ચાર ગ઼ઝલ

Facebooktwitterredditpinterestlinkedinmail

– મગન ‘મંગલપંથી’

              (૧)

એક ડાળી તૂટી ગઈ.
જોઈ, બીજી ઝૂકી ગઈ.

ભેરવેલી ભીંતે રહી,
જાત એમ જ ફૂટી ગઈ.

ન શક્યો બોલી પછી,
બોલી એની ઊંચી ગઈ.

વાત મારી બાકી રહી,
સૌની ધીરજ ખૂટી ગઈ.

આ હવા રોકાઈ ક્યાં?
ક્યાંક બારી ખૂલી ગઈ!


                (૨)


જેમ તાવે તું મને,
એમ ભાવે તું મને!

આમ અવસર તારો હોય,
ને સજાવે તું મને!

એટલે ફૂલ્યો-ફળ્યો,
હેતે વાવે તું મને!

નામ શાશ્વત તેથી છે,
કોતરાવે તું મને!

એ સમજવું પણ નથી,
કેમ ફાવે તું મને!                        (૩)

મઠોની ધજા ફક્ત દાતાર માટે,
નથી ત્યાં જગા હોતી લાચાર માટે.

વધે ખૂબ ને વિસ્તરે વડ સવાયો,
ભરોંસામાં વડવાઈ આધાર માટે.

જનમથી હંમેશાં રહી એ પ્રવાહી,
ઢળી સર્વને ગમતા આકાર માટે.

હથોટી હજી એ કોઈને ન આવી,
લખે ‘મા’ વિષે કૈંક આભાર માટે.

જરા વેદના જ્યાં મેં ઘોળી ગ઼ઝલમાં,
થયા છેટા મિત્રો આ નાદાર માટે.


                                  (૪)

એ કારણ છે, ગ઼ઝલ અમનેય ગમવામાં,
કોઈએ સાચવી છે એને કમખામાં.

ગ઼ઝલ એના વિના ભાગ્યે જ બીજે ગઈ,
નથી સરનામું શોધ્યું બીજું અથવામાં.

અમસ્તું એણે પૂછ્યું’તું, ‘મજામાં ને?’
ને ઉત્તર રાતભર આપ્યા છે સપનામાં.

સહજ રીતે શરૂ તો થાય એની વાત,
પછી તકલીફ પહોંચી છે અટક્વામાં.

આ માળી એ વિચારે સ્તબ્ધ છે મિત્રો,
ન ખીલ્યું બાગમાં, એ ફૂલ વગડામાં?


 

* * *

સંપર્ક સૂત્રો :

ઈ મેઈલ -Magan Macwana <mangalpanthi@gmail.com>
મોબાઈલ – 99749 28932

* * *

(ધોળકા (ગુજરાત)ના વતની ભાઈશ્રી – મગન ‘મંગલપંથી’ પ્રાથમિક શિક્ષક છે. તેમને ગ઼ઝલ સાહિત્ય પ્રકારમાં ખૂબ જ દિલચસ્પી છે. તેઓશ્રી સ્વસર્જન કરવા ઉપરાંત અન્યોને પ્રોત્સાહિત કરવા ફેસબુક ઉપર ‘ગ઼ઝલ તો હું લખું’ નામે ગ્રુપ પણ ચલાવે છે, જેમાં ગ઼ઝલના છંદ-બંધારણ અંગે ચર્ચા કરવામાં આવે છે. ગ્રુપમિત્રોએ પોસ્ટ કરેલી ગ઼ઝલોની ખામીઓ-ખૂબીઓ અંગે પણ ચર્ચાઓ થાય છે. આ ગ્રુપ દ્વારા હાલ સુધીમાં ત્રણ સહિયારા ગ઼ઝલસંગ્રહોનું પ્રકાશન પણ કરવામાં આવ્યું છે. તેમણે ‘સંગતિ’ અને ‘ગ઼ઝલગઢ’ એવા બે ગ઼ઝલસંગ્રહોનું સંપાદન પણ કર્યું છે. આ ઉપરાંત તેઓશ્રી ટૂંકી વાર્તા, લઘુકથા વગેરે પણ લખે છે, જે અવારનવાર વિવિધ સામયિકોમાં પ્રકાશિત થાય છે. ‘વેગુ’ માટે તેમની ગ઼ઝલો મોકલવા બદલ તેમને ખૂબ ખૂબ ધન્યવાદ. – ‘વેગુ’ સાહિત્ય સમિતિ)

6 comments for “ચાર ગ઼ઝલ

 1. November 21, 2017 at 8:51 pm

  ચારેય ગ઼ઝલમાંના મને ગમેલા શેર :
  ***
  એક ડાળી તૂટી ગઈ.
  જોઈ, બીજી ઝૂકી ગઈ.
  ***
  આમ અવસર તારો હોય,
  ને સજાવે તું મને!
  ***
  વધે ખૂબ ને વિસ્તરે વડ સવાયો,
  ભરોંસામાં વડવાઈ આધાર માટે.
  ***
  એ કારણ છે, ગ઼ઝલ અમનેય ગમવામાં,
  કોઈએ સાચવી છે એને કમખામાં
  ***.
  અભિનંદન.

 2. November 21, 2017 at 9:05 pm

  નમ્રભાવે કહું તો પહેલી ગ઼ઝલની તકતી જો ‘ગાલગાગા ગાગાલગા’ હોય તો બીજા શેરના બીજા મિસરા (જાત એમ જ/ ફૂટી ગઈ) માં કંઈ સુધારવા જેવું ખરું? જો કે હું શિખાઉ છું અને તેથી મારા આત્મસંતોષ માટે જાણવા ચાહું છું.

  • મગન મંગલપંથી
   November 22, 2017 at 12:04 am

   વલીભાઈ, તકતી – ગાલગાગા ગાલગા’ – એમ છે. હવે એ મુજબ છંદ મેળવશો.

   • November 22, 2017 at 11:43 am

    ઓહ! વળી મારું છંદજ્ઞાન આડું આવ્યું! ગજબની માયા છે, આ ગ઼ઝલના વ્યાકરણની! આમાં ઉચ્ચારછૂટ અને કોઈ અક્ષરનું આગલા તરફ ખેંચાવું એવું પણ બન્યું લાગ્યું છે. જો કે આપ ગ઼ઝલના મહારથી હોઈ આવી કોઈ ક્ષતિ હોઈ શકે નહિ તેમ હું માનતો તો હતો, પણ મારા આત્મસંતોષ ખાતર મેં પૂછ્યું હતું. આભાર.

 3. November 22, 2017 at 2:10 pm

  હથોટી હજી એ કોઈને ન આવી,
  લખે ‘મા’ વિષે કૈંક આભાર માટે.

  badhij gazalo no “haasil e gazal ‘ kahi shakaay evo sher.shu vaat chhe Maganbhai.bahu saras gazalo……

 4. siddiqbharuchi
  December 3, 2017 at 7:33 pm

  gazalo Kathu Kadhe chhe, Abhinandan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *