





–પીયૂષ મ. પંડ્યા
આપણે છેલ્લા ત્રણ હપ્તામાં વાઈરસ- વિષાણુઓ- વિશે પ્રાથમિક માહિતી મેળવી. આ શૃંખલામાં આપણો હેતુ જે તે સુક્ષ્મ સજીવો વિશે પરિચય કેળવવાનો છે. અહીં ચર્ચાતી વિગતો સર્વભોગ્ય બની રહે એ માટે થઈને ક્લિષ્ટ બની રહે તેવી વિગતો ટાળી છે, આજની કડીમાં આપણે આ વિશિષ્ટ પ્રકારની હસ્તિઓનાં માનવજાત માટેના મહત્વનાં કેટલાંક પાસાંઓની વાત કરીએ.
સૌ પ્રથમ યાદ કરી લઈએ કે વાઈરસની સૃષ્ટી પ્રાણીય વાઈરસ, વાનસ્પતિય વાઈરસ અને બેક્ટેરિયલ વાઈરસ એમ ત્રણ મુખ્ય પ્રકારોમાં વહેંચાઈ જાય છે. પ્રાણીય પ્રકારનાં વાઈરસ પૈકીનાં મનુષ્યજાત સાથે સંકળાયેલાં વાઈરસ વિવિધ પ્રકારના રોગો માટે જવાબદાર હોય છે. સૌથી સામાન્ય અને સૌથી વ્યાપક છે શરદી. આ ઉપરાંત પોલીઓ, કમળો, એઈડ્સ, વિવિધ પ્રકારના ફ્લ્યુ, ઓરી, અછબડા, ગાલપચોળીયાં, હડકવા, કેટલાંક કેન્સર્સ વિગેરે રોગોને ગણાવી શકાય. એક જમાનામાં જેની ભયંકરતા એવી હતી કે મોટા ભાગનાં લોકોએ એને દૈવી પ્રકોપનો ભાગ ગણાવ્યો, એ શીતળાનો રોગ પણ વાઈરસજન્ય છે. આમ જોતાં લાગે કે જેનું સજીવ હોવું પણ કામચલાઉ છે, એવી આ અતિશય સુક્ષ્મ હસ્તિઓ અત્યંત સામાન્યથી લઈને માનવજાતને ધ્રુજાવી દે એવી ખતરનાક અને જીવલેણ બિમારીઓ લગાડી શકે છે.
પણ, મુશ્કેલીને અવગણી, એને માટે જવાબદાર પરિબળોને પોતાના ફાયદા માટે ઉપયોગે લેવાં એ માનવજાતની ખાસિયત રહી છે. ઉપર જણાવ્યા એ પૈકીના મોટા ભાગના રોગો માટે જવાબદાર એવાં વિષાણુઓના ચેપ સામે રક્ષણ આપે એવી રસીઓ બનાવવા માટે જે તે રોગકારક વિષાણુઓનો જ ઉપયોગ કરવામાં આવે છે! આવી રસીનો જ પ્રતાપ છે કે શીતળા જેવા ભયંકર રોગને સંપૂર્ણપણે નાબૂદ કરી શકાયો છે. રસી એટલે શું એ સમજવા માટે થોડો ઇતિહાસ અને થોડું વિજ્ઞાન ચર્ચી લઈએ.
અઢારમી સદીના ઉત્તરાર્ધમાં ઈંગ્લેન્ડમાં જ્યારે શીતળાનો રોગ વ્યાપક પ્રમાણમાં ફેલાયેલો હતો, ત્યારે કેટલાક ચિકીત્સકોના ધ્યાન ઉપર એક રસપ્રદ બાબત આવી. જે લોકો પશુપાલનના વ્યવસાયમાં હતાં અને ગાયોના સંપર્કમાં રહેતાં હતાં એમને શીતળાનો રોગ થતો તો હતો પણ એ પ્રમાણમાં હળવો હતો. આ રોગનો ભોગ બનેલાંઓને પણ શરીર ઉપર ચાંઠાં પડતાં હતાં અને એ પાકી જતાં એમાંથી પરૂ જેવું પ્રવાહી દ્રવ્ય પણ નીકળતું રહેતું હતું. પણ, એ રોગ ઘાતક નીવડતો ન હતો. સમય જતાં રોગનું જોર ઘટતું જતું હતું અને રોગી સંપૂર્ણ સ્વસ્થ થઈ જતો હતો. અને સૌથી મહત્વની બાબત તો એ હતી કે એક વાર જેને ગાય દ્વારા ફેલાતો શીતળાનો રોગ લાગુ પડે એવા લોકોને મનુષ્યો દ્વારા ફેલાતા શીતળાનો ચેપ લાગતો ન હતો.
એ જ અરસામાં ત્યાંના ચિકીત્સક એડવર્ડ જેનરે આ નિરીક્ષણના આધારે વિચાર્યું કે જો કોઈ સ્વસ્થ માણસને ગાય દ્વારા ફેલાતા શીતળાનો ચેપ લગાડી દેવામાં આવે તો એ વ્યક્તિ મનુષ્યો દ્વારા ફેલાતા શીતળા સામે ભયમુક્ત થઈ શકે. લાંબા મનોમંથન પછી એણે સને ૧૭૯૬માં આ બાબતે અખતરો કર્યો. ગાય દ્વારા ફેલાતા શીતળાનો ભોગ બનેલી સારાહ નામની એક દુધનો વેપાર કરતી મહીલાના શરીર ઉપરના ચાંઠામાંથી નીકળતું પરૂ એકઠું કરી, જેનરે આઠેક વર્ષના જેઈમ્સ નામના એક છોકરાના હાથ ઉપર એક નાનો છેદ કરી, એમાં દાખલ કર્યું. એ છોકરાને આ ચેપની અસર રૂપે તાવ આવ્યો, એક અઠવાડીયા સુધી બેચેની અને અશક્તિ વર્તાયાં, અને શરીર ઉપર ચાંઠાં દેખાયાં. એ પછી એ સાજો થવા લાગ્યો અને થોડા દિવસોમાં સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો. હવે જેનરના અખતરાનો ખરો ભાગ શરૂ થયો. એણે શીતળાથી પીડાતા એક માણસના શરીર ઉપરના ચાંઠામાંથી નીકળતું પ્રવાહી દ્રવ્ય લઈ, જેઈમ્સના શરીરમાં દાખલ કર્યું. જેનરે અનુમાન લગાવ્યું હતું કે જેઈમ્સને એક વાર ગાય દ્વારા ફેલાતો શીતળા લાગુ પડી ચૂક્યો હોવાથી એ મનુષ્ય દ્વારા ફેલાતા શીતળા સામે રક્ષિત બની ગયો હોવો જોઈએ અને હવે એને આ રોગ લાગુ પડવો ન જોઈએ. હકિકતે એમ જ બન્યું અને નોંધાયેલા ઈતિહાસમાં પ્રથમ વાર ચોક્કસ કાર્યપધ્ધતિ વડે શીતળા જેવા પ્રાણહારી રોગ સામે મનુષ્યને અભય બનાવતો કિમીયો મળ્યો.
આધુનિક ચિકિત્સાશાસ્ત્રના વિકાસનો આ શકવર્તી પડાવ બની રહ્યો. એક જ રોગ – શીતળા- નાં બે અલગ અલગ સ્વરૂપોની તીવ્રતાની માત્રામાં આસમાન જમીનનો તફાવત હતો. તેમ છતાં જો ઓછી તીવ્રતા ધરાવતા (ગાય દ્વારા ફેલાતા) શીતળાનો ચેપ લાગે એ મનુષ્યને પછી ઘાતક શીતળાનો ચેપ લાગતો ન હતો. આની પ્રાથમિક કક્ષાની વૈજ્ઞાનિક સમજૂતી મેળવીએ. મનુષ્યના શરીરને ચેપ લગાડતાં રોગકારક જીવાણુઓ/વિષાણુઓ પોતાની કોષીય સપાટી ઉપર ચોક્કસ સંરચના ધરાવતા આણ્વિક સમુહો ધરાવતાં હોય છે, જેને ‘એન્ટીજન’ કહેવાય છે. તે ઉપરાંત, જે તે જીવાણુઓ/વિષાણુઓની પાસે ચોક્કસ રાસાયણિક સંયોજનો એવાં હોય છે, જેના વડે મનુષ્ય શરીરને નૂકસાન પહોંચે છે. આવા ચેપના પ્રતિકાર રૂપે આપણું શરીર એ આણ્વિક સંરચના સાથે અનુરૂપ એવાં ‘એન્ટીબોડી’ તરીકે ઓળખાતાં વિશીષ્ટ દ્રવ્યો બનાવે છે, જેના વડે રોગકારક જીવાણુઓ/વિષાણુઓ નાશ પામે છે અને જે તે ચેપ સામે આપણું રક્ષણ થાય છે. આપણે શીતળાના ઉદાહરણ સાથે આગળ વધીએ. ગાય દ્વારા ફેલાતા અને મનુષ્યો દ્વારા ફેલાતા શીતળા માટે જવાબદાર વિષાણુઓના એન્ટીજનના બંધારણમાં સામ્યતા છે, પરંતુ બન્નેની રોગકારકતાની તીવ્રતામાં અસાધારણ માત્રાનો તફાવત છે. હવે આપણા શરીરની પ્રતિકારપ્રણાલીની ખાસીયત એ છે કે જો એક અને એક જ પ્રકારનો ચેપ ફરીથી લાગુ પડે તો શરીર, અગાઉના અનુભવને યાદ કરી, એની સામે લડવા માટે સક્ષમ એવાં એન્ટીબોડી તાત્કાલિક અસરથી બનાવવા લાગે છે અને પરિણામે ખુબ જ અસરકારક રીતે બીજી વારના ચેપને નાથી લઈ શકે છે.
આથી એક સ્વસ્થ મનુષ્યને ગાય દ્વારા ફેલાતા શીતળાનો ચેપ લાગે તો એનું શરીર એની સામે ચોક્કસ પ્રકારનાં એન્ટીબોડી બનાવી, એ ચેપ સામે લડે છે. અલબત્ત, એડવર્ડ જેનરને આ વૈજ્ઞાનિક પાસાનો જરાય અંદાજ ન હતો. આ એ સમયની વાત છે, જ્યારે વાઈરસ જેવી સૃષ્ટીના અસ્તિત્વ વિશે કોઈને જરા પણ ખ્યાલ ન હતો. જેનરે તો માત્ર અવલોકન અને એના આધારે લડાવેલા તર્ક વડે જ આ કાર્યમાં સફળતા હાંસલ કરી હતી. આવા પ્રયોગોમાં વપરાતું દ્રવ્ય ગાય દ્વારા થતા શીતળાના રોગીઓમાંથી મેળવવામાં આવતું હતું લેટીન ભાષામાં ગાય માટે ‘વેક્કા’ શબ્દપ્રયોગ થતો હોવાથી આ દ્રવ્ય ‘વેક્સીન’ નામથી ઓળખાયું. આમ, જે તે રોગનો ચેપ લાગે એ પહેલાં જ શરીરને એના પ્રતિકાર માટે સક્ષમ બનાવી દેવાની આ કાર્યપધ્ધતિનું પ્રથમ સોપાન વાઈરસજન્ય રોગ સામેની લડાઈથી સર થયું હતું. આવનારા હપ્તામાં આપણે આ પગથીયેથી શિખર સુધીની યાત્રા બાબતે વાત કરશું.
શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com
1 comment for “સુક્ષ્મ જીવોની સૃષ્ટિ : (૮): વિષાણુઓનાં માનવજાત માટેના મહત્વનાં કેટલાંક પાસાંઓ”