





પૂર્વી મોદી મલકાણ
આજે વૈભવી કાંસ્યયુગથી આગળ વધીને આપણે ફરી ગ્લાસયુગમાં આવ્યાં છીએ ત્યારે એક પ્રશ્ન ચોક્કસ થાય કે રંગબેરંગી કાચના આધુનિક ઇતિહાસની સફર ક્યાંથી શરૂ થઈ હશે? કાચ એ આજે એક વૈભવી સામગ્રીનો અને આધુનિક વિશ્વનો એક હિસ્સો ગણાઈ રહ્યો છે, પરંતુ ઇતિહાસ કહે છે કે કાચનો ઉલ્લેખ ૩૫૦૦ ઈ.સ. પૂર્વેથી મળી આવ્યો છે. ઇતિહાસમાં કાચ અંગે અમુક માન્યતાઓ રહેલી છે. એક વર્ગ એવું માને છે કે કાચ ટેક્નોલૉજીનો આધુનિક વિકાસ ઇ.સ પૂર્વે ૧૭૩૦માં દક્ષિણ એશિયામાં શરૂ થયો હોવો જોઈએ. જ્યારે બીજો વર્ગ માને છે કે રોમન સામ્રાજ્ય અને પ્રાચીન ચાઈનામાં ગ્લાસની શરૂઆત થઈ હોવી જોઈએ. પુરાતત્વવિદોને ઈજીપ્તના પિરામિડોમાંથી કેટલાક કાચના નમૂના રૂપ સામગ્રી મળી આવી હોય કેટલાક પુરાતત્વીય લોકો માને છે કે કાચનુ મૂળ પ્રાચીન ઈજિપ્તમાં રહેલું છે. તો કેટલાક પુરાતત્વવિદ માને છે કે આ ઉલ્લેખનું મૂળ મેસોપોટેમીયામાં રહેલું છે. ભૂતકાળને બાદ કરતાં કાચનો પ્રથમ ઉલ્લેખ ત્રીજી સદીમાં કરવામાં આવ્યો હતો.
ભારતના કાચના ઇતિહાસમાં વિવિધ સમયકાળ રહેલો છે. આ સમયકાળ અનુસાર એવો ઉલ્લેખ છે કે કાચ વિષે સૌ પ્રથમ “શતપથ બ્રાહ્મણ” (વૈદિક સંસ્કૃત ગ્રંથ)માં જણાવવામાં આવ્યું હતું. ત્યાર પછી બીજો ઉલ્લેખ બૌધ્ધ સંપ્રદાયને વર્ણવતાં પાલી ભાષાના ગ્રંથ “વિનય પટિક”માં કાચનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. ત્યાર પછી ત્રીજો કાચનો ઇતિહાસ આપણને ઇ.સ પૂર્વેનાં હસ્તિનાપુર તરફ લઈ જાય છે. ઇ.સ ૧૭૩૦ વર્ષ પૂર્વે હસ્તિનાપુરમાં કાળો કાચ મણકાંનાં રૂપમાં જોવા મળ્યો હતો. કાચનો ચોથો ઇતિહાસ ૧૦૦૦ વર્ષ પૂર્વેની સિંધુ સંસ્કૃતિમાં લઈ જાય છે. આ ૧૦૦૦ વર્ષ પૂર્વેનો સિંધુ સંસ્કૃતિનો ઇતિહાસ કહે છે કે એક સમયે સિંધુ ખીણમાં પણ કાચનું ઉત્પાદન થતું હતું. સિંધુ સંસ્કૃતિ પછી કાચનો ઇતિહાસ આપણને રાજા આશૂરબાનીપાલ તરફ લઈ જાય છે. આ ઇતિહાસ કહે છે કે ઇ.સ પૂર્વે ૬૫૦માં કાચ કેવી રીતે બનાવવો તે માટે આશૂરના રાજા આશૂરબાનીપાલે સૂચનાઓ આપેલી. આ સમયમાં કાચમાંથી સુશોભનકારી વસ્તુઓ બનાવવામાં આવી હતી. પરંતુ એકવાર કાચ બનાવવાની વિધિ કરી રહેલા રાજા આશૂરબાનીપાલ કોઈ ભૂલને કારણે દાઝી ગયા જેને પરિણામે તેમનું મૃત્યુ થતાં તેમના નગરના લોકો આ વિધિને શાપિત માનવા લાગ્યાં અને તેમણે આ વિધિને આગળ વધારવાની પ્રક્રિયાને બંધ કરી દીધી.
આ તો થઇ આપણાં દેશનાં કાચના ઇતિહાસની કથાઓ પણ એશિયામાં સૌ પ્રથમ વાર ૩જી સદી પૂર્વે કાચનો ઉલ્લેખ થયેલો. પણ ૩જી સદી બાદ કાચની વાત ઉપર વધુ પ્રકાશ પડ્યો નથી, તેથી ઇ.સ પૂર્વેની ત્રીજી સદી બાદ છેક…… ૧૫મી સદી પૂર્વેમાં કાચનું વ્યાપક ઉત્પાદન જોવા મળેલું,
જ્યારે કાંસ્ય યુગ આવ્યો ત્યારે કાચની સામગ્રીનો ઉપયોગ ઓછો થયો હતો પરંતુ નેસ્તનાબૂદ થયો ન હતો. પ્રાચીન રોમન સામ્રાજ્યમાં કાચનો ઉપયોગ કદાચ ઘરેણાં બનાવવામાં, બારીઑ બનાવવા માટે, જહાજો બનાવવા માટે અને કબ્રસ્તાનમાં રાખેલ તકતીઓ રૂપે થયેલો જોવા મળ્યો છે.
ori__Ancient_Roman_Glass_Jewelry_Pendant,_100_TO 300_AD
જે કાચનો આપણે રોજબરોજના જીવનમાં ઉપયોગ કરીએ છીએ તે કાચને બનાવવામાં ઝીણી રેતી (સિલિકા રેતી), સોડા એશ અને લાઈમ સ્ટોનનો ઉપયોગ થાય છે અને સાથે વૈજ્ઞાનિક બંધારણને અનુરૂપ એવા સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, પોટેશિયમ વગેરે રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. સૌ પ્રથમ આ બધી સામગ્રીને એકઠી કરીને ૧૦૦૦ થી ૧૯૦૦ અને તેનાથી પણ વધારે ફેરનહાઇટની ગરમીમાં ઓગાળવામાં આવે છે. ત્યાર બાદ આ ઓગાળેલ પેસ્ટ કે જેલીરૂપી પ્રવાહીને લાકડી ઉપર થોડી થોડી લઈ તેને અમુક ચોક્કસ કટિંગ આકાર આપવામાં આવે છે. ત્યાર બાદ તે આકારને થોડી થોડીવારે હવા આપી ફૂલાવવામાં આવે છે. ફૂલાવતી વખતે તે તે કાચની ઉપર વચ્ચે વચ્ચે ડાઈ કરેલ અન્ય પેસ્ટ પણ લગાવવામાં આવે છે. જ્યારે તે આકાર બરાબર આકારમાં આવી જાય પછી તેની ઉપર રોલર ફેરવવામાં આવે છે. ત્યારબાદ તેને ઠંડુ કરવા માટે મૂકી દેવામાં આવે છે. અમેરિકન ધોરણ મુજબ તપી તપીને ઠંડા થતાં કાચના ઘન અને પ્રવાહી એમ બે મૂળ પ્રકાર છે. આ બેને બાદ કરતાં, કાચનાં ૯ પ્રકાર છે, જ્યારે બ્રિટિશ ધોરણ મુજબ મૂળ પ્રકાર બોરોસિલિકેટ, કોમર્શિયલ, ફાઈબર અને લીડ એમ ૪ મૂળ અને આલ્કલી, બેરિયમ સિલિકેટ, એલ્યુમિનો સિલિકેટ, સિરામિક્સ, ઓપ્ટિકલ, સીલિંગ, ટેકનિકલ અને વિટ્રીયસ સિલિકા એમ ૭ પ્રકારના ખાસ કાચ છે.
કોરલ ગ્લાસ ફેક્ટરી ( ન્યૂયોર્ક સ્ટેટ – નાયગરા પાસે )
સોડાએશ કાચ:-
આ કાચથી ટેબલવેર ( શો-પીસ ), બલ્બ, લાઇટ, બાટલીઓ વગેરે બનાવવામાં આવે છે.
કલરફૂલ કાચ:-
આ પ્રકારના કાચનો વિશ્વમાં સૌથી વધુ ઉપયોગ થાય છે. આ કાચની શરૂઆત ૧૯૦૦મી સદીમાં કરવામાં આવી હતી. આ કાચમાંથી શૅન્ડલિઅર, સજાવટની વસ્તુઓ, બારીઓ, ઓટોમોબાઇલ્સ, પર્ફ્યુમ્સ બોટલ્સ, આર્ટની ચીજો વગેરે બનાવવામાં આવે છે. આ કાચમાંથી બનતી વસ્તુઓ મોટેભાગે નાજુક હોય છે.
પેટર્નગ્લાસ/ ટીફની ગ્લાસ :-
આ કાચની શોધ ૧૮૭૮ (વિક્ટોરિયન યુગ)માં યુરોપમાં કરવામાં આવી હતી. લૂઇસ ટીફની નામના માણસે આ કાચની શોધ કરી હોઇ આ કાચને ટીફનીકાચ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારનો કાચ સામાન્ય કાચ કરતાં વધુ મજબૂત હોય છે. આ પ્રકારના કાચનો મોટાભાગે ઉપયોગ દરવાજા, બારીઓ અને ટેબલ (કોફીટેબલ, ડાઈનિંગટેબલ વગેરે) માટે થાય છે. આ ઉપરાંત આ કાચમાંથી સુશોભિત ડિઝાઇનયુકત પ્લેટ્સ અને અન્ય એસેસરીઝ તૈયાર કરવામાં આવે છે તેથી આ ગ્લાસને પેટર્નગ્લાસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
સેફ્ટી કાચ:-
આ કાચનો મોટાભાગે ઉપયોગ સેફટી-સલામતી લેવા માટે થાય છે. આ પ્રકારના કાચમાંથી બુલેટપ્રૂફ સ્ક્રીન બનાવવામાં આવે છે.
શીલ્ડ કાચ:-
આ પ્રકારના કાચનો ઉપયોગ પણ સલામતી માટે થાય છે. પણ આ કાચ સેફટી કાચ કરતાં વધુ મજબૂત માનવામાં આવે છે જેને કારણે આ કાચનો ઉપયોગ એરોપ્લેન, હેલિકોપ્ટર, ટ્રેઇન વગેરેમાં થાય છે.
ઓપ્ટિકલ કાચ:-
ઓપ્ટિકલ કાચની શોધ રોમન એલેકઝાન્દ્રીયામાંથી થયેલી હતી. આ ગ્લાસ નરમ, સ્પષ્ટ અને પારદર્શક હોય છે. આ કાચમાંથી મુખ્યતઃ વિવિધ પ્રકારના લેન્સ બનાવવામાં આવે છે.
લીડ સ્ફટિક કાચ:-
આ પ્રકારના કાચ સ્પાર્કલિંગ ગ્લાસિસ તરીકે ઓળખાય છે. આ કાચમાંથી વિવિધ પ્રતિબિંબ પાથરતા એક્સક્લુસિવ વાસણો અને શૅન્ડલિઅર્સ તૈયાર કરવામાં આવે છે. આ પ્રકારના કાચનો મોટો ઉપયોગ મ્યુઝિયમ્સમાં અને અરીસા બનાવવામાં થાય છે. સૌથી જૂનો અરીસો પહેલી સદીમાં રોમન પ્રજાએ બનાવ્યો હતો. હાલ આપણે જે અરીસો વાપરીએ છીએ તે સિલ્વરગ્લાસ અરીસો ૧૮૩૫માં જર્મન કેમિસ્ટ વોન લિબિગે બનાવ્યો હતો.
ઇન્ટરલેયર્ડ કાચ:-
ઇન્ટરલેયર્ડ ગ્લાસની અંદર અનેક લેયર એકબીજાની સાથે જોઇન્ટ કરવામાં આવે છે. આ ગ્લાસ સેફટીગ્લાસ તરીકે ઉત્તમ હોય છે. મોટેભાગે ઓટોમોબાઇલ્સમાં આ કાચનો ઉપયોગ થાય છે. આ ગ્લાસના પડ બનાવતી વખતે રેઝિન જળધારનો ઉપયોગ કરવામાં આવે છે.
કોટેડ કાચ:-
આ પ્રકારના ગ્લાસ ને સામાન્યતઃ પાયરેક્સ ગ્લાસ તરીકે ઓળખવામાં આવે છે. ઓછી જાળવણી, પણ ઉત્તમ રીતે કામ આપતો આ ગ્લાસ ગરમીનું પ્રતિરોધક છે. સામાન્ય કાચ ગરમીની પાસે જતાં જ ક્રેક થઈ જાય છે. પણ આ ગ્લાસ ઉપર અનેક કોટેડ ગ્લાસ હોવાને કારણે અને ગરમી પ્રતિરોધકતા હોવાથી ગરમ વસ્તુ પર મૂકી તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ ગ્લાસમાંથી ખાસ કરીને ઓવન એસેસરીઝ બનાવવામાં આવે છે. આ ગ્લાસને સીધા ફાયર ઉપર પણ મૂકી શકાય છે. .
મોઝેક કાચ:-
મોઝેક કાચ ત્રણ પ્રકારના મળે છે : મોઝેઇક કાચ, મોઝેઇક લાઇમસ્ટોન અને માર્બલ મોઝેઇક. લિવિંગરૂમ માટે મોઝેઇક કાચની ટાઇલ્સ અનોખી ચમક હોવાથી તે શ્રેષ્ઠ રહે છે. મોઝેઇક કાચમાંથી બનાવેલા આર્ટ, ટેબલ વગેરેનો દેખાવ જ અત્યંત મનમોહક હોય છે.
કાચના ઉત્પાદન પછી કાચનો બીજો ઉપયોગ સિરામિક તરીકે પણ થયેલો જોવા મળે છે. આ સિરૅમિકનો સૌથી વધુ ઉપયોગ યુરોપીયન દેશો દ્વારા થતો હતો, આથી એક સમયે યુરોપીયન દેશોમાં કાચ અને સિરૅમિકની બનેલી અનેક વસ્તુઓ પર ભાર મુકાતો હતો. જ્યારે બ્રિટિશર્સ ભારતમાં આવ્યાં ત્યારે તેમની સાથે કાચમાંથી બનેલી અનેક વસ્તુઓ આવી પણ આ વસ્તુઓમાં ખાસ કરીને ડિનર સેટ્સ હતાં. બ્રિટિશરોને ગ્લાસવેરમાં જમતા જોઈ તે સમયના આમ ભારતીયોમાં તે કુતૂહલનો વિષય બનેલા હતાં.
પણ બ્રિટિશરો દ્વારા લાવેલા ગ્લાસવેર એ ભારતમાં પ્રથમવાર આવેલા ન હતાં. હકીકતમાં ભારતમાં ગ્લાસવેરની શરૂઆત મુગલકાળથી થઈ હતી. આ જ કાચની અનેકાનેક વસ્તુઓ આપણને મ્યુઝિયમમાં જોવા મળે છે. પણ ભારતના મ્યુઝિયમ કરતાં અમેરિકાના ગ્લાસમ્યુઝિયમ અનેક ગણા સારા છે. વોશિંગ્ટન ડી.સીના ગ્લાસમ્યુઝિયમમાં ભારતની મુઘલકાળની અને તેથી પણ પ્રાચીન સમયની કાચની દુર્લભ વસ્તુઓ જોવા મળે છે, પરંતુ નાયગરા ફોલ્સથી ૨:૦૦ કલાક દૂર આવેલ “ગ્લાસ ઓફ કોર્નિંગ મ્યુઝિયમ” (ન્યૂયોર્ક રાજયમાં) વિશ્વનું સૌથી મોટું ગ્લાસ મ્યુઝિયમ છે. આ મ્યુઝિયમ ૩૫૦૦ વર્ષ પુરાતન વિશ્વભરની ૫૦,૦૦૦થી પણ વધુ વસ્તુઓને રજૂ કરે છે. નાયગરા ફોલ્સ આવતાં જતાં ટૂરિસ્ટોએ આ મ્યુઝિયમની મુલાકાત ચોક્કસ લેવી જોઈએ.
‘નવનીત સમર્પણ’માં પ્રકાશિત ǁ CopyRight:-ISBN-10:1500299901
પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ ǁ purvimalkan@yahoo.com
બહુ સરસ. કાચ કેવી રીતે બને, કેટલા પ્રકાર હોય તે વિષેની વધુ માહિતી નેટ ઉપર મળતી નથી.તેથી વાંચવાનો આનંદ આવ્યો ને સમજવા ય મળ્યું.
બહુ જ સરસ, અભ્યાસુ લેખ. ગમ્યો.
—
આશૂરબાનીપાલ – આપણા દેશના ન કહેવાય. એ બેબિલોનના રાજા હતા.
https://en.wikipedia.org/wiki/Ashurbanipal
નવું જાણવા મળ્યું. જાની સાહેબ. પણ કાચના ઇતિહાસમાં તેનું યે એક યોગદાન હતું તે ય નોંધપાત્ર ગણાય. ઇતિહાસ ચાહે આપણાં દેશનો હોય કે પરદેશનો…ઇતિહાસમાં તો બધાય ભાગીદાર.