





[સત્યકથા પર આધારિત ]
સુરેશ જાની
“આમ ઉંધી ચોપડી રાખીને તું શું વાંચે છે?” તમે અંદર ઊકળી રહેલા ગુસ્સાને માંડ દબાવી, દીકરા મહેશને કહ્યું.
મહેશ બારમા ધોરણની પરીક્ષાની તૈયારી કરતો એના રૂમમાં વિજ્ઞાનની ચોપડી હાથમાં રાખી, વાંચવાનો ડોળ કરી રહ્યો હતો.
રસિકલાલ! કેટલા ઉમંગથી તમે આ દીકરો એન્જિનિયર બનશે એવા ખ્વાબ સાથે, શહેરની સારામાં સારી ગણાતી નિશાળોમાંની એકમાં એને દાખલ કરાવ્યો હતો? અને મોંઘા પાડનાં ટ્યુશનો? ગુજરાતી જેવા વિષયનું પણ ટ્યુશન એને રખાવી આપ્યું હતું.
દીકરો ક્યાંયથી પાછો નહીં જ પડે; એવી ચોક્કસ હૈયાધારણ તમને હતી. દસમા પછી નિશાળમાં એને વિજ્ઞાન પ્રવાહને બદલે કોમર્સ પ્રવાહમાં દાખલ કરાવવાની વર્ગ શિક્ષકની સલાહને તમે તુમાખીમાં હસી કાઢી હતી. ‘મારો દીકરો – અને બેન્કનો કારકુન બને? છટ્ “
તમે આમ તો એની રૂમમાં કદી ડોકિયું પણ ક્યાં કરતા હતા? ટ્યુશનવાળા સાહેબો, એને બરાબર તૈયાર કરી જ રહ્યા હતા ને? તમે ક્યાં તમારી ઓફિસના કામ અને એને લગતા રાજકારણમાંથી સહેજ પણ સમય મહેશ માટે ફાળવી શકો એમ હતું?
પણ તે દિવસે મહેશના રૂમમાંથી તમારી એક જૂની ફાઈલ શોધવા ગયા હતા; અને ચોપડી ઊંધી જોઈને તમારો ગુસ્સો આસમાને પહોંચી જતાં તમે માંડ રોકી શક્યા હતા.
મહેશે ઊંઘરાટા ચહેરે ચોપડીમાંથી મોં બહાર કાઢ્યું. તમને રૂમમાં આવેલા જોઈ, તે એકદમ ઊભો થઈ ગયો; વિજ્ઞાનની ચોપડી નીચે પડી ગઈ; અને નીચી ડોક રાખી તે ઊભો રહ્યો.
“કયા વિષયની આ ચોપડી છે?”
“ગણિતની.” ,મહેશે ડરતાં ડરતાં જવાબ આપ્યો.
અને હવે તમારો દબાવી રાખેલો ગુસ્સો જ્વાળામુખીની માફક ઊછળી આવ્યો. “અલ્યા! કયા વિષયની ચોપડી તું વાંચે છે; એનું પણ તને ભાન નથી? તું પરીક્ષામાં શું ઉકાળવાનો? મારા પૈસાનું પાણી કરવા, મારું નામ ડુબાવવા તું અક્કરમી પેદા થયો છે?”
તમારો મોટો અવાજ સાંભળી તમારી પત્ની વનલીલા રૂમમાં દોડી આવી; અને તમને ખેંચીને રૂમની બહાર લઈ ગઈ. તમે તેને મહેશિયાના પરાક્રમ વિશે લાંબું ભાષણ ઠોકી દીધું. વનલીલાએ એનો બનતો પ્રયત્ન તમને શાંત કરવા કર્યો. તે દિવસે સાંજે તેની બહેનપણીઓ સાથેની કિટ્ટી પાર્ટીની વાતો કરી. એની બહેનપણીઓની ખાસિયતો અને ખાસ તો એ બધાંની બદબોઈ જ એમાં ભરી પડી હતી ને?
તમે માંડ માંડ પથારીમાં સુતા. કલાકેક તમારા મનમાં ગડમથલ ચાલતી રહી. તમારા ભૂતકાળની, તમારી કિશોરાવસ્થાની માનસિક અવઢવો તમને યાદ આવી ગઈ. તમે પણ આમ જ ડોક્ટર બનવાના સપનાં સેવતા હતા ને? અને બી.કોમ. / એમ.કોમ. થઈને કારકૂની કરતાં કરતાં બેન્કના મેનેજરના પદે પહોંચ્યા હતા ને? તમારા જીવનમાં કરેલા સંઘર્ષોની આખી તવારીખની તસ્વીર તમારા મનના કાળાડિબાંગ પડદા પર શાહરૂખખાનની હીટ ફિલ્લમની માફક આગળ અને આગળ ધસી રહી. અને તમારા મગજમાં એક નવા જ સંકલ્પે જન્મ લીધો.
રાતના બારેક વાગે તમે ફરી મહેશની રૂમમાં ગયા. મહેશના ચહેરા પર છવાઈ ગયેલી ઉદાસી એના મનમાં ચાલી રહેલા સંઘર્ષની ચાડી ખાતી હતી. તમે ધીમા અવાજે એને પુછ્યું,’ બેટા! તને ભણવાનું નથી ગમતું?”
અને મહેશ ચોધાર આંસુએ રડી પડ્યો. ”પપ્પા! મને આ વિષયોમાં સહેજ પણ સમજણ પડતી નથી. અને એન્જિ. માં ૮૫ ટકાએ ગઈ સાલ એડમીશન અટક્યું હતું.”
રસિકલાલ! બહાર નીકળી ના શકે એવા આંસું સાથે તમે અંતરથી રડી પડ્યા. તમે ખીસામાંથી ચારસો રૂપિયા કાઢી મહેશને આપ્યા. ‘લે! આ રકમ લઈ, કાલે સવારે ફોઈના ઘેર જજે. પંદર દિવસ ત્યાં મજા કરજે. કોઈ ફિકર રાખવાની નથી. પંદર દિવસ પછી, હવે તારે શું કરવાનું – એનો નિર્ણય આપણે લઈશું.”
તમારી પાછળ આવી પહોંચેલી વનલીલા બેબાકળા સ્વરે બોલી ઊઠી,”અરે! તમારું તે કાંઈ ખસી ગયું છે? મહેશને ઉત્સાહ આપવાની જગાએ, તમે જ એને હતોત્સાહ કરી નાંખો છો? કાલે રેખાબેનને ઘેર જઈને એ શું કહેશે?”
“હું રેખાને મારી રીતે વાત કરીશ.એ મહેશને એક અક્ષર પણ સલાહ નહીં આપે. અને એને ફરવા લઈ જશે. મહેશે શું કરવું, એનો નિર્ણય પંદર દિવસ પછી, તે જાતે જ લેશે. ”
વનલીલા અને મહેશ હેરત ભર્યા ચહેરે તમારી સામે જોઈ રહ્યા.
પંદર દિવસ પછી
મહેશને ઘેર પાછો લાવવા તમે અને વનલીલા, તમારી બહેન રેખાને ઘેર પહોંચી ગયા. ગાડીમાં બેસાડી મહેશને કાંકરિયા તળાવના કિનારે બેસાડી તમે પુછ્યું,” બોલ, દીકરા! હવે તેં શો નિર્ણય કર્યો?’
પ્રફુલ્લિત ચહેરા પર ચમકતી આંખો સાથે મહેશે કહ્યું,” હું નવી ટર્મથી કોમર્સ માટે તૈયારી કરીશ; અને સાથે બેન્ક કારકુન માટેની પરીક્ષાની તૈયારી પણ ચાલુ કરી દઈશ. “
“તને ખબર છે? એક મહિના પછી, દેશનું બજેટ સંસદમાં કોણ રજુ કરવાના છે?”
મહેશે તરત જવાબ આપ્યો,” આપણા નાણાં પ્રધાન -….”
‘રિલાયન્સના ચેરમેન કોણ છે?
મહેશે પટ કરતાંક જવાબ આપ્યો,” ધીરૂભાઈ અંબાણી.”
“તને ખબર છે, એ બન્ને બી.કોમ. સુધી જ ભણ્યા છે?”
અને પછી તમે સફળ નીવડેલા બી.કોમ, ગ્રેજ્યુએટોનું લિસ્ટ ખીસ્સામાંથી કાઢીને મહેશને વંચાવી દીધું; અને ઉમેર્યું,” તારે એમ માની નથી લેવાનું કે, તારે બેન્કના કારકુન બનીને જ આખી જિંદગી ગુજારવાની છે. મેં એમ જ શરૂઆત કરી હતી; અને હું આજે ઝોનલ મેનેજર છું. અને મારા બાપાની સ્થિતિ તો સાવ સાધારણ હતી. તારે તો ખર્ચનો કોઈ પ્રશ્ન જ નથી.”
વનલીલાએ તમારી વાતને ટેકો આપ્યો અને એના પિયર પક્ષના, આમ જ સફળ નીવડેલા સંબંધીઓ વિશે વાતો કરી.
અને નવા વર્ષમાં મહેશ કોમર્સના ક્લાસમાં ભરતી થઈ ગયો.
વીસ વર્ષ પછી
રસિકલાલ! તમે રિટાયર થઈને મહેશને ઘેર અમેરિકામાં રહેવા આવ્યા છો. ઘરની નજીક આવેલા પાર્કમાં વનલીલા સાથે લટાર મારી રહ્યા છો. સામે ભૂલકાંઓ કિલ્લોલ કરી રહ્યાં છે. વીતેલા ભુતકાળ પર નજર ફેરવતાં, તમે સંતોષનો એક ઊંડો શ્વાસ, પાર્કની શુદ્ધ હવાની સાથે તમારા ફેફસામાં ભરી રહ્યા છો.
મહેશ અમેરિકાની એક બહુ જ મોટી કમ્પનીમાં વરસના દોઢ લાખ ડોલરના પગાર વાળું સિનિયર મેનેજરનું પદ શોભાવે છે; બે લાખ ડોલરના પોતાના મકાનમાં રહે છે; અને એના હાથ નીચે ૧૦૦ અમેરિકનો કામ કરે છે.
…………………….
પ્રેરણાદાયક બહુ સુંદર વાર્તા છે..