





– સમીર ધોળકિયા
થોડા સમય પહેલાં મિત્રો સાથેની ચર્ચામાં વાત નીકળી કે સ્વ-સુધારણા કે સ્વ-મદદ માટેનાં પુસ્તકો કોઈ કામ આવે છે ખરાં? એક મિત્રનો એવો અભિપ્રાય હતો કે તે પુસ્તકોથી ફક્ત તેના લેખકોની નાણાકીય પરિસ્થિતિ સુધરે છે, બીજું કોઈ સુધરતું નથી!
આ ચર્ચાનો અત્યારે અર્થ કેટલો હોઈ શકે જયારે પુસ્તક વાચન જ ઘટી રહ્યું છે, તો પણ એ વિષે થોડી વાત તો કરી લઈએ…….
પહેલાં તો એ સમજી લઈએ કે સ્વ-મદદ કે સ્વ-સુધારણાનાં પુસ્તકો એટલે કયાં પુસ્તકો? દરેક વ્યક્તિને જીવનમાં આગળ વધવા માટે પોતે સુધરવાની જરૂર પડે છે. આ સુધાર આર્થિક, માનસિક કે બૌદ્ધિક હોઈ શકે જે માટે તેણે પોતાના વિચારોમાં, કાર્યમાં અને વલણમાં પરિવર્તન લાવવું પડે છે. સ્વ-સુધારણાપુસ્તકો આ ફેરફાર સહેલો બનાવે છે અથવા તો તેના માટેનો જરૂરી માનસિક અભિગમ કેળવે છે અથવા કેળવવામાં મદદ કરે છે.
મેં પોતે પહેલું સ્વ-સુધારણાનું પુસ્તક વાંચ્યું હતું તે ડેલ કાર્નેગીનું How to win friends and influence people અને તે પણ ૪૭ વર્ષ પહેલા જયારે હું યુવાન હતો અને કંઇક કરવા માગતો હતો ત્યારે.. મને તે પુસ્તક બહુ જ સરળ અને સરસ લાગ્યું હતું. ઑક્ટોબર ૧૯૩૬માં લખાયેલી આ ચોપડી આજે પણ વંચાય છે અને તેની અસર પણ થતી હશે. સંબંધ સાચવવાની કળા અને જરૂરિયાત વિષે આ પુસ્તક જરૂર કંઈક કહે છે. પછીની જિંદગીમાં આ પુસ્તકમાંથી શીખેલાં સૂત્રો યાદ રાખવાં અને પાળવાં અઘરાં જરૂર છે, પણ અશક્ય નથી. કોઈ પણ વ્યક્તિ પોતે સુધરવા માગે એ કાળ મોટે ભાગે યુવાનીનો હોઈ શકે. મોટી ઉંમરે સુધરવાની બહુ ઇચ્છા કે જરૂરિયાત રહેતી/લાગતી નથી. ઘણી વ્યક્તિઓ પોતાની ખાસિયતો તથા નબળાઈનું વિશ્લેષણ સારી રીતે કરી શકે છે અને તેથી પોતાના નબળાં અને સબળાં પાસાં વિષે વિચારી શકે છે અને પોતાના પ્રશ્નોનું નિવારણ પોતે જ કરી શકે છે પણ સાથે સાથે એ પણ સ્વીકારવું રહ્યું કે બધા આમ નથી કરી શકતા. ઘણાને બાહ્ય પ્રેરક પરિબળ કે દિશાસૂચન કે સલાહની જરૂર પડે છે. આ પ્રકારનાં લોકો માટે પુસ્તક કે બીજાની સલાહ-વાતચીત ઉપયોગી નીવડી શકે છે.
આપણી સમક્ષ મોટો દાખલો મહાત્મા ગાંધીનો છે. એમણે યુવાનીમાં વાંચેલ ઘણા પુસ્તકોની અસર છેક લગી દેખાતી હતી અને તેમણે તેમની આત્મકથામાં આ હકીકત લખેલ પણ છે. પુસ્તકોની અસર તો વ્યક્તિ અને સમાજ પર હોય જ છે પણ અહી આપણે સ્વ-મદદ કે સ્વ-સુધારણાનાં પુસ્તકોની અસર વિષે વાત કરીએ છીએ.
હાલમાં વાંચેલ આંકડા પ્રમાણે આપણા દેશમાં સ્વ-મદદનાં ૯૫ લાખ પુસ્તકો વાર્ષિક વેચાય છે અને કુલ્લે તે વેપાર રૂ.૧૮૦ કરોડનો છે.
મોટે ભાગે આપણે પુસ્તક વાંચ્યા પછી વખત વીત્યે ભૂલી જતા હોઈએ છીએ પણ ઘણાં પુસ્તકો સંક્ષિપ્ત સ્વરૂપ આપણી સ્મૃતિમાં લાંબો સમય રહેતાં હોય છે અને આ પુસ્તકોની કોઈને કોઈ અસર સીધી કે આડકતરી રીતે આપણા માનસ પર કે ભવિષ્ય પર થતી હોય છે. જેમકે થોડા દિવસો પહેલાં મેં ભાઈશ્રી અશોક વૈષ્ણવનો વેબ ગુર્જરી પર પ્રકાશિત થયેલ લેખ ‘એન રૅન્ડની મહાનવલ ‘એટલસ શ્રગ્ગ્ડ’ની ષષ્ઠિપૂર્તિ‘ વાંચ્યો ત્યારે લગભગ ૪૧ વર્ષ પહેલં વાંચેલ એ પુસ્તકોની તે સમયે મારા પર પડેલી છાપ મને ફરીથી તાજી થઈ ગઈ..અત્યારે બજારમાં સ્વ-સુધારણાનાં અધધધ કે’વાય એટલાં પુસ્તકો મળે છે જેનાથી આપણે મુંઝાઈ જઈએ કે શું વાંચવું અને ક્યા લેખકને વાંચવો. પરંતુ તે એ પણ બતાવે છે કે આ પ્રકારનાં પુસ્તકોની માંગ કેટલી બધી છે. તેનું કોઈ કારણ તો હશે જ.
આ માંગનું કારણ એ પણ હોઈ શકે કે પહેલાં જૂની પેઢીના વિકલ્પો જ સીમિત હતા અને તે વખતે જે નોકરી સામે આવે તે લઈ લેવા-સ્વીકારવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. જયારે અત્યારે સ્પર્ધા વધારે છે તેમ જ વિકલ્પો પણ વધારે છે. નવી પેઢીમાં પોતે ક્યા વ્યવસાયને લાયક છે – અને વધારે તો મુંઝવતો પ્રશ્ન એ છે કે પોતાને શું ગમે છે કે શું ગમશે એ જ સમજાતું નથી. આ સંજોગોમાં બહારનું માર્ગદર્શન ઉપયોગી નીવડી શકે અને જેમને આવું માર્ગદર્શન ઉપલબ્ધ ન હોય તેને વિવિધ વિકલ્પોની જાણ માટે આવાં પુસ્તકો ઉપયોગી થઈ શકે.
અત્યારે પહેલાં કરતાં સ્થળાંતર પણ ખૂબ વધી ગયું છે અને જયારે નવી પેઢી એક સ્થળથી બીજા સ્થળોએ જાય ત્યારે તેમને નવાં સ્થળો વિષે અને તે પછી થનાર ઈન્ટરવ્યુમાં કઈ રીતે જવું. કેવી રીતે વાતચીત કરવી, કેવી અને શું તૈયારી કરવી અને નવા વાતાવરણમાં કઈ રીતે ગોઠવાવું તે અંગે પુસ્તકોમાંથી સારું માર્ગદર્શન મળી શકે છે. બીજું કે આ પુસ્તકો શંકા અને અનિશ્ચિતતા વચ્ચે સપડાયેલી વ્યક્તિઓને બાહ્ય મદદ/સલાહ/ટેકો આપવાનું કામ કરે છે અને વિશ્વાસ અપાવે છે. સાથે સાથે અત્યારના સમયમાં સમાજ કે વ્યક્તિઓ પાસે સમયનો અભાવ હોય છે ત્યારે બીજાને શાંતિથી સાંભળવાનો કે માર્ગદર્શન આપવાનો સમય નથી હોતો અને ધીરજ પણ નથી હોતી. પહેલાં કુટુંબીજનો કે વડીલો કે શિક્ષકો આ કામ કરી શકતા હતા હવે સમાજ વ્યક્તિકેન્દ્રી વધુ બની ગયો છે. અને તેથી આ વિકલ્પ સીમિત થઈ ગયો છે. વળી, માત્ર વ્યાવસાયિક માર્ગદર્શનની વાત કરીએ તો ઘરનાં વડીલો આજના જમાનાનાં વ્યાવસાયિક ક્ષેત્રો વિશે બહુ મદદરૂપ ન પણ થઈ શકે.
આ પ્રકારનાં સ્વ-મદદનાં પુસ્તકો વિષે નિષ્ણાતોમાં બે મત છે. કોઈ એમ પણ કહે છે કે આ પુસ્તકો ખોટી આશા આપે છે; પણ એક વાત જરૂર કહી શકાય કે આ બધાંથી વ્યક્તિગત વિકાસ સાધવામાં અને વ્યક્તિગત સંબંધો અને તેની જાળવણીમાં મદદ થાય છે અને પોતાનાં નબળાં અને સબળાં પાસાં તરફ જરૂર ધ્યાન ખેંચાય છે. સાથે સાથે એ પણ સ્વીકારવું રહ્યું કે આ પ્રકારનાં પુસ્તકો કોઈ એક સમૂહ કે જૂથને એકસરખાં કામ ન લાગી શકે કારણ કે તે વ્યક્તિગત ધોરણે જ લાગુ પડી શકે અને કામ લાગી શકે છે.
એક લેખકે સ્વ-મદદ પુસ્તકો વિષે થોડી સૂચનાઓ આપી છે તે પ્રતિ પણ આપણે એક નજર નાખી લઈએઃ
(૧) વાચકને ગમતા સ્વરૂપમાં પુસ્તક હોવું જોઈએ નહીંતર એ પુસ્તક વાંચી જ નહિ શકાય!
(૨) આપેલાં સૂચનો સરળ હોવાં જોઈએ અને લેખકનું જ્ઞાન અનુભવસિદ્ધ હોવું જોઈએ. લેખક જો વિવિધ પરિસ્થિતિમાંથી પસાર થયેલો હોય તો તેની સલાહ વધુ સચોટ હોઈ શકે છે.
(૩) પુસ્તક લક્ષ્ય મેળવી ન આપે પણ તે મેળવવાનો રસ્તો તો જરૂર બતાવી શકે – અને આખરે,
(૪) લેખકે જણાવેલ સૂચનોને આંખ મીંચીને ન સ્વીકારાય. તેને પોતાના દિમાગથી ચકાસવું પડે જ.
આપણે જયારે મહાન વ્યક્તિઓનાં જીવનચરિત્ર વાંચીએ છીએ ત્યારે જોઈ શકીએ છીએ કે ઘણાના જીવન પર કોઈ ને કોઈ પુસ્તકની અસર હોય છે કારણ કે આપણા આદર્શો કે વિચારોને ઓપ આપવાનું કામ એક સહૃદયી શિક્ષક જ કરી શકે છે – ભલે તે શિક્ષક પિતા કે મોટા ભાઈ કે અંતરંગ મિત્ર હોય કે કોઈ પુસ્તક હોય.
આ બધી ચર્ચા પછી આપણે એટલું તો જરૂર કહી શકીએ કે પોતાના વિકાસ માટે સ્વ-સુધારણાકે સ્વ-મદદ જરૂરી છે અને તે માટે સૌથી પહેલાં પોતાનો સુધાર માટેનો સંકલ્પ અને પછી પોતાનો વિચાર, પોતાની ઇચ્છા અને સખત પરિશ્રમ જ કામ આવી શકે પણ તે માટેનું માર્ગદર્શન કે વિચારબીજ કોઈ પુસ્તકનું કે કોઈ વ્યક્તિ દ્વારા અપાયેલ સલાહનું એટલે કે બીજ કોઈ બહારથી રોપાયેલું હોઈ શકે છે.
પુસ્તકને માનવીઓનો સૌથી ભરોસાપાત્ર મિત્ર કહ્યો છે. તે મનોરંજન પણ આપે છે અને વખત આવે સ્વવિકાસમાં મદદ પણ કરી શકે છે. આ પુસ્તકોનો પ્રતિદિન વધતો વ્યાપ જ એમની જરૂરિયાત અને ઉપયોગિતા સૂચવે છે.
આપ સર્વે કયું પુસ્તક વાંચવા માટે સૂચવો છો?!
શ્રી સમીર ધોળકિયાનો સંપર્ક spd1950@gmail.com સરનામે થઈ શકશે.
નોંધઃ
અહીં મૂકેલ ઈમેજ નેટ પરથી સાભાર લીધેલ છે. તેના પ્રાકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.
વાત બહુ જ સમતોલ છે. આપણા શિક્ષણ અને આપણા વાંચનની આપણા જીવન પર અહુ મોટી અસર થાય છે – એ વાતમાં કોઈ જ સંશય નથી. પણ અમલમાં મુકાય તે જ્ઞાન જ કામનું નહી?
———-
આપ સર્વે કયું પુસ્તક વાંચવા માટે સૂચવો છો?!
કદાચ આ….( આને મારી જાહેરાત ન ગણતા.
https://gadyasoor.files.wordpress.com/2008/07/bani_azad_51.pdf
એમાંનું આ છેલ્લું પ્રકરણ વાંચવા સૌ મિત્રોને વિનંતી…
https://gadyasoor.wordpress.com/2013/03/17/bani_azad-16/
ખુબ ખુબ આભાર, સુરેશભાઈ !
Such books help and guide up to a certain age. Thereafter, one feels like ‘ see all, know all ‘ !
हम बहुत दिन जिये हैं दुनिया में
हम से पूछो कि ख़ुदकशी क्या है …
આપની વાત સાચી છે થાવરાણી સાહેબ, સૌ પ્રથમ મેં આગળ ધસો (pushing to the frontનો અનુવાદ)નામની ચોપડી નાની ઉંમરે વાંચી હતી, ત્યારે મને એમ લાગ્યું કે હવે તો આના આધારે જ વૈતરણી તરી જવાશે. એટલે કે પ્રેરણા મળતી હોય તેમ લાગેલું. પરંતુ તેના કરતા કોઈ જીવનચરિત્રોની અસર મનસ પર વધારે થતી હોય તેમ લાગે છે. વધારે પ્રેરણા તો આપણી આસપાસ જીવતા માણસો પાસેથી જ મળે છે. આમ છતાં કોઈ પણ પુસ્તક આપણા પર અસર છોડ્યા વિના રહેતું નથી. જોઆપણે થોડા પણ સંવેદનશીલ હોઇએ તો.
મેં લેખ માં એજ બતાવવા નો પ્રયત્ન કર્યો છે કે કોઈ પણ પુસ્તક આપને છેક સુધી મૂકી જઈ ના શકે પણ રસ્તો બતાવવામાં અથવા શું કરવું તે નક્કી કરવા માં મદદ કરી શકે.જીવતા માણસો તો શ્રેષ્ઠ પથદર્શક હોઈ શકે પણ એવી પરિસ્થિતિ ઓછી હોય છે.
પ્રતિભાવ બદલ ખુબ આભાર
Correct. Self help books are useful more at initial stage.
Thanks for your response.
સારા પુસ્તકો નો આપણા ઉપર પ્રભાવ જરૂર પડે છે ..યોગાનુયોગ છે કે સેલ્ફ હેલ્પ નું પહેલું પુસ્તક મેં પણ તમારી જેમ ડેલ કાર્નેગી નું હાઉ ટુ વિન ફ્રેન્ડસ એન્ડ ઇન્ફ્લુંસ પીપલ વાંચ્યું હતું .એ પછી સૌથી વધુ અસર મારા ઉપર થઇ મોહમ્મદ માંકડ સાહેબ ના પુસ્તક કેલિડોસ્કોપ ની.આજે હું યુવા સાથી મેગેઝીન માં દર મહીને પ્રેરણાત્મક લેખ લખું છું એ પાછળ આવા પુસ્તકો નો બહુ મોટો ફાળો છે.એ લેખો નો સંગ્રહ એટલે ” સફળતા ના સોપાન” નામનું મારું પુસ્તક.પણ હું એની વધારે માહિતી અહી નહિ આપું નહિ તો એવું લાગશે કે હું મારી પબ્લીસીટી કરી રહ્યો છું.મારું કહેવાનું તાત્પર્ય એટલુંજ છે કે અત્તર ની શીશી ને કપડા ની વચ્ચે મૂકી દેવામાં આવે અને થોડા દિવસ પછી કપડા કાઢવામાં આવે તો આ નિર્જીવ કપડા માં પણ સુગંધ વસી જાય છે .તો આપણે તો સજીવ છીએ .સારા લેખો,પુસ્તકો,પ્રવચનો ની સારી અસર અવશ્ય થાય છે……… આ સરસ લેખ લખવા બદલ આપનો આભાર અને અભિનંદન.