





જ્વલંત નાયક
અમુક વાર અફવાઓનું બજાર ગરમ હોય ત્યારે કેટલાક કાલ્પનિક ભય આખા સમાજના મસ્તિષ્કમાં પેસી જાય છે. જે વધુ ભયભીત થઇ જાય, માસ હિસ્ટીરિયાનો ભોગ બનવાના એના ચાન્સ વધુ! અને સમાજના ઘણા બધા લોકો આવા ભયનો-ઈલ્યુઝનનો ભોગ બને, ત્યારે જે પરિસ્થિતિ સર્જાય, એ ‘માસ હિસ્ટીરીયા’. ઉત્તરપ્રદેશની કોઈ સ્ત્રીની ચોટલી કોઈકે દુશ્મનાવટને કારણે કે પછી ગમ્મતમાં કાપી નાખી, પણ પેલી મહિલાના મનમાં અજ્ઞાત ડર પેસી ગયો, એને કોઈ ‘અજ્ઞાત શક્તિ’ ચોટલી કાપી ગઈ હોવાનું લાગ્યું! બસ પછી તો એક પછી એક સ્ત્રીઓ આવા ઈલ્યુઝનનો ભોગ બનવા લાગી! મીડિયામાં જેમ જેમ સમાચારો આવતા ગયા, તેમ તેમ દૂર દૂરના પ્રદેશો સુધી ચોટલી કપાવાનો ભય ફેલાયો, અને બધેથી જ ચોટલી કપાવાની બૂમ ઉઠી! આને કલેકટીવ ઓબ્સેશનલ બીહેવિઅર (સામુહિક ઘેલછા-વળગાડ-ભ્રમણા) કહેવાય. પાછળથી સાબિત થયું કે લગભગ તમામ કિસ્સાઓમાં સ્ત્રીઓએ પોતે જ પોતાની ચોટલી કાપી નાખેલી, છતાં એમના મનમાં ભ્રમ તો એવો જ, કે કોઈ અજ્ઞાત શક્તિ કામ કરી ગઈ! ઘણી વાર એકાદ જણને લાગેલો હિસ્ટીરિયા ચેપી રોગની જેમ ફેલાય છે, જે ‘માસ હિસ્ટીરિયા’ તરીકે ઓળખાય છે. અને સમાજશાસ્ત્રીઓ કહે છે કે સ્ત્રીઓ માસ હિસ્ટીરીયાનો આસાન શિકાર બની બેસે છે. શા માટે?
કેનેડિયન સાઈકિયાટ્રીસ્ટ ફ્રેન્કોઈઝ સીરોઈસના મતે સ્ત્રીઓ પોતાની શારીરિક રચનાને કારણે હિસ્ટીરીયાનો ભોગ બને છે. તરુણાવસ્થામાં પ્રવેશી રહેલી કિશોરીઓ નવી પરિસ્થિતિ સાથે એડજસ્ટ થવામાં જલદી સફળ ન થાય, તો એને આવી તકલીફ થઇ શકે. બીજી તરફ રોબર્ટ બાર્થોલોમ્યુ નામના અમેરિકન મેડિકલ સોશિયોલોજીસ્ટ વધુ ગળે ઉતરે એવી વાત કરે છે. રોબર્ટના મતે જે સ્થળે પુરુષપ્રધાન સમાજો અસ્તિત્વ ધરાવે છે, એ સ્થળે સ્ત્રીઓને કેટલીક માનસિક સમસ્યાઓ હોય છે. પહેરવા-ઓઢવાથી માંડીને આર્થિક બાબતો સુધી અને ઘરબહાર નીકળવાથી માંડીને લગ્ન કરવા સુધીની બાબતોમાં સ્ત્રીએ પોતાની સ્વાભાવિક ઈચ્છા દબાવી રાખવી પડે છે. અને આ વાત સ્ત્રીઓના આખા સમૂહને સહન કરવી પડે છે. આવી સ્ત્રીઓનો સમાજમાં કોઈ અવાજ જ નથી હોતો. પરિણામે એક તબક્કો એવો આવે છે કે મન બળવો પોકારી ઉઠે! જે સ્ત્રીઓ શિક્ષિત હોય, અને એની પાસે તક હોય, તો એ પોતાની સંવેદનાઓ દબાવીને કોઈ બીજી વાતોમાં મન પરોવે છે. માનસશાસ્ત્રીઓ પણ તણાવ અને ડિપ્રેશન સમયે ગમતી પ્રવૃત્તિઓમાં મન પરોવવાની સલાહ આપતા હોય છે.
પણ જે અભણ, પછાત, ગરીબ સ્ત્રીઓ માટે પોતાના શેરી-મહોલ્લા-પરિવારની બહારનું જગત જ અજાણ્યા જેવું હોય એ શું કરે? એક સમય એવો આવે કે એનું મન એની જાણ બહાર-કાબૂ બહાર જઈને બળવો કરી નાખે. આ સમયે આ સ્ત્રી એબનોર્મલ કહી શકાય એવું વર્તન કરી બેસે છે. લોકો એને ‘વળગાડ’ કે ‘માતાજી આવ્યા’મા ખપાવી કાઢે. એમાં જો કોઈ ચાલાક ભૂવો-બાબાને મોકો મળે તો એ ‘વિધિ’ના નામે પેલી સ્ત્રીની મનની વાત જાણવાની કોશિશ કરે. ત્યાર બાદ આવા લેભાગુઓ પેલી સ્ત્રીનો ગેરફાયદો ન ઉઠાવે તો જ નવાઈ! સાઇકોલોજીસ્ટસ્ માને છે કે ધૂણવા બેઠેલી સ્ત્રીઓ કે વળગાડ હોય એવી સ્ત્રીઓ ઘણીવાર એવી જ માગણી કરે છે, જે વાસ્તવિક જીવનમાં સંતોષાતી ન હોય. આવી સ્ત્રી એક વાર પોતાની ભડાશ કાઢી નાખે, પછી ગાડી પાટે ચડી જાય એમ બને. સાહિત્ય અને સાઇકોલોજીની ભાષામાં આવી ભડાશ, દુઃખ, વેદનાઓ ઠાલવી દેવાની ઘટનાને ‘કેથાર્સિસ’ તરીકે ઓળખવામાં આવે છે.
ધૂણવા કે વળગાડ સિવાય પણ ઘણા લક્ષણો હોઈ શકે. આધુનિક માનસશાસ્ત્રનો પિતામહ સિગ્મંડ ફ્રોઈડ કહેતો કે વધુ પડતા માનસિક સંઘર્ષ અને તાણને કારણે અમુક લોકોને શારીરિક દુખાવો પણ થઇ શકે છે. એ સમયે ખરેખર કોઈ શારીરિક સમસ્યા હોતી જ નથી. તમે નોંધજો, જે માણસની વિચારશૈલી નકારાત્મક હોય, એનામાં શારીરિક પીડાઓનું પ્રમાણ પણ વધુ હોવાનું. વળી એ પોતાની આજુબાજુના લોકોને પણ નકારાત્મકતાનો ચેપ લગાડતો હોવાનો! બીજી રીતે જોઈએ, તો કોઈ અહિંસક માણસના હાથમાં બંદુક આપીને કોઈના ઉપર ગોળી ચલાવવાની ફરજ પાડશે, તો કોઈ પણ પ્રકારની શારીરિક સમસ્યા વિના એનો હાથ જાણે ઝલાઈ ગયો હોય, પેરેલાઈઝ્ડ થઇ ગયો હોય, એવો અનુભવ થશે. પોતાના સ્વજનો ઉપર હાથ ઉપાડતી વખતે પણ આવો જ અનુભવ થવાની પૂરેપૂરી શક્યતા! (ફિલ્મોમાં પત્ની ઉપાર હાથ ઉપાડનાર એક્ટરનો હાથ હવામાં અધ્ધર રહી જતા જોયો છે ને!)
માનવમનમાં ખરેખર અનેક ગૂઢ રહસ્યો રહેલા છે. આપણી ખુશનસીબી છે કે આપણે આધુનિક સમયમાં જીવીએ છીએ. જાતજાતની તબીબી શાખાઓ ઉપલબ્ધ છે અને માનસશાસ્ત્ર પણ ખાસ્સું વિકસ્યું છે. માત્ર હિસ્ટીરીયા જ નહિ, પણ બીજા અનેક કારણો કોઈકની વિચિત્ર વર્તણૂક માટે જવાબદાર હોઈ શકે છે. જીવનમાં ડિપ્રેશનથી માંડીને રીલેશનશીપ પ્રોબ્લેમ્સ સુધીની કોઈ પણ સલાહ હોય, એન્કઝાઈટીને કારણે મન વ્યાકુળ રહેતું હોય, કે રોજબરોજની દિનચર્યામાં વારંવાર મગજનો કાબૂ ગુમાવી દેતા હોવ, તો કોઈ બાબા-ફકીરના શરણે જવા કરતાં સારા મનોચિકિત્સક કે કાઉન્સેલર પાસે જજો, પ્લીઝ!
શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.
માનવમનમાં ખરેખર અનેક ગૂઢ રહસ્યો રહેલા છે. સાચી વાત. પણ મન ચિકિત્સકો પાસે બધી બાબતના ઈલાજ નથી હોતા.
બીજી એ વાત કહેવાની કે, નિયમિત રીતે યોગાસન, પ્રાણાયમ, ધ્યાન, ખોરાક માં ચીવટ અને શિસ્ત, હાસ્ય, હોબી વિગેરેથી ઘણા ફાયદા થાય છે.