લ્યો, આ ચીંધી આંગળી : એક ઉપેક્ષિત વાદ્ય અને એક ઉપેક્ષિત જાણકાર જણ…

Facebooktwitterredditpinterestlinkedinmail

– રજનીકુમાર પંડ્યા

‘સાહેબ, આ જર્મનીથી હવનર કંપનીનો આવેલો પત્ર !’

નથી વાંચવો.મારા મનમાંથી નકાર ઊઠ્યો. ને મનમાં જ બોલ્યો: ‘તમે આવ્યા છો તો બે ઘડી બેસો, પ્રકાશભાઈ. મને એ પત્ર વાંચવાનો વખત નથી. હું લખવા બેઠો છું. હું અત્યારે મારી જાતમાં બહુ ઊંડે જતો રહ્યો છું. તમે ચા પીઓ અને જાઓ.’ છતાં પ્રગટપણે બોલ્યો: ‘મૂકી જાઓ, ઝેરોક્સ હોય તો – પછી વાંચી લઈશ.’

‘બીજું કંઈ આપી જાઉં ?

મારા મનમાં હું બોલ્યો: ‘તમે અગાઉ આપેલું બધું મેં ફાડીને ફેંકી દીધું છે. ઘરમાં મારે કેટલોક કચરો ભેગો કરવો ? ઓહોહો…. મારી જ ભૂલ થઈ કે મેં તમને વચન આપ્યું કે હું તમારા વિશે લખીશ. એવાં વચન આજ લગી આઠસો જણને આપી ચૂક્યો છું. હું મોઢાનો મોળો – બાકી….’

પણ પ્રગટપણે બોલાયું: ‘ના રે…. મેં તમને કહ્યું ને, તમે આપેલું બધું મેં સાચવી રાખ્યું છે. આ પણ આપી જાઓ. પછી (એને પણ ફાડી નાખીશ) વાંચી લઈશ.’

image

આ બોલતાં બોલતાં મને યાદ આવી ગયું કે પહેલી વાત તો એ કે જર્મનીની હવનર/Hohner( સાચો ઉચ્ચાર આ જ હશે ?) કંપની (http://www.hohner.de/en ) એ કોઈ હાલીમવાલી નામ નથી. ચાર હજાર માણસોને સતત રોજી-રોટી આપતી જગતની મોટામાં મોટી સંગીતવાદ્યો બનાવતી કંપની છે, જે ટ્રોસીંગમાં આવેલી છે. અછડતું એવું વાંચ્યાનું પણ યાદ છે કે વર્ષેદહાડે બે કરોડ જેટલું તો એકલા માઉથ ઓર્ગનનું ઉત્પાદન કરીને જગતભરમાં એ વેચે છે. બે કરોડ ! મન હંમેશાં આંકડાઓથી અંજાઈ જાય છે. ગુફામાંથી હું બહાર આવ્યો. કારણ કે મનના દ્વાર પર બે કરોડના આંકડાએ ટકોરા માર્યા. સુરતના આ પ્રકાશ ભાવસાર નામના એક માઉથ ઓર્ગન વગાડનારાને હવનર કંપનીએ લાંબોકાગળ શું લખ્યો વળી ?વાંચી જોઈએ. ‘તમારું ત્રણસો પાનાનું માઉથ ઓર્ગન ઉર્ફે હાર્મોનિકા, પરનું પુસ્તક છાપવા અમે વિચારીએ છીએ.’

‘વાહ ભાઈ, લાવો, શું છે તમારા એ પુસ્તકમાં ?’

‘સાહેબ,પુસ્તક તો મોટું છે. હજુ તો હસ્તપ્રતના સ્વરૂપમાં જ છે. આપણે ત્યાં ક્યાં કોઈ છાપે? હિંદી ભાષામાં છે-એની ઈન્ડેક્સ જોવી છે ?’

અગાઉ કંઈક લખવા બેઠો હતો તે કલ્પનાના કેન્વાસને સંકેલી લીધું ને સાવ પ્રકાશ ભાવસારની સન્મુખ થયો. આ માણસ, બેઠી દડીનો, સુરતમાં સિવિલ હોસિટલમાં ફાર્મકોલોજી ડિપાર્ટમેન્ટમાં લેબોરેટરી ટેકનિશિયન છે. બાવન વરસનો છે. એનાં પત્ની તરુલતા સાથે ત્રણેક વર્ષ પહેલાં અહીં મારી પાસે આવ્યો હતો. કોઈ સારો ગાયક, કોઈ મામૂલી માઈકવાળાને વિનંતી કરે એમ એ મને વિનંતી કરતો હતો. ‘જુઓ સાહેબ, મારા વિશે ભલે ન લખો. આ વાદ્ય માઉથ ઓર્ગન વિશે લખજો. આ ભારે ઉપેક્ષિત વાદ્ય છે. વર્ષો અગાઉ માહિતી ખાતાના કેન્દ્રીય પ્રધાન બી.વી. કેસકરે વર્ષો લગી હાર્મોનિયમને રેડિયો પર પ્રતિબંધિત કર્યું હતું. કહેતા હતા કે એ શુદ્ધ સૂરો આપતું વાદ્ય છે. વર્ષોના વનવાસ પછી હાર્મોનિયમ પરનું એ ખગ્રાસ ગ્રહણ હટ્યું અને હવે આજે કોઈ કહેતાં કોઈ કલાકારને હાર્મોનિયમ વગર ચાલતું નથી. એવું જ માઉથ ઓર્ગનનું છે. 1951માં રાજ કપૂરે પડદા પર ‘આવારા હૂં…’ ગીતમાં એનો પ્રયોગ કરેલો.(કદાચ એ સાચું નથી. એ તો એકોર્ડીયન હતું) એ પછી 1954માં ‘મસ્તાના’માં મોતીલાલ એને વગાડતા બતાવાયેલા. એ પછી તો અનેક ‘બારીશ’અને ‘સોલવા સાલ’,‘સીઆઈડી’માં દેવ આનંદ પર… ઓહોહો, એક જમાનામાં ઘેર ઘેર એના નામની ધૂમ હતી. 1959 ના ’કાલી ટોપી,લાલ રૂમાલ’ માં હિરો ચંદ્રશેખર અને શકીલા એના ઉપર ગીત ગાય છે ‘લાગી છૂટે ના સનમ, ચાહે જાયે જીયા.તેરી કસમ. એવાં તો અને ગીતોમાં માઉથ ઓર્ગનની ધૂમ હતી.

એની વાત હું સાંભળતો હતો. ત્યાં મારા મનમાંય જૂની પુરાણી અગોચર ઝાડીઓમાં સળવળાટ થતો હતો. સુકાયેલાં પાંદડાં ખખડતાં હતાં. બાળપણમાં 1950ની સાલ પછી બાર-તેર વર્ષની ઉંમરે બે ચીજો મને પણ વહાલી હતી. એક ‘યો યો’ નામનું પતરાની ગરેડીના વચ્ચેના ગાળે લાંબી દોરી બાંધેલું વીંટાળતું-ઊખેળતું ચાઇનીઝ રમકડું અને બીજું આ માઉથ ઓર્ગન. “આવારા હૂં…..’ ધૂન પણ બેસાડેલી, પણ પછી ટાઈસોકોટો (બેન્જો) પર ધ્યાન ગયેલું. અરે ! સંગીતકાર થવાનું ? યે નથી હમારી કિસ્મત….

‘તમને એની ધૂન ક્યાંથી ?’

‘મારી વાત શું કરું ?કે હાર્મોનિકાની જ કરું ?

‘નિર્જીવ હાર્મોનિકા તો વાદ્ય છે. એમાં શ્વાસફૂંક તો તમે ધકેલો છો ને ! તમારી વાત કરો ને!’

આ મારા બેવર્ષ પહેલાંના ડાયલોગ.

એ બોલ્યા: ‘મારી 14 વર્ષનીઉંમરે–1960માં અમદાવાદની ફૂટપાથ પરથી ખરીદેલું. પડોશીના ઘરમાં કોઈ એવું વગાડતું કે એમાં લેવાતા-છોડાતા શ્વાસ સાથે મારો શ્વાસ લેવાતો-મુકાતો હોય એવું લાગતું, સાહેબ. એટલે રમકડાનું સાડા ત્રણ રૂપિયાનું ‘કોહીનૂર’ કંપનીનું લીધેલું. ‘ગુમરાહ’ ફિલ્મના ‘યે હવા યે હવા’નો આલાપ એમાં બેસાડ્યો ત્યારે મ્યુઝિક ડાયરેક્ટર હું જાતે જ હોઉં એવો નશો મનમાં છવાઈ ગયો. ઓહો ! હજુ મેં એને સાચવી રાખ્યું છે. આ ઉપરાંત મારી પાસે બીજા પંદર જેટલાં જગવિખ્યાત માઉથ ઓર્ગન છે. મેઈડ ઈન ચાઈનાનું હિશે બહું મોઘું છે. એના પર વગાડું છું.’

આ ડાયલોગ આજે મને યાદ આવ્યા અને યાદ આવ્યું કે મારા જેવો મતલબી માણસ બીજો કોઈ નહીં. અરે ! આ માણસ-પ્રકાશ ભાવસારે તો મને માઉથ ઓર્ગન પર બહુ પરફેક્ટ એ વગાડેલાં ગીતોની ઓડિયો કેસેટ ભેટ આપેલી. એમના કાગળો મેં ફાડીને ફેંકી દીધેલા. પણ કેસેટ રાખી મૂકેલી! છેક હમણાં રાજકોટના મારા એક વાચક વિનુભાઈ દોશીએ મને પૃચ્છા કરેલી કે આટલાં બધાં વાદ્યો પરનાં ફિલ્મીગીતોની ધૂન મળે છે પણ માઉથ ઓર્ગનની ક્યાંય મળતી નથી ! મળે કે ? મેં પટ દઈને મૂછે તાવ દીધો. હા, કેમ નહીં !જશ ખાટવો કોને ન ગમે ? મોકલી દીધી. એ રાજી થયા. તે આ પ્રકાશ ભાવસારની કામગીરી પર… ‘કામ કરે કોઠી ને જશ ખાય જાદવો.’

‘શું વગાડો છો ? ફિલ્મી ધૂનો જ કે ?’

‘અરે હોય, સાહેબ ! ફિલ્મી ધૂનો તો ખરી જ, પણ એ પણ શુદ્ધ શાસ્ત્રીય રાગો પર આધારિત. ખમાજ, પહાડી દરબારી, તોડી, કાનડા, બિલાવલ, કલાવતી, દુર્ગા, યમન, બાગેશ્વરી, માલકૌંસ, ભોપાલી. દાખલો દઉં ‘મધુબનમેં રાધિકા નાચે રે…’ એ રાગ હમીર પર.‘જાને કહાં ગયે વો દિન’ શિવરંજની, ‘આજા સનમ મધુર ચાંદની મેં’ ભૈરવી, યમન પર ‘આંસુ ભરી હૈ યે જીવન કી રાહેં’– એનાં શુદ્ધ નોટેશન્સ સાથે.’ બોલતાં બોલતાં એમની આંખોમાં ભાવોદ્રેક ઊછળી આવ્યો. ‘સાહેબ,આ વાદ્યનીએટલી બધી અવગણના થઈ છે કે……………’ બોલતાં બોલતાં પોતાના કોઈ સંતાનને સ્કૂલમાંથી હડધૂત કરીને કાઢી મૂકવામાં આવ્યું હોય, એના વાલી જેવો એમનો ચહેરો થઈ ગયો : ‘શી વાત કરું ? નહિતર…’

‘શું નહિતર ?’

‘વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના પ્રોફેસર રાનડેસાહેબ પરફોર્મિંગ આર્ટ ફેકલ્ટીના ડીન છે. એમણે તો આ સાંભળીને સર્ટિફિકેટ લખી આપ્યું કે આજ સુધી આપણા દેશમાં આ નાનકડા ખિસ્સાવાદ્યનો આ પ્રકાશ ભાવસાર જેટલો કોઈએ વિચાર જ કર્યો નથી. આ માણસે આ વાદ્યને ઊંચકીને ઝાકઝમાળ વાદ્યોની હરોળમાં મૂકીદીધું છે… ને અજિત મર્ચન્ટ જેવા ગુણી સંગીતકારેતો પ્રસન્ન થઈને લખ્યું છે કે આજ લગી કોઈ ભારતીય માઉથ ઓર્ગન પર આટલું જબરદસ્ત કામ કરે એની કલ્પના જ હું કરી શકતો નથી. હું તો રેડિયો પ્રસારણ અને ટીવી પ્રસારણોમાં અને ટીવી પ્રસારણોમાં આને વિશેષ સ્થાન આપવાની વિનંતી કરું છું.’

‘તમે તમારી વાત કરવા માગો છે કે આ ઈન્સ્ટ્રુમેન્ટની ?’

‘અમે બંને કંઈ જુદા છીએ ?’ એવો સવાલ એમની સૂરત પર છવાઈ રહ્યો.આડત્રીસ-આડત્રીસ વરસ લગી આ વાદ્યને સેવ્યું,એની હરેકેહરેક રીડ (પતરી)ને જાણી, સજાવી, સમારી, બજાવી અને પ્રસરાવી તો તો સગા દીકરાથીય વધુ વહાલું હોય ને ! રેડિયો પર સેંકડો કાર્યક્રમો કર્યા, ટીવી પર પણ અનેક. અનેક ઈન્ટરવ્યૂ થયા. છાપાઓએ નોંધો લીધી. વાહ વાહ થઈ. તાળીઓ પડી પણ એ તો મને ! મારા આ વાદ્યને શું ? હાર્મોનિકાની શોધ જ હાર્મોનિયમથી થઈ છે. હાર્મોનિયમને 1958માં માન્યતા મળી છે આને કેમ નહીં?’

‘તમે આ વાદ્યને માટે શું કર્યું ?’ આ મારો આજનોસવાલ.

‘મેં તમને આ જર્મનીની હવનર કંપનીનો લેટર શેનો બતાવ્યો ?’

હા, હા, મારું બેધ્યાન મન પાછું ખીલે બંધાયું. આ માણસે તો એના પર ત્રણસો પાનાનું મોટું શાસ્ત્રીય પુસ્તક લખ્યું છે. એ છાપવા માટેનો આ વિશ્વવિખ્યાત હવનર કંપની એની સાથે વાટાઘાટો ચલાવે છે. હજુ ફાઈનલ નથી થયું, પણ હું આ લખતાં લખતાં એમ ઈચ્છું છું કે વિદેશી પ્રકાશક એને ગ્રસી લે એપહેલાં કોઈ ભારતીય પ્રકાશક એને ઝડપી લે – હિન્દીમાં છે. ગુજરાતીમાં પણ છે –અંગ્રેજી તો થઈ જ શકે. એની ઈન્ડેક્સ પર નજર નાખતા જ અધધધ થઈ જવાય. હાર્મોનિકા (માઉથ ઓર્ગન)ની હિસ્ટ્રી બી.સી. 3000ના કાળમાં શોધાયેલું આ વાદ્ય હજુ ગજવામાં દહાડા કાઢે છે. જાણે કે કોઈ ચિરયુવાન વૃદ્ધ ઝૂંપડામાં રહે છે. એની એ કથા ઉપરાંત એનું મિકેનિઝમ – સૂર વ્યવસ્થા, રીડ્સ (પતરી)ની ગોઠવણી, પાશ્વાત્ય પૌર્વાત્ય સૂરોના સંયોજન અંગે જાણકારી, સપ્તકવિહાર, પ્રકારો, નોટેશન્સ, શીખવાની પદ્ધતિ એને વગાડવાના નૂસખા, એના સંકેતો અને ચિહ્નો… અને છેલ્લે બીબ્લીઓગ્રાફી.’

પ્રકાશ ભાવસારની આ મુલાકાત પછી એમના વિશે લખ્યા વગર રહેવાય તેવું નથી. કલ્પનાના ઘોડા કરતાં હકીકતનો કાચબો વધુ નક્કર છે. એમને એ વાદ્યને કેન્દ્ર સરકાર દ્વારા ટીવી, રેડિયો પર, બીજી ચેનલો પર સંગીત વિદ્વાનોમાં માન્યતા મળે તેની તમન્ના છે. પ્રકાશ ભાવસાર કે જેઓ ડી-82, સરસ્વતી બ્લોક, ન્યૂ સિવિલ હોસ્પિટલ કંપાઉન્ડ, મજૂરા ગેટ,સુરત-395001 રહે છે તેમને બીજી તમન્નાનથી, પણ આપણને છે-વાદ્યને તો ઊંચકી લો ,પણ વગાડનારને તો પહેલા પ્રીછો-પ્રમાણો.

(નોંધ: આ લેખ પ્રગટ થયે દાયકાઓ થયા, હાલ મને પ્રકાશ ભાવસારનો કોઇ સંપર્ક નથી. આ કટારના વાચક. મારા મિત્ર અને હાર્મોનિકા( માઉથ ઓર્ગન) ક્લબના એક આધારસ્તંભ એવા અમદાવાદના શ્રી પિયુષ પંડ્યા( ફોન-97275 40000 અને 94263 41489) ને આ સજ્જન પ્રકાશ ભાવસારની કોઇ જાણ કે ભાળ મેળવવા જણાવ્યું હતું. તેમણે આપેલી માહિતી મુજબ આ સજ્જન હવે હયાત નથી. કોઇ વાચક મિત્રને એ સજ્જનના વંશવારસો વિષે માહિતી હોય તો આ લેખક કે પિયુષભાઇને જાણ કરે તેવી આ જાહેર વિનંતી છે. )

—————————————————————————————-

લેખક સંપર્ક-

રજનીકુમાર પંડ્યા.,બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રોડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com

6 comments for “લ્યો, આ ચીંધી આંગળી : એક ઉપેક્ષિત વાદ્ય અને એક ઉપેક્ષિત જાણકાર જણ…

 1. November 14, 2017 at 1:41 am

  વ્યક્તિ, એની લગન, બહુ પ્રશંસનીય કહેવાય પણ એ જો નથી રહ્યા તો દુ:ખ થાય…Godbless…

 2. Arvind shah
  November 14, 2017 at 1:33 pm

  Years back I was having one album of Hindi film songs on Mouthorgan by Dipankar gupta. Music director R.D.burman use to play Mouthorgan. Its really quite interesting to know about Mr.Bhavsar and his passion for this instrument.

 3. Narendrasinh.Gohil
  November 14, 2017 at 6:24 pm

  Before 2 decade one of my friend told me ,Hey ! i read your name amongs of best Harmonica player in Gujarat in a book By Bhavshar.. I answered him Actually i have newer heard of him even not met him . i was also surprised how this gentleman has ranked me among best where in he has also narrated details of my address and brand name of M.O.i was using to play also list of songs which i was performing beautifully ,No doubt i was a proficient mouth organ player but due to my service in public transport my hobby was faded ,even though at any time within 1..2 hours practice again i was able to perform good on instrument. This lead me to meet Mr Bhavsar at civil hospital in Surat where i spent few memorable hours with him and i found he was really mad for Harmonica and active for it`s popularity to be reestablishing .
  Hats off to late Mr.Bhavshar and his work for m.o. He was best artist of m.o. and a true worshiper of instrument for which he live till the last breath.

  • Rajnikumar Pandya
   November 15, 2017 at 2:11 am

   વાહ.વાહ, મિત્ર નરેંદ્રસિંહજી,આનંદ એટલા માટે કે તમને આ લેખે જૂની યાદ તાજી કરી આપી અને દુઃખ એટલા માટે કે હવે એ વ્યક્તિ નથી. આમીન–રજનીકુમાર

 4. Ishwarbhai Parekh
  November 15, 2017 at 4:19 am

  માઉથ ઓર્ગન ની વાત આવી મને રસ પડ્યો ૧૯૬૦ પહેલા પણ ધર્મજ માં મારા એક મિત્ર ભીમા ભાઈ જે હાઈસ્કૂલ માં સાથી હટે ત્યારે એક ધૂન રોજ પ્લે કરે સારી સારી રાત તેરી યાદ સતાયે .ખુબ સહજ ને સુરીલું વગાડે આવાત લેગ ભાગ ૧૯૫૨ ની હવેતો તે ભાઈ પણ ક્યાંથી હોય પ્રકાશ ભાવસાર ની કથની દિલ હલાવે તેવી છે તેમને ગ્રંથ ની માહિતી મળે તો ઘણું બધું ઉજાગર થાય ધન્ય વાદરાજનીકુમારજી .

 5. Piyush Pandya
  November 22, 2017 at 2:06 pm

  અહીં આપેલા બે ફોન નંબર્સમાંથી પહેલો – 972××××××00મારો નથી. કોઈ ને ય પ્રકાશભાઈ વિશે કશી પણ માહિતી વહેંચવી હોય તો 942×××××89 એ નંબર ઉપર મારો સંપર્ક કરવા વિનંતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *