મોજ કર મનવા : શું લાગે છે?

Facebooktwitterredditpinterestlinkedinmail

કિશોરચંદ્ર ઠાકર

થોડા દિવસ પહેલાં એક બિમાર મિત્રની ખબર જોવા માટે બસમાં બેસીને હોસ્પિટલ જઈ રહ્યો હતો. બાજુમાં બેઠેલા સજ્જને મને પૂછ્યું “શું લાગે છે?”

મેં જવાબ આપ્યો કે “હાલ શિયાળો છે, છતાં ગરમી બહુ લાગે છે”

સજ્જને કહ્યું “એ તો ઠીક છે, પરંતુ ચૂંટણીનું શું લાગે છે?”

“પહેલાં ઉમેદવારીપત્રો ભરાશે, ટિકિટ મેળવવા માટે દોડધામ થશે. રાજકીય પક્ષના પ્રચારકો ગાળાગાળી કરશે, નાણાની રેલમછેલ કરશે. સરકારી કર્મચારીઓ ચૂંટણીના કામમાં જોડાશે. છેવટે ચૂંટણી થશે અને પછીથી તેના પરિણામો પણ આવશે. જેની બહુમતી આવશે તે પક્ષની સરકાર રચાશે”

“એ બધી તો ખબર જ છે પણ કોણ જીતશે?”

“જે ઉમેદવારને વધારે મત મળશે તે જીતશે. અને જે પક્ષના વધારે ઉમેદવારો ચૂંટાશે તે પક્ષ જીતશે”

“મજાક ન કરો. કોને મત વધારે મળશે તે કહો ને.”

“એ કેવી રીતે ખબર પડે? મારો પોતાનો મત ક્યાં પડશે એની પણ મને ખબર નથી, તો બીજો કોઈ કોને મત આપશે તેનો ખ્યાલ ક્યાંથી આવે?”

સજ્જન નિરાશ થયા. અને મારું સ્ટે‌ન્ડ આવતાં હું ઊતરીને હું હોસ્પિટલે પહોંચ્યો. મિત્રની તબિયત અંગે કાંઈ પૂછું તે પહેલાં જ ત્યાં મોજૂદ બીજા એક સંબંધીએ મને પૂછ્યું “શું લાગે છે તમને?”

મેં જવાબ આપ્યો કે ‘મને લાગે છે કે મિત્રને જલ્દીથી સારું થઈ જશે”

ભાઈએ કહ્યું કે “એ તો થઈ જ જશે, પરંતુ ચૂંટણીનું શું લાગે છે તમને?”

“કોણ જીતશે તે હું કહી શકું તેમ નથી. અને અત્યારે તો આ મિત્રની તબિયત અંગે જ મને વિચાર આવે છે.”

કોણ જાણે કેમ પણ ચૂંટણીની જાહેરાત થયા પછી જ્ઞાતિના મેળાવડામાં, બગીચાના બાંકડે બેઠેલા લોકોમાં, લાફિંગ ક્લબોમાં, દવાખાને મળતા દર્દીઓમાં, બેસણાંમાં અને ચિતા પ્રજ્વલિત થયા પછી સ્મશાનમાં ટોળે વળેલા ડાઘુઓમાં, એમ દરેક જગ્યાએ આ જ પ્રશ્ન પુછાવા લાગ્યો છે,. “શું લાગે છે?”

અત્યાર સુધીમાં હું સમજી ચૂક્યો હતો કે લોકો શું લાગે છે? તે પ્રશ્ન ચૂંટણીમાં કોણ જીતશે તે બાબતે જ પૂછે છે. મને આનંદ પણ થયો કે ભલે માત્ર ચૂંટણીના પરિણામ બાબતે હોય તો પણ જ્ઞાન મેળવવા આવશ્યક એવી લોકોની જિજ્ઞાસાવૃત્તિ વધી ગઈ છે. સાચા જ્ઞાનપિપાસુને જેમ ચોક્કસ જવાબ ન મળે ત્યાં સુધી ચેન ન પડે તેમ મારા “મને કંઈ ખ્યાલ આવતો નથી” એ જવાબ સાંભળીને મિત્રો નિરાશ થતા. પરંતુ થોડા દિવસ પછી મારી આ માન્યતાને ગંભીર ફટકો પડ્યો. વીજળીનું બિલ ભરવાની લાઇનમાં મારી આગળ ઊભેલા એક ઓળખીતા ભાઈએ જ્યારે મને પૂછ્યું કે શું લાગે છે? ત્યારે તે નિરાશ ન થાય તે માટે મેં મને જે સૂઝ્યો તે જવાબ આપી દીધો. “ફલાણો પક્ષ જીતશે” મારા આ જવાબથી દાણચોરીના કિસ્સામાં ગાંધીજીએ કબૂલાત કરવાનું કહેવાથી ‘ભલા પારસીના મોંની’ જેમ એ ઓળખીતા ભાઈનું મોં પડી ગયું.

“કેમ નારાજ થઈ ગયા?” મેં પૂછ્યું.

“ફલાણો પક્ષ તો કઈ રીતે જીતે? “ એમ કહીને તે પક્ષની જેટલી થઈ શકે તેટલી બૂરાઈ તેમણે કરી. “તો પછી ઢીકણો પક્ષ જીતશે” ભાઈની નારાજગી દૂર કરવા મેં કહી દીધું. “એમ નહિ, પણ તમને હવા કોની લાગે છે?” ભાઈ મેદાન છોડવા તૈયાર ન હતા. પરંતુ હું કંટાળ્યો હતો. આથી બોલ્યો “કુદરતે હવા તો પશુ, પક્ષી, માણસ, વનસ્પતિ એમ બધાને માટે આપી છે, તેના પર કોઈ રાજકીય પક્ષની માલિકી નથી.”

મારા આ જવાબથી ભાઈની નારાજગીનું સ્થાન ગુસ્સાએ લીધું અને બોલી ઊઠ્યા “ના સમજ પડતી હોય તો ના કહો પરંતુ આમ મજાક ન કરો”

હવે મને એક વાત સમજાઈ કે જેને હું જિજ્ઞાસા માટે પુછાયેલો માનતો હતો એ “શું લાગે છે?” નામનો પ્રશ્ન ખરેખર તો પોતાના અભિપ્રાય કે મતનાં સમર્થનની માગણી જ છે. વધુ વિચાર કરતાં એમ લાગે છે, કે માત્ર ચૂંટણીનાં પરિણામ બાબતે જ નહિ પરંતુ આપણે રાજકીય, ધાર્મિક, કે અન્ય સામાજિક વિષયો બાબતે આપણી જિજ્ઞાસા વ્યક્ત કરીએ છીએ તે ખરેખર જિજ્ઞાસા નથી હોતી, પરંતુ આપણે પૂછેલા પ્રશ્નના જવાબમાં આપણી માન્યતા કે ઇચ્છાનો પડઘો પડે તેમ ઇચ્છતા હોઈએ છીએ. પરંતુ ચૂંટણીના સમયમાં આ બાબત પરાકાષ્ઠાએ પહોંચે છે. પ્રચાર માધ્યમોને કારણે કોઈ રોગચાળાના વાઇરસની જેમ ‘શું લાગે છે?’ નામનો વાઇરસ ફેલાઈ જાય છે. ઘણાં બધાં લોકો મહાભારતનું યુદ્ધ થવાનું હોય (ગુજરાત જેવા રાજ્યોમાં) તેમ બે પક્ષોમાં વહેંચઈ જાય છે અને દરેક જણ પોતે પાંડવ પક્ષે છે તેમ માને છે. ખબર નથી કે યુદ્ધ થતાં પહેલા યુધિષ્ઠિરે સહદેવને કોણ જીતે છે તે પૂછ્યું હતું કે નહિ, પરંતુ ચૂંટણીના સમયમાં લોકો શું લાગે છે? એમ પૂછીને સામી વ્યક્તિ પોતે સહદેવ જોષી છે તેવો ભ્રમ કરાવે છે. હકીકત એ છે કે આપણે કોઈ રાજકીય પક્ષને દિલ દઈ દીધું હોવાથી મત નક્કી કરતી વખતે મગજ કરતાં હૃદયનો ઉપયોગ વધારે કરીએ છીએ અને મતદાર મટી પ્રચારક બની જઈએ છીએ. ખબર નથી કે આ બાબત લોકશાહીની ભાવના સાથે સુસંગત છે કે નહિ.

તમને શું લાગે છે?


શ્રી કિશોરચંદ્ર ઠાકરનું ઇ-પત્રવ્યવહાર સરનામું: kishor_thaker@yahoo.in

12 comments for “મોજ કર મનવા : શું લાગે છે?

 1. bhagwan thavrani
  November 15, 2017 at 1:35 pm

  Bilkil saachi ane marmik vaat ! Aavi dhaardaar vaato ramooj na otha hethal j kahi shakaay !

  • Kishor Thakr
   November 15, 2017 at 7:17 pm

   આભાર થાવરાણી સાહેબ

 2. samir dholakia
  November 15, 2017 at 2:30 pm

  બિલકુલ સાચું ! ઘણા સમય પછી આપનો લાભ મળ્યો.
  લોકો જયારે કોઈ વાત કરે ત્યારે વિરુદ્ધ અભિપ્રાય સાંભળવાની બિલકુલ તૈયારી હોતી નથી . ફક્ત પોતાના મંતવ્યો નું અનુમોદન જોતું હોય છે !

  • Kishor Thakr
   November 15, 2017 at 7:18 pm

   આભાર સમીરભાઈ

 3. November 15, 2017 at 10:09 pm

  મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ તેમના નિબંધ ‘મતાંતર’માં આ મતલબની એક વાત તેમણે સમજાવી છે કે ‘પોતાનું અન્યો ન જ માની શકે તેને સાચું ઠેરવવામાં અને અન્યોનું સાચું લાગતું હોય તેને ખોટું ઠેરવવામાં માણસ માહિર હોય છે.’
  સમતોલ લેખ. અભિનંદન.

  • Kishor Thakr
   November 16, 2017 at 12:11 pm

   આભાર વલીદા

 4. November 16, 2017 at 5:55 pm

  અમને તમારો લેખ ગમ્યો. એવું મિત્રોને હવે આમ કહીને પુછીશ
  તમને કેવો લાગે છે? !!!
  ———-
  જોક્સ એપાર્ટ… આપણને અનુકૂળ વાત જ ગમે છે.

  • Kishor Thakr
   November 18, 2017 at 10:43 am

   આભાર સુરેશભાઈ

 5. Gautam Khandwala
  November 23, 2017 at 11:43 am

  સરસ લેખ.
  મને કે તમને આચારસંહિતા લાગુ ના પડે.

  • Kishor Thakr
   November 23, 2017 at 12:13 pm

   આભાર ગૌતમભઈ, મેં જાતે જ આચારસંહિતા લાગુ પાડી છે.

 6. જયકર છો.જોશી
  November 24, 2017 at 8:02 pm

  મજા પડી ,લેખનું અવગાહન કરીને .

 7. Ashvin Patel
  December 7, 2017 at 10:59 pm

  કિશોરભાઈ એકદમ સાચી વાત છે. એમ થાય છે કે ચુટણીનુ પરિણામ આવી જાય એટલે શાંતિ. નજીક ના મિત્રો સાથે સંબંધ બગડવા નો ભય લાગે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *