





બીરેન કોઠારી
જમીનમાં દટાયેલી કોઈક પ્રાણીની નાનકડી પૂંછડીની ટોચનો ભાગ નજરે પડે ત્યારે જોનારને લાગે કે આ ઉંદર જેવું ટચૂકડું પ્રાણી હશે. કુતૂહલવશ એ પૂંછડી ખેંચવાનું શરૂ કરે, અને ધીમે ધીમે આગળ વધતો જાય ત્યારે છેક છેલ્લે ખ્યાલ આવે કે આ ડાયનોસોર જેવું રાક્ષસી કદનું પ્રાણી છે! સામાન્ય રીતે કાર્ટૂનમાં આવું અતિશયોક્તિભર્યું ચિત્રણ બતાવવામાં આવે છે. એનો અર્થ એવો નથી કે વાસ્તવમાં આમ ન હોઈ શકે. ખરેખર તો વાસ્તવ આનાથી વધુ બિહામણું હોઈ શકે છે.
પૂણેના એક આઈ.પી.એસ.અધિકારી એસ.એમ.મુશરિફને ‘સ્ટેમ્પ કૌભાંડ’નો અણસાર આવ્યો ત્યારે તેમને અંદાજ સુદ્ધાં ન હતો કે ઉંદરની પૂંછડીની ટોચ જેવા દેખાતા આ કૌભાંડનું કદ ડાયનોસોર જેવડું પ્રચંડ છે. તેઓ ઊંડા ઉતર્યા અને તપાસ કરતાં જણાયું કે એક બે નહીં, પૂરા અઢાર રાજ્યો અને સીત્તેર નગરોમાં વ્યાપેલું, સાડા ત્રણસો એજન્ટોને સંડોવતું આ કૌભાંડ એક દશકાથી ચાલી રહ્યું છે. સરકારી અફસરો અને રાજકારણીઓની અતિ મજબૂત સાંઠગાંઠ ધરાવતા આ કૌભાંડનું મહોરું હતો એક માણસ, જેનું નામ હતું અબ્દુલ કરીમ તેલગી. કૌભાંડ ઉઘાડું પડતાંની સાથે જ તેલગીનું નામ રાતોરાત જાણીતું બની ગયું.
તેલગી બનાવટી સ્ટેમ્પ પેપર તૈયાર કરતો હતો અને જથ્થાબંધ ખરીદારોને તે પૂરાં પાડતો હતો, જેમાં બૅન્ક, સ્ટૉક સાથે સંકળાયેલી કંપનીઓ, વીમા કંપનીઓ વગેરેનો સમાવેશ થતો હતો. આ રીતે તેણે આશરે 30,000 કરોડ રૂપિયાનાં સ્ટેમ્પ પેપર વેચ્યાં હોવાનો અંદાજ હતો. આટલો જંગી આંકડો સાંભળીને ચોંકવાની જરૂર નથી, કેમ કે, આ કેવળ અંદાજિત રકમ છે. વાસ્તવિક રકમ આનાથી અનેક ગણી વધુ હોવાની સંભાવના છે. અહીં તેલગી કેસની વિગતોમાં ઊંડા ઉતરવાનો જરાય ઉપક્રમ નથી. પણ આ કેસ નિમિત્તે કેટલાક મુદ્દાઓને ધ્યાનમાં લેવાની જરૂર છે, તેના પ્રત્યે નિર્દેશ કરવાનો છે.
તેલગીની ધરપકડ થઈ, તેની પર ખટલો ચાલ્યો અને અદાલતે તેને ત્રીસ વર્ષની કેદ તેમજ 202 કરોડનો આકરો દંડ ફટકાર્યો. આ સજા પૂરી થાય એ પહેલાં જ તેલગીનું અવસાન ગયા સપ્તાહે, 26 ઓક્ટોબર, 2017ના રોજ જેલવાસ દરમિયાન જ થયું. આવકવેરા વિભાગે તેલગી પાસે 120 કરોડ રૂપિયા લેણાનાં નીકળતા હતા, જે વ્યક્તિગત ધોરણે સૌથી મોટી ગણાવાય એવી રકમોમાંની એક હતી. તેલગીના આ કૌભાંડનો જેટલો વિશાળ વ્યાપ હતો એ જોયા પછી સાદી બુદ્ધિ વડે પણ સમજાય એમ છે કે તેમાં સામાન્ય ચપરાસીથી લઈને મંત્રીની કક્ષાના અનેકાનેક માથાં સામેલ હશે. એ વિના આટલા વિશાળ પાયે, આટલા લાંબા સમય સુધી તે ચાલી જ ન શકે. તેલગી પર ચાલેલી પૂછપરછ દરમિયાન પણ તેણે મોં ખોલ્યું ન હતું. આ દરમિયાન બનાવટી સ્ટેમ્પ પેપર પર વિવિધ લોકો દ્વારા કરવામાં આવેલા દસ્તાવેજોની અધિકૃતતાનું શું? એ સ્ટેમ્પ પેપર ખરીદનારનો શો વાંક? યાદ છે ત્યાં સુધી આ દસ્તાવેજોનું પ્રમાણ અને વ્યાપ એ હદે વિસ્તરી ચૂક્યાં હતાં કે સરકારે એ તમામને અધિકૃત જાહેર કરવાની ફરજ પડી હતી. આ બાબત તદ્દન ખોટું ઉદાહરણ પ્રસ્થાપિત કરે છે.
આર્થિક ગુનાઓના ઈતિહાસની આપણે ત્યાં નવાઈ નથી. કાયદાને તોડીમરોડીને આવા ગુનેગારો છૂટા ફરે છે કે મામૂલી સજા ભોગવે છે. આ અગાઉ હર્ષદ મહેતા, કેતન પારેખ, ચૈનરૂપ ભણસાલી જેવા ગુનેગારો પ્રચંડ કહી શકાય એટલી રકમનાં કૌભાંડ કરી ચૂક્યા છે. આમાંના પહેલાં બે નામોએ શેરબજારને પોતાના હાથમાં લઈને દેશ આખાના અર્થતંત્રને પોતાના ઈશારે નાચતું કરી દીધું હતું. સત્યમ કૌભાંડ અને સુબ્રતા રોયનું તેમજ છેલ્લે છેલ્લે વિજય માલ્યાનું આર્થિક કૌભાંડ પણ જંગી રકમોના ગોટાળા સાથે સંકળાયેલું છે.
તેલગીથી લઈને આ તમામ ગુનેગારો વચ્ચે એક સામાન્ય બાબત જોવા મળતી હોય તો તેમાં સંડોવાયેલી જંગી રકમ અને તેમની ગુનાહિત માનસિકતા. તેમનો આશય જ લુચ્ચાઈ અને છેતરપીંડીથી નાણાં એકઠા કરવાનો છે. તેને કારણે તેમની હિંમત પણ જબરદસ્ત હોય છે, કેમ કે, જેટલા વધુ લોકો કે રકમ તેમની જાળમાં ફસાય એમ તેમને વધુ ફાયદો થાય. તેઓ સારી પેઠે જાણતા હોય છે કે પકડાઈ જવાય તો પણ એક હદથી વધુ તેમને કંઈ થઈ શકવાનું નથી. આટલી મોટી રકમ હોય ત્યારે દેખીતું છે કે એકલદોકલ રીતે નહીં, પણ અનેક લોકોના ‘સહકાર’ વડે એ કામ પાર પાડવું પડે. આ લોકો સંબંધિત સંસ્થાઓના હોદ્દેદારો હોય. નાણાંની લાલચે તેઓ પણ આમાં સાથ આપે. આવા કિસ્સામાં મોટા ભાગે બનતું હોય છે એમ છેલ્લે તેની સાથે સંકળાયેલાં નામો બહાર આવે છે, પણ તેમણે કરેલા ગોટાળાનાં નાણાં ક્યાં વહી જાય છે એ કદી બહાર આવતું નથી. હવે તો વિદેશી બૅન્કોમાંના ખાતાંઓની વિગત ખાતેદારના નામ અને તેમાંની રકમ સહિત લાવવાનું શક્ય બન્યું છે. એ નામો અવારનવાર જાહેર પણ થતાં રહે છે. અફસોસની વાત એ છે કે આ બધાનો આખરે કશો અર્થ રહેતો નથી. અદાલત તરફથી ગમે એટલી કડકાઈ દાખવવામાં આવે તો પણ તેની એક મર્યાદા હોય છે. સરકારની ભૂમિકા દાવાઓ અને આક્ષેપો સિવાય સિવાયની ભાગ્યે જ કશી હોય છે. એ કોઈ પણ સરકાર હોય.
તેલગીને કેદ થઈ પછી પણ ભાગ્યે જ તેણે બીજાઓની સંડોવણી બાબતે મોં ખોલ્યું હતું. તેના મૃત્યુ સાથે હવે એ પ્રકરણ પર પણ પડદો પડી જશે. તેણે ચૂકવવાના નીકળતા દંડની રકમનું શું? આવકવેરાના લેણાની રકમનું શું? અને સૌથી અગત્યનો સવાલ એ કે તેણે જે ત્રીસ હજાર કરોડનો ગોટાળો કર્યો હોવાનો આક્ષેપ હતો એ રકમ ક્યાં અને કોની પાસે ગઈ? થોડાંઘણાં નામ ખૂલ્યાં છે, પણ આટલી મોટી રકમનું રહસ્ય અકબંધ રહ્યું છે. એમ લાગે છે કે દરેક યુગે આર્થિક કૌભાંડો થતાં રહેવાનાં. સમય વીતે એમ તેની રકમમાં મીંડા વધતા જવાના. આવા ગુનેગારોને સજા થશે તો પણ તેમના ગુનાની સરખામણીએ કેવળ નામ પૂરતી. પાંચસો હજાર રૂપિયાની લાંચ લેતા છટકામાં પકડાતા અધિકારીઓને કે અન્ય નાની રકમના ગોટાળાની વૃત્તિ ધરાવનારાઓને માટે આ રીતે સ્પષ્ટ સંદેશ મળે છે કે કંઈ પણ કરો તો મોટા પાયે કરો. નાની રકમના ગોટાળાની સજા મોટી હોઈ શકે, પણ મોટી રકમના ગોટાળાની સજા નાની હશે.
સામાન્ય નાગરિક ભલે પોતે પ્રામાણિક હોવાનો ગર્વ લીધે રાખે!
(નોંધ: ગયા સપ્તાહના આ કટારના લેખ ‘બૂરું બોલવું નહીં, બૂરું લખવું નહીં, બૂરું છાપવું નહીં’માં રાજસ્થાન સરકાર દ્વારા અધિનિયમ લાદવાની વાત લખવામાં આવી હતી. તેમાં ભૂતપૂર્વ ન્યાયાધીશો, મેજિસ્ટ્રેટ અને અમલદારો પર તેમણે ફરજ દરમિયાન કરેલી કોઈ પણ કાર્યવાહી માટે આગોતરી મંજૂરી વિના કોઈ પણ જાતની તપાસનો આદેશ આપી શકાશે નહીં. આ ઉપરાંત તેમની પર કાર્યવાહી ચાલુ હોય એ અરસામાં પ્રચાર માધ્યમોને તે અંગે કોઈ અહેવાલ ઘોષિત કરવા બાબતે પણ પ્રતિબંધ મૂકવાનું સૂચિત કરવામાં આવ્યું હતું. વાણીસ્વાતંત્ર્યના હક પરની તરાપ જેવા આ અધિનિયમનો જોરશોરથી વિરોધ થતાં આખરે સરકારે તેનો અમલ પડતો મૂકવો પડ્યો છે.)
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨-૧૧ -૨૦૧૭ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
તેલગીને તો બલીનો બકરો બનાવ્યો છે. જો તેમ ન હોત તો તેલગી પાસે કરોડો રુપીયાની મિલ્કત હોય. આ કૌભાંડમાં કોણ કોણ હોઈ શકે છે તે વાત અજાણી નથી. “તેલગીએ મોં નથી ખોલ્યું” તે વાત જ હાસ્યાસ્પદ છે. મોં ખોલાવવું એ કંઈ હવે અઘરી વાત રહી નથી. ભલભલા આતંકવાદીઓ ના મોં ખોલાવી નાખનારાઓ દેશમાં અસ્તિત્વ ધરાવે છે અને મોં ખોલાવવાના હજાર રસ્તાઓ મોંખોલાવનારાઓને હસ્તગત હોય છે. રાજકારણીઓ અને તેમાં પણ નહેરુવીયન કોંગ્રેસ અને એનસીપીના ટોચના નેતાઓને દાઉદ ગેંગ સાથે સબંધ ન હોઈ શકે તે વાત ઘણા લોકો સ્વિકારતા નથી.
કૌભાંડમાં કોણ હોઈ શકે એ વાત અજાણી નથી એ ખરું, પણ ઓન રેકોર્ડ કોઈનાં નામ નથી ખૂલ્યાં. અને એ આખું કૌભાંડ એ રીતે ઢંકાઈ ગયું છે કે જાણે હતું જ નહીં.