કેડી ઝંખે ચરણ : પ્રકરણ ૧૩

Facebooktwitterredditpinterestlinkedinmail

નયના પટેલ

ધનુબાએ એમનું છેલ્લું હથિયાર અજમાવવા પ્રયાસ કર્યો, પરંતુ સરલાબહેન હસતાં હસતાં બાનો ઈરાદો સમજી, કામે વળગ્યાં.

સરલાબહેને હવે અનુભવ્યું કે હવે ઘરના વાતાવરણમાં પહેલા જેવો બોજો વરતાતો નથી, હળવાશ છે. ફરી સૌ પોતપોતાનાં રોજિંદા કામોમાં જોતરાઈ ગયાં. ત્રણેય છોકરાંઓ આવી જવાથી મનુભાઈ અને સરલાબહેનને પણ રાહત લાગે છે.

પણ નાઈટ શીફ્ટ કરી કરીને હવે સરલાબહેન થાક્યાં છે. નંદા, નમન અને કિશન તો હવે એ કામ છોડી દેવા દબાણ કરી જ છે, પરંતુ મનુભાઈએ પહેલી વખત તેમને એ કામ છોડવા કહ્યું એ સાંભળી સરલાબહેનને ખૂબ સારું લાગ્યું. સરલાબહેનેને પણ છોડવું જ છે પણ પ્રશ્ન એ સતાવે છે કે તો પછી ઘરે બેસીને કરવું શું ?

રવિવારનો દિવસ હતો. ન્યુઝ પેપર વાંચતા મનુભાઈએ વાંચ્યું કે ગેરકાયદે કામ કરાવનાર માલિક સાથે હવે સરકાર કડક હાથે કામ લેવાની છે. નરેશને લીધે ક્યારેક મુશ્કેલીમાં આવી જવાને શક્યતા વિચારતાં, તેમને એક નવો જ આઈડીયા સૂઝ્યો, ‘ જો સરલા, તું કામ છોડી દે, અને મને શોપમાં મદદ કરે તો નરેશને આપણે કામે ન રાખવો પડેને? અને એને જેટલો પગાર આપું છું એટલો પગાર હું તને આપું,’ એમણે સરલાબહેનને પટવવા પ્રયાસ કર્યો.

‘ ડેડી, આને એક્સપ્લોઈટશન કહેવાય ‘ કિશન મનુભાઈનો ઈરાદો સમજી ગયો.

‘ હું તો મજાક કરું છું, આ બધું તારી મમનું જ છે ને?’

નંદાએ તક જોઈને એક જોરદાર તીર માર્યું, ‘ ઓહો, એટલે જ ઘર તમારા અને બાના નામ ઉપર છે, હેં, ને ડેડ ?’

સરલાબહેને તો નંદાની દલીલ સાંભળી આશ્ચર્ય પામી ગયાં. તેમના બાળકો કેટલાં સમજુ અને પુખ્ત થઈ ગયાં તેનો ખ્યાલ આજે તેમને આવ્યો.

મનુભાઈ અવાજમાં થોડી કડકાઈ લાવી બોલ્યા, ‘ તને કોણે, તારી મમે કહ્યું ?’

‘ ડેડ, તમને ખબર છે ને કે હું ‘લૉ’ની સ્ટુડન્ટ છું અને અમે સમજણા થયા ત્યારથી ઘણું જોયું છે અને ઘણું સમજ્યા છીએ….પણ..મમે અમને…’

ખાલી નકામો ઝગડો થશે અને માંડ માંડ થાળે પડેલી શાંતિ જોખમાશેના ડરે સરલાબહેન વાતને વાળવા ગયાં, ‘ તો પછી શા માટે કંકાસનો વિષય કાઢે છે , બેટા?’

‘ બોલવા દે એને, સાંભળું તો ખરો મારી વકીલ દીકરીને ! હં, બોલ તું આગળ બોલ નંદા.’

‘ ડેડ, બા અમે નાના હતાં ત્યારથી મમ માટે ગમેતેમ બોલે, તે હાજર ન હોય ત્યારે તેને માટે ગાળો બોલે. તમે સાંજે ઘરે આવો ત્યારે ખોટે ખોટું – જે બન્યું પણ ન હોય, તેવું બધું મારી મમને નામે ચઢાવીને તમને કહેતાં. અને પછી બાનું સાંભળીને પછી મારી મમને….’ રડવું ખાળતાં નંદાને વાર લાગી એટલે કિશને વાત ઉપાડી લીધી.

‘ ડેડ, કેટલીયવાર અમારે તમારા ઊંચકાયેલા હાથને રોકવો હતો, મમને પ્રોટેક્ટ કરવી હતી, પણ એ જ અમને અટકાવે. કંકાસ હોય ત્યાં લક્ષ્મી નહીં વસે, કહીને અમને ક્યારેય બોલવા ન દીધાં,

મનુભાઈને આજે બાળકો પુખ્ત થયાની અને સરલાએ સારા સંસ્કાર સિંચ્યાની અનુભૂતિ થઈ.

નંદા પાણી પી અને સ્વસ્થ થઈ ગઈ હતી, તેથી તેણે ફરી દોર પકડી લીધો, ‘ ડેડ, મારી મમની બધ્ધી કમાણીએ બાનું બેંક બેલેન્સ તગડું કર્યું, અમે નાના હતાં ત્યારે અમારે માટે મમને નાનું મોટું કાંઈ ખરીદવું હોય ત્યારે બા મમને માત્ર પાંચ પાઉંડ આપતાં અને સાંજે તેનો હિસાબ માંગતા- એક પેની પણ ખૂટે તો અમારા નાના-નાનીને ભાંડતાં !’

અરર ! સરલાબહેનને હતું કે બાળકો શું સમજે ? પરંતુ આટલા બધાં સમજણા કઈ રીતે થઈ ગયાં એ જ એમને સમજાયું નહીં.

મનુભાઈને તો શું બોલવું તે જ સૂઝ્યું નહી, સારુ છે રવિવાર હતો એટલે ધનુબા વામકૂક્ષી કરવા તેમના રૂમમાં હતાં.

વળી નમન પણ હાજર નહોતો નહીં તો ત્રણ ત્રણ તરફથી થતાં હુમલાનો સામનો કઈ રીતે કરતે મનુભાઈ ?

સરલાબહેન વાતને અટકાવવા મરણિયો પ્રયત્ન કરતાં બોલ્યાં, ‘ હશે, જે થયું તે થયું હવે મડદાં ચૂંથવાથી શું મળશે ?’

‘ ના મમ, વાત નીકળી જ છે તો ડેડને પણ ખબર પડવી જોઈએ, કે તારી પર કેટલું વીત્યું છે ‘ આજે કિશનને પણ નંદાએ વાત કાઢી એટલે મનનો ઊભરો ઠાલવવાની તક મળી ગઈ.

મનુભાઈને કોઈ જવાબ ન સૂઝ્યો એટલે જે મનમાં આવ્યું તે કહેવાની શરુઆત કરી, ‘ તમને લોકોને ક્યાંથી ખબર હોય કે અમને નાનપણમાં બાપનો પ્રેમ નહોતો મળ્યો….’

‘ ડૅડ, પ્લીઝ, પોતાના ગુન્હાને ઢાંકવા આ ઈમોશનને ઢાલ ન બનાવો. મમે ક્યારેય એના બાળપણના ઉછેરનો વાંક કાઢ્યો સાંભળ્યો છે ?’ નંદા આજે સાચે જ એની મમની વકીલ બની બેઠી !

‘ આજે તમે લોકો તમારી મમને પક્ષે બોલો છો પણ તમે લોકોએ ક્યારે ય મારી પરિસ્થિતિ વિષે વિચાર્યું છે ખરું ?’ સપોર્ટ મેળવવા મનુભાઈએ આખરી રીત અજમાવી જોઈ !

‘ યસ ડેડ, તમે આપણા કુટુંબ માટે ઘણો ભોગ આપ્યો. અમારો અને ખાસ કરીને મમને બલિના બકરાની જેમ વધેરવાનું ક્યારે ય ચૂક્યા નથી. ઘરમાં કોઈ પણ પ્રોબ્લેમ થાય એટલે તમે ગુસ્સે થઈને પબમાં જતા રહો પછી પાછળ મમે જ બધું સંભાળી લેવાનું અને ફોઈ અને બાના ટોણાં અને ગાળો સાંભળવાની !’ ગળગળા અવાજે કિશને બીજા એક સત્ય પરથી આવરણ ઉતાર્યું.

સરલાબહેનને ખ્યાલ આવી ગયો કે આજે છોકરાંઓ વાળેલા વળવાનાં નથી. વર્ષોથી એ લોકોના મનને ખૂણે ધરબાયેલા અને અકળાયેલા ગુસ્સાને સાંભળી રહ્યાં. તેમણે ક્યારેય તેમના અંગત પ્રોબ્લેમ્સ એ લોકો સાથે ચર્ચ્યા નથી કે નથી ક્યારેય એ લોકોને કુટુંબના અન્ય સભ્યો સામે ઉશ્કેર્યા. પરંતુ માના હૈયે પડેલા એક એક જખ્મને તેમણે વણબોલ્યે તેમના કૂંણા મન ઉપર ઝીલ્યા હતાં.

ધનુબા સાથેનો જે તાજો પ્રસંગ બન્યો હતો ત્યાર પછી, કેમ જાણે મનુભાઈનો અહંમ થોડો સુંવાળો થવા માંડ્યો હતો. વળી તે સુંવાળો કરવામાં શૉપમાં રોજ મનુભાઈને કંપની આપવા માટે આવતા રહેલા રાજુએ પણ અજાણતા થોડો ભાગ ભજવ્યો છે.

હમણા થોડા વખતથી રાજુ કોઈ સંપ્રદાયમાં પ્રવચનો સાંભળવા જાય છે અને ત્યાં શું સાંભળ્યું તેની વાત એ ઘણીવાર મનુભાઈને કરે. થોડા દિવસથી ‘ સૌમાં ભગવાન વસેલો છે’ એ વાત રાજુ પાસેથી સાંભળી સાંભળીને મનુભાઈના મનમાં પડેલા સારપના બીજને ફણગા ફૂટવા માંડ્યા છે. અને એટલે જ તો આજે ગુસ્સે થયા વગર કાટ ચઢેલા મનનાં દરવાજા ઉપર બાળકોને પ્રહાર પર પ્રહાર કરવા દે છે !

સરલાબહેન માટે તો આ ચમત્કાર જ છે, મનુભાઈનું આ પાસું તો એમણે આટલા વર્ષોંમાં ક્યારેય જોયું નથી!

વાતાવરણમાં તોળાતાં ભારને હટાવવા સરલાબહેને નંદા અને કિશનને ચા બનાવવા જવા કહ્યું.

રસોડામાં જઈને ચા બનાવતાં બન્ને ભાઈ-બહેનનાં મન હળવાફૂલ થઈ ગયેલાં લાગ્યાં. હળવા થયેલા નંદાના મને વિચાર્યું કે, ડેડે જિંદગીંમાં પહેલીવાર ગંભીરતાથી આટલી મોટી વાતો સાંભળી અને ખાસ વાત તો એ બની કે જરાય ગુસ્સે ન થયા – એ કેટલી મોટી ઘટના બની ? ડેડ પર વહાલ આવ્યું, અને એટલે કિશનને ‘ હમણાં આવું છું ‘ કહી સીટીંગરૂમમા જઈ, આંખો બંધ રાખીને બેઠેલા મનુભાઈના કપાળે ચૂમીને કહ્યું, ‘ થેંક્સ અને સૉરી ડેડ !’

સરલાબહેન અને મનુભાઈ એમની વહાલી દીકરીની સમજદારી અને વહાલને માણી રહ્યા.. મનુભાઈને મોઢે જે શબ્દો કોઈ દિવસ પણ નીકળવા માટે તૈયાર નહોતા તે શબ્દોને આજે દીકરીના વહાલે પરાણે બહાર ખેંચી કાઢ્યાં, ‘સૉરી અને થેંક્સ તો મારે તમને ત્રણેયને અને ખાસ કરીને તો તારી મમને કહેવાનું છે !’ કહી એક સ્નેહસભર નજર સરલાબહેન તરફ નાંખી.

આ ઘડીના બદલામાં સરલાબહેનને લગ્નજીવનનાં સઘળાં વર્ષો ઓળઘોળ કરવાનું મન થઈ ગયું!

ધનુબાને નીચે આવતાં જોયાં એટલે કિશને વગર પૂછ્યે જ ચામાં દૂધ અને પાણી ઉમેરી દીધાં.

નંદા રસોડામાં ગઈ અને કામ કરતાં કિશનને ‘ બિગ હગ ‘ આપી કહ્યું , ‘ આઈ એમ સો હેપ્પી ટુડે બ્રધર, ડેડ સેઈડ સૉરી ટુ મમ, કેન યુ બીલીવ ધીસ ?’

‘ આઈ ઓલસો ફીલ સો રીલેક્ષ્ડ સીસ, આફટર બ્રોટ આઉટ ઓલ ધ બર્ડન આઈ વોઝ કેરીડ ઓલ ધીઝ ઈયર્સ .’

ધનુબાનો મૂળ સ્વભાવ ગમે એટલો પ્રયત્ન કરવા છતાં પણ ક્યારેક નાગની જેમ ફેણ માંડી બેસે છે, ‘ કિશુ તું કેમ ચા મૂકે છે ? તારી માએ બન્ને છોકરાઓને સાવ બાયલા કરી દીધા છે. ‘

‘ બા, મારા ડેડ અને ગનુકાકા તમને મદદ કરતાં, એ વાત કરતાં કરતાં તમે પોરસાઈને કહેતા કે, ‘ મારા છોકરાઓના મનમાં મા માટે કટલી દયા હતી !’ અને અમે અમારી મમને હેલ્પ કરીએ તો અમે બાયલા થઈ ગયા ?’ કિશનનો ઘા જોરદાર હતો.

તે જ વખતે ડોરબેલે કોઈના આવ્યાની છ્ડી પોકારી. રવીવાર છે એટલે કોઈ મળવા આવ્યું હશે માની મનુભાઈએ બારણું ખોલ્યું. સામે ઊભેલા આગંતુકના હાથમાં સૂટકેઈસ હતી, તમણે પૂછ્યું, ‘ મી. કાલુ અહી જ રહે છે ?’

મનુભાઈ એ વ્યક્તિને જરાય ઓળખતા નહોતા છતાં પોતાને શોધતાં આવેલા આ કોણ હશેની મુંઝવણ તેમના મોઢા ઉપર સ્પષ્ટ અંકાઈ અને મનુભાઈ કંઈ પૂછે તે પહેલા જ તેમણે પોતાનો પરિચય આપ્યો, ‘ હું સ્નેહાનો ફાધર.’

મનુભાઈએ અગંતૂકને ‘આવો’ કહી અંદર આમંત્ર્યા, ત્યાં તો સરલાબહેન પણ આગળના રૂમમાં આવ્યા.

પરિમલભાઈ-સ્નેહાના ફાધર અંદર આવ્યા અને સરાલાબહેન ઉપર નજર પડ્તાં જ આશ્ચર્યથી બોલી ઊઠ્યા, ‘ અરે, સરુ….તું…તમે ????


ક્રમશઃ


સુશ્રી નયનાબહેન પટેલનું વીજાણુ સંપર્ક સરનામું: ninapatel47@hotmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *