અવલોકન : પિરામિડ અને લીલાં રણ

Facebooktwitterredditpinterestlinkedinmail

સુરેશ જાની

કેરો, ૧૮, નવેમ્બર૨૦૧૨

આકાશને આંબવા મથતો ત્રણ હજાર વર્ષ પુરાણો પિરામિડ જોયો. કૂફૂ નામના, સામર્થ્યવાન ફેરોની મરણ પછીય ભોગ ભોગવવાની કામનાઓ, વ્યર્થ જિજીવિષાઓ, સમથળ ધરતી પરથી આકાશને આંબવા મથતી ક્ષુલ્લક મહત્વાકાંક્ષાઓનું કદરૂપું પ્રદર્શન. હજારો વર્ષોથી અસંખ્ય માણસોની વેદનાઓ અને યાતનાઓને નીચે ધરબાતી/ કણસતી રાખી, ગગન ગૂંજતા પાશવી બળનું ક્રૂર અટ્ટહાસ્ય.

clip_image002

એની ટોચ ઉપર ઘાસનું એક તણખલું પણ ઊગી ન શકે – કદાચ બેક્ટેરિયા પણ નહીં. કેવળ મોત અને ભૂતાવળોનાં ડાકલાં જ હજારો વર્ષોથી વાગ્યા કરે.

એની અંદરની અંધારઘેરી કોટડીમાં કોરી નાંખે તેવી બાદશાહી એકલતામાં, સોનેરી સમૃદ્ધિથી લથબથ, અંધકારમાં ગુંગળાતા મમીના ચામાચિડીયા જેવા વિકૃત અંગો પર, બિહામણા મોતનું અટ્ટહાસ્ય કોઈ સાંભળી ન શકે તેમ પડઘાતું રહે છે.

દુબાઈ, ૨૫, નવેમ્બર૨૦૧૨

એકવીસમી સદીનો પિરામિડ, ‘બુર્જ ખલિફા’ જોયો – ૮૨૮ મીટર ઊંચી, દુનિયાની સૌથી ઊંચી ઈમારત. કદાચ એની ટોચની મંજ઼િલ પર સમૃદ્ધિ અને તાકાતના કેફમાં છકી ગયેલો કોઈક આધુનિક ફેરો અત્તરથી મઘમઘતા જેકુઝીમાં સ્વરૂપવાન લલનાઓ સાથે ઐયાશીમાં આળોટતો હશે. એના ૧૬૦ મજલા નીચે, અંધાર ઘેર્યા પાયામાં માનવતા ન સહી શકાય તેવા દર્દમાં કણસતી હશે. એ આધુનિક ફેરો પણ નહીં રહે. થોડાક જ વર્ષ અને પિરામિડમાં પોઢેલા ઓલ્યા ‘ખુફૂ’  ફેરોની જેમ એ પણ કોઈક કબરમાં પોઢી જવાનો છે.

clip_image003

******************

પિરામિડ હો કે બુર્જ – બધી મૂશકદોડો જ મૂશકદોડો. જિંદગીના પિરામીડના પાયાથી ટોચ સુધી પહોંચવાની લાલસાઓ – સતત તાણ, નિરાતાર સંઘર્ષ. અને ઉપર પહોંચીને? કોરી નાંખે તેવી એકલતા. સાત શું, સત્તર પેઢી જેકુઝીમાં સ્નાન કરતી રહે એટલી સમ્પત્તિ હડપ કરતા રહેવાની, અનેક ‘બુર્જ ખલિફા’ઓ બનાવવાની, ન સંતોષાય એવી બળબળતી પ્યાસ.

અને નીચે? સહરાઓનાં સેંકડો માઈલ ફેલાતાં રણોની વણઝાર.  દોઝખ જેવાં દુઃખોમાં સબડતાં, કણસતાં માનવજીવનની વેદનાઓ, યાતનાઓ. લોહી અને આંસુઓની એમેઝોન નદીઓ.

મોક્ષ-પિપાસુ અંતરયાત્રાના યાત્રિકો આ ચિત્રની બીજી બાજુ છે. આ બધી માયા અને જળોજથાથી નિર્વાણ પામવાની કામનાઓ અને લાલસાઓ – નકર્યો પલાયનવાદ!

દુખિયાંના દર્દને ચપટીક હળવાં કરી આપવાની કોને પડી છે ? એવી વાતો તો બહુ બહુ થાય છે. પણ એ દુખિયાંઓને માટે જીવન નોંછાવર કરનારા આંગળીના વેઢે ગણાય એટલા પણ નથી. અને જે છે, એને કોઈ જાણતું નથી.

—————-

આ બે ભવ્ય ઈમારતો જોયાંને આશરે બે મહિના વીતી ગયા હતા. પણ આ નિર્વેદ વારંવાર ડોકિયાં કરી જતો હતો. , તેવા કોઈક દિવસની વહેલી સવારમાં એક અવનવો પિરામિડ બનતો જોયો – અલબત્ત સપનામાં જ તો!

કેવો પિરામિડ? દસ ફૂટથી પણ ઓછી ઊંચાઈનો, પણ માઈલોના માઈલો સુધી ફેલાયેલો – લીલો છમ્મ પિરામિડ! થોડેક થોડેક અંતરે પવનની લહેરખીમાં ઝૂલતાં વૃક્ષો. પિરામીડો, એ ‘બુર્જ ખલિફા’ ઓ અને એવા બધા ભવ્ય પ્રાસાદો બનાવનાર ‘ફેરો’ અને અતિ ધનાઢ્ય માલેતૂજારોની સમૃદ્ધિનો એક નાનકડો અંશ સહરાના અફાટ રણના, દરિયાની નજીકના એક ખૂણે, લીલી કુંજાર વાવવા વપરાયો હતો. એ બુર્જની ટોચ પર પહોંચવા મથતા મૂષકો એના બાગબાન બની ગયા હતા. માળી બનવા તૈયાર હોય તેવા, જરૂરતમંદ લોકોને રોજી રોટી મળી રહી હતી. એમના જીવનમાં સંતોષને સુખની લહેરખીઓ વહી રહી હતી. એ લીલા પિરામિડના અંશ જેવી લીલોતરી તેમના જીવનમાં લહેરાવા લાગી હતી. એમના નાના નાના માળા કોમળ, નિર્દોષ બાળકોની કિલકારીઓથી ચહચહી રહ્યા હતા.

સહરા જેવી, જગતમાં ઠેર ઠેર પથરાયેલી, વધારે ને વધારે વિસ્તરતી જતી બધી યે ભુખ્ખડ ધરતીમાં આ વાયરો વાવા લાગ્યો હતો. ભારતનાં કચ્છ અને થર, તિબેટ અને મોન્ગોલિયાનાં ગોબી અને તકલામકન, આફ્રિકાનું કલહરી, ચીલીનું અતકામા, ઓસ્ટ્ર્લિયા્નું આઉટબેક વિગેરે રણ વિસ્તારો જેવી ભુખ્ખડ ધરાઓ પર આવા નૂતન સપાટ પિરામિડો વિસ્તરવા લાગ્યા હતા.

clip_image004

અસ્તિત્વ માટે એકમેકનાં ગળાં કાપતા સોમાલિયનો, પેલિસ્ટિનિયનો, બોસ્નિયનો અને મહાનગરોમાં રૌરવ નર્કની યાતનાઓમાં ખદબદતી માનવ જીવાતો માટે નવી આશાનાં કિરણો જેવા લાખો, કરોડો નાના નાના સપાટ પિરામિડો ઊભરી રહ્યા હતા, લીલી કુંજાર હરિયાળીથી લહેરાતા હતા. માનવજાતના ખોરાકના પ્રશ્નનો કાયમી ઉકેલ આવી ગયો હતો.

એ સ્વપ્ન સમાપ્ત થયું. જાગૃતિની ઉષાના આગમન સાથે, આશાની એક કૂંપળ ફૂટું ફુટું કરતી જાગી ઊઠી. આવાં લીલાં રણો આકાર લે ખરાં? – ઝાંઝવાં વિનાનાં, લીલાં કુંજાર રણો. સ્વીસ બેન્કોની અઢળક સમ્પત્તિની એક નાનકડી સિકરથી રોપાયેલી નાનકડી કૂંપળોમાંથી સતત વિસ્તરતાં જતાં લીલાં રણો વાસ્તવિકતા બને ખરાં? મહત્વાકાંક્ષાઓના પિરામિડો ભલે બનતા રહે; પણ આવાં લીલાં રણોને પોષતાં રહે તો? પોતાનાં ક્ષુલ્લક જીવન દરમિયાનની માલેતુજારી અને ઐયાશી કે મરણ પછીના સમૃદ્ધ જીવન કે મોક્ષ માટેની વાંઝણી આકાંક્ષોમાં એક નાનકડો વળાંક આવે તો?

એમ જ…. મુમુક્ષુઓ મોક્ષ પામવાની આકાંક્ષાઓને એક નાનકડો વળાંક આપી ધ્યાનને પ્રવૃત્તિ બનાવવાને સ્થાને, જીવનની દરેક પ્રવૃત્તિને ધ્યાનમાં રૂપાંતરિત કરતા, જન-કલ્યાણ-વાંછુ બને તો?

आत्मा त्वं गिरिजा मतिः सहचराः प्राणाः शरीरं गृहं
पूजा तॆ विषयॊपभॊगरचना निद्रा समाधिस्थितिः
सञ्चारः पदयॊः प्रदक्षिणविधिः स्तॊत्राणि सर्वा गिरॊ
यद्यत्कर्म करॊमि तत्तदखिलं शम्भॊ तवाराधनम् 4

                                                                            [શિવ માનસપૂજા ]

Let us work as pray
for Work indeed is
body’s best prayer to The Divine.

                                    -Mother (Arvind Ashram)

દરેક માનવજીવમાં આ ભાવ પ્રગટે તો? દરેક ‘મૂષક’ની સ્પર્ધાત્મક દોડ સહકારાત્મક દોડ બનવા માંડે તો?

નવા પિરામિડો
સપાટ પિરામિડો
સહરા, કલઘરી, થર પારકર, ઓસ્ટ્રેલિયન આઉટબેક,, એરિઝોનામાં
સતત વિસ્તરવા માંડેલાં લીલાં રણો.
માનવ ચેતનાની
એક નવી હરણફાળ.

8 comments for “અવલોકન : પિરામિડ અને લીલાં રણ

 1. November 12, 2017 at 8:37 pm

  ભવ્ય પ્રસ્તુતિ!

 2. November 13, 2017 at 10:39 pm

  સુંદર અવલોકન

  પ્રવિનાશ

 3. harnishjani52012
  November 13, 2017 at 11:38 pm

  ઈજિપ્તના પિરામીડો વિષે આપના જેવા વિચાર અગાઉ ક્યારેય વાંચ્યા નથી. બહુ સરસ. ધન્યવાદ

 4. Jayshree V. Merchant
  November 14, 2017 at 12:41 am

  Very thought provoking and so beautifully crafted! It forces us to think!

 5. November 14, 2017 at 3:17 pm

  એટલું સરસ વર્ણન અને પછીનું અવલોકન મજા આવી, ક્યારેક થાય છે ઘણું શીખવાનું બાકી છે ..સમય હવે ઓછો પડે છે. આપે વિચાર કરતા કર્યા છે બધાને ..

 6. November 16, 2017 at 5:16 am

  Rephrased from Preface of Svami Vivekananda ‘s raja yoga:

  Those who think that their prayers are answered by a being, or beings, above the clouds have the excuse of ignorance or at least of a defective system of education, which has taught them dependence upon such beings, a dependence which has become a part of their degenerate nature.

 7. November 24, 2017 at 10:12 pm

  મિત્રોના પ્રતિભાવ માટે આભાર માનવા માત્ર જ ફરી અહીં નથી આવ્યો ! અલબત્ત કોઈ આપણું લખાણ વાંચે અને કહે કે, ‘ગમ્યું.’ તો ગમે તો ખરું જ.
  પણ આ પુનરાગમન એક વાત કહેવા માટે છે.
  ————-
  અનેક વિકૃતિઓનાં વરવાં વર્ણનોની વચ્ચે મીઠી વીરડી જેવા, સરસ સમાચારો નેટ પર કદીક મળે છે –
  વોરન બફેટ, બીલ ગેટ્સ અને ઘણા બધા એવા એ દાનની ક્લબ સ્થાપી છે. તાજેતરના સમાચાર એવા છે કે, નંદન નિલકાણી પણ એમાં જોડાયા છે. તેઓ જેમાં નામ અને દામ કમાયા – એ ઇન્ફોસિસના ચેરમેન નારાયણ મૂર્તિ અને તેમનાં પત્ની સુધા મૂર્તિનાં સેવા કાર્યો વિશે પણ આપણે જાણીએ છીએ.
  પણ આ એક એવો વિચાર છે – જેમાં જગતના ધનપતિઓ જોડાય તો જગતનાં ઘણાં બધાં રણ લીલુડાં બની જાય. હવે સોલર પાવર બહુ સસ્તો બનતો જાય છે. એનો ઉપયોગ કરીને બળબળતી આગ વાપરી દરિયાનાં પાણીને મીઠું બનાવી શકાય.
  આ વિચાર શી રીતે વહેતો મુકવો?
  કોઈ સૂચન?

 8. November 25, 2017 at 7:28 am

  આપનાં આ પીરામીડ પ્રવાસના સુંદર આલેખનએ ચંદ્રવદન મહેતાનાં પ્રવાસ વર્ણનોનાં વાંચેલાં જાણીતાં પુસ્તકો ” બાંધ ગઠરીયાં ” ની યાદ તાજી કરાવી દીધી. અભિનંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *