





હરનિશ જાની
અમદાવાદથી એક મિત્રે મને ઈ-મેઈલ દ્વારા જાણ કરી કે મારા હાસ્યનિબંધોના પુસ્તક ‘સુશીલા’ને 2009નું ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’નું ‘શ્રી જ્યોતીન્દ્ર હ. દવે પારિતોષિક’ મળ્યું છે. મને આનંદ થયો કે ચાલો છેવટે કોઈકે તો પુસ્તક વાંચ્યું! બાકી આજકાલ ગુજરાતી ઓછું વંચાય છે અને ‘ગુજરાતી વાંચો’ની ઝુંબેશ પણ ‘ઈંગ્લિશ’માં કરવી પડે છે કે ‘રીડ મોર ગુજરાતી.’
તે સાંજે જ એક મુરબ્બીનો ફોન આવ્યો.
‘અભિનંદન. તમને જ્યોતીન્દ્ર દવે પારિતોષિક મળ્યું એ બદલ.’ મેં તેમનો વિવેકપૂર્વક આભાર માન્યો.
તેમણે આગળ ચલાવ્યું : ‘અમે નાના હતા ત્યારે જ્યોતીન્દ્ર દવેને બહુ વાંચ્યા છે.’
‘હા, આપણી ઉંમરના લોકોએ તો તેમને વાંચ્યા જ હોય ને!’ મેં કહ્યું.
‘અમે તેમની ‘ભદ્રંભદ્ર’ પણ ભણ્યા છીએ. તેમાં બહુ હસવાનું આવતું.’ તેમણે આગળ ચલાવ્યું.
હવે ભદ્રંભદ્રનું નામ જ્યોતીન્દ્ર દવેના નામ સાથે સાંભળતાં જ હું ચમક્યો! મારે એમને સુધારીને એમના ઉત્સાહમાં ભંગ નહોતો પાડવો. તેમનો ઉત્સાહ મારા લાભમાં હતો. એમણે આગળ ચલાવ્યું, ‘તે જમાનમાં તે માણસ ઘણું સરસ લખી ગયો છે. હવે એવું લખાતું નથી.’ અને એમણે ફરીથી અભિનંદન આપીને વાત બંધ કરી.
બીજે દિવસે સવારમાં જ એમનો ફોન પાછો આવ્યો.
‘હરનિશભાઈ, જ્યોતીન્દ્ર દવેને તમે વાંચ્યા છે ખરા?’
‘હા, જરૂરથી વાંચ્યા જ છે; પરંતુ તમે કેમ એમ પૂછો છો?’
એ મુરબ્બીએ આગળ ચલાવ્યું : ‘તો તો તમને ખબર હોવી જ જોઈએ કે ‘ભદ્રંભદ્ર’ તેમણે નથી લખ્યું.’
મેં બહુ નમ્રતાથી કહ્યું : ‘મને ખબર છે કે તે પુસ્તક જ્યોતીન્દ્ર દવેએ નથી લખ્યું.’
‘ના, એની ગઈ કાલ સુધી તો તમને ખબર નહોતી જ. તો બોલો, કોણે લખ્યું છે તે?’
‘રમણલાલ નીલકંઠે’ મેં જવાબ આપ્યો.
‘તો પછી ગઈ કાલે તમે મને એમ કેમ કહ્યું કે ‘ભદ્રંભદ્ર’ જ્યોતીન્દ્ર દવેએ લખ્યું છે?’
મારો બચાવ કરતાં કહ્યું કે, ‘હું પોતે તો એ વિશે કંઈ બોલ્યો જ નથી; પરંતુ તમે એવું કંઈક બોલ્યા હતા ખરા.’
‘હું તો એ જાણવા માગતો હતો કે તમને ખબર છે કે નહીં, એટલે એવું બોલ્યો; પણ તમે જો જાણતા જ હતા તો ત્યારે મને કહી દેવું જોઈએ ને! મને લાગે છે કે તમને એ વાતની ખબર જ નહોતી.’
એ વાત શી હતી કે કોણે, કોને કહી હતી તે પુરવાર કરવાનો આ વખત નહોતો. કદાચ હું સાચો પુરવાર થાઉં અને એમને ખોટા સાબિત કરું તો એ પણ મારા માટે તો હાર જ હતી. મારા માંડ બે-ચાર પ્રશંસકોમાંથી પચીસ ટકા જેટલા પ્રશંસક ઘટી જાય. એટલે મેં કહ્યું :
‘મેં તમને સાચી વાત કહી હોત પણ; હું મારી પ્રશંસા સાંભળવામાં મસ્ત હતો. અને બીજું કે તમને આવી નાની વાતમાં સુધારવા જાઉં તો તે સારું પણ નહીંને! કદાચ તમને ખોટું લાગી જાય.’
‘ના, ના, મને એમ કાંઈ ખોટું ન લાગે. હું તો તમને ચકાસતો હતો; પરંતુ તમે એમાં નપાસ થયા. આ ગુજરાત યુનિવર્સિટીવાળા કેવા કેવાઓને ઈનામ આપી દે છે!’
તેમનું સ્ટેટમેન્ટ સુધારવાની ઇચ્છા તો થઈ કે ‘ગુજરાત યુનિવર્સિટી’એ પારિતોષિક નથી આપ્યું; પણ ‘ગુજરાતી સાહિત્ય પરિષદે’ આપ્યું છે, પણ પછી વિચાર્યું, એમનો મૂડ ખરાબ નથી કરવો. છોને તેઓ ગુજરાત યુનિવર્સિટીને જશ આપે!
બીજા એક મિત્રનો ફોન આવ્યો.
‘હરનિશભાઈ, તમને જ્યોતીન્દ્ર દવે પારિતોષિક મળ્યું તે જાણ્યું, તે હેં! તે હજુ જીવે છે? મને તો એમ હતું કે હવે નથી રહ્યા.’
મેં આભાર માની કહ્યું કે : ‘જ્યોતીન્દ્ર દવે તો વરસો પહેલાં ગુજરી ગયા છે.’
‘તો પછી ઈનામ કોના હાથે મળવાનું છે?’ મારે તેમને સમજાવવા પડ્યા કે આવાં પારિતોષિકોને મોટા સાહિત્યકારોનાં નામ આપવામાં આવે છે. જુઓને, રણજિતરામ સુવર્ણચંદ્રક, નર્મદ સુવર્ણચંદ્રક વગેરે વગેરે…’
‘તો એમ કહોને ભાઈ, કે જ્યોતીન્દ્ર દવે સુવર્ણચંદ્રક તમને મળશે. પણ જુઓ, ભાભી ગમે તેટલું કહે તો પણ ચંદ્રક તોડાવીને દાગીનો ન બનાવતા.’
‘જુઓ, આમાં તો એવું છે કે જ્યોતીન્દ્ર દવે જાતના બ્રાહ્મણ. તેમના માનમાં સોનું દીપે પણ નહીં. એટલે મા સરસ્વતીના માનમાં એક કાગળ પર પારિતોષિક લખી આપશે.’
‘તો પછી યાર, આટલા બધા ખુશ કેમ થાઓ છો? આ જમાનામાં એવાં કાગળિયાં તો કેટલાંય ઊડે છે. સોનું લાવો સોનું! સાંભળ્યું છે કે થોડાં વરસોમાં દુનિયામાં જેની પાસે વધુ સોનું હશે તે ફાવશે, કાગળિયાં બધાં નકામાં થઈ જશે.’
આ પારિતોષિકની કાંઈક તો કિંમત છે જ એ તેમને સમજાવવા મેં ફોગટ પ્રયત્ન કર્યો. પછી વિચાર્યું કે જ્યોતીન્દ્ર દવેની એમને ખબર નથી; પણ હરનિશ જાનીની તો ખબર છે ને! એમ માનીને મન મનાવ્યું.
મારાં પત્નીનાં એક બહેનપણીનો ફોન આવ્યો.
‘હંસાબહેન કહેતાં હતાં કે તમને કોમેડીનું કાંઈક ઈનામ મળ્યું. તે શેની કોમેડી કરી?’
આ સવાલનો જવાબ કેવી રીતે આપવો એ ન સમજાયું. આ અમેરિકા છે. જો ગુજરાતમાં સામાન્યજન પાસે સાહિત્યની અથવા સાહિત્યનાં મેગેઝિનોની વાતો કરવી વ્યર્થ છે; તો અમેરિકામાં તો આવું અજ્ઞાન સાહજિક ગણાય. અમેરિકામાં જન્માક્ષર બનાવડાવવા માટે ઘણા લોકો હજી ઉમાશંકર જોશીને શોધતા હોય છે. મેં તે બહેનને સમજાવ્યું કે મને જ્યોતીન્દ્ર દવે પારિતોષિક મળ્યું છે. તો તેમણે સવાલ પૂછ્યો :
‘તે હેં! જ્યોતીન્દ્ર દવે કોમેડિયન છે? આપણે તો કદી ટીવી પર જોયા નથી!’
મેં કહ્યું કે તેઓ હાસ્યલેખક હતા. તો એમણે જણાવ્યું : ‘ઓહ, તો મારા હસબન્ડ કહેતા હતા કે તેમણે એક વખત તેમનો પ્રોગ્રામ અટેન્ડ કર્યો હતો, ત્યારે મારા હસબન્ડને તેમણે બહુ હસાવ્યા હતા. એટલે મને થયું કે જ્યોતીન્દ્ર દવે કોમેડિયન હશે. લેખકો થોડું હસાવે?’
હું તેમની વાતમાં સંમત ન થયો. ઘણા લેખકો હસાવતા નથી; પણ હાસ્યાસ્પદ લખે છે. ત્યારે વાંચતાં હસવું આવે છે. પછી એમને સમજાવ્યાં કે હું હાસ્યભરી વાતો કરું છું; પણ તેઓ કોમેડિયન નહોતા અને કમનસીબે આજે એ હયાત નથી.’
જે હોય તે, એ બહેને મને અભિનંદન આપવાની તેમની સામાજિક ફરજ બજાવી દીધી.
બે દિવસ પછી એક મિત્રે ફોન કર્યો, ‘હરનિશભાઈ, તમને જ્યોતીન્દ્ર દવે ઈનામ મળ્યું તે જાણ્યું.’
મેં તેમનો આભાર માન્યો. તેમણે ચલાવ્યું : ‘આજે જ ઈન્ટરનેટ ઉપર એક સરસ જોક વાંચ્યો. મને બહુ હસવું આવ્યું. મને થયું કે તમને કહું. તમને કામ લાગશે.’
‘ભાઈ, હું જોક કહેતો નથી. હું તો લેખક છું.’
‘લો, તમને હાસ્યનું ઈનામ મળ્યું છે તે અમસ્તું મળ્યું હશે? લોકોને હસાવતા તો હશો જ ને!’
મેં કહ્યું : ‘સારું ત્યારે, જોક કહો..’ અને એમણે ચલાવ્યું : ‘એક હતા સરદારજી….’ અને તેમણે મારા માથે એક ચવાઈ ગયેલો જોક માર્યો. એ એકલા એવા નથી; બીજા કેટલાય એવા છે જેઓ ફોન કરીને કહે કે, ‘આજે જે બન્યું તે બહુ ફની છે. તમને કહેવા માટે ફોન કરું છું. તમે એ તમારા નવા લેખમાં વાપરજો.’
બે દિવસ પહેલાં ટ્રેનમાં ન્યુ યોર્ક જતો હતો. ત્યાં એડિસનથી એક મિત્ર ચઢ્યા. બાજુમાં આવીને બેઠા. તેઓ વ્યવસાયે આર્કિટેક્ટ છે. હવામાનની વાતો કરી. અમેરિકામાં વાત કરવા માટે બીજું કંઈ નહીં; પણ હવામાન અને ટ્રાફિક બે એવા વિષયો છે કે તે વિશે દરેક વ્યક્તિ પાસે પોતાનો ઓપિનિયન હોય છે. જ્યારે આપણે ત્યાં પોલિટિક્સ અને ક્રિકેટ પર ભારતનો એક એક નાગરિક પોતાનું જ્ઞાન દર્શાવશે. એ તો દરેકનો જન્મસિદ્ધ હક્ક છે. પછી તે મિત્ર કહે, ‘હરનિશભાઈ, એક જોક કહો.’
મેં પૂછ્યું : ‘કેમ, જોક કહું?’
‘યાર, તમને હાસ્યનું તો સરકારે ઈનામ આપ્યું છે. એટલે જોક તો આવડતા હશે.ને!’
મેં કહ્યું : ‘હું તો હાસ્યલેખક છું.’
‘તો એ તમારો ધંધો જ થયો ને!’
‘તમારો ધંધો શો છે?’
‘હું આર્કિટેક્ટ છું.’
‘તમે એક કામ કરો. અમારે નવું કિચન બનાવવું છે. તેની ડિઝાઈન દોરી આપો. લો, આ કાગળ. હું તમને એક નહીં; બે જોક કહીશ.’
ન્યુ જર્સીના વુડબ્રિજના સિનિયર સેન્ટરના પ્રમુખે મને કહ્યું કે અમારે તમારું બહુમાન કરવું છે, આ પારિતોષિક મળ્યું છે એ બદલ. આમ પણ મારે કંઈ કામ નહોતું. એટલે જવા રાજી થઈ ગયો. પછી એ પ્રમુખે મને તે પ્રોગ્રામની જાહેરાતનું પેમ્ફલેટ મોકલ્યું. તેમાં લખ્યું હતું : ‘આવતા રવિવારે વુડબ્રિજ સેન્ટરમાં મિમિક્રી આર્ટિસ્ટ હરનિશ જાનીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.’
હું ધૂંઆપૂંઆ થઈ ગયો. મેં પ્રમુખને ફોન કર્યો : ‘મિમિક્રી! હું મિમિક્રી કરું છું? હું હાસ્યલેખક છું..હાસ્યલેખક…..’
પ્રમુખે મને શાંતિથી કહ્યું : ‘સાહેબ, તમે લેખક છો તે હું જાણું છું ને તમે જાણો છો. જાહેરાતમાં ‘લેખક’ લખીશું તો પ્રોગ્રામમાં કોઈ નહીં આવે. આ મિમિક્રી લખીશું તો ઘણા બધા આવશે. હું તો તમને ખરું કહું કે તમે મિમિક્રી શીખી જાઓ તો બે પૈસા કમાશો પણ ખરા. બાકી હાસ્યલેખકની તો આજે વેલ્યુ જ શું છે?’
* * *
સંપર્ક સૂત્રો :
ઈ મેઈલ – harnish jani harnishjani5@gmail.com
મોબાઈલ – +1 609-585-0861
* * *
(‘વેબગુર્જરી’ ઉપર સંભવત: પ્રથમ પદાર્પણ કરતા શ્રી હરનિશભાઈ જાની મૂળ તો રાજપીપળા (ગુજરાત)ના વતની પણ હાલમાં અમેરિકા ખાતે સ્થિત છે. તેઓશ્રીના બે હાસ્યગ્રંથો ‘સુશીલા’ અને ‘સુધન’ તેમનાં માવતરના ઋણસ્વીકાર અન્વયે તેમનાં માતુશ્રી અને પિતાશ્રીના નામાભિધાને જ પ્રસિદ્ધ થયેલ છે. એમાંય ‘સુશીલા’ને તો ‘જ્યોતીન્દ્ર હ. દવે’ પારિતિષિકથી નવાજવામાં આવ્યું છે. હાલમાં સુરતના ‘ગુજરાત મિત્ર’માં છેલ્લાં ત્રણ વર્ષથી તેમની ‘ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની’ કોલમ ચાલી રહી છે, જેમાંના ચુનંદા લેખોનું પ્રકાશન ‘અમેરિકા તીરછી નજરે’ પુસ્તક રૂપે પ્રસિદ્ધ થવા જઈ રહ્યું છે. તેમણે સઘળા લેખોમાં ઉપહાસ, વક્રોક્તિ, મર્મ, કટાક્ષ, વ્યંગ, વિનોદ, હાજરજવાબીપણું, ઠિઠિયારો, શબ્દશ્લેષ વગેરે યુક્તિઓ-પ્રયુક્તિઓ થકી હાસ્યરસને એવી રમતિયાળ શૈલીએ રમાડ્યો છે કે આપણે સ્મિતમઢ્યા ચહેરે એકપછી એક લેખ વાંચતા જ રહીએ. ‘વેગુ’ ઉપર મુકાયેલા તેમના હાસ્યલેખ બદલ ‘વેગુ’ પરિવાર આભારની લાગણી વ્યક્ત કરે છે. – ‘વેગુ’ સાહિત્યસમિતિ)
વેબ ગુર્જરી પર હર્નિશ ભાઈનું હાર્દિક સ્વાગત. હવે હાસ્ય રંગ જામશે. જો કે, એમને મિમિક્રી કલાકાર કહેવા જેવી જ આ વાત થઈ ! હર્નિશ ભાઈ હળવા મિજાજે ઘણી ગંભીર વાતો કહી શકે છે, અને એટલે જ સામાન્ય લોકોને બહુ પ્રિય છે. મારા તો લેખન ગુરુઓમાંના એક છે.તેમને સાદર વંદન સાથે…
તેમનો ટૂંક પરિચય ( બહુ કામમાં લાગવાનો નથી – સૌ તેમને સારી રીતે જાણે જ છે.)
https://sureshbjani.wordpress.com/2007/01/20/harnish_jani/
અશોક ભાઈને વિનંતી કે હરનિશભાઈનો ફોટો જરૂર મુકે.
એમને હાલતા ચાલતા આ વિડિયો પર જોઈ શકાશે –
https://www.youtube.com/watch?v=xL5JUuAVbsU