





જ્વલંત નાયક
ગુજરાતી ભાષામાં કહેવત છે, કે “હાથી જીવતો લાખનો, મરેલો સવા લાખનો”. આ કહેવત કેટલાંક આફ્રિકન શિકારીઓ પણ બરાબર સમજે છે. પણ એન સ્મેટ નામના એક બહેન આપણી આ હાથીવાળી કહેવતમાં સહેજે ય વિશ્વાસ નથી રાખતા. આથી એમણે હાથીનો શિકાર કરવાને બદલે, શિકારીઓના પંજામાંથી બચાવાયેલા અને ઝિમ્બાબ્વેમાં, ખાસ પ્રકારે બનાવાયેલા રહેઠાણોમાં રાખવામાં આવેલ આફ્રિકન હાથીઓ પર, તેમની રીતભાત સમજવા માટે કેટલાંક પ્રયોગો કર્યાં.
એન સ્મેટ અને પ્રોફેસર રીચાર્ડ બાયરન સેન્ટ એન્ડ્રુઝ યુનિવર્સીટીના સંશોધકો છે. તેમણે કતલખાને પહોંચી ગયેલા કેટલાંક જંગલી હાથીઓને બચાવીને એવી રીતે તાલીમ આપી છે, કે જેથી આ હાથીઓ સવારી કરવાના કામમાં આવે. ત્યાર બાદ તેમણે, તાલીમ પામેલ હાથીઓને માત્ર મૌખિક સંકેતો દ્વારા ‘માર્ગદર્શન’ આપવાનું શરુ કર્યું. આ માટે શરુ શરૂમાં તેમણે બે પ્લાસ્ટિક બકેટ હાથી સામે મૂકી. ત્યાર બાદ મૌખિક રીતે અને થોડા ઇશારાઓની મદદથી બે પૈકીની એક ખાસ બકેટ ઉપાડવા જણાવાયું. સ્વાભાવિક રીતે જ સંશોધકોએ જે બકેટ ઉપાડવાનો નિર્દેશ કર્યો એમાં હાથીને ભાવતો ખોરાક મુકવામાં આવેલો. આવો ‘સ્વાદિષ્ટ લાભ’ મળવાને કારણે, વારંવાર થતાં પ્રયોગો સમયે, હાથીઓને ધીમે ધીમે સંશોધકોના આદેશ પ્રમાણે વર્તવાની ટેવ પડવા માંડી. પછી તો એક સમય એવો આવ્યો કે સંશોધકો કોઈ પણ પ્રકારના હાવભાવ વ્યક્ત કર્યાં સિવાય, માત્ર મૌખિક સંદેશાઓ આપવા માંડ્યા. હદ તો ત્યારે થઇ જ્યારે સંશોધકો હાથીની પાછળ ઉભા રહીને સંદેશાઓ આપ્યા, જેથી હાથી તેમને જોઈ ન શકે, છતાં, માત્ર મૌખિક આદેશો સાંભળીને હાથીઓએ બરાબર તે મુજબનું વર્તન કરી બતાવ્યું!
સામાન્ય રીતે, જ્યારે પણ કોઈ જાનવરોને તાલીમ આપવાની હોય, ત્યારે ‘હાવભાવ’ – બોડી લેન્ગ્વેજ દ્વારા થતી અભિવ્યક્તિ, ભાષા કરતાં વધુ મહત્વની પુરવાર થાય છે. ઘોડા અને કુતરા જેવાં પાળી શકાતાં પ્રાણીઓને આ રીતે જ તાલીમ આપવામાં આવે છે. પરંતુ એન સ્મેટ અને પ્રોફેસર રીચાર્ડ બાયરનના સંશોધન પ્રમાણે હાથીઓ, ‘સમજશક્તિ’ અને ‘ગ્રહણશક્તિ’ની બાબતે બીજા તમામ પાલતું જાનવરો કરતાં હોંશિયાર સાબિત થયા!
એન સ્મેટના કહેવા મુજબ, મૌખિક સંદેશાઓ સમજવામાં હાથીઓએ બતાવેલી હોંશિયારી ખરેખર આશ્ચર્યજનક છે. કારણકે મનુષ્ય સહિતના દરેક પ્રાણીમાં કેટલાંક સ્વભાવગત લક્ષણો અને શક્તિઓ જન્મજાત હોય છે. પરંતુ અમુક બાબતો એવી હોય છે, કે ગમે એટલું કેળવવા છતાં શીખી શકાતી નથી. જેમ કે, જંગલી વાઘને ગમે એટલું કેળવો, તો પણ એ સંપૂર્ણ શાકાહારી બની શકતો નથી! તેજ પ્રમાણે, નૃવંશશાસ્ત્ર મુજબ જો કોઈ પ્રાણી મૌખિક સંદેશાઓ ‘સમજી’ શકે (અહીં માત્ર ‘સાંભળવું’ અને ‘સમજવું’, એ બે તદ્દન અલગ બાબતો છે), તો એ પ્રાણી મૂળભૂત રીતે આ પ્રકારની શક્તિઓ ધરાવતું હોય એ જરૂરી છે, દા.ત. માનવી! ગમે એટલું કેળવવા છતાંયે કોઈ પ્રાણી આ પ્રકારની આવડત મેળવી શકતું નથી. પ્રયોગોને અંતે હાથીઓ મૌખિક સંદેશાઓ સમજી શક્યા, એ બતાવે છે, કે તેઓ માણસની જેમ જ, મૌખિક સંદેશાઓ સમજવાની મૂળભૂત શક્તિ ધરાવે છે! ગોરીલા અને ચિમ્પાન્ઝી જેવાં, આપણા જ વંશના (અને આપણા પૂર્વજો એવાં) પ્રાણીઓ પણ મૌખિક સંકેતો સમજતા હોય એમાં નવાઈ નહિ. તો શું ગોરીલા અને ચિમ્પાન્ઝીની જેમ, સમજશક્તિ, અને સામાજિક વ્યવહારો બાબતે માણસ સાથે વધતી-ઓછી સામ્યતા ધરાવતા હાથીઓ પણ હોમો સેપિયન (આધુનિક માનવ)ના પૂર્વજોમાંથી ઉતરી આવ્યા છે?
નૃવંશશાસ્ત્ર મુજબ હાથી જેવું મહાકાય પ્રાણી મનુષ્યકુળનું નથી. વળી ઉત્ક્રાંતિકાળના છેલ્લાં એક અબજ વર્ષોના ઇતિહાસમાં ક્યારેય મનુષ્ય અને હાથીના પૂર્વજો વચ્ચે પણ કોઈ પ્રકારની સમાનતા જોવા મળી નથી. આ સંજોગોમાં, હાથીની ઉત્ક્રાંતિ, આપણા કરતાં સાવ જુદું જ કુળ ધરાવતાં પ્રાણીમાંથી થઇ હોય, એ બાબતે તમામ નૃવંશશાસ્ત્રીઓ એકમત છે. આ ઉપરથી એક વાત સાબિત થાય છે, કે માત્ર મનુષ્ય જ નહિ, પણ હાથી જેવાં બીજા પણ કેટલાંક પ્રાણીઓ એવાં હોઈ શકે છે, જે મૌખિક સંદેશાઓ સમજી શકે. કદાચ બીજી ઘણી બાબતો એવી હોઈ શકે, જે અત્યાર સુધી માત્ર માનવમાં જ જોવા મળી છે. જો યોગ્ય દિશામાં અભ્યાસ થાય અને સફળતા મળે, તો હાથીની જેમ બીજા ઘણા પ્રાણીઓની એવી શક્તિઓ વિષે આપણને માહિતી પ્રાપ્ત થાય. પોતાને “સામાજિક પ્રાણી’ તરીકે ઓળખાવીને ગર્વ અનુભવતા માનવી કરતાં પણ વધુ સંસ્કારી સમાજ ધરાવતા પ્રાણીઓ વિષેની માહિતી ભવિષ્યમાં મળી આવે તો નવાઈ નહિ! આમ પણ લાખો વર્ષોથી અનેક વિપરીત સંજોગો વચ્ચે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવામાં સફળ રહેલી કીડી, સામાજિક માળખા બાબતે આપણા કરતાં વધુ શિસ્તબદ્ધ છે, એ તો સાબિત થઇ ચૂકેલી વાત છે!
શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.