કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૧૪

Facebooktwitterredditpinterestlinkedinmail

નયના પટેલ

 

પરિમલભાઈ સરલાબહેનને અને સરલાબહેન પરિમલભાઈને જોઈને અવાક્‍ રહી ગયા!

‘ મારા માન્યામાં નથી આવતું, તમે ….તમે…પરિભાઈ…સ્નેહાના પપ્પા !’

કાંઈ સમજ ન પડવાથી મનુભાઈ સરલાબહેનને વાસ્તવિકતામાં ઘસડી લાવ્યા, ‘ હવે એમને બેસવા દે પછી વાત કર.’

કહી પરિમલભાઈને બેસવાનું સૂચન કર્યું.

આશ્ચર્યના દરિયામાં તરતાં તરતાં પરિમલભાઈએ પૂછ્યું, ‘ તું ક્યાંથી અહીં ?’

નંદા અને કિશન બધા માટે ચા લઈને આવ્યાં.

ધનુબા પણ ત્રાંસી આંખે પરિમલભાઈને જોતાં હતાં.

પરિમલભાઈને થોડી કળ વળી એટલે બોલ્યા, ‘ સુરુ, ચાલ ભૂતકાળની વાત પછી, પહેલાં આ વર્તમાનની વાત કર. ‘ કહી ઘરની સૌ વ્યક્તિઓ તરફ ઈશારો કર્યો.

‘ ઓહ સોરી, આટલા મોટા આશ્ચર્યનો શૉક લાગે ત્યારે મગજને પણ ખાલી ન ચઢી જાય ? ઓ.કે, આ મારા હસ્બંડ મનુ, મારા સાસુ ધનુબા, અમારો મોટો દિકરો કિશન અને આ મારી દીકરી નંદા. મારો બીજો દીકરો નમન બહાર ગયો છે.’

પછી પરિમલભાઈ તરફ ફરી ઓળખાણ આપતાં કહ્યું, ‘ અને આ વર્ષો પહેલા મારા બાપુજીના પડોશમાં રહેતા હતા તે પરિમલભાઈ.’

સૌ ચા અને નાસ્તાને ન્યાય આપતાં વાતોએ વળગ્યાં. અચાનક નંદાએ યાદ કરાવ્યું કે , ‘ સ્નહા ફોનની રાહ જોતી હશે’ કહી ફોન જોડ્યો.

‘ફોન લાગતાં જ નંદાએ એકદમ ઉત્સાહથી સ્નેહાને એના પપ્પા આવ્યાના સમાચાર આપ્યા અને કહ્યું, ‘ તું નહી માને સ્નેહા પણ તારા પપ્પા અને મારા મમ્મી નાના હતાં ત્યારે પડોશી હતાં તે ઓળખાણ નીકળી-કેન યુ બિલિવ ધીસ? ….એક મિનિટ સ્નેહા હું અંકલને ફોન આપું.’ કહી પરિમલભાઈને ફોન આપ્યો.

અજાણ્યા લોકોનીય પરવા કર્યા વગર ફોન લેતાં લેતાં જ પરિમલભાઈની આંખોમાં અત્યાર સુધી રોકી રાખેલો આંસુનો દરિયો ઉમટ્યો. અને એ જ રીતે પરિમલભાઈને ફોન આપતાં આપતાં નંદાએ સામે છેડે સાંભળ્યા કેટલાય મહિનાઓથી માંડ માંડ ધરબી રાખેલા અંતરને તળીયેથી આવતાં સ્નેહાના ડૂસકાં !

જેમ તેમ રુદન પર કાબૂ મેળવી પરિમલભાઈએ સ્નેહાની ખબર પૂછી અને સાથે સાથે સરલાબહેન સાથેની જૂની ઓળખાણની વાત કરી. સ્નહાને દુઃખના પહાડમાંથી નીકળેલા આ સંબંધના ઝરણાએ સાચે જ ખૂબ આશ્ચર્ય આપ્યું.

એકલી અટૂલી પાંચ પાંચ મહિનાના નર્કમાંથી પસાર થયેલી દીકરીને મળવા માટે પરિમલભાઈનું મન તલપાપડ થતું હતું એટલે હવે ક્યાં અને કઈ રીતે મળવાનું છે તે પૂછ્યું.

સ્નેહાએ સોશ્યલવર્કર કેથી સાથે ગોઠવણ કરી જ રાખી હતી, માત્ર પપ્પા કઈ હોટલમાં ઉતરશે એ નક્કી નહી હોવાથી ક્યાં મળવું તે નક્કી કરી શાકાયું નહોતું વળી રવીવાર હોવાથી કેથી તો આવી શકે તેમ નહોતી, એટલે હોસ્ટેલના વોર્ડન સાથે એ ગોઠવણ કરી છે તે જણાવ્યું. બસ, હવે થોડા જ વખતમાં દીકરીને મળવાનું છે તે જાણી પરિમલભાઈની આંખોમાં પાછો વળી ગયેલો શ્રાવણ-ભાદરવો ફરી વરસી પડ્યો.

સ્નેહાનાં ડૂસકાં તો અટકાવાનું નામ નહોતાં લેતાં.

એક મૂંગી વેદના, કાળાં ડિબાંગ વાદળોની જેમ આખા રૂમમાં છવાઈ ગઈ હતી. નંદાએ આસ્તેથી પરિમલભાઈ પાસેથી ફોન લઈ, સ્નેહા થોડી સ્વસ્થ થાય પછી ફરી ફોન કરવા કહી ફોન મૂકી દીધો.

પરિમલભાઈને પેલા કાળા ડિબાંગ વાદળોમાંથી ટપકતી આત્મીયતાની વર્ષા સ્પર્શી ગઈ અને થોડાં સ્વસ્થ થયા.

સ્નેહા ઉપર વીત્યું તે ન વીત્યું તો થવાનું નથી પરંતુ જ્યારથી સ્નેહાની અસહ્ય સ્થિતિ જાણી ત્યારથી તેનાં લગ્ન કરાવીને ગુનો કર્યાનો ભાર પરિમલભાઈ અને વીણાબહેનને કચડી નાંખે છે.

સ્નેહાએ ત્યારે જ કહ્યું હતું, ‘ પપ્પા, આ વ્યક્તિ બધી રીતે સારી હશે પરંતુ એની આંખમાં કંઈક એવું છે કે મને અસ્વસ્થ કરી નાંખે છે. ‘

ત્યારે તેને નાદાન ગણી , એની મોટી બહેન કુંજલના માત્ર એક વખત જ ભાવિનને મળ્યાના અનુભવના સૂચન પરથી ભવિષ્યના ભેંકાર રસ્તે ધકેલી દીધી હતી !

દીકરીના દુઃખના કારણ નો ભાર ઉઠાવી જીવતા પરિમલભાઈનું મન એટલું તો બોઝીલ થઈ ગયું હતું કે જ્યારે સરલાબહેને તેમને દિલને મજબૂત બનાવવાનું કહ્યું ત્યારે તેમને છૂટે મોંએ રડવાની પ્રબળ ઈચ્છા થઈ આવી, તેને માંડ માંડ રોકી શક્યા.

આ આખા બનાવે ધનુબાના ભૂતકાળના કેટલાંય પડ ખૂલી ગયાં, ‘ ચાલ ભાઈ, જે નસીબમાં હોય તે તો થઈને જ રહે, તેમાં કોઈ મીનમેખ ન કરી શકે. મનેય મારા મા-બાપે આફ્રિકાના જંગલમાં મોકલી જ દીધી હતીને ? ત્યાં ન કોઈ સગું-વ્હાલું, ન કોઈ ઓળખાણ-પિછાણ કે ન મળે એમની પાસે દીકરીને મળવા આવવાના પૈસા ! તારી દીકરી તો એટલી નસીબદાર છે તું તરત એને મળવા આવી શક્યો. હું તો ૩૨ વર્ષની ઉંમરે રંડાઈ ત્યારે શોક ઊતારવા જવા માટે ય કોઈ સગું નહોતું. અને પછી એકલે હાથે આ લોકોને કેમ મોટા કર્યા છે તે તો મારું મન અને એક ઈશ્વર જાણે છે, બેટા. હિંમત રાખ. બાપ થઈને તું આમ હારી જાય તે કેમ ચાલશે? તારે તો હમણા છોકરીને સંભાળી લેવાની છે.’

સૌ કોઈએ ધનુબાનું એક નવું સ્વરૂપ જોયું. જ્યારે રૂમમાં બેઠેલા સૌને, પરિમલભાઈને કેમ આશ્વાસવા તે સમજાતું નહોતું ત્યારે ધનુબાએ તેમને કેટલી અસરકારક રીતે આશ્વાસ્યા!

ધનુબાએ આપેલી હૈયાધારણ પછી પરિમલભાઈ થોડા સ્વસ્થ થયા. સ્નેહાને ઘર બહાર કાઢી મૂક્યા પછી શું થયું તે નંદાએ પરિમલભાઈને કહ્યું. સ્નેહાને શા માટે સોશ્યલ સર્વિસીસ અહીં એમને ત્યાં નથી રહેવા દેતી તેનું કરણ સમજાવી તેની સલામતીની ખાત્રી આપી. લક્ષ્મીબહેન જીવે છે કે નહીં, ભાવિનને પોલીસે પકડ્યો કે નહીં તેના તેના કોઈ સમાચાર એ લોકો જાણતા નથી.

અત્યાર સુધી ચૂપ રહેલા મનુભાઈને થોડી ક્ષણ માટે ‘સ્નેહાની જગ્યાએ મારી નંદુ હોત તો’ના વિચાર માત્રથી થથરી ગયા. તેમનામાંના ‘પિતા’ના હૃદયે તેમને સંકોર્યા એટલે તેમણે સ્નેહાને ફોન જોડવા નંદાને કહ્યું.

હવે મુખ્ય પ્રશ્ન એ હતો કે પરિમલભાઈ કઈ જગ્યાએ સ્નેહાને મળે કે જ્યાં ભાવિનનો ભય ન હોય ! અને એટલે તો કેથીએ સ્નેહાના પિતા માટે હોટેલમાં રહેવાની સ્લાહ આપી હતી. હવે સ્નેહાની ધીરજ ખૂટવા માંડી હતી. અત્યાર સુધી માંડ માંડ ઝાલી રાખેલી ધીરજ છૂટવા માટે તરફડતી હતી.

હૉટેલમાં બુકીંગ કરાવ્યા પછી આખરે એવો નિર્ણય લેવાયો કે પરિમલભાઈ આજની રાત ત્યાં રહે, જેથી તેઓ સ્નેહાને અંગત સમય આપી શકે અને વળી ભારતથી આવ્યા પછી લાગતાં ‘જેટલેગ’ને લીધે આરામ કરી શકે. કાલે કેથીને મળી આગળની યોજના વિચારવી.

આ બધી ચર્ચા-વિચારણા થતી હતી તે દરમ્યાન કિશન જઈને બાજુના ઘરના લેટર બોક્ષમાંથી અંદર નજર કરીને જોઈ આવ્યો અને બારણા પાસે જ ન્યુઝ પેપર્સ અને પત્રોનો ઢગલો જોઈને ખાત્રી કરી કે હજુ કોઈ પણ એ ઘરમાં આવ્યું લાગતું નથી. પરંતુ સરલાબહેનની શંકા પણ વ્યાજબી હતી કે એ લોકોનું ઘર છે ગમે ત્યારે આવી શકે એટલે પરિમલભાઈ માટે સલામત તો નથી જ.

પરિમલભાઈ ફ્રેશ થઈ ગયા, ચા-નાસ્તો કરી લીધો પછી મનુભાઈ તેમને લઈને હૉટલ પર જવા નીકળ્યા. ત્યાં સુધીમાં નંદાએ સ્નેહાને પરિમલભાઈ માટે જે હૉટેલ બુક કરાવી હતી તેની માહિતી આપી અને એ લોકો ત્યાં પહોંચી જાય પછી મનુભાઈ હૉટલ પર પહોંચ્યાનો ફોન સ્નેહાને કરે પછી જ તે વોર્ડન ને લઈને હૉટેલ પર જાય એ સૂચના પણ આપી દીધી.

મનુભાઈ અને પરિમલભાઈ નીકળતા હતા ત્યારે સરલાબહેનને યાદ આવ્યું એટલે પોતાનો મોબાઈલ ટેમ્પરરી પરિમલભાઈને વાપરવા આપ્યો.

કાર પાર્ક કરતા નમને આ લોકોને જતાં જોયા. ડેડની સાથે કોઈ અજાણી વ્યક્તિને જોઈને તેને આશ્ચર્ય થયું. ઘરમાં આવ્યો અને ‘ પરિમલભાઈ, સરલાબહેનના જૂના પડોશી હતા’ની કો-ઈન્સીડન્સની વાત સાંભળી એ ય ખૂશ થઈ ગયો.

વળી સૌના આશ્ચર્ય વચ્ચે એ પણ સ્નેહા માટે એક ખુશ ખબર લઈને આવ્યો હતો !


ક્રમશઃ


સુશ્રી નયનાબહેન પટેલનું વીજાણુ સંપર્ક સરનામું: ninapatel47@hotmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *