સપનાં જોવાનું છોડશો નહીં

Facebooktwitterredditpinterestlinkedinmail

સઈદ શેખ

આજની દોડધામવાળી  જિંદગીમાં લોકો સપનાં જોવાનું ભૂલી ગયા હોય એવું લાગે છે. રાત્રે અબોધ મનમાં આવતાં સપનાંની આ વાત નથી. એ તો દિનભર જે કાર્યો કે વિચારો આપણે કરીએ છીએ એના અનુસંધાનમાં મન પોતે જ કાલ્પનિક વિશ્વમાં લઈ જાય છે. એના ઉપર આપણો કોઈ કાબૂ નથી. અહીં વાત કરવી છે આપણે પોતે ધારેલાં સપનાંની, જેને આપણે ખુલી આંખોએ જોઈએ છીએ અને જેને દિવાસ્વપ્ન કહેવામાં આવે છે. આજના તણાવ વધારનારા યુગમાં સપનાંઓ પ્રેશર રીલીફ વાલ્વ જેવું કામ કરે છે.

તમારી પાસે જે નથી અને તમે એને મેળવવા માગો છો અથવા તો એ વસ્તુ તમારી પાસે હોય તો કેવું એ વિચાર જ મનને ટાઢક આપે છે. શક્ય છે કે આવા વિચારો ઉપર ધ્યાન કેન્દ્રિત કરો તો એક દિવસ એ વસ્તુ તમારી પાસે હોય પણ ખરી, કારણ કે આપણું અબોધ મન શરીરના ચેતાતંત્રને એ સપનં પૂરૃં કરવા માટે જે કાર્ય કરવાનું છે એની સતત પ્રેરણા આપે છે, તમારી જાણ બહાર જ,  અને તેથી જ સપનાં જોતા રહો. સપનાં જોવાનું છોડશો નહીં. સપનાં છે તો જીવન છે. જેઓ સપનાં જુએ છે તેઓ જ સફળ થાય છે. વળી એટલું જ નહીં બીજાને ફાયદો પણ પહોંચાડે છે. એનાં ઘણાં ઉદાહરણો આપણી પાસે છે. ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ ટેકનોક્રેટ સામ પિત્રોડાની મદદથી ભારતમાં સંચાર ક્રાંતિનું સપનું જોયું અને પૂરૃં કર્યું. ધીરૃભાઈ અંબાણીએ સપનું જોયું હતું કે દરેક ભારતીય પાસે મોબાઈલ ફોન હોય. રીલાયન્સે એ સપનું પુરૃં કર્યું અને આજે મુકેશ અંબાણી પોતાનાં સપનાંને જીવી રહ્યા છે. દરેક ભારતીય ઇન્ટરનેટ વાપરતો થઈ જાય એમનું સપનું પુરું થઈ રહ્યું છે. રતન ટાટાએ મધ્યમ વર્ગના માણસ પાસે પણ કાર હોય એ સપનું જોયું હતું અને ટાટા નેનોએ એ સપનું પુરું કર્યું. બિલગેટ્સનું સપનું હતું કે દુનિયાના દરેક માણસ પાસે કોમ્પ્યુટર હોય અને માઈક્રોસોફ્ટે એ સપનું પુરું કર્યું.

સપનું એક માણસ જુએ છે, જેનો લાભ એને પોતાને તો મળે જ છે; પરંતુ સમાજ અને દેશને પણ મળે છે. સપનાં જોવામાં આમ તો ફાયદો જ છે. એમાં નુકસાન શું છે? તો પછી સપનાં નાનાં શા માટે જોવાં? મોટાં જ જોવાં જોઈએ. આપણું સપનું સાકાર થશે, તો બીજાને પણ લાભ થશે અને સાકાર નહીં થાય તો બીજાને નુકસાન થવાનું નથી. એમને ખબર પણ પડવાની નથી કે આપણું જે તે સપનું હતું. સપનું તમારી નવી દુનિયાના નિર્માણનું પ્રથમ પગલું છે. તમે તમારી કેવી નવી દુનિયાનું નિર્માણ કરવા ઇચ્છો છો, એ તમે કેવાં સપનાં જુઓ છો એના ઉપર આધાર રાખે છે.

આ દુનિયામાં જેટલા પણ સુંદર ઈમારતો, શિલ્પો, મૂર્તિઓ, ચિત્રો કે કલાકારીગરીના શ્રેષ્ઠ નમૂના છે એ ક્યારેક તો કોઈના સપનામાં જ હતા. કોઈપણ રચના ધરતી ઉપર અસ્તિત્વમાં આવે છે એ પહેલાં એના રચનાકારની કલ્પનામાં હોય છે. પછી પેન્સિલ દ્વારા કાગળ ઉપર અને ત્યાંથી ધરતી ઉપર એનું નિર્માણ થાય છે. એટલે સપનાંની અવગણના કરશો નહીં. આજની આધુનિક શોધો દ્વારા આપણે જે સુખસગવડો ભોગવી રહ્યાં છીએ એ એમના શોધકોનાં સપનાંને આભારી છે.

સપનાં જોવાનો અર્થ એ છે કે દિવસમાં ઘણી વખત તમારી પોતાની કલ્પનાઓ અને ઇચ્છાઓ દ્વારા તમારા માનસપટલ પર પિકચર કે મુવી જેવું સર્જાતું હોય એવો થાય છે. સપનાં આડેધડ ન જોવાં જોઈએ. નિષ્ણાતો કહે છે કે તમે શું મેળવવા માગો છો, એના વિશે જ સપનાં જુઓ. તમે તમારાં સપનાંના સર્જક છો – સ્થપતિ છો. તમને જીવનમાં ઘણું બધું મેળવી લેવાની ઇચ્છાઓ હશે, પરંતુ સપનામાં કોઈ એક બાબત ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરો. ઘણી બધી બાબતો એકસાથે વિચારી મનને મુંઝવણમાં મૂકશો નહીં. એક નવયુવાનને સફળતા વિશે સોક્રેટિસે સલાહ આપી હતી કે જીવવા માટે જેમ ઓક્સિજનની સખત જરૂર છે એમ તીવ્ર ઇચ્છા નહીં રાખો તો સફળતા મળશે નહીં. ‘ઇચ્છાધારી સપનાંઓ’ જોશો નહીં તો એ વાસ્તવિકતામાં બદલાશે પણ નહીં. અમેરિકન કવિ કાર્લ સેન્ડબર્ગ તો કહે છે કે સપના વિના કશું જ નિર્માણ પામતું નથી.

માણસે સપનાં જોવાનું ચાલુ રાખવું જોઈએ. એમ લાગે છે કે હું તો ઘણાં વર્ષોથી આ સપનું જોઉં છું, પરંતુ પુરું થતું નથી, ત્યારે પણ ધીરજ રાખજો; કેમ કે સપના જેવું વાસ્તવિક બીજું કશું નથી. તમારી આસપાસનું વિશ્વ બદલાઈ શકે છે, પરંતુ તમારા સપનાં નહીં. જવાબદારીઓ એને નાબૂદ નથી કરી શકતી, કારણ કે સપનું તમારી અંદર હોય છે. એને બીજો કોઈ માણસ છીનવી શકતો નથી. આ મંતવ્ય પ્રસિદ્ધ લેખક ટોમ ક્લેન્સીનું છે.

આપણાં મોટાભાગનાં સપનાં પૂરાં થતાં નથી એ પણ એક વાસ્તવિકતા છે, કારણ કે આપણે એવા લોકોની વચ્ચે જીવીએ છીએ જેઓ બીજાઓનાં સપનાંઓને છીનવી લેવા કે નષ્ટ કરવામાં લાગેલા હોય છે. સપનાં જોનારા આવા સ્વપ્નદૃષ્ટાઓને એવા સ્વપ્નનષ્ટાઓ સાથે સંઘર્ષમાં આવવું પડે છે. અનુભવ કરવો હોય તો સપનાંઓ વિશે તમારા મિત્રો, સ્વજનો કે અંગત માણસોને વાત કરી જોજો; જેથી સત્ય સમજાઈ જશે. તમને નિરાશા જ હાથ લાગશે. પરંતુ જો તમે તમારાં સપનાંને વળગી રહેશો તો એક દિવસ એ જરૂર પૂરાં થશે. એ માટે તમારે તમારી સ્ટ્રેટેજી કે યુક્તિઓ બદલવી પડશે. સ્વપ્નદૃષ્ટાઓ પોતાનું સપનું જીવે છે એટલા માટે નહીં કે તેમની સામે કોઈ પડકારો હોતા નથી, પરંતુ એટલા માટે કે આ પડકારોને પહોંચી વળવા માટેની ઘણી યુક્તિઓ એમની પાસે હોય છે.

સ્વપ્નદૃષ્ટાઓ સફળ થાય છે, કારણ કે તેઓ કામ કરે છે. તેઓ શિસ્તવાળા હોય છે અને કુરબાની આપે છે. જે લોકો નિષ્ફળ જાય છે એમણે મનન કરવું જોઈએ કે ત્રુટિ ક્યાં રહી ગઈ. આ વિશ્વમાં સૌથી મુશ્કેલ બાબત હોય છે, કોઈપણ કાર્યની શરૂઆત કરવાની. પરંતુ જો એકવાર શરૂઆત થઈ જાય તો આગળનો માર્ગ સરળ થઈ જાય છે. મોટાભાગના લોકો મોટી મોટી વાતો કરે છે, મોટાં સપનાં જુએ છે; પરંતુ એક નાનકડી પણ શરૂઆત જ કરતા નથી. નાનકડા કાર્ય થકી જ મોટાં કાર્યોની શરૂઆત થાય છે, આટલી સાદી વાત તેઓ સમજતા નથી. પરિણામે એમનાં સપનાં પૂરાં થતાં નથી. લીન ગોલ્ડ બ્લેટે યોગ્ય જ કહ્યું છે, “સફળતા એ સપનાંઓ અને સખત પરિશ્રમનું સંમિશ્રણ છે.”

જો તમે સપનાને માત્ર સપનું જ સમજતા હોવ તો જેમ્સ એલનનું સૂત્ર યાદ રાખજો : “સપનાંઓ વાસ્તવિકતાના બીજમાંથી અંકુરિત થયેલા છોડ છે.” તેથી જ તો સપનાં જોવાનું છોડશો નહીં, નહિતર તમે જિંદગી જીવવાનું છોડી દેશો.

 

* * *

સંપર્ક સૂત્રો :

ઈ મેઈલ  –  saeed shaikh <msaeed181@gmail.com>
મોબાઈલ – 96240 46677

* * *

(ભાઈશ્રી સઈદ શેખ અમદાવાદના વતની છે. તેઓશ્રી સિવિલ એન્જિનિયર, લેખક અને ફોટોગ્રાફર છે. તેમણે સપનાં જોવાં’ અંગેનો લેખ ‘વેબગુર્જરી’ ઉપર પ્રસિદ્ધ કરવાની સંમતિ આપી તે બદલ તેમને ધન્યવાદ. –‘વેગુ’ સાહિત્ય સમિતિ)

3 comments for “સપનાં જોવાનું છોડશો નહીં

 1. November 26, 2017 at 11:53 pm

  પૂરક પરિચય : તાજેતરમાં જ સઇદભાઈનાં બે પુસ્તકો; ‘સફળતાનાં સોપાન’ અને ‘મધ્યયુગના પ્રસિદ્ધ મુસ્લીમ વૈજ્ઞાનિકો’ પ્રગટ થયાં છે.

 2. November 27, 2017 at 9:13 am

  વેબ ગુર્જરી પર મારો આ પ્રથમ લેખ પ્રકાશિત કરવા બદલ, સંપાદક ગણ અને વિશેષત મુરબ્બી શ્રી વલીભાઈ નો આભાર માનું છું.

 3. November 28, 2017 at 5:17 am

  જો તમે તમારાં સપનાંને વળગી રહેશો તો એક દિવસ એ જરૂર પૂરાં થશે.

  કદાચ એમ ન પણ થાય. પણ સપનાં માટે ઝઝૂમવાનો આનંદ અમૂલ્ય હોય છે. ભૌતિક, વૈચારિક અને આધ્યાત્મિક ક્ષેત્રે માનવ જગતમાં જે પ્રગતિ થઈ છે, તે સપનાંને કારણે જ થઈ છે. નહીં તો માણસ હજુ પશુ અવસ્થામાં જ રહ્યો હોત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *