ફિર દેખો યારોં : બૂરું બોલવું નહીં, બૂરું લખવું નહીં, બૂરું છાપવું નહીં

Facebooktwitterredditpinterestlinkedinmail

-બીરેન કોઠારી

ગયા પખવાડીયે સમગ્ર દેશમાં દિવાળીના તહેવારોની ઉજવણી થઈ. એ અરસામાં વિક્રમ સંવતના નવા વર્ષે રાજસ્થાન સરકાર દ્વારા એક અધિનિયમ ઘોષિત કરવામાં આવ્યો. એ મુજબ કોઈ પણ સેવારત કે ભૂતપૂર્વ ન્યાયાધીશો, મેજિસ્ટ્રેટ અને અમલદાર પર તેમણે ફરજ દરમિયાન કરેલી કોઈ પણ કાર્યવાહી માટે આગોતરી મંજૂરી વિના કોઈ પણ જાતની તપાસનો આદેશ આપી શકાશે નહીં. આ ઉપરાંત તેમની પર કાર્યવાહી ચાલુ હોય એ અરસામાં પ્રચાર માધ્યમોને તે અંગે કોઈ અહેવાલ ઘોષિત કરવા બાબતે પણ પ્રતિબંધ મૂકવાનું સૂચિત કરવામાં આવ્યું છે. આનો ભંગ કરનારને બે વર્ષની કેદની સજાની જોગવાઈ સૂચવવામાં આવી છે.

જરા વિચિત્ર કહી શકાય એવો આ અધિનિયમ છે, જે પહેલી નજરે વાણી સ્વાતંત્ર્ય તેમજ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના મૂળભૂત હક પર તરાપ મારતો હોય એમ જણાય છે. કેમ કે, લોકશાહીમાં કોઈ પણ હોદ્દો ધરાવનાર તપાસ થવાને પાત્ર છે. ‘સીઝરની પત્ની શંકાથી પર હોવી જોઈએ’ જેવો રૂઢિપ્રયોગ અતિ પ્રચલિત છે, જે સૂચવે છે કે જાહેર જીવનમાં પડેલી કેવળ વ્યક્તિ જ નહીં, તેનું સૌથી નિકટનું સગું સુદ્ધાં શંકાથી પર હોવું જોઈએ. એ મુજબ આદર્શ રીતે એમ માની શકાય કે આવા સન્માનીય હોદ્દે બિરાજેલી વ્યક્તિ શંકાથી પર હોવી જોઈએ. છતાં સૌ જાણે છે કે આદર્શ અને વાસ્તવ બન્ને સાવ ભિન્ન બાબતો છે.

હકીકતમાં ફોજદારી દંડસંહિતા, 1973 માં ન્યાયાધીશ તેમજ સરકારી અમલદારો સામેની કાર્યવાહી કરતાં અગાઉ આગોતરી પરવાનગીની જોગવાઈ અમલમાં છે જ. અધિનિયમ 197 અંતર્ગત ન્યાયાધીશ તેમજ સરકારી અધિકારીઓ સામે ફોજદારી મુકદ્દમાની જોગવાઈ કરવામાં આવેલી છે. મુકદ્દમાને પગલે જે તે વ્યક્તિ કસૂરવાર પુરવાર થઈ શકે એ શક્યતા હોય છે, જેમાં ફરજ પરથી તેમની બરતરફી થઈ શકે છે. આ સંજોગોમાં સરકારની આગોતરી પરવાનગી મેળવવી જરૂરી બની રહે છે. રાજસ્થાન સરકારે આ અધિનિયમમાં સુધારો કર્યો છે. એ મુજબ, તેમાં અદાલતી કાર્યવાહી બાબતે નહીં, પણ તપાસ કરતાં અગાઉ પરવાનગી માંગવાનું સૂચવાયું છે. એટલે કે આ વર્ગને એક રીતે ઢાલ પૂરી પાડવામાં આવી છે. આનો સીધો અર્થ એ થાય કે સરકારની મંજૂરી વિના આ વર્ગ સામે તપાસ સુદ્ધાં થઈ નહીં શકે.

સ્વાભાવિક છે કે આ બાબતે સરકારના પક્ષે પણ કશું કહેવાનું હોય. કોઈ સરકારી અધિકારી પર ભ્રષ્ટાચારનો આક્ષેપ હોય અને તેની તપાસ ચાલી રહી હોય ત્યારે તેના માટે એકમાત્ર વિકલ્પ અદાલતનો હોય છે. આમ બને ત્યારે પણ પોલિસ કાર્યવાહી કે અદાલતી આદેશ વિના તપાસ આગળ વધી ન શકે. ધારી લઈએ કે સરકારી અધિકારી દ્વારા ખુદ સરકાર પર જ આક્ષેપ મૂકવામાં આવ્યા હોય તો સરકાર એ બાબતે તપાસ કરવાની પરવાનગી આપે ખરી? રાજસ્થાન સરકારના એક મંત્રીએ ખુલાસો આપતાં જણાવ્યું હતું કે ‘અમલદારો સામે લોકો ખોટા કેસ દાખલ કરતા હતા. તેને કારણે તેઓ નાહિંમત થઈ જતા હતા. આથી અમારે આ કાનૂન લાવવો પડ્યો.’

આ કિસ્સામાં એ જાણવું પણ અગત્યનું બની રહે છે કે આ અધિનિયમ કેવળ એવા સરકારી અધિકારીઓ કે ન્યાયાધીશોને જ લાગુ પડે છે, જેમનો હોદ્દો આગોતરી સરકારી પરવાનગી વિના રદ ન કરી શકાય. આનો અર્થ એ કે તેમની બરતરફી સરકારી પરવાનગી વિના કરી શકાતી હોય તો તેમના પર કાર્યવાહી ચલાવવા માટે પરવાનગીની જરૂર નથી. એમ જ હોય તો તપાસ સામે તેમને રક્ષણ આપવાનો કોઈ હેતુ સરતો નથી. અહીં એ પણ યાદ રાખવું જરૂરી બની રહે છે કે અદાલતી કાર્યવાહી દરમિયાન બરતરફીની જરૂર પડે તો જ સરકારની પરવાનગી અગત્યની બની રહે છે.

આ અધિનિયમની પહેલી બાબતની વાત થઈ.

વધુ ખતરનાક તેની બીજી જોગવાઈ છે. કોઈ પણ ન્યાયાધીશ, મેજિસ્ટ્રેટ કે સરકારી કર્મચારી પરની કાર્યવાહી દરમિયાન તેનું નામ, સરનામું, તસવીર, પરિવારની વિગત યા તેની ઓળખ છતી થાય એવી કોઈ પણ બાબત છાપી ન શકાય કે ન તેનો કોઈ પણ રીતે પ્રચાર કરી શકાય. એમ કરનારને બે વર્ષની કેદ અને/અથવા દંડની સજા કરવામાં આવે. આનો અર્થ એ થઈ શકે કે કોઈ પત્રકાર પાસે કોઈ ન્યાયાધીશ કે ફરજરત સરકારી અધિકારીએ આચરેલા ભ્રષ્ટાચાર કે કૌભાંડના પુરાવા હોય તો તેને એ પ્રકાશિત કરી શકે નહીં.

રાજકારણીઓ સરકારી અમલદારોના સહયોગ વડે પોતાનો સ્વાર્થ સાધવા કેવાં કેવાં કૃત્યો કરે છે, અને એક વાર સ્વાર્થ સધાઈ ગયા પછી કાગળના ડૂચાની જેમ તેમને ફગાવી દે છે એ હવે છાનું નથી. આવા કિસ્સાઓ બહાર લાવવામાં પ્રસાર માધ્યમોની ભૂમિકા મુખ્ય હોય છે. મોટા ભાગના કિસ્સાઓમાં રાજકારણીનું કામ પૂરું થઈ ગયા પછી તપાસનો ભોગ જે તે અમલદારે બનવાનું થાય છે. સરકારી અમલદારે પોતાની કોઈ મહત્ત્વાકાંક્ષા ખાતર કે જે તે રાજકારણીને વહાલા થવા માટે યા અન્ય કોઈ કારણોસર એમ કર્યું હોય, પણ એ યોજનાના અમલકર્તા તરીકે, પુરાવા તરીકે કાગળ પર તેનું જ નામ આવે એ સ્વાભાવિક છે. ગુજરાતમાં છેલ્લા દોઢ દાયકાના ઈતિહાસમાં નોંધાયેલા ‘એન્‍કાઉન્‍ટર’ના આવા કિસ્સાઓ આ હકીકતનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. આ સંજોગોમાં ન્યાયાધીશો, મેજિસ્ટ્રેટ કે અમલદારોને ‘બચાવવા’ માટે આ કાયદો ઉપયોગી નીવડી શકે એમ છે.

આ જોગવાઈ વાણીસ્વાતંત્ર્ય પરની સીધી તરાપ જેવી છે. આવા વિચિત્ર અધિનિયમની ઘોષણાનો સીધો અને દેખીતો અર્થ અમલદારો તેમજ ન્યાયાધીશોને કોઈ પણ જાતની તપાસથી વેગળા રાખવાનો છે. આ અધિનિયમની હજી ઘોષણા કરવામાં આવી છે. તેને અદાલતમાં પડકારવામાં આવે એ શક્યતા પૂરેપૂરી છે. આમ છતાં, આવો અધિનિયમ લાગુ પાડી દેવા પાછળના સરકારના ઈરાદાને શંકાનો લાભ આપી શકાય એમ નથી. ખાસ કરીને, દિન બ દિન અવનવાં કૌભાંડો, ગેરરીતિઓના કિસ્સાઓ વધી રહ્યા હોય તેમજ આગામી છ માસમાં રાજસ્થાનમાં ચૂંટણીઓ આવી રહી હોય ત્યારે.

હવે એ સમય આવી ગયો છે કે નાગરિકો કોઈ પણ પક્ષના મુદ્દાઓ કે રાજકારણની ઉપરછલ્લી વાતોમાં આવી જવાને બદલે પોતાને સ્પર્શતા મુદ્દાઓ સરકાર સમક્ષ મૂકતા થાય, અને તેનો અમલ કરાવવાની વાત કરે. ભલે ને સરકાર કોઈ પણ પક્ષની કેમ ન હોય.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૬-૧૦-૨૦૧૭ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

3 comments for “ફિર દેખો યારોં : બૂરું બોલવું નહીં, બૂરું લખવું નહીં, બૂરું છાપવું નહીં

 1. November 9, 2017 at 6:21 pm

  હળવા હૈયે – હસવા માટે જ …..
  ‘વેગુ’ એ કોમેન્ટ અધિનિયમો શરૂ કર્યા એનું શું ? !!!

 2. vijay joshi
  November 9, 2017 at 7:25 pm

  It would be timely to refer to the New York Times moto- All the news that’s fit to print-
  One hundred and fifteen years on the front page has invested this motto with a certain gravitas.

  It has often been associated with fairness, restraint, and impartiality – objectives that nominally define mainstream American journalism. A commentary in the Wall Street Journal in 2001 addressed those sentiments, describing the motto as the “leitmotif not merely for the Times, but also, by a process of osmosis and emulation, for most other general-interest papers in the country, as well as for much of the broadcast media”

  This paper has been on the forefront of American liberalism. Of couse, the conservatives have taken, quite understandably, exactly the opposing view.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *