લ્યો, આ ચીંધી આંગળી : સંત વસંત (ભાગ ૧)

Facebooktwitterredditpinterestlinkedinmail

રજનીકુમાર પંડ્યા

“રત્નપ્રભા !” બાએ બોલાવી.

કાલે સવારે રત્નપ્રભાનાં લગ્ન છે. ગોરી, સુંદર છોકરી, પીઠી ચોળવાને કારણે ચામડી પીતવર્ણી લાગે છે. બારી બહાર લાંબે સુધી નજર નાખીને શું જોઈ રહી છે ? કાલે આ જ માર્ગે વરરાજા આવશે. સાત ફેરા ફરીને એને લઈ જશે. વરરાજા વસંત પરીખ ડૉક્ટર થયેલા છે. એની જોડે સુખી થવાશે. ધન, ધાન્ય અને સંતતિથી ઘર છલકાશે. આ સ્વપ્નું નહીં, આવતી કાલે હોવાની હકીકત છે. કારણ કે વર શાંત–સમજદાર, ડાહ્યો–નિર્વ્યસની અને તંદુરસ્ત છે.

“રત્નપ્રભા !” ફરી બાએ સાદ કર્યો.

“શું છે, બા ?’ ના વધારાના જવાબમાં “આવી, બા” કહીને રત્નપ્રભા નજીક ગઈ. તો બા બહુ જ ગંભીર હતાં. “સાંભળ,” એમણે કહ્યું : “તારા વરે એક સંદેશો કહેવડાવ્યો છે. તેને સાંભળી શકીશ ?”

મોટી મોટી સ્વપ્નીલ આંખોથી રત્નપ્રભાએ પૂછ્યું. “…શો ?”

“એણે કહેવડાવ્યું છે કે કિશોરલાલ મશરૂવાળા સાથે છ મહિના પત્રવ્યવહાર કર્યા પછી પોતે આજીવન બ્રહ્મચર્ય પાળવાના પાકા નિર્ણય પર આવ્યો છે. એમાંથી કોઈ કાળે ડગવાનો નથી, એટલે…..’

આગળ બોલતા બાની જીભ નહોતી ઉપડતી પણ રત્નપ્રભાની નજરમાં પ્રશ્નાર્થ પ્રસરી ચુક્યો હતો એટલે બાએ બોલવું જ પડ્યું : ‘ તારે હજી પણ એની સાથે લગ્ન ના કરવાં હોય તો ના પાડવાની છૂટ છે.”

એ વખતનો બાનો કે રત્નપ્રભાનો ભાવ આ લેખકથી શબ્દોમાં હુબહુ ઊતરી શકે એમ નથી. વાંચનારે કલ્પી લેવો. સંવાદો કલ્પવાની મારી વ્યર્થ મથામણ કબૂલ કરું, પણ હકીકત સત્ય છે. વાર્તા હોય તો સહજપણે એમ લખું કે રમકડાનાં ઢીંગલી-પોતિયાંથી રમવાનાં અને રમકડાનાં બાબા-બેબીને ‘હાલાં’ કરાવવાના રત્નપ્રભાના દિવસો પૂરા થઈ ગયા હતા. માતૃત્વની જન્મજાત લાગણીઓનો ઉછાળો હવે ફેલાઈ જવા માટેનો વિશાળ કાંઠો માગે, એ ઉંમર હતી. એ યુગમાં જેને નિર્ભિકતા ગણાય એ નિર્ભિકતાથી એ આ લગ્નમાંથી પાછી હઠી જાય. અને “બહાદુર બાળા” જેવાં વિશેષણોથી એને નવાજી પણ શકાય. પણ..

પણ વાર્તા હોય તો એવું શોભે.

એટલે ફરી સત્ય ઘટના પર…….

“કશો જ વાંધો નહીં, બા.” રત્નપ્રભા એક જ ક્ષણમાં નક્કી કરીને બોલી: “મને એ વર મંજૂર છે.”

બાને આ જવાબ અપેક્ષિત હતો અને નહોતો પણ. છતાં એમણે એ જવાબને અવિચારી ક્ષણનો ‘રિફ્લેક્સ’ ગણીને ફરી પૂછ્યું ; “પણ તારા ભવિષ્યનો, આશાનો, અરમાનોનો તો કંઈક વિચાર કર…”

“કરી લીધો.” એ બોલી. એ વખતે વિચારો તો એના મનમાં ચાલતા જ હતા.”કશો વાંધો નહીં.” પુરુષનો આવો ઊભરો તો દૂધ પરના ફીણની જેમ હળવે હળવે હાથે ક્ષણમાં ઉતારી દેવાય. આજ ભલે એમની છે. કાલ મારી છે. મનાવી લેવાશે. આપણે ક્યાં વિલાસી જીવન જીવવું છે ? હું પણ સંસ્કારી મા-બાપની દીકરી છું. શરીર મારા માટે સર્વસ્વ નથી. ભલે આજીવન બ્રહ્મચર્ય જેવી આત્યંતિકતા પર ન જવું, પણ સંયત સંસાર ભોગવાય. એટલું તો સમજાવી જ શકીશ.

બીજે દિવસે વસંત પરીખ જાન લઈને આવ્યા, ત્યારે જાનૈયામાં અણવર જેવો તાવ પણ હતો, શરીર ગરમ હતું. જોકે ખરેખર તાવ હોય કે પછી અનિચ્છાએ માત્ર મા-બાપની મરજીથી લગ્ન કરવા આવવું પડ્યું એનો ઉદ્વેગજ્વર. પણ સારો એવો તપારો હતો. માંડવામાં આવીને તરત જ સૂઈ જવાની ઈચ્છા કરી. સૂઈ પણ ગયા.પણ ઉઠ્યા એટલે હોંશીલા જાનૈયાઓ એ એટએટલી વારમાં લગ્નવિધિઓ પતાવી દીધી. જાન ઉઘલી ગઇ, ચાલ્યા રણઝણ ગાડે…

પ્રથમ રાતે જ ડૉક્ટર બગલમાં ઓશીકું દાબીને બીજા રૂમમાં જવા કરતા હતા, ત્યારે નવવધૂ રત્નપ્રભાએ બહુ સૌમ્ય અવાજે કહ્યું : “ભલે તમે કહેશો તેમ જીવીશું, પણ આમ જગતની આંખે કેમ ચડો છો? જાત પર વિશ્વાસ નથી ?’

“નથી.” ડૉક્ટર બોલ્યા : “ચડતાં પૂર સામે દેડકાંનો વિશ્વાસ કેટલો ? હું સંપૂર્ણ તંદુરસ્ત છું. નોર્મલ છું. એટલે કામવૃત્તિ સામે ઘણાં યુદ્ધ અને ઘણાં સમાધાન કરવા પડ્યાં છે. સ્ત્રીસંગથી દૂર રહી શક્યો છું, એટલી ઈશ્વરની કૃપા. બાકી એટલું શીખ્યો છું કે જ્વાળાને પણ ખાળવાની કોશિશ ના કરવી. ટાળવાની કોશિશ કરવી. અને એમાં જ જીત જાણવી.”

રત્નપ્રભા એમના ગયા પછી બારણાં બંધ કરીને એકલાં જ સૂઈ ગયાં. વિચાર્યું કે ઊભરો પણ બળવાન લાગે છે. હશે ! હજુ ઘરમાં મહેમાનોની ભીડ છે. કાલે બધાં એક પછી એક જતાં રહેશે. ઘરમાં એકાંત થશે. પછી આ ઓરડો શું કે પેલો ઓરડો શું ? એકાંતમાં ”કામ” સંકોરાય છે.

પણ એવા દિવસો વસંતે આવવા જ ના દીધા. ઘરને હંમેશાં મહેમાનોથી ભરેલું જ રાખ્યું. મહેમાનો ન હોય તો સાથીઓ હોય, કાર્યકરો હોય, મિત્રો હોય, પ્રવૃત્તિ હોય, ભયંકર થાકોડો હોય, પ્રવાસો હોય, પરિચર્યા હોય. મિસા હેઠળ જેલવાસ હોય કે માંદગી હોય.

થોડાં જ વરસમાં રત્નપ્રભાદેવીને સમજાયું કે જે નવા રંગના પીંછડાથી એ ડૉક્ટર પર નવો રંગ લગાડવા માંગતાં હતાં, એનો કૂચડો તો પોતાના તરફ જ રહી ગયો હતો. પોતે જ રંગાઈ ગયાં હતાં, ડૉક્ટરના આવા રંગ, પ્રવૃત્તિઓ, પ્રવૃત્તિઓ અને પ્રવૃત્તિઓ…અનેક ! વચ્ચે એક સુંદર સંતાન પણ મળી ગયું હતું.

કેવી રીતે ? ચમત્કાર થયો હતો. કુદરતે એમની ગોદમાં એક નાનકડી બાળાને અનાયાસ જ રમતી મૂકી દીધી હતી. એનું નામ આશા હતું. એકાદ-દોઢ માસની હતી અને એક નાનકડી આકસ્મિતાથી જ એમની ગોદમાં આવી પડી. જિગરનો ટુકડો થઈ પડી. જાણે કે સગું સંતાન જ.

ડૉક્ટર જ્યારે મિસા હેઠળ જેલમાં હતા, ત્યારે આશા છ વરસની હતી. એણે વિનોબા ભાવેને ડૉ. દ્વારકાદાસ જોષી સાથે ચબરખી મોકલી: ‘મારા પપ્પા છ માસથી જેલમાં છે. ઈન્દિરાબહેનને કહો કે એમને છોડી દે.’ જેવાતેવા ગરબડિયા અક્ષરોમાં લખાયેલી આ ચિઠ્ઠી વાંચીને વિનોબાની આંખમાં પાણી ધસી આવ્યાં. કટોકટીને એકવાર અનુશાસન પર્વ ગણાવનારા એ ઋષિએ એ ચિઠ્ઠી જેમની તેમ ‘ભૂમિપુત્ર’ માં છપાવીને લાખોની આંખો ભીની કરી દીધી.

************

1954માં ડૉક્ટર વસંત પરીખ પરણ્યા ત્યારે પચ્ચીસના હતા. અને એના માત્ર બે વરસ અગાઉ એક સાવ નાનકડી ઘટના બની હતી. એ કોઈક કામે અલ્હાબાદ ગયા હતા. હિંદીનાં શ્રેષ્ઠ કવયિત્રી મહાદેવી વર્મા માટે એમને પારાવાર અહોભાવભર્યું આકર્ષણ હતું. મળવા ગયા ત્યારે વૃદ્ધા મહાદેવી વર્માની આજુબાજુ એક પગે પાટા બાંધેલું લૂલું કબૂતર જમીન પર ચક્કર લગાવ્યા કરતું હતું. મહાદેવીએ એને થોડી જ વાર પહેલાં પાટો બાંધેલો.વાત કરતાં વારંવાર મહાદેવી એને પંપાળી લેતાં હતાં.વસંત પરીખથી આ જોઈને ના રહેવાયું. બોલ્યા : ‘મા, એક વાર આપની ગોદમાં એક ક્ષણ માટે માથું મૂકીને આંખો મીંચી દેવી છે.’

હસીને મહાદેવીએ પૂછ્યું : કેમ ?’

‘એટલા માટે કે –‘ એ બોલ્યા : ‘પછી મારામાં પણ સતત કરુણાની ધારા વહેતી રહે. તમામ જીવો પ્રત્યે. સમગ્ર સૃષ્ટિ પ્રત્યે…’

મહાદેવી બોલ્યાં : ‘બેટા,તારી સેન્ટિમેન્ટ છે, તો ભલે તેમ કર. પણ સમજી લે, કે કરુણાનો ઝરો જો તારા હ્રદયમાં હશે તો એ ફૂટવાનો જ છે, એનો માર્ગ ખોળી જ લેવાનો છે.’

મહાદેવી સાચાં હતાં. નહીં તો મુંબઈની ફૂટપાથ પર ઊલિયાં, બટન, નાડાં અને પેન્સિલોની ફેરી કરનારો વસંત નામનો ફેરિયો ડૉક્ટર વસંત પરીખ શા માટે બને, અને છેલ્લે વડનગરમાં નાગરિક મંડળની હોસ્પિટલ માટે ભેખ શા માટે લઈ લે ?’

***********

પાંચ ભાઈ-બહેન હતાં. પાંચેયને સગાંવહાલાંઓએ એટલા માટે અંદરોઅંદર વહેંચી લીધાં કે એ સાવ નિરાધાર થઈ ગયાં હતાં, પિતા નટવરલાલ પરીખ ગુજરી ગયા ત્યારે વસંતની ઉંમર એક વરસની. આ પછી બા ગુજરી ગઈ ત્યારે એની ઉંમર દોઢ વરસની. વસંતભાઈ મોટા કાકા વ્રજલાલ પરીખને ત્યાં રહ્યાં. પણ કાકા-કાકી તરીકે કદી સંબોધ્યા જ નહીં ‘બા-બાપુજી’ જ કહેતા હતા, માનતા રહ્યા. આજે પણ નામ લખાવે તો લખાવે, લખો ‘ડૉ. વસંત વ્રજલાલ પરીખ’ (દત્તક પુત્ર ના ગણાય એને, પ્રેમદત્ત ગણાય.) કાકી ચુસ્ત મરજાદી. પણ વસંતને મોટો કરવામાં લાગણીની કોઈ મર્યાદા રાખી નહીં. બંધ તોડી નાખ્યા અને રેલમછેલ થઈને રહ્યાં એમના ઉપર. મોટો થયા પછી વસંત ક્યારેક રાત્ર ઘેર મોડો આવે, કારણ કે જાતજાતની ગાંધીવાદી પ્રવૃત્તિઓમાં રસ લે. એવી રીતે એક વાર રાતે દોઢ વાગ્યે ઘરે આવ્યો, ત્યારે આ (કાકી) સફાળાં બેઠાં થઈ ગયાં : ‘ભાઈ આવ્યો ?’ વસંત બોલ્યો : ‘હા આવ્યો. પણ બા, તમે સૂઈ જાઓ. હું જાતે ખાઈ લઈશ.’ બોલીને વસંત રસોડાને બદલે બીજી તરફ જઈને સૂઈ જવાની તૈયારી કરવા માંડ્યો. પણ બા જાગતાં સૂતેલાં, વસંતના મનમાં કાંઈક ચોળો છે એમ સમજી ગયાં. એમણે સૂતાંસૂતાં જપૂછ્યું : ‘કેમ ભાઈ, મને કહે છે, પણ તું કેમ રસોડામાં જઈને જમી લેતો નથી ?

‘બા’ વસંત બોલ્યો : ‘રહેવા દે ને…’

‘ના, પણ..’

ભૂખ્યો વસંત બોલ્યો : ‘આજે હું ભંગીને અડકીને ચાલ્યો આવું છું, ને આ તમારું રસોડું મરજાદીનું, નાહક તમારો જીવ કોચવાય.’

બા પથારીમાંથી બેઠાં થઈને એની પાસે આવ્યાં. માથે હાથ મૂક્યો, ને બોલ્યાં : ‘જો બેટા, મારા મનથી હજુ આપણા અને ભંગી વચ્ચે ભેદ છે, એટલે મને પાળવા દે –પણ તારા મનથી એવો ભેદ રહ્યો નથી, એટલે તું ના પાળીશ. જા, રસોડામાં જઈને જમી લે.’

વસંત સ્તબ્ધ બનીને સાંભળી રહ્યો. તત્ત્વજ્ઞાનની આ કઈ અવસ્થા હતી ? સમજાયું નહીં. એમ તો કાકાનો રાગેય બીજો હતો. વસંતને એ મોટો કરતા હતા, પણ સ્થિતિ તદ્દન પાતળી હતી. એટલે તો વસંતે નિશાળ સિવાયના સમયમાં પોતાને મુંબઈની ફૂટપાથ પર પરચૂરણ ચીજ-વસ્તુઓની ફેરી કરવા દેવાની રજા કાકા પાસે માગી. એમણે હા પાડી, એટલે શરૂ કરી. ક્યારેક ફૂટપાથ પર માલ પાથરીને બેસવા માંડ્યો.એમાં વકરો બરકત સારાં, પણ મુશ્કેલી એ કે ઘણી વાર પોલીસવાળા દબાણ ખસેડવાની ધોંસ લઈને આવે ત્યારે ભાગાભાગી કરવી પડે–બિલાડી આવતાં ઊંદર ભાગે એ ઝડપથી. પછી પોલીસવાળા માલ ઉઠાવી જાય એટલે પાછો માલ છોડાવવા માટે ઘણીય વાર પાછળ લાંબે સુધી દોડવું પડે. કોઈક વાર માલ પાછો મળે, ક્યારેક ના પણ મળે. લગભગ આનાથી રોજના છ આનાની કમાણી થાય, એ સાંજે કાકાના હાથમાં ધરી દેવાની, અને કાકા એમાંથી રોજ બે આના વરલી મટકાના બેટિંગમાં લગાવે, અને વસંતને લગાડવા સમજાવે. પણ વસંતને એ રંગ કદી ન ચડ્યો અને ન કાકાને કદી નંબર લાગ્યો. એટલે ધીરે ધીરે કાકા પણ એમાંથી પાછા વળતા ગયા – ધીરે ધીરે વસંતની ફેરિયાગીરી પણ ઘટતી ગઈ. કારણ કે આગળ ભણવાનું વધારે સમય માગી લેતું હતું, એમાં ફેરિયાગીરી કરતાં ટ્યુશન કરવા સહેલાં પડે. રૂપિયા પણ થોડા વધારે મળે.

એક વાર કાકીએ એને પૂછ્યું : ‘દીકરા, બીજું તો ઠીક પણ દર શનિ-રવિ શરીરને થોડો આરામ આપતો હો તો ? ક્યાં ખોવાઈ જાય છે દર અઠવાડિયે ?’

‘બા’ વસંતે કહ્યું : ‘હું એ બે આખા દિવસ લગભગ ડૉ. આંબેડકર સાથે ગાળું છું.’

બાને મન ડૉક્ટર આંબેડકર ‘દાક્તર’થી વિશેષ કશું નહીં હોય.એ બોલ્યાં : ‘તારે દાક્તર થવું છે એમ તું કહ્યા કરે છે, એટલા માટે ? ભણતર ભણવા?’

વસંતને હસવું આવી ગયું. મનમાં થયું કે બાના હ્રદયની સરળતાના જળમાં કોઈ ગૂંચની કાંકરી શા માટે ફેંકવી ? કહ્યું : ‘હા’.

જોકે ‘દાક્તર’થવાની ઈચ્છા જ હતી. સિદ્ધાર્થ કોલેજનું ભણતર પૂરું કર્યા પછી મેડિકલ ફેકલ્ટીમાં પ્રવેશ મેળવવાની ઝંખના હતી. માર્ક્સ પણ એને લાયક હતા. નાગપુરની મેડિકલ કોલેજમાં એડમિશન મળી ગયું હતું. પણ નાગપુર એ વખતે મધ્ય ભારતમાં અને મુંબઈ મહારાષ્ટ્રમાં ને એમ પરપ્રાંતના વિદ્યાર્થી ગણાય એટલે ફી પણ ડબલ ભરવી પડે એ કોણ આપે ?

કાકા-કાકી તરફ તો નજર કરાય એમ જ નહિ. કારણ કે લગભગ બેહાલ. એટલે શું કરવું ? પણ આવા સમયે બનેવી મદદે આવ્યા.એ પણ કંઈ બહુ ખમતી ઘરતો નહીં જ, છતાં એમને એક સો રૂપિયા અને એક શેતરંજી આપ્યાં. આથી વિશેષ કશું નથી. આમાં થાય તે કરો.’

થાય તે જ કર્યું. જામનગરની મેડિકલ કોલેજમાં એડમિશન લીધું. સોમાંથી બ્યાસી ફીના ભર્યા. બાકી વધ્યા અઢાર. એ ચાર દિવસ ચાલ્યા. એ દરમ્યાન ‘પછી શું કરીશું ?’ એ વિચાર આવી ચૂકેલો. એટલે ત્યાંના મહર્ષિ દયાનંદ વિદ્યાલયમાં નોકરી માટે ગયા હતા. પણ પ્રિન્સિપાલ એમને જોઈને, એમનાં નાનકડાં – ટચૂકડાં કદકાઠીને જોઈને ”હો…હો…હો..” હસી પડ્યા. બોલ્યા: “માનું છું કે તમે ક્વોલિફાઈડ છો, પણ તમે તોફાની નટખટ છોકરાઓને ફેઈસ કરી શકશો ? હું નથી માનતો તમારી આ પર્સનાલીટીથી એ કરી શકો. જાઓ ભાઈ, તમારું કામ નથી.”

વસંત પરીખ બોલ્યા : “હું વ્યાયામ શિક્ષકની જગ્યા માટે નથી આવ્યો. સર, મને એક વાર અજમાવી તો જોશો…!”

પ્રિન્સિપાલ ગંભીર થઈ ગયા : “ઈન્ટરવ્યૂ પછી લઈએ, ચાલો, પહેલાં પીરિયડ લઈ બતાવો.”

“શું શીખવું ?’

“ઈતિહાસ.” પ્રિન્સિપાલ મોંએ ચડ્યો તે વિષય બોલ્યા.

વસંત પરીખ બતાવ્યો તે ક્લાસમાં ગયા. પીરિયડ શરૂ કર્યો. “અંગ્રેજી યુગનું આગમન અને વિકાસ” વિષય શરૂ કર્યો. આગલા જ દિવસે વીર સાવરકરનું “સ્વાતંત્ર્યનો પ્રથમ સંગ્રામ” પુસ્તક વાંચ્યું હતું એ કામમાં આવી ગયું. છોકરાઓ શરૂઆતમાં થોડા સળવળ્યા, પણ પછી વાર્તારસ અને વિદ્વત્તાના પ્રવાહમાં એવા તણાઈ ગયા કે પોણો કલાક ક્યાં પસાર થઈ ગયો તેની સૂઘ ના રહી. પિરીયડ પૂરો થયો. વસંત પરીખે પ્રિન્સિપાલ સામે જોયું તો એ પણ મંત્રમુગ્ધ ! એમણે હોઠના ઈશારે આગળ ચલાવવા કહ્યું અને વસંત પરીખે બીજો તાસ પણ પૂરો કર્યો. પ્રિન્સિપાલ રાજી રાજી, નિમણૂક મળી ગઈ. પરીખનો ખર્ચાનો પ્રશ્ન હલ થઈ ગયો.

અલબત્ત, એમણે એમ.બી.બી.એસ.માં જતાં પહેલાં ડી.એ.એસ.એફ પૂરું કરવાનું હતું. એ કર્યું, અને બોર્ડમાં પ્રથમ આવ્યા. એલ.એમ.પી. થયા એમ.બી.બી.એસ.માં પ્રવેશ પણ મળ્યો.પણ ગયા નહીં. કારણ કે ખર્ચ પરવડે તેમ નહોતો. સમય ન હતો. જરૂર ન લાગી.

એટલે લીંબડીમાં મેડિકલ ઓફિસર તરીકે નોકરી લઈ લીધી. આ ચોપન કે પંચાવનની સાલ હતી. લગ્ન પણ ત્યારે જ થયાં.

પણ લીમડીમાં હતા ત્યારે જ એક દિવસ એક એવો પત્ર આવ્યો જેણે જિંદગીને એક નવો વળાંક આપ્યો.


(ક્રમશઃ)


લેખક સંપર્ક-

રજનીકુમાર પંડ્યા.,બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com

15 comments for “લ્યો, આ ચીંધી આંગળી : સંત વસંત (ભાગ ૧)

 1. November 20, 2017 at 11:27 am

  પાણીના રેલાની જેમ વહ્યે જતી ખૂબ જ પ્રભાવક શૈલી એ વિશેષતા છે, રજનીભાઈની! કૃતિ દિલને સ્પર્શી ગઈ. ધન્યવાદ.

  • Chandrakanta
   January 20, 2020 at 6:29 pm

   Dr. Vasant Parikh had given me Rs.31/- as award for being first among girls in SSC, which was very precious at that time(1974), later on repaid back to the school as for ,which reason I dont know. I was very child like.

   • Chandrakanta
    January 20, 2020 at 6:31 pm

    But after that one small chit in his writing given to me, which was priceless.

    • Mrs Priti Trivedi
     February 9, 2020 at 2:23 pm

     મારી જાતને હું નસીબદાર માનું છું કે શ્રી રજનીકુમાર પંડ્યા ના હસ્તે આવા મહાનુભાવ વિશે વાંચવા મળે છે. Webgurjari ની પણ આભારી છું. 2nd હપ્તા ની રાહ અને ચાહ માં પંડ્યા સાહેબ ને અભિનંદન અને પ્રણામ

 2. પ્રફુલ્લ ઘોરેચા
  November 20, 2017 at 4:02 pm

  રસાળ શૈલીમાં વાર્તા જેવી હકીકતનો આગળનો ભાગ જાણવો જ રહ્યો.

 3. Ishwarbhai Parekh
  November 21, 2017 at 8:59 pm

  ડો .વસંત પરીખ ની વાત મારે માટે દમદાર લાગી કેમ કે ગાંધી તેમાં દૃષ્ટિ ગોચર થાય છે અને ગાંધી મારો પ્રેમ છે ,હવેતો આગળ વાંચીશ ત્યારે ચેન પડશે ..

 4. Niranjan Mehta
  November 22, 2017 at 6:04 pm

  આપનો લેખ વાંચી સ્મૃતિઓ જાગૃત થઇ કારણ મારા બનેવીના પિતરાઈને નાતે હું તેમને ઓળખું અને તેમના મૃદુ અને સેવાભાવી સ્વભાવનો પણ અનુભવ થયો છે જયારે મને તેમના વડનગરના ઘરે મહેમાનગતિ માણવાનો પણ બે વખત અવસર મળ્યો છે.

  તમારા લેખને એમના કુટુંબીજનોને પહોચાડયો છે જેથી તેઓને પણ તેમની ન જાણેલી વિગતો જાણવા મળે.

  સુંદર લેખ બદલ આભાર.

 5. Piyush
  November 23, 2017 at 1:25 pm

  આવાં કેટલાંયે ક્યારેય પ્રકાશમાં નહીં આવેલાં/વિસરાઈ ગયેલાં પાત્રોની વાતો ઉજાગર કરીને એમનો પરિચય જનસામાન્ય સુધી પહોંચાડવાનું ઉમદા કામ અત્યંત રસાળ શૈલીમાં કરો છો એ પણ સમાજસેવા જ છે.

 6. November 28, 2017 at 5:05 am

  બીજો ભાગ વાંચવાનો શરૂ કર્યો એટલે અહીં આવવું જ પડે. હવે બીજો ભાગ વાંચવામાં ઢીલ નથી કરવી !

 7. November 28, 2017 at 6:33 pm

  આને માહાત્મા કહેવાય એમ લાગે છે!

 8. Jay patel
  August 12, 2018 at 2:25 pm

  Vad nagar maate Dr Vasant Parikh saheb ae je karyu tane vandan.

 9. Naresh pandya
  August 15, 2018 at 11:12 am

  True life story of Dr.vasantbhai parish sir…

  Naresh pandya
  At..stupor
  Ta.vadnagar
  Mo.9724345045

 10. Sanjay
  January 20, 2019 at 3:49 pm

  Sat sat naman aa mahatmane

 11. Sanjay v valand
  January 20, 2019 at 11:20 pm

  Vadanagar nu garenu hata ane saday amara dil ma rhese great men of univers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *