાળીએ લઈ લીધું હતું. એક વૃક્ષ પર નજર ઠરી. એના થડને વીંટળાયેલી વેલીના લીલાં છમ પાન પણ દેખીતા રુક્ષ થડને લીલું છમ બનાવી રહ્યાં હતાં.

હું નજીક ગયો અને જોયું, તો વેલ થડને બાથ ભરીને વીંટળાયેલી હતી. મેં આ આલિંગનને તોડવા પ્રયત્ન કર્યો. પણ એ બહુ ગાઢ આશ્લેષ હતો! સખત પ્રયત્ન કરીને હું આમ કરવા સફળ થયો. પણ આ શું? ઠેકઠકાણે વેલીએ ઝાડના થડને વીંધીને, છેક અંદર સુધી મૂળ ઘાલ્યાં હતાં –  અને તે પણ અનેક ઠેકાણે. વેલને વૃક્ષના રસમાંથી પોષણ મળતું હતું. એ તો સાવ પરોપજીવી હતી. મહામહેનતે પેદા કરેલા ઝાડના જીવનરસનો તે મફતિયા ઉપભોગ કરતી હતી.

મેં એ વેલને કાપી નાંખી.

ગઈકાલે એક અઠવાડિયા બાદ ફરીથી હું એ જ વૃક્ષ પાસેથી પસાર થયો. મને વેલ તોડી નાંખ્યાની વાત યાદ આવી ગઈ. મને એમ કે, ‘મુળથી ઉચ્છેદન પામેલી એ વેલ મૃતઃપ્રાય જ થઈ ગઈ હશે ને?’

મારા આશ્ચર્ય વચ્ચે, એ વેલ તો મઝાથી વિલસી રહી હતી. ઊલટાંની વૃક્ષ ઉપર એ વધારે ઉંચે સુધી પહોંચી ગઈ હતી. મેં જ્યાંથી એને કાપી હતી, તેની નજીકથી બે એક ઈંચ જેટલો છેડો ફરીથી કાપ્યો. એ મુળ સાવ સુક્કાં લાગ્યાં. વૃક્ષની સંસ્થિતિએ (સિસ્ટમ) પોતાની બધી તાકાત લગાવી, મારી જેમ જ વેલને મફતનું પોષણ મેળવતાં અટકાવવા, નિષ્ફળ પ્રયત્ન કર્યો હતો.  દેખીતી રીતે, વેલનું પરોપજીવીપણું એના ફેલાવાને રોકવાના વૃક્ષના કે મારા પ્રયત્નોથી વધારે તાકાતવાન હતું.

અને મન વિચારે ચઢી ગયું ..

માનવસમાજને ભરડો નાંખી, એનાં રસકસ ચૂસી લેતી, આવી તો કેટકેટલી વેલીઓ હાજરા હજૂર હોય છે? પૂર્વગ્રહો, ધિક્કાર, ક્રૂરતા, સ્વલક્ષિતા, દુર્જનતા, વર્ગ વિગ્રહ, જાતિ અને જ્ઞાતિ ભેદ, ધાર્મિક અને વૈચારિક મત મતાંતરો, શારીરિક/ વૈચારિક/ આર્થિક હિંસા, અત્યાચાર, આતંકવાદ… ગણી ન ગણાય એટલી સામાજિક વિષ વેલો… એને ગમે તેટલી ઊખાડો, એમનું આક્રમણ તો તેમનું તેમ જ. એમાં મીનમેખ ફરક ન પડે. ભલે ને મહાન વિચારકો અને સંતો મથી મથીને મરી જાય. અનેક ઈસુઓ વધસ્થંભ પર ખીલે ઠોકાતા રહે. આ વિષવેલનો તો કોઈ અંત જ નહીં. ગમે એટલા અવતાર ઉપરવાળો ધારણ ન કરે, ‘શેઠની શિખામણ ઝાંપા સુધી’ જ રહેવાની?

એટલી જ આશાયેશ કે, જ્યાં સુધી મહેનત કરીને જમીનમાંથી છેક ટોચ સુધી પોષણ આપતું વૃક્ષનું જીવન તત્વ બળવાન છે; નાનકડા ઘાસનાં તણખલાનું તત્વ પણ પૃથ્વી પરના જીવનને પોષણ આપવાનો શ્રમ કરી રહ્યું છે; જ્યાં સુધી પાયાનો છેવાડાનો માણસ જિજીવિષા અને જીવન સંઘર્ષની સાથે સાથે પાયાનું પ્રદાન કરતો રહેશે; જ્યાં સુધી સમાજના મોભી જેવા ધિંગા સજ્જનો અને સન્નારીઓ અથાક પ્રયત્નોથી સમાજના પોતને સુરેખ રાખવા પ્રયત્નશીલ છે – ત્યાં સુધી જીવનની સતતતા અક્ષુણ્ણ રહેવાની છે.

સલામ એ મૂળને!  સલામ એ ઘાસના તણખલાને! સલામ એ પાયાના છેવાડાના અદના આદમીને! સલામ એ સમાજના મોભીઓને! સલામ એ માતૃત્વને! સલામ એ જીવનના પાયાના તત્વને !

——————————

ફરી પાછો ત્રણ મહિના બાદ હું એ જ વૃક્ષની પાસેથી પસાર થાઉં છું. વસંત ઋતુમાં કાપેલી વેલની યાદ આવી જાય છે. પ્રયત્ન કરીને એ જ આ વૃક્ષ છે કે કેમ, તે યાદ કરવા કોશિશ કરું છું. પણ યાદ કરવાની જરૂર જ નથી. વેલનો જમીન તરફનો કપાયેલો છેડો ઉડીને આંખે વળગે છે. આ જ એ વૃક્ષ અને આ જ એ કપાયેલી વેલ.

પણ આ શું? વેલ તો સાવ સુકાઈ ગઈ છે. સમ ખાવા બરાબર એક પણ પાંદડું નજરે ચઢતું નથી. તેના સુકાયેલાં પાંદડાં પણ સૂસવાતા પવનમાં ફેંકાઈ અને ખેંચાઈ ગયા છે. માત્ર જૂનું, મૃત અસ્તિત્વની ચાડી ખાતું, સુકાઈને ભંઠ થઈ ગયેલું તેનું પાતળું થડ જ માંડ માંડ ટકી રહ્યું છે. એણે ઝાડના થડમાં ખોસેલાં મુળ પણ સુકાઈને થડના રંગના બની ગયાં છે. જ્યાંથી કાપી હતી, તે જગ્યાથી ઉપર બે એક ફુટ સુધી તો એમાં સડો પણ થઈ ગયો છે; જાણે કે, ઉધાઈએ તેને ભરખી ખાધી ન હોય.

અને મન ફરીથી વિચારે ચઢી ગયું.

માનવ સમાજને કોરી ખાતી વિષવેલોને જો મૂળમાંથી કાપી નાંખવામાં આવે તો તેમનો પ્રભાવ ખાળી અને ટાળી શકાય છે. શું છે આ મૂળ? ક્યાં છે એ? આપણે ધ્યાનથી ચિંતન કરીશું તો એ સ્પષ્ટ જણાશે કે માનવજીવનના, માનવસમાજના મોટાં ભાગનાં દુઃખોનું મૂળ માનવ સ્વભાવ, માનવ મન જ છે ને?

આર્થિક ભ્રષ્ટાચારની જ વાત લો. લાંચ રૂશ્વત, સગાંવાદ, જાતિવાદ આ બધાંના મૂળમાં આપણી સ્વાર્થવૃત્તિ જ છે ને? આપણે સમાજને, સરકારને, નેતાઓને આ માટે બદનામ કરીએ છીએ. પણ લાંચ લેનાર છે, તેટલી જ વાસ્તવિકતા એ છે કે, લાંચ આપનાર પણ છે જ.

ધાર્મિક ક્ષેત્રે પ્રવર્તમાન સડાને સૌ વગોવે છે. પણ એને પોષનાર કોણ છે? આપણા જેવા સામાન્ય માણસો જ ને? પરલોક સુધારવાની આશા, અને દુઃખોથી મુક્તિ મેળવવાની આપણી લાલસા આ બધા તકસાધુઓને ઉત્તેજન આપતાં બંધ થઈ જાય તો?

વેલને મૂળથી કાપીએ તો જ થડના રસકસ ચૂસાતાં અટકે. આપણી સ્વાર્થવૃત્તિને કોરાણે મૂકીએ તો જ નીતિ-પરાયણ સમાજનું વૃક્ષ મહોરે. બાકી તો આ પેરડી જ જીવન ચાલક તત્વનું ગાન !નું ગાન !

મફતમાં જે મળ્યું તેને સ્વીકારી લે અરે! માનવ
મળ્યું કે ના ફરી મળશે, તરત ખીસ્સું ભરી લેજે.

‘દુનીયાની જુઠી વાણી ખરું છે સત્ય.’ માની લે
કરોડો માછલાં ધોવાયાં, સાચું બોલવા માટે..

ફરી આવી તકો ના સાંપડે તુજને, ગ્રહી લેજે
ઘડી આવી મહામુલી, લગીરે રાહ ના જોજે.

જગતના આ પ્રપંચોમાં, નથી સ્વાશ્રય તણો મહીમા,
બીજાનાં સો પરાક્રમને સુખે તું પોતીકાં ગણજે.

પ્રભુની એ કૃપા માની, મફતને મસ્તકે ધરજે
‘કદી વહેંચી ન ખાવું. ‘  તે મહા નીર્ણય કરી લેજે.

ડુબે ના કોઈ’દી તું, સમંદર સો તરી જાશે
બીજાનાં ટાંટીયા ખેંચી, સવાયો શેર તું થાજે.

હજારો હોડીઓ હાજર, હરખની તું હવા ખાજે
હલેસાં મારવાની વાતને તું મુર્ખતા ગણજે.

હવે રાજા થયો તું તો, મુછોને તાવ તું દેજે
સવારથના મહા આનંદનો, માથે મુગટ ધરજે.


શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ
· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના
· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *