અવલોકન : સાબુ પર સાબુ

Facebooktwitterredditpinterestlinkedinmail

સુરેશ જાની

…….. ………..

સાબુ પર સાબુ? આ તે કેવી ઊટપટાંગ વાત?

હા! એમ જ છે. લો જોઈ જ લો ને  –

clip_image001

તમે કહેશો … “અહો! આમ વાત છે.આમાં શું નવાઈ? અને તે પણ ગુજરાતીને ? અમદાવાદીને?

વાત એમ છે કે, આ દૃષ્ય જોયું અને બ્લોગબદ્ધ ( નવા શબ્દની રચના ! ‘વાહ, રે! મેં વાહ.’) કરવા તલપાપડ થઈ ગયો. પહેલાં એનો ફોટો પાડ્યો; અને હવે આ આલેખન.

આમાં એક જ સંદેશ

ત્રેવડ, કરકસર – આજે સાબુની બચેલી પતરી બચાવો; એમ બને કે, કાલે નહાવા સાબુ જ ન હોય.

· ખોરાકની અછત

· પાણીની અછત

· ઉર્જાની અછત

કારણ?

· વધતી જતી વસ્તી

· કૂદકે ને ભૂસકે આગળ ધપતું જીવન ધોરણ

· અમર્યાદિત બનતી જતી માનવ અપેક્ષાઓ

· જમીનનો વધતો જતો બિન ઉત્પાદક ઉપયોગ અને

· દરેક સેકન્ડે ટાંચાં થતાં જતાં સ્રોતો

માનવજાતના માથા પર તોળાઈ રહેલી તાતી તલવાર;
ભયાનક ભવિષ્યના કાળઝાળ ઓથારનો
ઉવેખી શકાય તેવો, અચૂક અણસાર.

પથ્થરયુગથી સ્પેસમાં પહોંચેલો કાળા માથાનો  ( કે બીજા ગમે તે રંગના માથાનો ), માથા ફરેલ માનવી કશોક ઊકેલ તો શોધી જ કાઢશે; અથવા સૌથી બળિયો બીજા બધાંને ઢાળી દઈ,  એકદંડીયા મહેલમાં મિત્રમંડળ, કુટુમ્બ કબીલા સહિત મઝેથી મહાલશે.

પણ, આજે તો સાબુ પર સાબુ મૂકો અને એ પળને થોડીક આઘી ધકેલો; પથ્થરયુગમાં પાછા ધકેલાઈ જવામાંથી બચવાનો ઊકેલ મળી જાય તે પહેલાં.

…….. ………..

સાબુ પર સાબુ જોયાને પંદર દિવસ થઈ ગયા. આજે ફરી એની પર નજર પડી.

સ્વાભાવિક રીતે આજે ત્રેવડની વાત તો ન જ હોય ને?

clip_image003

સાબુની નાનકડી પતરી હવે તો સાવ નાની થઈ ગઈ છે. મોટા સાબુમાં ઓગળવાની પ્રક્રિયા લગભગ પતવામાં જ છે. એની મોટા ભાગની જાત પાણી સાથે ઓગળીને વહી ગઈ છે.

હવે દ્વૈતનું અદ્વૈતમાં રૂપાંતર થવાનું છે. સમજુને બીજું કશું કહેવાની જરૂર છે ખરી?

…….. ………..

આજે બાથરૂમમાં એવા જ સાબુને જોતાં સાવ નવા જ વિચારો ઊભરી આવ્યા.

clip_image004

સાબુની ત્રણ પેઢી!

નવા સાબુની ઉપર ચોંટાડેલો નાનકડો, જૂનો સાબુ અને તેનીય ઉપર ચોંટાડી છે – ટચૂકડી, ત્રણેમાં સૌથી જૂની પતરી.

જે સૌથી નાનો છે; તે સૌથી જૂનો છે. કદાચ સાબુના એ ભાગને વાપરવામાં ન આવે, તો તે એમનો એમ રહે અને મોટા દેખાતા સાબુભાઈ પણ નાનકડા બની જાય. સાબુની નવી પેઢી આવે અને તેમને ઓલ્યા વડીલોની વચ્ચે ધકેલી દે! ત્રણને બદલે ચાર પડ બની જાય. એમ પણ બને.

————————————–

આપણા મન પર તો આવાં કેટલાંય પડ છે. સાબુ તો શું, ડુંગળીનાં કે કોબિજનાં પડ પણ એની આગળ કોઈ વિસાતમાં નથી. જન્મતાંની સાથે કદાચ ઉત્ક્રાન્તિની પ્રક્રિયાથી સંઘરાયેલાં અનેક પડ આપણને ડી.એન.એ. પાસેથી મળી જાય છે. જેમ જેમ આપણે મોટાં થતાં જઈએ છીએ; તેમ તેમ બીજાં અનેક ઉમેરાતાં જાય છે. પેલાં જૂનાં તો બહુ સૂક્ષ્મ હોય છે, આપણી મોટા ભાગની પ્રતિક્રિયાઓ આ જૂના, રૂઢ થઈ ગયેલા, વજ્રલેપ બની ગયેલા સંસ્કારો થકી હોય છે.

એમને અતિક્રમી અંદરના પોતને ઝળહળાવવા બહુ કઠણ તપ કરવું પડે છે. જેમ જેમ આ પડ ઉકેલાતાં જાય છે; તેમ તેમ જૂનાં ઊભરવા માંડે છે. જેમ મોટા સાબુને ઓગાળવો વધારે સરળ છે; તેમ નવા વહેમો જલદી ઓગળી શકે છે. પણ એ બુડ્ઢા ખખ કેમેય જવાનું નામ નથી લેતાં!

નવા જમાનાની રીત વધારે સારી. જૂની પતરીઓને આમ સંઘરવા કરતાં ફેંકી દઈ, સાવ નવો નક્કોર સાબુ જ વાપરવો!

પણ અમદાવાદી જણની
ચિત્તવૃત્તિ
એમ શી રીતે
આમૂલ પરિવર્તન પામે?

…….. ………..

એ ત્રણ ભાગ કરતાં આ સાવ જુદું જ અવલોકન છે. સ્ટોરમાં ફરતાં સાબુઓની થપ્પી પર નજર કેન્દ્રિત થઈ, અને એક વિચાર સ્ફૂર્યો. ત્યાં તો ફોટો પડી શકે તેમ ન હતું; આથી ઘેર આવી, ઘરના સ્ટોરમાંથી કાઢીને આ ફોટો પાડ્યો –

clip_image006

ત્રણ સાબુની થપ્પી

આ ચિત્ર જુઓ. ઉપરા ઉપરી ત્રણ સાબુ મૂકેલા છે. અથવા એમ દેખાય છે! જે દેખાય છે; તે સાબુ નથી. રેપર છે. અંદર સાબુ હોય કે ન પણ હોય!

————–

આપણી નજર સામે માણસ દેખાય છે.

માણસ હોય કે પણ હોય!
મોટા ભાગે આપણે રેપરમહોરાં જોતાં હોઈએ છીએ.

અને આપણે ખુદ પણ રેપર અનેક મહોરાં .

બીજી રીતે કહીએ તો,  આપણે બાહ્ય દેખાવ પરથી જ અનુમાન બાંધી લેવા ટેવાયેલા હોઈએ છીએ. મૂળ તત્વ ક્યાં સહેલાઈથી જોઈ શકાતું હોય છે?

…….. ………..

દૃશ્ય એ જ પણ નવો વિચાર..

clip_image001[1]

બાથરૂમમાં જતાં સાબુ પર નજર ગઈ. ગયા શુક્રવારે જ નવો કાઢ્યો હતો. જૂનો કોણ જાણે ક્યાં હતો! પણ ગઈકાલે એ જૂનો સાબુ હાજર થઈ ગયેલો દેખાયો- નવા પર સવારી કરીને જ તો!

બે જણ થોડા દિવસ અલગ અલગ રહ્યા હતા. નવાની ઉપર જૂનો મૂકીએ તો અળગો જ રહે. પણ આજે બે એકરૂપ થઈ ગયા હતા – અલગા કરવા હોય તો પણ ન થાય.

ચપટિક કે ચમચિક પાણીનો પ્રતાપ. થોડું અમથું જ પાણી – પણ બન્નેની સપાટીઓને સ્નિગ્ધ કરી નાંખે. અને એ સ્નિગ્ધ સપાટી સૂકાતાં સૂકાતાં સાબુનો ચીકણો રસ બન્નેને એટલો તો વળગે; કે બેય સાબુ એકરૂપ થઈ જાય.

પાણી એટલે જીવન. કોઇ સજીવ એના વિના જીવિત ન રહી શકે. પણ અહીં તો નિર્જીવ સાબુમાંય એણે કમાલ કરી હતી. છૂટા રહેલા બે સાબુને ભેગા કરી દીધા હતા.

પાણીના કેટકેટલા ગુણ? જીવનને પ્રગટાવે, પોષે, વર્ધન કરે; અને નિર્જીવને પણ જોડે.

——

એવું જ સજ્જનનું પણ હોય છે ને? મૈત્રીભાવ જગાવે.  સદભાવનાને વ્યાપક કરે. છૂટા પડી ગયેલા વચ્ચે મનમેળ કરાવે. મંગળભાવનાને ઉદ્દીપિત કરે – જાતે સૂકાઈને પણ.

भवतु सब्ब मंगलं

ચાલો પાણી જેવા થઈશું ?


શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય સૂરસાધના

· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com

1 comment for “અવલોકન : સાબુ પર સાબુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *