ફિર દેખો યારોં : આ ગહન અંધકારમાં ટોર્ચનો શેરડો પણ ઉજાસ ફેલાવી શકે

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

પ્રદૂષણ બાબતે નીતિનિયમો દિનબદિન ચુસ્ત બનાવાઈ રહ્યા છે. તેના અંગે જાગૃતિ પણ ઘણી કેળવાઈ રહી છે. પ્રદૂષણને ગંદકી સાથે સીધો સંબંધ છે, પણ એ સિવાય અનેક પરિબળો તેના માટે જવાબદાર છે. વ્યક્તિગત ધોરણે થોડાઘણા જાગ્રત નાગરિકો કચરાને પ્લાસ્ટિકની કોથળીઓમાં નાખીને તેનો યોગ્ય જગ્યાએ નિકાલ કરે કે પોતાનાં વાહન થકી થતું ઉત્સર્જન નિયંત્રણમાં રાખે એ એક આદત તરીકે સારી અને હકારાત્મક બાબત છે. આવાં નાનાં નાનાં પગલાંઓ ખરેખર કેટલી હદે અસરકારક નીવડી શકે, એ અલગ વાત છે, પણ તેનાથી જાગૃતિ અવશ્ય આવે છે.

આપણી નજર સામે દેખાતા કચરાના ઢગ, તેના થકી ફેલાતી ગંદકી અને પ્રદૂષણ જોઈને ચિંતા થાય એ સ્વાભાવિક છે. વધુ ચિંતા આ બધું નજરે દેખાતું હોવા છતાં તેનો લાંબા ગાળાનો કોઈ અસરકારક ઉપાય ન વિચારાય એ બાબતે થાય છે. નજરે દેખાતા આ કચરાની સમસ્યા ગંભીર છે, પણ એ સિવાય પર્યાવરણની શી હાલત છે? આપણી નજરે સામાન્ય રીતે ન ચડે એવી અનેક બાબતોમાંની એક વિષે જાણીને તેનો અંદાજ મળી શકશે.

આ વર્ષના જૂન મહિનામાં કેન્‍દ્રીય ઊર્જા મંત્રાલય દ્વારા કેન્‍દ્રીય પર્યાવરણ મંત્રાલયને એક પત્ર દ્વારા જણાવવામાં આવ્યું કે દેશભરમાં કોલસા થકી વીજ ઉત્પન્ન કરતાં વીજમથકોમાંના 89 ટકા મથકો દ્વારા થતું સલ્ફર ડાયોક્સાઈડનું ઉત્સર્જન નિર્ધારીત કરાયેલા પ્રમાણને અનુરૂપ નથી. એટલે કે કુલ પેદા થતી 187.1 ગીગાવૉટમાંની 165.9 ગીગાવૉટ વીજળીમાં આ ધોરણ જળવાતું નથી. અલબત્ત, આમાંના 146 ગીગાવૉટના વર્તમાન પ્લાન્‍ટ તેમજ 67 ગીગાવૉટના નવા આવી રહેલા પ્લાન્‍ટમાં સલ્ફર ડાયોક્સાઈડના ઉત્સર્જનને નિયંત્રણમાં રાખવાની પ્રણાલિ મૂકાવાની તૈયારીઓ થઈ ગઈ છે. તેને માટે એક લાખ કરોડથી વધુ રૂપિયાના રોકાણની જરૂર પડશે. આને પરિણામે ગ્રાહકો પર 23,660 કરોડ રૂપિયાનો વધારાનો બોજો આવશે અને તેમણે યુનિટ દીઠ 32 પૈસાનો ભાવવધારો સહન કરવાનો આવશે.

બે વર્ષ અગાઉ, એટલે કે 2015માં આ ઉદ્યોગોને સૂચિત કરવામાં આવ્યું હતું કે આ ઉત્સર્જનની માત્રા તેઓએ બે વર્ષની અંદર નિયંત્રણમાં લાવી દેવાની રહેશે. આ વર્ષની સાતમી ડિસેમ્બરે આ મહેતલ પૂરી થવામાં છે, ત્યારે વીજ મંત્રાલયે જણાવ્યું છે કે આ પ્રણાલિને લગાવવામાં હજી સાતેક વર્ષ લાગશે. આ ઉપરાંત 165.9 ગીગાવૉટ પૈકીના બાકીના 19.9 ગીગાવૉટ ક્ષમતાવાળા પ્લાન્‍ટમાં કાં આ પ્રણાલિ બેસાડી શકાય એવી જોગવાઈ નથી, કાં તેમને રસ નથી.

ડિસેમ્બરની નિર્ધારીત સમયમર્યાદા અગાઉ બન્ને મંત્રાલયના હોદ્દેદારોની મીટીંગ થઈ હતી, પણ આ મુદ્દે હજી કોઈ નક્કર નિર્ણય લેવાયો નથી. આટલી પરિસ્થિતિ જાણ્યા પછી એ જાણવા જેવું છે કે સલ્ફર ડાયોક્સાઈડ જેવો વાયુ માનવશરીરને શી રીતે હાનિકારક છે. સલ્ફર ડાયોક્સાઈડ ઓછા સમયગાળા માટે શ્વાસમાં લેવામાં આવે તો તે શ્વસનતંત્રને નુકસાન કરે છે અને શ્વસનક્રિયાને મુશ્કેલ બનાવે છે. બાળકો, વયસ્કો અને દમની તકલીફથી પીડાતા લોકોને સલ્ફર ડાયોક્સાઈડ, નાઈટ્રોજન ઓક્સાઈડ (નૉક્સ) જેવા વાયુઓ શ્વસનની ગંભીર સમસ્યા સર્જી શકે છે. આ ઉપરાંત હવામાં રહેલાં જળબિંદુઓ સાથે આ બન્ને વાયુઓ ઝડપથી ઓક્સિડાઈઝ થઈ જાય છે, જે એસિડના વરસાદમાં પરિણમી શકે છે. આઘાતજનક લાગે એવી બાબત એ છે કે સાતમી ડિસેમ્બર, 2015 અગાઉ ભારતમાં સલ્ફર ડાયોક્સાઈડ અને નૉક્સના ઉત્સર્જનને લગતાં કોઈ ધારાધોરણ જ ન હતાં.

30 જૂન, 2017ના રોજ તત્કાલીન ઊર્જા સેક્રેટરી પી.કે.પૂજારીએ પર્યાવરણ સેક્રેટરી એ.એન.ઝાને ‘નવાં ધારાધોરણ ઘડી કાઢવાનાં કામની રૂપરેખા’ ઘડવાનું જણાવતો પત્ર મોકલ્યો. આ પત્ર સાથેના અહેવાલમાં જણાવાયા મુજબ, ‘સમગ્ર દેશમાં વર્ષ 2016-17 દરમ્યાન વીજળીના થયેલા કુલ 1242 બીલીયન યુનિટ (બી.યુ.) પૈકી કોલસા થકી વીજળી ઉત્પન્ન કરતાં વીજમથકો દ્વારા 910 બી.યુ. વીજળી પેદા કરવામાં આવી હતી. આ પ્રમાણ 73 ટકા છે. દેશના વીજઉત્પાદનમાં કુલ 65 ટકા વીજઉત્પાદન એવાં મથકોમાંથી થાય છે, જેનાં ધારાધોરણ સલ્ફર ડાયોક્સાઈડના ઉત્સર્જનની માત્રા સાથે સુસંગત નથી.’ મુશ્કેલી એ છે કે આ ધારાધોરણને સુસંગત ન હોય, એટલે કે સલ્ફર ડાયોક્સાઈડ થકી પ્રદૂષણ કરતા હોય એવાં કુલ 373 વીજમથકોને બંધ કરી દેવાનો આદેશ આપવામાં આવે તો દેશમાં ભયાનક વીજકટોકટી પેદા થાય એમ છે. પૂજારીના જણાવ્યા મુજબ આ વીજમથકોને સલ્ફર ડાયોક્સાઈડના ઉત્સર્જનની માત્રાને નિયંત્રીત કરવા માટેની પ્રણાલિ સાથે સુસંગત કરવા માટે સાતેક વર્ષ લાગે. તેના અનુસાર 4880 મેગાવૉટ ક્ષમતાનાં દસ એકમોમાં વર્ષ 2019 દરમ્યાન ફ્લૂ ગેસ ડીસલ્ફરાઈઝેશન (એફ.જી.ડી.) પ્રણાલિ બેસાડવામાં આવે. 21980 મેગાવૉટ ક્ષમતાનાં કુલ 41 એકમો વર્ષ 2020 દરમ્યાન તેને બેસાડે. એમ તબક્કાવાર આ કાર્યક્રમ હાથ ધરાય.

અગાઉ જણાવ્યું એમ આ અતિ ખર્ચાળ પ્રણાલિને બેસાડવાનો ખર્ચ ગ્રાહકના માથે પણ આવે. સલ્ફર ડાયોક્સાઈડનાં નવાં ધારાધોરણો સાથે સુસંગત ન હોય એવી કંપનીઓમાં અદાણી પાવર, રીલાયન્‍સ પાવર અને ટાટા પાવર જેવી માતબર કંપનીઓનાં નામ છે. આ ઉપરાંત જાહેર ક્ષેત્રની એન.ટી.પી.સી. તેમજ મહારાષ્ટ્ર સ્ટેટ પાવર જનરેશન કં. લિ. (મહાજેન્‍કો) પણ તેમાં સામેલ છે.

અગ્રણી અખબાર ‘ઈન્‍ડીયન એક્સપ્રેસ’ દ્વારા આ કંપનીઓને પૃચ્છા કરવામાં આવી હતી કે તેઓ આ ધારાધોરણોને અનુરૂપ ક્યારે બની શકશે. ટાટા પાવર દ્વારા પ્રત્યુત્તરમાં જણાવાયું હતું કે તેઓ સરકાર સાથે સતત સંપર્કમાં છે અને વીજ મંત્રાલય તથા પર્યાવરણ મંત્રાલય દ્વારા સંયુક્ત અને વાજબી રીતે જે સમયમર્યાદા નક્કી કરવામાં આવે તે મુજબ કામ પૂરું કરવામાં આવશે. અદાણી પાવર દ્વારા પણ આ ધારાધોરણોને સુસંગત બનવા પોતાનાં તમામ એકમો સજ્જ છે એમ જણાવાયું હતું. રીલાયન્‍સ પાવર, એન.ટી.પી.સી. તેમજ મહાજેન્‍કો દ્વારા આ અખબારની પૃચ્છાનો કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો.

વીજળી આપણા જીવનનું એક અનિવાર્ય પરિબળ છે. વાતાવરણમાં ગરમી વધતાં વીજળીની જરૂરિયાત દિનબદિન વધતી જ જાય છે. તેના ઉત્પાદન સાથે સંકળાયેલી બાબતો સાથે વીજળીના ઉપભોક્તાઓને ભાગ્યે જ જાણકારી હોય કે કશી લેવાદેવા હોય. વીજના દરોમાં વધારો કરવામાં આવે ત્યારે પણ તે ભાગ્યે જ કશું કરી શકતો હોય છે. અહીં જે વાત કરવામાં આવી છે તે ફક્ત કોલસા થકી ચાલતાં વીજમથકોની છે. અન્ય કેટલાય રાસાયણિક ઉદ્યોગો ખરેખર હાનિકારક કહી શકાય એવાં ઘણાં રસાયણો કે વાયુઓનું ઉત્સર્જન કરતાં હશે. તેઓ ધારાધોરણોને અનુસરતાં હશે? એથી મોટો સવાલ હવે એ થાય કે એ વાયુઓના ઉત્સર્જનની માત્રા માટે કોઈ ધારાધોરણો બન્યાં હશે?

છળી મરાય એવી આ કલ્પનાને વિસ્તારીને આગળ વધારવાને બદલે સૌથી શ્રેષ્ઠ ઉપાય એ જ છે કે વ્યક્તિગત સ્તરે પ્રદૂષણ ઘટાડવા માટે દરેકે વિચારવું. ચાહે તે હવા, પાણી કે ઘોંઘાટનું પ્રદૂષણ કેમ ન હોય! કેમ કે, તેનાથી થનારું આખરી નુકસાન કોઈ એક કે બે વ્યક્તિને નહીં, આપણી પૃથ્વીને, આપણા સમગ્ર પર્યાવરણને જ છે.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૨-૧૦-૨૦૧૭ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

1 comment for “ફિર દેખો યારોં : આ ગહન અંધકારમાં ટોર્ચનો શેરડો પણ ઉજાસ ફેલાવી શકે

  1. November 11, 2017 at 3:20 am

    વીજળી આપણા જીવનનું એક અનિવાર્ય પરિબળ છે. વાતાવરણમાં ગરમી વધતાં વીજળીની જરૂરિયાત દિનબદિન વધતી જ જાય છે.

    ૨૦૦૦ ની સાલ પહેલાં આ કોમેન્ટરના રસનો વિષય ! ઘણી યાદો તાજી થઈ ગઈ. ક્યાં એના વિશે લાંબું લખવા દેશો? !
    આ એક જ લેખ – મનમાં ઘણી વખત ઊભા થતા nightmares અંગે …
    https://gadyasoor.wordpress.com/2007/12/10/american_highway/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *