





– રજનીકુમાર પંડ્યા
એક જીર્ણ ડાયરીમાં હુલ્લડ, હુમલા અને લૂંટનાં વર્ણનો વાંચીને થયું કે આ તો આપણી આજકાલની જ વાત. પણ ઝીણવટથી જોયું તો બાણું વરસ પહેલાની ડાયરી નીકળી. એના લખનાર હીરુભાઇ ડોક્ટર તો ઘણા વરસ અગાઉ અમદાવાદના મણિનગરમાં આવેલા ઘરડાઘરમાં પંચાસી વરસની ઉંમરે બિચારા સંકેલાઈ ગયા. પણ એમણે એમની ડાયરીમાં લાલ અક્ષરે લખેલા તોફાની હેવાલો મારી પાસે સચવાઈ રહ્યા.
આપણે મન તો મુંબઈનું ઘાટકોપર એટલે મુંબઈ જ. થોડા વરસ અગાઉ એક જાણીતા લેખકમિત્રે મને લખેલું કે મુંબઈમાં નહિ, પણ ઘાટકોપરમાં રહું છું. ત્યારે મિત્રભાવે મેં એમને ટોણો મારેલો કે હવેથી એમ લખજો કે હું ભારતમાં નહિ, પણ ઘાટકોપરમાં રહું છું. બિરાદર, ગોદમાં તેડેલ બાળકની તે કંઈ જુદી સુંવાગ ટિકિટ ગણાતી હશે ? ઘાટકોપર એટલે શું ? મુંબઈની ગોદમાં તેડેલ એક બાળક જ વળી. કાલે તો તમે ખાલિસ્તાનની જેમ જુદું ઘાટકોપરીસ્તાન માંગશો !
પણ મિત્ર સાચા લાગ્યા. આ ડાયરી વાંચતી વખતે ઘાટકોપર તો બાણુ વરસ અગાઉ મુંબઈથી બહુ દુર અનુભવાતું હશે. હીરૂભાઈ ડૉક્ટર લખે છે કે ઘાટકોપરની વસતી જમલે વીસ હજારથી વધુ નહિ જ. લોહાણા-કચ્છી ભાટીયા અને છીંટમાં દેખાતા છાંટા જેટલા બ્રાહ્મણો નેવું ટકા ! સવાર પડતા ધંધે-ધાપે મુંબઈ પહોંચી જાય અને જે થોડા વધે તે ઘાટકોપરની ગામડશાઈ બજારમાં ધંધો કરનારા. એમ પાછુ સાવ નહિ કે બધા ગરીબ કે મધ્યમ વર્ગના જ.
હિંદુ સભાના પ્રમુખ જમનાદાસ ઉર્ફે જમુભાઈ એમ તો કરોડપતિના ય કરોડપતિના ય કરોડપતિ. પણ એકંદરે ઘાટકોપર એટલે નાની મોટી પહાડી અને જંગલ વચ્ચે વસેલું ગામ. આજુબાજુનું જંગલ પણ એવું કે વારંવાર એમાં છરી-ચાકાને ધાર કાપનાર ડેરા નાખે.
હીરૂભાઈ ડોક્ટરની ડાયરીમાં આટલું વર્ણન. મને પ્રથમ વાર આટલે સુધી વાંચતા એમ જ લાગેલું કે વાત સાચી. આપણે મન ગમ્મત, પણ પરિણામે ગમ્મત અને ગમ્મત સિવાય બીજું કશું નહિ. જાણ્યું કે ઘાટકોપર એ ગુંદાળા જેવડું નાનકડું ગામ હતું. ઠીક છે ! જાણી ગમ્મત થઈ. કોઈક દિવસ કોઈને કહીશું તો એને પણ મઝા આવશે. બીજું કંઈ ?
પણ પછીની વાત વાંચતા ગમ્મતની સરહદ પૂરી થઈ. ગંભીરતાની આવી. એમ થયું કે ભલે ૧૯૨૫ની સાલની વાત હશે. પણ આ ૨૦૧૭ ની સાલમાં પણ એનું સાચક જળવાઈ રહ્યું છે. કેવી રીતે ?
એ દિવસોમાં, એક નિરાંતની બપોરે, ઘાટકોપર ગામડાની બજારમાં કાળો કેર વરતી ગયેલો. હીરૂભાઈ ડોક્ટર લખે છે તે માનવું જ રહ્યું કે એક સાથે સો દોઢસો અજાણ્યા દંગાવાળા મરદ-બૈરા બપોરે ધસી આવ્યા. છરી-કાતરો-ચપ્પા વેચવા આવ્યા હશે એમ લાગે. પણ પછી તરત જ ખબર પડી કે એ લોકો છરી-ચાકા વેચવા નહિ પણ પરોવી દેવા આવ્યા હતા. આમ તો ચાર-છ દિવસથી બાજુના જંગલમાં પથારો કરીને પડ્યા હતા. દિવસે ઘાટકોપરમાં આવી જતા. છરી-ચાકા વેચવાને બહાને ગામનો ફેરો( રેકી) કરી જતા અને પરિસ્થિતિનો મોરાગ લઈ જતા હતા. માલૂમ કરી ગયેલા કે મોટા ભાગનો સબળ પુરુષ વર્ગ બપોરે ગામમાં હાજર હોતો નથી. ઘરડા-બુઢા ગામની હાટડીઓ સંભાળે છે. આવો અવસર લાખનો ગણાય. એટલે ખરા બપોરે બજારમાં ત્રાટકીને કાળો કેર બોલાવી દીધો. ખુલ્લી છરી સાથે દુકાનમાં ધસી જાય અને ગલ્લામાં જે રોકડ હોય યા જે રોકડ સરખી વસ્તુ હોય તે ખભ્ભે ભરવેલા ઝોળામાં ઠાલવી દે. એ લોકોના બૈરાંઓ ઉસરડો કરે, ને એમની પાછળ મૂછાળા ખૂંખાર ઉઘાડા જમૈયા સાથે લાલ આંખે ઊભા હોય. બે કલાક ચાલ્યું. હાહાકાર અને હો-દેકારો. પોલીસમાં કોઈએ ટેલિફોનો કર્યાં હશે પણ…
(પોલીસે શું કર્યું તેનો ઉલ્લેખ હીરૂભાઈ ડોક્ટરની ડાયરીમાં નથી. કલ્પી લેવું.) સાંજે મુંબઈથી પુરુષો પાછા આવ્યા ત્યારે અથવા તરત કોઈએ કોઈ ટેલિફોનથી જાણ કરી હશે તે પછી એ લોકો આવ્યા ત્યારે બજાર સુમસામ થઈ ગયા હતા. આ તો હીરૂભાઈએ ન લખ્યું હોત તો પણ સમજી શકત. પણ એ પછી જે બન્યુ છે તે કદાચ આપણી કલ્પનામાં ન આવત. કેમ ?
કેમ કે એ સંજોગોમાં આપણે કોઈ, આપણી ગેરહાજરીમાં આપણા ઘર, આપણી દુકાનો, આપણા ગલ્લા કોઈ ખુલ્લી રીતે લૂંટીને ચાલ્યું ગયું હોય તો સાંજે આવીને આપણે શું કરીએ ? કાગારોળ ? પોલીસમાં ફરીયાદ ? નિ:શ્વાસ ? પછી તમાશો ? પછી ફોજદારી કેસોની લંગાર ? શું કરીએ ? સામો હુમલો લઈને જઈએ કે ? કોમ્પોઝ ટિકડી………
………. આપણે કોઈને છંછેડવા નહિ. આવરણ અમસ્તું જ સ્ફોટક છે. હીરૂભાઈ ડોક્ટર લખે છે : ‘તાત્કાલિક હિંદુસભાની કારોબારી બોલાવી. એકવીસ સભ્યો હતા. બધા જ દોડી આવ્યા. જમનાદાસ શેઠને બંગલે મિટિંગ બોલાવી. બધા જ ઉશ્કેરાટમાં હતા. કંપાઉન્ડમાં પણ સેંકડો માણસો આવીને ભરાયા હતા. અમે બધાએ શાંતિ રાખી, જે થાય તે જોવા કહ્યું. અમારા ઉપપ્રમુખ રેવાશંકરભાઈએ આખો બનાવ ઊભા થઈને વર્ણવી બતાવ્યો. અને સૂચનો માગ્યા કે કેવાં પગલાં લેવા ?’
હીરૂભાઈએ લાંબુ લખ્યું છે. ટૂંકામાં લખવું હોય તો એટલું લખાય કે એક જવાબદાર એવા એક સભ્યે કહ્યું કે ‘તાબડતોબ ગવર્નર અને પોલીસ કમિશનરને ખબર આપીને સંપૂર્ણ રક્ષણ માગવું.’ બીજા એક જણે કહ્યું કે પોલીસની મદદ લઈને હુમલાખોરોને પકડાવી દેવા. જમનાદાસભાઈ બોલ્યા કે આ બાબત એ આખા ઘાટકોપરની ઈજ્જતનો સવાલ છે એટલે એ માટે એકથી એક લાખનો ખર્ચ થાય તે હું ભોગવવા તૈયાર છું. પણ આપણે કાયદેસર કરવું.
બીજા સાંભળનારાએ જ્યારે આ ઓફર પર તાળીઓ આપી ત્યારે હીરૂભાઈનું શરીર એ લખે છે તેમ ‘આવેશથી સખ્ત થઈ ગયું. એમણે કહ્યું કે આવા લૂંટારા આપણું ઘર અને આપણી દુકાનો લૂંટવાની હિંમત કરે અને આપણે એને બરાબરનો સબક બોધપાઠ ન આપીએ તો આપણા ‘દુધમાં ફેર છે’ એમ સમજવું. આમાં લાખ રૂપિયાની જરૂર જ ક્યાં છે ?’
સાંભળનારા કહે કે તો તમે કહો. શું કરવું છે ?
પછી એ લોકોએ શું કર્યું ? બનાવ રસપ્રદ છે. સાવ અનુસરણ કરવા જેવું નથી. સ્મરણમાં રાખવા જેવું છે…
સૌ હિંદુસભાના કાર્યાલય પર આવી પહોંચ્યા. હુલ્લડ અવારનવાર ફાટી નીકળતા હતા એટલે ત્યાં બસ્સો-ત્રણસો લાકડીઓ રક્ષણ માટે પડી જ રહેતી હતી. જોશી અટકધારી એક કસરત માસ્તરે સૌ સૌને ‘મનપસંદ’ એવી એક એક લાકડી હાથમાં પકડાવી (લાકડી ય પાછી મનપસંદ !) જમનાદાસભાઈએ બે-એક હજાર રૂપિયા સાથે લીધા. લાકડીઓવાળા જુવાનોનું મોટું ટોળું લઈને કારોબારીના સભ્યો સૌ પોલીસ સ્ટેશને પહોંચ્યાં. ત્યાં ઈન્સ્પેક્ટર નામે કદમ હતા. તેમને ‘સમજાવ્યા’. દરેક પોલીસ કોન્સ્ટેબલને ચા-પાણી માટે દસ-દસ રૂપિયા ત્યાંને ત્યાં જ અપાવી દીધા. અને બાકીના બસો ત્રણસો જે વધ્યા તે કદમસાહેબને આપી દીધા. હીરૂભાઈ લખે છે કે ‘એ અમે ખુશબઢતી તરીકે લઇ લેવા જણાવ્યું-રાજી થયા.’
(આ વર્ણન અહીં ઉતારતી વખતે મને પ્રશ્ન એ થાય છે કે પોલીસ જો એ વખતે પણ આજ જેવી હતી તો પછી પેલા લુંટારાઓએ એમને આથી પણ વધુ રકમ પીરસી હોત ?)
ખેર, પણ વર્ણન આગળ ચાલે છે. હીરૂભાઈના વર્ણનમાં જણાવ્યું છે કે દંગાવાળાનો પડાવ દિવાસળીના કારખાનાથી પણ આગળ વસતીથી ત્રણ ચાર ફર્લોંગ જેટલો દૂર હતો. રાત્રિના દસેક વાગ્યા હતા. ‘પ્રભુકૃપા’થી રાત પણ અજવાળી હતી. દસ દસની ટુકડીઓ પણ પાડી દીધી. પડાવ પાસે પહોંચીને હીરૂભાઈની ટોળીએ પહેલી બૂમ પાડી :
‘કિધર ગયે સુવરકે બચ્ચે ? નીકલો બહાર હરામજાદોં?’
રાડ પડતાં જ તંબુમાંથી ‘ક્યાં હૈ ? કૌન હૈ ?’ કરતા ચાર પાંચ દંગાવાળા જવાનીયાઓ બહાર નીકળી આવ્યા. એમને જોઈને કદમ સાહેબે રિવોલ્વરમાંથી હવામાં બે ભડાકા કર્યા અને હીરૂભાઈ એકદમ આગેવાનો સામે ધસી જઈને ત્રાડ પાડીને બોલ્યા : ‘કુત્તે, હમ તુમ્હારે બાપ હૈ’ આ ઉપરાંત વાક્યને છેડે એક મા-બેન સમાણી ગાળ અને પછી એ અણધાર્યો લાઠીનો પ્રહાર. દંગાવાળાના આગેવાનનું માથું લોહીલુહાણ !
કદમ સાહેબે : ‘અગર તુમ્હારે મેં સે કીસીને ભી હલચલ કી તો યે રિવોલ્વર સે ઉડા દૂંગા. જહા હોં વહીં ઠહર જાઓ.’ કહીને બીજા બે ભડાકા કર્યા. એ દરમ્યાન હીરૂભાઈ અને સાગરીતોએ શું કર્યું ?લાઠીઓ લઈને દંગાવાળાઓ પર ફરી વળ્યા અને બધાને પોલીસને દોરડે બંધાવી દીધા. અને પછી ‘વરઘોડો’ કાઢ્યો. હીરુભાઈ લખે છે તેમ ખુશબઢતીના બસ્સો રૂપિયા ગજવે ઘાલ્યા પછી પણ કદમ સાહેબ અલબત્ત ‘એક બહાદુર મરાઠા ઓફિસર’ હતા. આગળ પાછળ આજુબાજુ અમારી ટોળીના વીસ વીસ માણસોને રાખેલા અને વચ્ચે આ દંગાવાળાઓનું બાંધેલું ધાડું. હા, અમારામાંના ચાર-પાંચ બહાદૂરો પણ ઘાયલ થયેલા.
આખું રાવણુ પોલીસ સ્ટેશને આવ્યું. બાજુમાં જ ઢોર પુરવાનો ડબ્બો હતો. તેમા બધાને ધકેલી દીધા. હીરૂભાઈએ કદમસાહેબને કહ્યું હવે તમે ચિંતા ન કરશો. હું અને જમુભાઈ કુર્લા મેજીસ્ટ્રેટ દેવધર સાહેબને મળવા જઈશું. તેઓ મને ઓળખે છે. પછી મરકીને કહ્યું : ‘હું એમને પાંચસો રૂપિયા આપી દઈશ.’ અને શું કરવું તે સમજાવી દઈશ.’ (કશી ટીકા ટીપ્પણ વગર આ ડાયરીમાંથી ઉતારેલો સંવાદ છે) કદમ સાહેબ : ‘બરાબર છે. પણ હુલ્લડ ના ફાટી નીકળે તે જોજો. અહીંનું તો હું સંભાળી લઈશ. કાલે જ રાયફલ પોલીસો મંગાવી લઈશ.’
હજુ આ વાત થાય છે ત્યાં તો એ લોકોના બહારગામમાં રહેતા થોડા મરદો આવી પડ્યા. એ આ લોકોને પકડી લાવવા સામે બુમરાણ મચાવવા લાગ્યા. તેઓ જામીન થવા માગતા હતા. પણ એ જ ક્ષણે હીરૂભાઈ ફરી ગર્જના કરી : ‘તમારે ગામમાં રહેવું છે કે નહિ ? આ તમારા કાકાઓ ગામ લુંટવા આવ્યા ત્યારે તે કેમ ઘરમાં પેસી રહ્યા હતા ?’પછી કદમ સાહેબ તરફ જોઇને આંખ મીંચકારી ‘પકડી લો આ લોકોને પણ! એમના મળતીયા લાગે છે !’
તરત જ પાંચ-છ પોલીસોએ ધસી જઈને એમને પકડી લીધા.
પછીની વાત ટૂંકી છે.
લગભગ વીસેક મજબૂત જુવાનીયાઓના હાથમાં લાઠીઓ હતી જ. પેલા ઢોરના ડબ્બામાં ઘૂસી ગયા. પાંચ પાંચમાં વહેંચાઈ જઈને મોટા પુરુષો અને ‘જાજરમાન દેખાતા બૈરાઓને લાકડીથી ઝૂડવા માંડ્યા. અંદરથી ચીસાચીસ અને રોકકળ શરૂ થઈ ગઈ.
અંતે સમાધાન થયું. હીરૂભાઈ લખે છે : ‘એ લોકોના ચાર છ માણસો, બે બૈરાં, અમારા દસ જણા સાથે થોડા પોલીસો સાથે દંગામાં પાછા ગયા. થોડી વારે પોટલું બાંધીને લૂંટેલો માલ પાછો લાવ્યાં. અને એ પછી એ લોકોને પડતો માર બંધ થયો.
આ બધાના મૂળમાં રહેલો લૂંટનો માલ કેટલો હતો એ જાણવું બહુ રસપ્રદ છે. થોડુ કાપડ અને રોકડા રૂપિયા આઠસો ચાલીસ અને દસ આના… !
આ બધા વચ્ચે પોલીસ ખાટી ગઈ તે આ વાતની મલાઈ……
લેખક સંપર્ક-
રજનીકુમાર પંડ્યા.,બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com
પ્રેરણાદાયક બહુ સુંદર વાર્તા છે..
સાહેબ આ લેખ ગમ્યો, સંશોધન કરીને આવી સાચી વાત રજુ કરો છો
તે માટે કહેવાનું કે ગુજરાતી ભાષામાં નવા ચીલો પાડો છો તે
કહેવું વધુ નથી. સરસ ‘વહેતી ‘ ગુજરાતી વ્ભાષામાં લખાણ
પણ ગમી જાય તેવું છે.
લખાણમાં એક સ્થળે ‘મોરગ’ શબ્દ વરપાયો છે તે ‘સુરાગ’ હોવો જોઈએ
‘miss print’ થયું હશે.
Can it happen now?
સરસ.અનુકરણીય અને વ્યવહારુ .
હા હા હા મજા આવી ગઈ. તે પ્રસંગને, ઘાટકોપર ને તે સમયને તે સમયના લોકોને ડો.હિરભાઈ સહિત અને તે સમયની પોલીસની કાર્યવાહીને જાણવાની મજા આવી ગઈ.
હા હા હા મજા આવી ગઈ. તે પ્રસંગને, ઘાટકોપર ને તે સમયને તે સમયના લોકોને ડો.હિરભાઈ સહિત અને તે સમયની પોલીસની કાર્યવાહીને જાણવાની મજા આવી ગઈ અનોખી લૂટ ની અનોખી વાત