એક ગીતનાં અનેક સ્વરૂપ – ૭ – પુરુષ / સ્ત્રી સ્વરનાં સૉલો / યુગલ કે કોરસ ગીતના ત્રણ કે વધારે વર્ઝન [૧]

Facebooktwitterredditpinterestlinkedinmail

સંકલન અને રજૂઆત : અશોક વૈષ્ણવ

એક ગીતનાં અનેક સ્વરૂપ‘ શ્રેણીમાં આપણે પુરુષ સૉલો ગીત અને તેનું સૉલો કે યુગલ વર્ઝન અને તેજ રીતે સ્ત્રી સૉલો ગીત અને તેનું સૉલો અથવા તો યુગલ વર્ઝન એટલા જૂદાં જૂદાં સ્વરૂપનાં કેટલાંક ગીતો સાંભળી ચૂક્યાં છીએ.

ઘણી વાર એક જ ગીતનું આ બે પ્રકારનું બીજું ઉપરાંત ત્રીજું વર્ઝન પણ હોય છે. દરેક અલગ વર્ઝન રજૂ કરવા માટે એક ખાસ સીચ્યુએસન હોય છે જેનું મૂળ સૌથી પહેલાં ગીત સાથે સંકળાતું હોય.

આજે હવે સૉલો કે યુગલ ગીતનાં ત્રણ સૉલો કે યુગલ કે કોરસ વર્ઝન એક જ ફિલ્મમાં હોય એવાં કેટલાંક ગીતો સાંભળીશું.

છોડ બાબુલ કા ઘર – બાબુલ (૧૯૫૦) – સંગીતકાર: નૌશાદ ગીતકાર: શકીલ બદાયુની

મોટા ભાગના લગ્ન પ્રસંગમાં કન્યા વિદાય સમયે બેન્ડવાળા આ ગીતની ધૂન જ વગાડે એવી જબરદસ્ત લોકપ્રિયતા આ કન્યાવિદાય ગીતની હતી.

‘બાબુલ’ ટાઈટલ પણ ગીતના શબ્દોમાં વણી લઈને ગીતને ફિલ્મમાં થીમ સોંગની જેમ રજૂ કરાતું રહ્યું છે.અહીં ક્લિપમાં પહેલાં આપણે ગીતને જે સ્વરૂપે સૌથી વધારે ઓળખીયે છીએ તે સ્વરૂપે ટાઈટલ્સમાં આવે છે. પછી દિલીપકુમાર નરગીસને પરિણયમાં લગનની મીઠાશ ભળે તો કેવું લાગશે તે કહે છે. એ પછીનાં વર્ઝનમાં નરગીસ અને તેની સહેલીઓ લગ્નની કલ્પનામાં મહાલવા ગરબા શૈલીનાં નૂત્યમાં આ ગીતને જ યાદ કરે છે. હજૂ પણ આગળ જતાં આ જ ગીતને લગ્નગીત તરીકે પણ ગવાયું છે. તે પછી કન્યાની ઘરમાંથી વિદાય સમયે ગીત બેકગ્રાઉન્ડમાં વાગે છે. એ પછી પ્રેમીઓ પોતાના વિચારપ્રદેશમાં કોવાઈ ગયેલ છે ત્યારે એક્દમ મંદમંદ લયમાં તલત મહમૂદના સ્વરમાં ગીત ગવાયું છે. અને છેલ્લે ફિલ્મના અંતમાં બહુ જ આગવા અંદાજમાં રફીના બુલંદ સ્વરમાં ગીત ફરી એકવાર રજૂ થાય છે.

બચપન કે દિન ભૂલા ન દેના – દીદાર (૧૯૫૧) – સંગીતકાર: નૌશાદ – ગીતકાર: શકીલ બદાયુની

રેકર્ડ ઉપર જે ગીત સાંભળવા મળે છે એતે આપણે બધાંએ ખૂબ જ સાંભળેલુંં લતા મંગેશકર અને શમશાદ બેગમનું યુગલ ગીત છે. ફિલ્મનાં મુખ્ય પાત્રો નોકરના દીકરા દિલીપ કુમાર અને રઈસ બાપની બેટી નરગીસનાં સામાજિક સ્તરની અસમાનતા વચ્ચે બાલ્યપણમાં પાંગરેલી મિત્રતાને યાદ રાખવાની દુહાઈ ગીતના શબ્દોમાં વણી લેવાઈ છે. ગીત પૂરૂં થતાંમાં તો અકસ્માત થાય છે અને ફિલ્મની વાર્તા રંગ પકડવા લાગે છે.

બન્ને જણાં મોટાં થવા લાગ્યાં છે. સમયના આ પ્રવાહને ફિલ્મને પરદે બદલતી ઋતુઓ અને ફરતા જતા ઘડિયાળના કાંટા દ્વારા રજૂ કરાય છે. તે સાથે નાના દિલીપકુમારના સ્વરમાં શમશાદ બેગમમાંથી યુવાન દિલીપકુમારના સ્વરમાં મોહમ્મદ રફી બચપનના દિનને યાદ કરે છે.

એ પછી ફિલ્મની વાર્તામાં અનેક વળાંકો આવે છે. એક વળાંકમાં આંખનું ઑપરેશન કરીને દેખતો થયેલો દિલીપકુમાર બગીમાં પાછળ બેઠો છે. બાજૂમાંથી કોઈકને ઘોડા પર સવારી કરતું જૂએ છે અને તેની યાદ તડપી ઊઠે છે. ગીતનું આ સ્વરૂપમાં દિલીપકુમારના પલટાતા ભાવને મોહમ્મદ રફીએ પોતાના સ્વરની નજ઼ાકત વડે પણ જીવંત કરેલ છે.

અય મેરે દિલ કહીં ઔર ચલ, ગ઼મકી દુનિયા સે દિલ ભર ગયા – દાગ (૧૯૫૨) – સંગીતકાર: શંકર જયકિશન – ગીતકાર: શૈલેન્દ્ર

ફિલ્મમાં આ ગીત ત્રણ વર્ઝનમાં સાંભળવા મળે છે અને ત્રણે ત્રણ વર્ઝન રેકર્ડ્સ પર પણ ઉપલ્બધ રહ્યાં છે. પહેલાં બન્ને વર્ઝન તલત મહમૂદનાં સૉલો ગીતો સ્વરૂપે છે.

પહેલું વર્ઝન છે ખુશીનું. દિલીપકુમાર ઉતાવળી ચાલે પોતાના ગામ ભણી આવી રહ્યો છે અને તેના સ્વરમાંથી નીકળી પડતાં ગીતમાં પણ જ્યાં હવે ગ઼મ ન હોય એવી જગ્યાએ જવાનો આનંદ છલકે છે.

હિંદી ફિલ્મમાં આનંદના સમયની પાછળ દુઃખ પણ આવીને જ ઊભું હોય. એ સમયની ફિલ્મોમાં એ દુઃખ ભુલાવવા નાયક શરાબનો સહારો લે અને પછી એ નશામાં એક કરૂણ ગીત છેડે. અહીં આપણે જે ગીતની વાત કરી રહ્યાં છીએ તે ફરીથી મુકાયું છે. ગીતના શબ્દોની પરદા પર દિલીપકુમાર જે રીતે રજૂઆત કરે છે તેમાં તેની નિરાશામાં પણ ઊંડે ઊંડે ક્યાંક ગ઼મની દુનિયાથી દૂર જઈ શકવાનો આશાવાદ છે.

ત્રીજાં વર્ઝનમાં દીકરાનો વિરહ અને ગરીબીએ સર્જેલી શારીરીક બીમારીની પથારીમાં પણ માને દીકરો જે ગીત ગાતો તે સાંભળવું છે. દીકરાની પ્રેમિકા ખૂબ આનાકાની માની એ ઈચ્છા પૂરી કરે છે. આમ ત્રીજું વર્ઝન લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલું સૉલો ગીત છે.

રાહી મતવાલે તૂ છેડ એક બાર મન કા સિતાર – વારીસ (૧૯૫૪) – સંગીતકાર: અનિલ બિશ્વાસ – ગીતકાર: ક઼મર જલાલાબાદી

એક યુગલ ને બે સૉલો વર્ઝનમાં રચાયેલું આ ગીત જૂદી જૂદી સીચ્યુએશનને પરિતિબિંબીત કરે છે.

પહેલાં, યુગલ, વર્ઝનમાં તલત મહમૂદ અને સુરૈયા અકસ્માત ટ્રેનના ડબ્બામાં ભેગાં થઈ જાય છે અને ટ્રેનની ગતિની લય તલત મહમૂદને આ આનંદનું ગીત છેડવા પ્રેરે છે. સુરૈયા પણ ગીતની મસ્તીમાં ઝૂમવા લાગે છે. આવા સંજોગોમાં જ્યારે નૈનો સે નૈના હો ચારનું તારામૈત્રક થાય એવા શબ્દો તલતના હોઠો પરથી નીકળે છે તો સુરૈયા પણ તેમાં સાથ પૂરાવવા લાગી જાય છે. દિલથી દિલ મળી જાય છે અને ગીતના અંતમાં યુગલ સ્વરો એકસ્વર બની રહે છે.

ફિલ્મની કહાનીએ લીધેલ કરવટમાં સુરૈયા તેના પુત્ર સાથે હવે એકલી પડી ગઈ છે. પુત્રને આ ગીત યાદ છે.તેની એ યાદ સુરૈયાના હોઠ પર હવે છેડ એક બાર મનકા સિતારને બદલે સૂની હૈ સિતાર તૂ આ જા એક બારના કરૂણ સ્વરમાં વહી રહે છે.

આ કરૂણ વર્ઝન પર રવિન્દ્ર સંગીતમાં રચાયેલા મૂળ બંગાળી ગીત ઓરે ગૃહોબાસી (શ્રબોની સેન)ની સામ્યતા છતી થાય છે.

બંગાળી ગીત તો અનેક ગાયકોએ પોતપોતાની રીતે ગાયું છે.

દેવતા હો તુમ મેરા સહારા – દાયરા (૧૯૫૩) – સંગીતકાર જમાલ સેન ગીતકાર કૈફ ભોપાલી

મુબારક બેગમ, મોહમ્મ્દ રફી અને સાથીઓના સ્વરમાં આ ગીત ફિલ્મમાં જૂદા જૂદા સંદર્ભમાં રજૂ થતું રહ્યું છે. ગીતની સીચ્યુએશન પ્રમાણે ગીતના શબ્દોમાં નાના ફેરફાર પણ કરાયા છે. દરેક વર્ઝનને બન્ને ગાયકોએ બહુ સૂક્ષ્મપણે અલગ અલગ અંદજમાં રજૂ પણ કર્યું છે. ગીતનાં ત્રીજાં વર્ઝનમાં જ્યારે મુબારક બેગમ ફરી ફરીને કહે છે કે યે વચન દો કે મૈં હૂં તુમ્હારા ત્યારે પ્રતિભાવમાં રફી માત્ર મૈં હૂ તુમારા જે ભાવથી કહે છે એ તો આ ગીતની જ નહીં પણ ગાયકીની શૈલીની પણ ચરમસીમા જ કહી શકાય.

કમાલ અમરોહી નિર્મિત ‘દાયરા’નું આ ગીત એ સમયનાં ફિલ્મી ગીતોના દિલી ચાહકોને રૂંવાડાં ઊભાં કરી દેતું. આજે પણ આંખ બંધ કરીને આ ગીત સાંભળીએ છીએ ત્યારે મંત્રમુગ્ધ અવસ્થામાં સરી પડાય છે. (અને એટલે જ આ ગીત સાથે આજના અંકને સમાપ્ત પણ કરીએ છીએ)

હવે પછીના અંકમાં એક ગીતનાં અનેક સ્વરૂપમાં બેથી વધારે વર્ઝનમાં રજૂ થયેલાં ગીતોની યાદી પૂરી કરીશું.

1 comment for “એક ગીતનાં અનેક સ્વરૂપ – ૭ – પુરુષ / સ્ત્રી સ્વરનાં સૉલો / યુગલ કે કોરસ ગીતના ત્રણ કે વધારે વર્ઝન [૧]

  1. મનસુખલાલ ગાંધી
    November 5, 2017 at 9:43 am

    બહુ મજા આવી ગઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *