પરિસરનો પડકાર :૦૫: ભારતની વન સંપદા – ૦૧

Facebooktwitterredditpinterestlinkedinmail

ચંદ્રશેખર પંડ્યા.

આપણા ભારત દેશની વનનીતિ અનુસાર દેશના કુલ ભૂ-ભૌગોલિક વિસ્તારનો ૩૩ ટકા વિસ્તાર વૃક્ષ આચ્છાદિત હોવો જરૂરી છે. હાલ આ ૩૩ટકા સૂચિત વિસ્તારથી આપણે ૧૦ ટકા પાછળ છીએ એટલે કે અંદાજીત ૨૩ ટકા વિસ્તાર વન-આચ્છાદિત છે. માત્ર સઘન પ્રયત્નો વડે જ આ લક્ષ્યાંકને હાંસલ કરી શકાય. સરકાર દ્વારા તો પ્રયત્નો થતા જ રહે છે પરંતુ જ્યાં સુધી નાગરિકો પ્રસ્તુત બાબતે જાગૃત નહી થાય ત્યાં સુધી આ સમસ્યાનો અંત લાવવાની શક્યતાઓ નિરંતર ઘટતી જ રહેવાની. આપણે સૌ સુવિદિત છીએ કે એક નાના રોપાને વૃક્ષ બનતા કટલો સમય લાગે છે. એક ખુબ જ જૂની વાત યાદ આવે છે.

એક વૃદ્ધ ખેડૂત પોતાના ખેતરમાં આંબાનું વૃક્ષ વાવી રહ્યો હતો.એ જોઈને કેટલાક મસ્તીખોર યુવાનોએ પુછી લીધું કે “દાદા, નકામી મહેનત કરવી છોડી દો. આ જે તમે આંબો વાવી રહ્યા છો તેની કેરીઓ આવતા સુધીમાં તો તમે ઉપર પહોંચી ગયા હશો” આગળની વાત અને પેલા વૃધ્ધે આપેલા જવાબથી આપણે પરિચિત છીએ. કહેવાનો અર્થ એટલો જ કે વન સંપદાના જે વિવિધ લાભ પ્રવર્તમાન પેઢીને મળતા આવે છે તે સંપદા આગળની બે-ત્રણ પેઢીઓના સીધા કે આડકતરા પ્રયત્નો/મહેનતનું ફળ છે. કહે છે ને કે, માનવી તેમજ અન્ય સજીવોના અસ્તિત્વ માટે ઈશ્વરે પ્રાકૃતિક સંસાધનો રૂપી મહામુલી વ્યવસ્થાનું નિર્માણ કર્યું છે તેને વડીલોપાર્જિત વારસો સમજીને તેનો મનફાવે તેવો અને આડેધડ ઉપયોગ કરવાનો અધિકાર માની લેવો ન જોઈએ. આ વારસો આપણી ભાવી પેઢી પાસેથી ઉછીનો લીધો છે જેનો ફક્ત વિવેકપૂર્ણ ઉપયોગ જ કરી શકાય અને શક્ય હોય ત્યાં સુધી વ્યાજ સાથે પરત કરવાની લાગણી ધરાવવી તેને એક નૈતિક ફરજ માનવી જોઈએ.

વન એ એક જૈવિક સમુદાય છે જે મુખ્યત્વે વૃક્ષો, ઝાડીઝાંખરા અને અન્ય પ્રકારની વનસ્પતિ ધરાવે છે. સામાન્યતઃ ઘટાદાર વૃક્ષો જોવા મળે છે પરંતુ સ્થળ ઉપરના વિવિધ પ્રકારના ઘટકોની હાજરીના કારણે સ્થાનિક વનસ્પતિ સૃષ્ટિમાં ફેરફાર જોવા મળે છે. વન એ પુનઃનિર્માણ પામી શકતું અમુલ્ય કુદરતી સંસાધન છે અને માનવી માટે અનેક રૂપે લાભપ્રદ છે.

વનની હાજરીના સીધા ફાયદા:

બળતણ: બળતણનું લાકડું ઉર્જાનો ભંડાર છે. ગ્રામિણ તેમ જ અલ્પાંશે નાના શહેરોમાં બળતણ તરીકે લાકડાનો જ ભરપુર ઉપયોગ થાય છે.આ ઉપરાંત વર્ષ દરમ્યાન મહદ્ અંશે ઠંડા રહેતા વિસ્તારોમાં ગરમી મેળવવા માટે લાકડાનો ઉપયોગ અજાણ્યો નથી.

clip_image002

ગ્રામિણ ક્ષેત્રમાં બળતણ માટે લાકડાનો ઉપયોગ

ઈમારતી લાકડું: ઘરનું રાચરચીલું, બારી-બારણાં, ખેત ઓજારોના હેન્ડલ, હળ,ગાડાં, રેલ્વે-સ્લીપર્સ, દીવાસળી, બોટ તેમ જ વિશાળકાય બ્રીજ બનાવવા માટે ઈમારતી પ્રકારના લાકડાંનો ઉપયોગ કરવામાં આવે છે.

વાંસ: વાંસને ‘પુઅર મેન્સ ટીમ્બર’ કહેવામાં આવે છે. વાંસના ઉપયોગ પણ વિવિધ પ્રકારના છે. નાના ગામડાઓમાં જઈને જોવાથી જ ખ્યાલ આવે કે ‘લાકડાં જેવા ભાવ’ હોવાને કારણે જે લોકો ઈમારતી લાકડું અને બાંધકામનો સામાન ખરીદી નથી શકતા તેઓ વાંસ ઉપર કેટલા આધારિત છે. ઘરની દીવાલો, આંગણાની વાડ, સુંડલા, ચટાઈ, ફલોરિંગ, દોરડાં, પલંગ તેમ જ તરાપા બનાવવામાં વાંસનો બહોળી માત્રામાં ઉપયોગ થતો આવ્યો છે.

clip_image004

વાંસનું જંગલ

આહાર: વનસ્પતિના લગભગ તમામ ભાગનો આહાર તરીકે ઉપયોગ થાય છે.વૃક્ષના પાન, ફળ, ફૂલ, છાલ, મૂળ, કંદમૂળ અને વાન્ય્પ્રનીઓના માંસને વનવાસીઓ ખોરાક તરીકે સદીઓથી કરતા આવ્યા છે.

આશ્રયસ્થાન: અગાઉના લેખોમાં આપણે વિગતથી ‘હેબીટાટ’ (નિવાસસ્થાન) વિષે ચર્ચા કરી છે. વનનું પર્યાવરણ અસંખ્ય પ્રકારના પ્રાથમિક સજીવો, વન્ય-પશુઓ અને વનસ્પતિ માટે ‘શેલ્ટર’ પ્રદાન કરે છે. વનવાસીઓ તો વનરૂપી પર્યાવરણ પ્રણાલી (Forest Ecosystem)નું જાણે કે એક અવિભાજ્ય અંગ છે! વન અને વનવાસીઓને ક્યારે પણ અળગા કલ્પી શકાતા જ નથી.

કાગળ: પોચા ઈમારતી લાકડા અને વાંસમાંથી કાગળનો માવો તૈયાર કરવામાં આવે છે જેમાંથી લખવાના કાગળ, ન્યુઝપ્રિન્ટ, સ્ટેશનરી, પેકિંગ માટે અને સેનીટરી-નેપકીન્સ બને છે. દેશની પ્રગતિશીલતા માપવા માટે જે તે દેશમાં વપરાતા કાગળના જથ્થાને સૂચક માનવામાં આવે છે. રેયોનની બનાવટમાં પણ વાંસ અને લાકડું કાચા માલ તરીકે વપરાય છે.

ઈમારતી લાકડા સિવાયની વન-પેદાશો (Non timber forest products): ગુંદર, ટેનિન, દવાઓ, તેજાના, મીણ, મધ, જંતુનાશકો, શીંગડા, કસ્તુરી, હાથી-દાંત, પ્રાણીનું ચામડું વિગેરે પેદાશનો ખજાનો વનમાંથી મળી રહે છે.

વનના આડકતરા ફાયદા: વનની હાજરીથી જમીનનું ધોવાણ અટકે છે. વનસ્પતિના મૂળનું જાળું રચાવાને કારણે ફળદ્રુપ માટીનું સ્તર જમીન સાથે જકડાયેલું રહે છે. વળી વૃક્ષોની હાજરીના કારણે તેજ પવનોની ગતી ધીમી પડે છે અને જમીન ધોવાણ થતી અટકે છે. આ ઉપરાંત વરસાદની તીવ્રતાને ખાસા પ્રમાણમાં ખાળવાની ક્ષમતા વનસ્પતિના આવરણમાં હોય છે. આમ જમીનના ધોવાણના બે મુખ્ય પરિબળો, પવન અને વરસાદનું પાણી નિયંત્રિત થાય છે.

જમીનની સુધારણા: વરસાદના કારણે જંગલની જમીન પર કોહવાટ પેદા થતો હોવાના પરિણામ સ્વરૂપ ‘હ્યુમસ’ (મરી ગયેલી વનસ્પતિની માટી + સેન્દ્રીય પદાર્થોના રજકણ + ખાતરનું મિશ્રણ) પેદા થાય છે જે જમીનની ફળદ્રુપતા વધારે છે.

clip_image006

જંગલની જમીન પર ‘હ્યુમસ’ નું આવરણ જમીનની ફળદ્રુપતા વધારે છે

વાતાવરણમાં પ્રદુષણનો ઘટાડો: વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વડે વાતાવરણમાં રહેલા અંગારવાયુને શોષી લે છે અને પ્રાણવાયુનો ઉમેરો કરે છે અને પર્યાવરણને સ્વચ્છ બનાવે છે.

આબોહવાનું નિયંત્રણ: વનસ્પતિ પાંદડાઓ વાટે પાણીને બહાર કાઢતી હોય છે જેને બશ્પોત્સજઁન (Transpiration) પ્રક્રિયા કહેવામાં આવે છે. આ પ્રક્રિયાના પરિણામે વાતાવરણ શીતળ બને છે અને ભેજ વધવાથી વરસાદને અનુકુળ પરિસ્થિતિ પેદા થાય છે.

પાણીના વહેણ પર નિયંત્રણ: જંગલની જમીન પર દળદાર ‘હ્યુમસ’ નું આવરણ વરસાદના પાણીને શોષી લેવાનું કામ કરે છે એટલે કે વાદળીની માફક વર્તે છે. આમ પાણીનો સંગ્રહ થાય છે. પાણીને જમીનના ઉપરના સ્તર પરથી દડી જતું અટકાવે છે જેનાથી વિનાશક પુરની પરિસ્થિતિ પર કાબુ મેળવી શકાય છે. આ ઉપરાંત ‘હ્યુમસ’ નું પડ બાષ્પીભવનની પ્રક્રિયાના કારણે હવામાં ઉડી જતા પાણીને અટકાવીને સંગ્રહ કરે છે જે પાણી નદી-નાળાંને જીવંત રાખવામાં મદદરૂપ બને છે.

ઉપર દર્શાવ્યા મુજબ આપણા જીવનમાં વન-સમૃદ્ધિ ઘણી જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. માનવ વસ્તીમાં જોવા મળતા બેફામ વધારાએ વનોનું લગભગ નિકંદન કાઢ્યું છે કારણ કે પુરવઠા કરતાં માંગ નું પ્રમાણ ઉત્તરોત્તર વધતું જ રહ્યું છે. વન-નાબુદી અથવા તો જેને વનોન્મૂલન કહેવામાં આવે છે તેના કારણોની અને તેની માઠી અસરોની વાત આગામી લેખમાં આપણે કરીશું.


(આ લેખમાં પિક્ચર્સ સૌજન્ય: ઇન્ટરનેટ)

——————————————————————————————————-

ચંદ્રશેખર પંડ્યાનાં સંપર્કસૂત્રો:

ઈ-મેઇલ : chp4491@gmail.com

મોબાઈલ નંબર: +૯૧૯૮૨૫૦ ૩૦૬૯૮

3 comments for “પરિસરનો પડકાર :૦૫: ભારતની વન સંપદા – ૦૧

 1. Piyush Pandya
  November 10, 2017 at 9:41 am

  જાણીએ કે એ અનિવાર્ય છે પણ તો યે અમદાવાદમાં મેટ્રો માટે ઘટાદાર વૃક્ષોનું નિકંદન નીકળતું નજરે જોયું છે એ સહન નથી થયું. પણ લાચારીથી સ્વીકારવા સિવાય વિકલ્પ પણ શો છે? આ સાર્વત્રિક બની રહેલી ઘટના છે. જાગૃત નાગરિક તરીકે શું થઈ શકે?

 2. ચંદ્રશેખર પંડ્યા
  November 10, 2017 at 9:35 pm

  ‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ’ (વિકાસ શબ્દપ્રયોગ હાલની પરિસ્થિતિને લક્ષ્યમાં રાખી નથી વાપરવો) એકમાત્ર ઉપાય. પર્યાવરણની પૂરતી સંભાળ લીધા બાદ જ નવા પ્રોજેક્ટ વિચારાય/અમલમાં મુકાય તે અત્યન્ત જરૂરી. વૃક્ષો હટાવવાની જરૂર ઉભી થાય તે સ્વાભાવિક ગણીએ તો એક વૃક્ષની સામે દસ વૃક્ષનું આરોપણ અને ઉછેર થવો જોઈએ જેનું સતત ‘મોનીટરીંગ’ પણ એટલું જ જરૂરી.

 3. November 11, 2017 at 2:42 am

  આ સાર્વત્રિક બની રહેલી ઘટના છે. જાગૃત નાગરિક તરીકે શું થઈ શકે?

  ભારતમાં કાયદો છે કે, નહીં તેની ખબર નથી . પણ અમેરિકામાં કોઈ પણ નવા બાંધકામમાં કાપવા પડતાં વૃક્ષો થી થોડી વધારે સંખ્યામાં નવા રોપા રોપવા પડે છે. હાઉસિંગ કોલોનીમાં દરેક ઘરની સામે ઝાડ રોપવું ફરજિયાત હોય છે. અને …
  કાયદા અહીં પળાય છે !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *