કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૧૫

Facebooktwitterredditpinterestlinkedinmail

નયના પટેલ

નમનનો ફ્રેંડ ચિંતન ભણવા સાથે વૉલ્યન્ટરિલી કોમ્યુનિટી પોલીસનું કામ પણ કરતો હતો. તેને ખબર નહોતી કે ભાવિન નમનનો પાડોશી થાય એટલે કોઈ વાત નીકળતા એણે નમનને કહ્યું કે પોલીસ એક ભાવિન નામના એશીયન માણસને શોધે છે અને હાલમાં એ કામમાં તે પોલીસને મદદ કરે છે.

નમને પછી વિસ્તારથી ચિંતુને સ્નેહાની વાત કરી અને ભાવિનની મમ એની પડોશમાં જ રહે છે તે જણાવ્યું. તેને ચિંતુ પાસેથી એ પણ જાણવા મળ્યું કે લક્ષ્મીબહેનની તબિયત ખૂબ સિરીયસ હતી પરંતુ હવે ખતરાની બહાર છે.

ધનુબાને વાતમાં ખૂબ રસ પડ્યો, પૂછ્યું, ‘ એટલે એ મરી નથી ગઈ ? મને તો એમ કે કદાચ મરી જ ગઈ હશે.’

ઘરના ગંભીર વતાવરણને ધનુબાની વાતે હળવું કરી નાંખ્યું. સૌ હસી પડ્યાં.

સરલાબહેનને જે શબ્દો ધનુબાએ વાપર્યા તે કઠ્યા, ‘ બા, ‘મરી ગઈ’ કહો એના કરતા ‘ગુજરી ગઈ’ કહો તો જરા સારું લાગે.’

‘મરી ગઈ’ કહું કે ‘ગુજરી ગઈ’ કહું શું ફેર પડે ? અંતે તો ……

‘ બા, બન્નેનો અર્થ સરખો જ છે, પણ સભ્ય રીતે કહીયે તો સારું લાગેને ? તમે જ ઘણીવાર નથી કહેતાં આપણા બોલવા પરથી સાંભળનાર વ્યક્તિ આપણી કિંમત કરી જાય !’

નમનને ભાવિનની વાતની ગંભીરતાની ખબર હતી એટલે સરલાબહેનને સચેત કર્યા, ‘મમ, હવે જરા વધારે સજાગ રહેજે, બાજુમાં અવાજ સંભળાય તેનું ધ્યાન રાખજે અને લાગે કે કોઈ આવ્યું છે તો તરત પોલીસને ફોન કરી દેજે. બા, તમે પણ બાજુમાંથી અવાજ આવે તો તરત મમને કહેજો.’

‘ લે કર વાત, આપણે બધા હવે પેલા….શું બની ગ્યા….શું કે’છે, બળ્યું યાદેય નથી આવતું. હં… જાસૂસ… બની ગ્યા નહી?’ હરખાઈને ધનુબા બોલ્યા.

નમનને બાની વાત સમજાઈ નહી , ‘ એટલે શું, મમ ?’

હસતાં હસતાં સર્લાબહેને ‘જાસૂસ’ નો અર્થ સમજાવ્યો એટલે બધા હસી પડ્યાં.

‘ યસ, બા, હવે અમે તમને ડિટેક્ટિવ બા કહીશું, કેવું લાગ્યું ?’

વાતાવરણ હળવું થતાં સૌ સૌને કામે વળગ્યાં ? સરલાબહેન બહાર ગાર્ડનમાં સૂકવેલાં કપડાં લેવા ગયાં.

દર રવિવારે સાંજના પબમાં દોસ્તો સાથે બે-ત્રણ કલાકનો આનંદ લેવાવાળા મનુભાઈ આજે એક પિતા-પુત્રીનું મિલન કરાવવાનુ પુણ્ય મેળવતા હતા. ઘરે આવી સરલાબહેનને વિસ્તારપૂર્વક સ્નેહા અને પરિમલભાઈ મળ્યા તેની વાત મનુભાઈએ કરી. સાંભળતા સાંભળતા સરલાબહેનની આંખો ભરાઈ આવી. મનુભાઈ પણ પોતાના અંતરની લાગણી અભિવ્યક્ત કરી લેતાં બોલ્યા, ‘ સાચું કહું સરલા, જ્યારથી સ્નેહાનો આ બનાવ બન્યો ત્યારથી મનમાં એક ધ્રાસકો રહે છે કે ‘ મારી નંદુને આવું કોઈ કરે તો ?’

‘ આપણી નંદુડી તો એના વરને બહાર ફેંકે એમાની છે.’ ધનુબા એમની પૌત્રીને સારી રીતે ઓળખે છે!

સરલાબહેને પણ મનુભાઈની વાત સાથે સંમત થતાં કહ્યું, ‘ તમે મારા મનની વાત કરી ‘

પછી ધનુબાની વાતનું અનુસંધાન કરતાં કહ્યું, ‘ બા, છોકરી મા-બાપનાં ઘરમાં જ વાઘ હોય. સાવ અજાણ્યા ઘરમાં પારકા માણસો આવા ક્રૂર મળે તો ભલભલી છોકરીય હિંમત હારી જાય.’

નમને કરેલી ભાવિન અને લક્ષ્મીબહેનની વાત યાદ આવી, તે તેમણે મનુભાઈને કહી.

કિશને પિત્ઝા ઑર્ડર કરવા સૂચવ્યું અને ધનુબા સિવાય સૌએ પ્રેમથી સૂચન વધાવી લીધું.

‘ બા, હું તમને હમણા બે પૂડલા ઉતારી દઉં છું, બસ !’ કહી સૌની સગવડ સાચવતા સરલાબહેન રસોડામાં પૂડલા બનાવવા ગયાં.

પિત્ઝા આવે ત્યાં સુધીમાં નંદા ‘ હમણાં હું બીનાને ત્યાં જઈને આવું છું’ કહી નજીકમાં રહેતી એની ફ્રેંડને ત્યાં ગઈ.

મનુભાઈ સોફામાં આડા પડ્યા.

ધનુબા એમની એશિયન ચેનલ પર આવતી કોઈ સીરિયલ જોવા બેઠાં.

આખા દિવસનો તોળાતો રહેલો ભાર મોકળો થઈ ગયો હોય તેમ ઘરમાં એકદમ હળવાશ અનુભવાતી હતી.

કિશન અને નમન તેમના રૂમમાં હતા અને ડૉરબેલ વાગી. સૌને થયું કે પિત્ઝા ખૂબ જલ્દી આવી ગયા !

સરલાબહેને પણ રસોડામાંથી ડોકિયું કરી જોયું.

મનુભાઈએ બારણું ખોલ્યું અને સામે બે અજાણી વ્યક્તિઓને જોઈને આશ્ચર્યથી ‘ કોનું કામ છે ?’ પૂછ્યું.

આગંતુક : ‘ આમ તો આપણે એકબીજાને ઓળખતાં નથી પરંતુ આપણે સહુ હિંદુ છીએ એટલે ખાસ મળવા આવ્યા છીએ.’

માંડ માંડ મળેલી શાંત ક્ષણોનો આનંદ માણતા મનુભાઈએ કંટાળો વ્યક્ત કરતાં કહ્યું, ‘ સૉરી, અમને એવી બધી વાતોમાં રસ નથી.’

આગંતુક એમ કાંઈ પાછી પાની કરે !-‘મારું નામ અશ્વિન છે અને આમનું નામ (કહી એમની સાથેની વ્યક્તિને બતાવી ) શારદાબહેન છે.

હવે શારદાબહેને ઝંપલાવ્યું, ‘ જુઓ ભાઈ, આપણે હિંદુઓએ આપણા ધર્મને સારી રીતે સમજવાની જરૂર છે. અમે ઘણા બધા લોકો ભેગા થઈને હિંદુ ધર્મનો અભ્યાસ કરીએ છીએ તેમાં તમને આમંત્રણ આપવા આવ્યા છીએ.’

આખા દિવસના થાકેલા મનુભાઈનો અસલ મિજાજ ફરીને કૂદીને બહાર આવવા તૈયાર જ હતો અને બોલવા જ જતા હતા કે, ‘ ધર્મની વાત જવા દો, તમે તમારા પતિ, પત્ની કે બાળકોને સમજો છો ?’ ત્યાં તો પિત્ઝા ડિલીવરી આવી એટલે પેલા બે આગંતુકોએ તેમને જગ્યા કરી આપી બાજુ પર ખસી ગયા.

મનુભાઈને એમ હતું એ પેલા લોકો હવે જતા રહેશે પરંતુ એ લોકોની જવાની કોઈ નિશાની દેખાઈ નહીં. જેવું શારદાબહેને બોલવાનું શરુ કર્યું ત્યારે મનુભાઈ બારણું બંધ કરવા જ જતા હતા, પરંતુ સરલાબહેને આવી બાજી સંભાળી લીધી અને મનુભાઈને અંદર જવાનો ઈશારો કર્યો.

‘ માફ કરજો પરંતુ તમે કયા સંપ્રદાયમાંથી આવો છો ?’

અશ્વિનભાઈએ ગોખેલા ડાયલોગ બોલતા હોય તેમ કહ્યું, ‘ અમે સૌ ભેગા મળી આપણા શાસ્ત્રોનો અભ્યાસ કરીએ છીએ. અમારો કોઈ સંપ્રદાય નથી.’

‘ તમે લોકો જુઓ છોને અમારો જમવાનો વખત થઈ ગયો છે તે ? બીજી કોઈવાર આવજો, હં !’ કહી સરલાબહેન બારણું બંધ કરવા જ જતા હતા, પરંતુ હજુ શારદાબહેનને કહેવાનું રહી જતું હોય એટલે જાણે એમણે સરલાબહેનને સાંભળ્યા જ ન હોય તેમ સરલાબહેનનું નામ પૂછ્યું.

સરલાબહેને તેમના સ્વભાવ અનુસાર ધીરજથી જવાબ આપ્યો, ‘ સરલા.’

‘ સારું સારું, મારું નામ શારદા અને અમે બહેનો અને બાળકોની પ્રવૃત્તિઓ પણ કરીએ …’

હવે સરલાબહેનને મક્કમતાથી કહેવું પડ્યું, ‘ જુઓ બહેન, અમને જમવાનું મોડું થાય તે તમે જુઓ છોને? મેં કહ્યું ને બીજી વખત આવજો !’ કહી બારણું બંધ કર્યું.

‘ ખરા લપિયા હતાં. જવાનું નામ નહોતા લેતાં.’ મનુભાઈએ બોક્ષમાંથી પિત્ઝા કાઢતાં કહ્યું.

‘ એમની વાતો ઈન્ટ્રેસ્ટીંગ હતી પણ ખોટા સમયે આવ્યા હતાં.

ક્યારના સાંભળી રહેલા ધનુબાએ તેમનો ડર પ્રદર્શિત કર્યો, ‘ જોજે હં તું ય વનિતાની જેમ…’

‘ બા તમેય શું, હું ખાલી તેમની વાતો સારી…’

‘ તારી વાત બરાબર છે, પરંતુ તેમની સામે જ પિત્ઝા આવ્યા યારે તેમને એટલો તો ખ્યાલ આવવો જોઈતો હતો ને કે આ લોકોને જમવાનું મોડું થશે ! અને કોઈ રસ ન બતાવે તો ય પેલા ક્રિશ્ચન લોકો ઘરે ઘરે લોકોને કન્વર્ટ કરવા જાય તેમ ચોંટી જ પડ્યા !’ કહી મનુભાઈએ કિશન, નમનને જમવા બોલાવ્યા.

ધનુબાએ ક્યારનું જમી લીધું હતું. સરલાબહેને નંદાને ફોન કરી ‘પિત્ઝા આવી ગયા ‘ તે જણાવ્યું.

જમીને પરવાર્યા અને ત્યાં તો પરિમલભાઈનો ફોન આવ્યો. દીકરીને પેટ ભરીને મળી લીધાનો સંતોષ તેમના અવાજમાં છલકાતો હતો. પરંતુ તેમને હવે એ મુંઝવણ સતાવતી હતી કે સ્નેહાને ભારત પાછી લઈ જવી છે પણ એનો પાસપોર્ટ તો લક્ષ્મીબહેન પાસે છે !

મનુભાઈ અને સરલાબહેન પણ વિચારમાં પડી ગયાં. પછી કિશને સૂચવ્યું તેમ સોશ્યલવર્કરને કહીને જ આ વાત નો કોઈ રસ્તો નીકળી શકે. એટલે હવે કાલે કેથીને મળ્યા પછી જ કંઈ થઈ શકશે એમ કહી મનુભાઈએ સૌને આજે આરામ કરવાનું કહી ફોન મૂક્યો.

મનુભાઈ તેમના દોસ્તોને મળવા પબમાં ગયા અને સરલાબહેન ઈસ્ત્રી કરવાના કપડાંનો ઢગલો લઈને ટી.વી. સામે બેઠાં. ધનુબા તેમની રેગ્યુલર સિરેયલ જોવામાં મશગૂલ હતાં. ત્રણે ય છોકરાંઓ તેમના પોત પોતાના રૂમમાં ગયા.

ઈસ્ત્રી કરતાં કરતાં સરલાબહેન તેમના બાળપણમાં ક્યારે સરી પડ્યાં તેની તેમને ખબર પણ ન પડી…..

બા-બાપુજી અને તેમનું ગરીબ છતાં સંતોષી કુટુંબ, તેમનો ભર્યો ભર્યો પાડોશ અને મનને ખૂણે સચવાઈ રહેલા નિર્દોષ આનંદની ક્ષણો જીવતી થવા માંડી………


ક્રમશઃ


સુશ્રી નયનાબહેન પટેલનું વીજાણુ સંપર્ક સરનામું: ninapatel47@hotmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *