ફિર દેખો યારોં : કાર્યને જ પૂજા ગણવી. પોતાના ક્ષેત્રનું ન હોય ત્યારે ખાસ!

Facebooktwitterredditpinterestlinkedinmail

બીરેન કોઠારી

કેટલાક સમાચારો પહેલી નજરે રમૂજી જણાય. પણ સમાચારની દેખીતી ઘટના પાછળનો હેતુ સમજાય ત્યારે તેની પાછળ રહેલી વક્રતા દેખાય અને ખ્યાલ આવે કે રમૂજી જણાતા આ સમાચાર ખરેખર તો કરુણ ગણાવાય એવા છે. ગયા સપ્તાહમાં આવા એક સમાચાર જાણમાં આવ્યા.

હરિયાણાના યમુનાનગર જિલ્લામાં બિલાસપુર નગરમાં 30 ઓક્ટોબરથી છ દિવસનો કપાલ મોચન મેળો ભરાય છે. આ નગરમાં વિવિધ મંદીરો આવેલાં છે. આ મેળા દરમિયાન રાજ્ય સરકારે સરકારી શાળાના 91 શિક્ષકોને મંદિરોમાં પૂજારી તરીકેની ફરજ સોંપી છે. મેળાના આગલા દિવસે તેમને પૂજારી તરીકેના કાર્યની તાલિમ આપવા માટે સત્ર યોજવામાં આવ્યું હતું, જેમાં ઘણા શિક્ષકોએ હાજર રહેવાનું ટાળ્યું હતું. બિલાસપુરના સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ નવિન આહુજાએ ડીસ્ટ્રીક્ટ એલિમેન્‍ટરી એજ્યુકેશન ઑફિસરને ગેરહાજર શિક્ષકોની યાદી મોકલી આપી હતી. આ યાદી સાથે મોકલેલા પત્રમાં જણાવાયું હતું કે ગેરહાજર શિક્ષકો બીજા દિવસે મેળામાં ફરજ પર હાજર રહે કાં ખાતાકીય કાર્યવાહીની તૈયારી રાખે.

મેળાના વહીવટકર્તા શ્રી આહુજાએ એક અખબારી મુલાકાતમાં એમ જણાવ્યું હતું કે માત્ર સંસ્કૃતના શિક્ષકોને જ આ ફરજ સોંપવામાં આવી છે, કારણ કે તેઓ મંત્ર જાણે છે. જો કે, યમુનાનગરના નાયબ કમિશ્નર રોહતાશ સીંઘ ખર્બ દ્વારા બહાર પડાયેલું હુકમનામું દર્શાવે છે કે લગભગ તમામ વિષયના શિક્ષકોને પૂજારીની ફરજ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેમાં ચેતવણી આપવામાં આવી છે કે આમાં થયેલી ચૂકને ગંભીરતાથી લેવામાં આવશે. હરિયાણા વિદ્યાલય અધ્યાપક સંઘના યમુનાનગર જિલ્લાના એકમે આ બાબતને વખોડી નાખી હતી અને જણાવ્યું હતું કે શિક્ષકનું પ્રાથમિક કામ ભણાવવાનું છે. તેમની પર અન્ય ફરજોનો બોજો લાદવો જોઈએ નહીં. આ સંસ્થાના ઉપપ્રમુખ વઝીરસીંઘે જણાવ્યું હતું કે આપણે બિનસાંપ્રદાયિક દેશમાં વસીએ છીએ. શિક્ષકોને કોઈ ચોક્કસ ધર્મના કાર્યક્રમોમાં ફરજો સોંપવી ન જોઈએ. નહીંતર અન્ય ધર્મોના ધાર્મિક કાર્યક્રમોમાં પણ તેમને મોકલવામાં આવશે.

આહુજાસાહેબે જણાવ્યું કે છેલ્લા પાંચ-છ વર્ષથી શિક્ષકોને આવી ફરજો સોંપવામાં આવે છે. આ બાબતે હરિયાણાના ભા.જ.પ.ના મિડીયા-ઈન-ચાર્જ રાજીવ જૈને કહ્યું કે શિક્ષકોને પૂજારી તરીકે નહીં, પ્રસાદ વહેંચવાની ફરજ સોંપવામાં આવે છે. સરકાર આ કાર્ય માટે નિયમીત કર્મચારીઓની નિમણૂક કરી શકે નહીં, કેમ કે મેળો વર્ષે એક જ વાર યોજાય છે. અગાઉ 2013 દરમિયાન કોંગ્રેસના શાસનમાં 130 શિક્ષકોને મેળામાં ફરજો સોંપવામાં આવી હતી. ત્યારથી આ પ્રક્રિયા ચાલી રહી છે.’ કોંગ્રેસી નેતા ગીતા ભુક્કલ 2009થી 2014 દરમિયાન શિક્ષણ મંત્રી રહી ચૂક્યાં છે. તેમણે કહ્યા મુજબ તેમના ધ્યાનમાં આવું કદી બનેલું નથી અને આ શિક્ષણના ભગવાકરણનો પ્રયાસ છે. શિક્ષકો યોગ દિવસ, જાહેર સ્વચ્છતા ઝુંબેશ, બેટી બચાઓ આંદોલન, મેરેથોન સ્પર્ધા, વડાપ્રધાનના ‘મન કી બાત’ કાર્યક્રમને વિદ્યાર્થીઓ સાંભળી શકે એ માટે રેડિયોની વ્યવસ્થા કરવી જેવાં ઈતર કામોના બોજથી લદાયેલા છે.

આ કાર્યક્રમના આયોજકો અને રાજકીય લોકોનો પક્ષ જોયા પછી પૂજારી તરીકે ફરજ બજાવનાર શિક્ષકો શું કહે છે એ પણ જાણવું રહ્યું. સંસ્કૃત અને હિન્‍દીના શિક્ષક પરમોદ કુમાર કહે છે, ‘તંત્રના આદેશ મુજબ હું મારી ફરજ બજાવું છું.’ ધોરણ છથી બારના સંસ્કૃતના સાત વર્ગો લેતા શિક્ષક બલીન્‍દર પાલના જણાવ્યા મુજબ નવેમ્બર, 2 થી વિદ્યાર્થીઓની માસિક પરીક્ષા છે.

આ મેળા સાથે સંકળાયેલા વિવિધ લોકોની વાત જાણીને એમ જ લાગે કે સૌએ પોતપોતાની ફરજ બજાવી છે. હકીકતમાં આ ઘટનાને મિષે જે વાસ્તવદર્શન મળે છે એ ભયાનક છે. આ આખી કવાયતમાં શિક્ષણના સ્તરની વાત ક્યાંય આવતી નથી. સરકાર માટે જ નહીં, શાળાઓના સત્તાવાળાઓ માટે પણ શિક્ષકો હંમેશાં ‘સોફ્ટ ટાર્ગેટ’ રહ્યા છે. શિક્ષણ સિવાયનાં તમામ કાર્યો તેમની પાસે કરાવવામાં આવે છે. ક્યાંય એમ સાંભળ્યું નથી કે શિક્ષણના સ્તરની સુધારણા કરવા બાબતે શિક્ષકો સાથે કોઈએ સંવાદ સાધ્યો હોય. શિક્ષણનું સ્તર ત્યારે જ ઉપર આવી શકે જ્યારે શિક્ષકનું સ્તર ઉંચું હોય. વિદ્યાર્થીઓ પાસેથી મોંઘીદાટ ફી વસૂલતી જાતજાતના વિચારો આધારીત ચાલતી હોવાનો દાવો કરતી શાળાઓ ખરેખર તો ટંકશાળ છે. તેમનું પરિણામ કદાચ બહુ ઉંચું આવતું હશે તો પણ એવા વિદ્યાર્થીઓ સરવાળે કરવાના શું એ સૌથી અગત્યનો સવાલ છે.

શિક્ષણપદ્ધતિને પોતાના તુક્કાતરંગ મુજબ તોડમરોડ કરવાથી કે જે તે સમયના સત્તાધારી પક્ષનો એજન્‍ડા અભ્યાસક્રમમાં ઘૂસાડી દીધા પછી શું? માની લઈએ કે કોંગ્રેસે મુસ્લિમતરફી અને ભા.જ.પ. દ્વારા હિન્‍દુત્વના રંગવાળો ઈતિહાસ ભણાવાયો. અરે, આખેઆખા અભ્યાસક્રમો દેખીતી રીતે લીલા કે કેસરી રંગે રંગી દેવામાં આવે ત્યાર પછી શું? વિદ્યાર્થીઓને તે કોઈ કૌશલ્ય, આવડત કે સ્પર્ધાત્મકતા શીખવી શકશે? કે પછી તેણે આખરે કોઈ વિદેશી યુનિવર્સિટીનું જ પ્રમાણપત્ર મેળવવું પડશે? આના જવાબ બહુ સ્પષ્ટ છે.

શિક્ષકો ખરેખર તો શિક્ષણને લગતાં વિવિધ કાર્યોમાં રત થયેલા રહેવા જોઈએ. સમગ્ર રાષ્ટ્રની શિક્ષણનીતિને ધરમૂળથી બદલવાની પ્રક્રિયા હાથ ધરવી જરૂરી બની રહી છે, પણ એ ત્યારે જ થઈ શકે જ્યારે તે કોઈ રાજકીય દૃષ્ટિએ નહીં, પણ વાસ્તવિકતાનું મૂલ્યાંકન કરીને કરવામાં આવે. અતિ આધુનિક ઈમારતો ધરાવતી અને તગડી ફી લેતી શૈક્ષણિક સંસ્થાઓ કદાચ પરિણામની ટકાવારી વધારી શકતી હશે. પણ શિક્ષણની મૂળભૂત પ્રણાલિ ગુણલક્ષી બની રહેલી છે. વધુ ગુણ ધરાવતી માર્કશીટ કદાચ ઉમેદવારની સારી યાદશક્તિની ખાત્રી આપી શકે, પણ તેના કૌશલ્યની કોઈ બાંહેધરી આપતી નથી. શિક્ષકો શિક્ષણ સિવાયનાં કામોમાં જોતરાયેલા રહેશે તો થઈ થઈને શું નુકસાન થવાનું? જે સરકાર કે દેશના લોકો માટે યોગ્ય શિક્ષણ કરતાં ઉત્સવોની પ્રાથમિકતા હોય ત્યાં દરેક સરકારી કર્મચારીએ એ વાતે રાજી થવાનું છે કે પોતે કોઈ ને કોઈ કામમાં વ્યસ્ત રહીને સરકારને મદદરૂપ બની રહ્યા છે. એ કામ પોતાના ક્ષેત્રનું ન હોય તો શું થઈ ગયું? પોતાનું ક્ષેત્ર દેશ કરતાં મોટું શી રીતે હોઈ શકે?


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૯-૧૧ -૨૦૧૭ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

1 comment for “ફિર દેખો યારોં : કાર્યને જ પૂજા ગણવી. પોતાના ક્ષેત્રનું ન હોય ત્યારે ખાસ!

  1. Kishor Thakr
    November 24, 2017 at 11:00 am

    માત્ર હરિયાણાના શિક્ષકોએ જ નહિ પરંતુ દેશ આખાના શિક્ષકોએ સક્રિય વિરોધ કરવા જેવી વાત છે, ચુંટણી અને વસ્તી ગણતરીની ફરજોના બોજ થી લદાયેલા શિક્ષકોને આ એક વધારાનો બોજ છે. છેવટે તો આ બધાની અસર બાળકોના શિક્ષણ પર પડવાની હોઇ જાગૃત નાગરિકના વિરોધનો પણ મુદ્દો બને છે. બીનસાંપ્રદાયિકતા બાબતેતો નાગરિકોએ એટલું બધું સમાધાન કરી લીધું છે કે એ મુદ્દો જાણે છાપાના કોલમ ભરવા માટેનો જ હોય તેમ તેમને લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *