કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૧૬

Facebooktwitterredditpinterestlinkedinmail

નયના પટેલ

એક વખત હતો જ્યારે સરલાબહેનના દાદાની કાપડની મોટી મિલ હતી. ત્યારે તો એમનાં બાપુજી-જગુભાઈનાં લગ્ન પણ નહોતાં થયાં. બાપુજી વાત કરતા તેના પરથી જાણ્યું હતું કે ઘરમાં દોમ દોમ સાહ્યબી હતી. પરંતુ જે દિવસે જગુભાઈના લગ્ન હતાં તે જ દિવસે મિલમાં ભયાનક આગ લાગી, વળી તે જમાનામાં વીમો ઉતરાવવાની પ્રથા એટલી પ્રચલિત નહોતી. લેણદારોને ભરપાઈ કરતાં કરતાં મકાનો, ગાડીઓ, ઘરેણાં બધું જ ખરાબ સ્વપ્નની જેમ સરી ગયું. એક ભાડાની ખોલી પણ મિલના ભૈયાએ ભલામણ કરી ત્યારે મળી. સુખમાં સલામ કરવા વાળા સૌ બીજા પૈસાવાળાને સલામ કરવા ઉપડી ગયા હતાં. સ્વમાની દાદા હરજીભાઈ પછી ઝાઝું જીવ્યા નહીં. મિલની આગ તો બુઝાઈ ગઈ, પરંતુ ઘરમાં પગ માંડતા જ મિલમાં લાગેલી આગને લીધે ‘અપશુકનિયાળ’ના આળની આગમાં સરલાબહેનની બા-શાંતાબહેનને તેમના સાસુએ આખી જિંદગી બાળ્યાં. પારાવાર આર્થિક ભીંસમાંય બાપુજીએ ચારેય બાળકોને ભણાવવા તનતોડ પ્રયત્ન કર્યો પરંતુ આખરે હારીને બન્ને છોકરીઓને મેટ્રિક પછી ઉઠાડી લેવી પડી. મોટા દીકરા દીનુએ બાપુજીની સ્થિતિ સમજીને પોતે જ ભણવાનું મૂકી દીધું અને એક કંપનીમાં ક્લાર્કની નોકરી સ્વીકારી લીધી. એટલે સૌથી નાનો સુમન જ્યારે હાઈસ્કુલમાં આવ્યો ત્યારે મોટાભાઈની કમાણી બાપુજીની કમાણીમાં ટેકો દેવા માંડી હતી. શાંતાબહેન અને બન્ને દીકરીઓ સાડીનાં ફૉલ-સ્ટીચ કરતાં. સરલા અને મોટીબહેન કલાએ મળ્યાં એટલા ટ્યૂશનો કર્યાં. દિનુના લગ્નની ઉંમર વીતી જતી હતી પરંતુ ગરીબ ઘરે કોણ એટલું જલ્દી દીકરી આપે ?

વળી બે દીકરીઓનાં હાથેય પીળાં કરવાના હતાં ! સરલાબહેને જે રીતે પોતાના મા-બાપને આંસુ વગર રડતાં જોયા છે, તે રૂદને છોકરીઓ માટે પતિની પસંદગીનો અવકાશ જ ક્યાં રાખ્યો હતો ? જે વ્યક્તિએ ‘હા’ કહી તેમની સામે પણ જોયા વગર બન્ને દીકરીઓ પરણી ગઈ !

મા-બાપની ‘હાશ’ મોટી હતી કે મા-બાપનો ભાર હળવો કર્યાનો દીકરીઓનો ‘હાશકારો’ મોટો હતો તે કહેવું મુશ્કેલ હતું. મોટી કલાને આછું-પાતળું જ ઘર મળ્યું પરંતુ સરલાનાં નસીબની સૌને ઈર્ષ્યા આવી- ‘ લે, આતો અફ્રિકા જવાનીને !’

મનમાં ભારેલા અગ્નિની જેમ પડેલી યાદો ઉપરથી આમ તો સરલાબહેન જલદી રાખ ખસેડતાં નથીઃ પરંતુ પરિમલભાઈના આગમનથી એમની યાદો આળસ મરડીને બેઠી થઈ ગઈ .

ખોલીમાં માંડ માંડ ગુજારો કરતાં જગુભાઈની, ચાલીમાં રહેવા જવાની ત્રેવડ તો નહોતી પરંતુ પરિમલભાઈના પિતા કુમારભાઈ જગુભાઈનાં મિત્ર. આમ તો કુમારભાઈ હરજીભાઈ (જગુભાઈના પિતા)ની મિલમાં મોટા હોદ્દા પર હતાં. અને ત્યાં મેળવેલા અનુભવને લીધે, હરજીભાઈની મિલમાં આગ લાગ્યા પછી, બીજી એક મોટી મિલમાં ખૂબ સરસ નોકરી મળી ગઈ હતી. તેમણે હરજીભાઈનો ઉપકાર યાદ રાખ્યો હતો.

જે ચાલીમાં તેઓ રહેતા હતા તે ચાલીની રૂમો જેમ જેમ ખાલી થતી ગઈ તેમ તેમ કુમારભાઈ એ બધી રૂમો ખરીદતાં ગયા અને પોતાના વિશ્વાસુ લોકોને તે ભાડે આપવા માંડ્યા હતાં. એ જ રીતે જગુભાઈનો ઉપકાર યાદ રાખી તેમણે નજીવી કિંમતે ચાલીની બે રૂમ ભાડે આપી તેમને પડોશી બનાવી લીધા હતા. કુમારભાઈમાં વેપારી દ્રષ્ટિની સાથે સાથે પરગજુ હૃદય પણ હતું.

આગળના રૂમનું બારણું ખૂલવાનો અવાજ આવતાંની સાથે સરલાબહેનના મનમાં ઊગેલી યાદો, લજામણીના છોડની જેમ બિડાઈ ગઈ.

ધનુબા સિરિયલ જોતાં જોતાં ક્યારે સોફા પર સૂઈ ગયા હશે કોને ખબર ?

પબમાંથી પાછા ફરેલા મનુભાઈએ ઈસ્ત્રી કરેલાં કપડાનો ઢગલો જોઈ મજાક કરતાં કહ્યું, ‘ વાહ, ધોબણ, તારી ઝડપ તો કહેવી પડે !’

યંત્રવત ઈસ્ત્રી કરલા કપડાંનો ઢગલો જોઈને સરલાબહેનને પણ નવાઈ લાગી.

તેમના જીવનની પથરાળ જમીનમાં અલ્લડ ફૂટી નીકળી હતી યાદોની સરવાણી ! જેમાં તરતી જોઈ હતી બચપણની કાગળની થોડી હોડીઓ. સઢ વગરની કાગળની હોડીઓ તો ક્યાંય અદ્રષ્ય થઈ ગઈ !

તેમણે ઘડિયાળ તરફ જોયું, અરે બાપરે, બાર વાગી ગયા ?

ધનુબાને ઉઠાડી ઉપર મોકલ્યાં અને ઈસ્ત્રી કરેલાં કપડાં ત્યાં જ રહેવા દઈ સરલાબહેન સૂવા ગયા.

મનુભાઈ રોજની ટેવ મુજબ બારી-બારણાં ચેક કરી સૂવા ગયા.

મનુભાઈ રૂમમાં આવ્યા એટલે ‘જેશ્રીકૃષ્ણ’ કહી સરલાબહેને આંખ મીંચી સૂવાની તૈયારી કરી.

પરંતુ પરિમલભાઈને જોયા ત્યારથી મનુભાઈનાં મનમાં મૂઝાંતો પ્રશ્ન કોઈ પણ સંદર્ભ વિના અચાનક ફૂટી નીકળ્યો, ‘ સરલા, આટલા હોંશીયાર પડોશીને મૂકીને મને કેમ પરણી ?’

સરલાબહેન તો બંધ આંખે સાંભળેલી અણધારી આ વાતથી એક ઝાટકે આંખો ખોલીને મનુભાઈને તાકી રહ્યા. મનુભાઈ ગંભીર હતા. પરિમલભાઈની સરલાબહેન સાથે નીકળેલી વર્ષો જૂની ઓળખાણથી તેમના મનનાં ખાબોચિયામાં શંકાનો કીડો સળવળ્યો.

મનુભાઈએ પૂછેલા પ્રશ્નમાંથી ઊઠેલા શંકાનાં વમળમાં સરલાબહેન અચાનક ધકેલાઈ ગયા તેથી જવાબ આપતા પહેલા તો તેમનો શ્વાસ રૂંધાવા લાગ્યો. મનુભાઈ કપડાં બદલી બેડમાં તેમની જગ્યાએ માથા નીચે બે હાથ રાખી સૂતા અને સરલાબહેનની સામે જોયા વગર જ તેમના જવાબની રાહ જોતા રહ્યા. સરલાબહેન આવા કોઈ પ્રશ્ન માટે તૈયાર નહોતાં. એ પ્રશ્નની અંદર સળવળતી શંકાને આરોપ સમજવો કે માત્ર સીધો સાદો સવાલ તે સરલાબહેન નક્કી કરી શક્યા નહીં.

રૂમમાં ફરી વળેલી ચુપકીદી ભયંકર હતી. મનુભાઈની પુરુષ સહજ ઈર્ષ્યાને ઓળખીને મનને સ્વસ્થ કરતાં સરલાબહેનને ખાસ્સી વાર લાગી. તેમને ખ્યાલ આવ્યો કે જો આજે અને હમણાં જ આ શંકાના કીડાને કચડી નહીં નાંખવામાં આવશે તો તેને ભોરિંગ બનતા વાર લાગશે નહીં.

સરલાબહેન તેમની જગ્યાએથી ઊઠી અને મનુભાઈની સામે જઈને બેઠાં. તેમની આંખોમાં આંખ મેળવી સરળતાથી અને જરાય થડક્યા વગર એકદમ સ્પષ્ટ અવાજે કહ્યું, ‘ આપણા જમાનામાં જ્યાં ૧૨-૧૩ વર્ષની ઉંમરે વિજાતીય વ્યક્તિ માટે ગમો-અણગમો પારખવાની પણ ગતાગમ નહોતી, ત્યાં પ્રેમ થઈ જવાની વાત તો સ્વપ્નમાં ય નહી આવે. બીજું ૧૨-૧૩ વર્ષની ઉંમરે લગ્ન કરી નાંખે તેવા મારા મા-બાપ અભણ કે જૂનવાણી નહોતાં. પરિભાઈના કુટુંબથી છૂટાં પડ્યાં પછી અમે કોઈ… ક્યારેય….(શબ્દો છૂટા પાડી બોલ્યા) ફરી મળ્યાં નથી એટલે તમને આવ્યો એવો વિચાર મારા બા-બાપુજીને પણ આવ્યો નહીં જ હશે.’

રૂમમાં સરલાબહેનનાં દ્રઢતાથી બોલાયેલા શબ્દોમાંથી નીતરતી નિર્દોષતાએ મનુભાઈની શંકાને સાવ જ વામણી બનાવી દીધી. મનુભાઈ ક્ષણ માટે નીચું જોઈ ગયા. ઊઠવા જતાં સરલાબહેનનો હાથ પકડી અપરાધ ભાવથી છલોછલ અવાજે મનુભાઈએ આજે બીજી વાર સરલાબહેનને સાચા અંતરથી ‘ સૉરી ‘ કહ્યું.

મનુભાઈનું ‘ સૉરી ‘ સરલાબહેનની ઉદાસીના પર્ણ પરથી પાણીની જેમ સરી ગયું. આંખો બંધ હતી બંનેની, પરંતુ અલગ અલગ ભાવોથી ઊભરાતું મન સૂવાનું નામ નહોતું લેતું. સરલાબહેને માંડ માંડ મળેલી હળવાશની લાગણીના કટોરામાં શંકાના ઝેરનું ટીપું પડતું અટકાવ્યું તો ખરું પરંતુ તેની સાથે જ પોતાની નિર્દોષતાને સાબિત કરવી પડ્યાની અસહ્ય વેદનાથી તેમનું મન કણસી ઊઠ્યું. સીતા ભૂમિમાં સમાઈ ગઈ હતી એ સાંભળ્યું હતું, આજે સરલાબહેનને સમજાયું કે તે જરુર તેનાં પોતાનાં જ મનની મરુભૂમિમાં સમાઈ ગઈ હશે !

થઈ ગયેલી ભૂલનો પસ્તાવો કરતાં કરતાં મનુભાઈ ઊંઘમાં સરી પડ્યા પરંતુ સરલાબહેન સવાર સુધી પડખાં બદલતાં રહ્યાં. યુવાનીને પ્રથમ પગથિયે પગ મૂક્યો ત્યારે એક વ્યક્તિ મનને ગમવા માંડી હતી. આંખોએ મનને વાત કરી એટલે મન તો સપ્ત રંગે ઝગમગવા માંડ્યું હતું, પરંતુ કુટુંબની આર્થિક પરિસ્થિતિને સમથળ કરવા મથતાં બાપુજી, એમને ટેકો દેવા મથામણ કરતી બા અને અકાળે પુખ્ત બની ગયેલાં એ ચારેય ભાંડુડાંઓ, મનને મારીને જીવતાં શીખી ગયાં હતાં ! એટલે પેલા સપ્તરંગને કાળા ડિબાંગ રંગમાં ડૂબાડી મનને સમજાવી દીધું હતું કે, ‘ ગરીબ મા-બાપની દીકરીને એ બધું ન પરવડે !’

બસ, પછી તો મનુભાઈ સાથે લગ્ન થયાં ત્યાં સુધી અને ત્યારે પણ કરિયાવર નથી માંગ્યો તેની નિરાંતમાં, ઓછું ભણેલો પતિ, ‘સાસુ’ બનવા સજ્જ ધનુબા કે સૌને છોડીને હંમેશ માટે દૂર દૂર પરદેશમાં જતા રહેવું પડશે-એ બધું જ સાવ જ ગૌણ બની ગયું !

આ ઉંમરે પતિને ઊઠેલા ક્ષણભરનાં વહેમે તેમને જે પીડા આપી તે સહેવાની ભગવાનને પ્રાર્થના કરતાં કરતાં વહેલી સવારે સરલાબહેનને ઝોકું આવી ગયું.

મનુભાઈને શૉપ પર જવાનું હોઈ સમયસર ઊઠી ગયા. આગલી રાતની ક્ષણો પાછી સળવળી ઊઠે નહી તેની તકેદારી રાખતા હોય તેમ આસ્તેથી તૈયાર થઈ સરલાબહેન તરફ એક નજર નાંખી મનુભાઈ બહાર નીકળી ગયા.


ક્રમશઃ


સુશ્રી નયનાબહેન પટેલનું વીજાણુ સંપર્ક સરનામું: ninapatel47@hotmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *