





નયના પટેલ
‘ મમ, બાજુવળા માસીને પોલીસ ઍમબ્યુલન્સમાં લઈ જાય છે. ‘ કંઈક અજુગતું બન્યું છે તે કહેવા નમને દોડતાં આવી સમાચાર આપ્યા.
‘ તેં પૂછ્યું નહીં કે એમને શું થયું છે ?’
‘મમ, એમ ઈન્ટરફિયર ન કરાય અને એ લોકોના ઘરની કોન્ફિડેન્શિયલ વાત હોય એટલે આપણે પૂછીએ તો કહે પણ નહીં.’
નમને ઈંગ્લીશમાં કેથીને, એણે જે જોયું તે કહ્યું.
‘ સ્નેહા, હું હમણા આવું છું. ‘ કહી કેથી, પોલીસ કાર જતી રહે તે પહેલા જલ્દીથી સાચી પરિસ્થિતિ જાણવા બહાર ગઈ.
થોડીવારે એ પાછી આવી. ચિંતાગ્રસ્ત દેખાતી હતી, ‘ માઈ ગૉડ, એ લેડીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે.’
‘એ જીવે છે?’ સરલાબહેન પણ ગભરાઈ ગયા.
‘ હા, લાગે છે થોડીવાર પહેલા જ પ્રયત્ન કર્યો છે, તેમ પીટરે કહ્યું, પછી સ્નેહા તરફ ફરી કહ્યું, ‘ પણ સ્નેહા, આપણે બને એટલા જલ્દી અહીંથી નીકળી જવું જોઈએ, લેટ્સ ગો.’
સાવ અજાણ્યા દેશમાં ન ધારેલું બન્યું અને સામાન્ય રીતે મુસીબતમાં ફસાયેલી મોટાભાગની સ્ત્રી અનુભવે તેમ સ્નેહા પણ પોતાને જ આ બધી ઘટનાનું મૂળ માની પોતાને જ દોષી ઠરાવાતાં બોલી, ‘ ઓહ ભગવાન, આ બધું મારે લીધે જ થયું !’
‘ સ્નેહા, સૌએ પોતાનાં કર્મોનું ફળ અહીં જ ભોગવવાનું છે.’ જિંદગીના કારમા અનુભવોથી ઘડાયેલા સરલાબહેનના મોંમાંથી આશ્વાસન નીકળ્યું.
એક સોશ્યલ વર્કર તરીકે નહીં પરંતુ કેથીની અંદર બેઠેલી સ્ત્રી બોલી ઊઠી, ‘મારો અનુભવ કહે છે કે સ્ત્રીનો વાંક હોય કે ન હોય પરંતુ કપરા સંજોગોમાં દોષ પોતાને માથે ઓઢી લેવાની મોટાભાગની સ્ત્રીઓને ટેવ હોય છે- પછી તેની ચામડીનો રંગ ગમે હોય!’
કહી તે ઘરની બહાર નીકળી, આમ તેમ જોયું પછી સ્નેહાને ત્યાં જ ઊભા રહેવાનું કહી તેની કાર સરલાબહેનના ઘર સામે પાર્ક કરી. સ્નેહા ઉતાવળે કારમાં બેઠી અને બેસતાં બેસતાં તેની નજર અનાયાસે જ તેના કહેવાતા ઘર તરફ પડી અને ધસી આવેલાં ડૂસકાંને માંડ માંડ ખાળ્યાં.
પીટરે કેથીને કાર ઊભી રાખવાનો ઈશારો કરી , નજીક જઈ સ્નેહાને પૂછ્યું, ‘ તારી પાસે તારા હસબંડનો ફોન નંબર છે? અમારે એને જાણ કરવી પડશે.’
ભાંગીતૂટી ઈંગ્લીશમાં એણે કહ્યું, ‘ ના, ફોન કરવાની, કોઈને પણ ફોન કરવાની મને છૂટ નહોતી એ ઘરમાં.’
પીટરે ‘ સૉરી ‘ કહી એમને જવા દીધાં.
પોલીસને આ તકને લીધે લાભ થશે એની ખાત્રી છે, હવે ભાવિનને આવ્યા વગર છૂટકો નથી. અને પત્નીને મારઝૂડ, માનસિક અને શારીરિક ત્રાસ આપ્યા સંદર્ભે તેની ધરપકડ કરી શકાશે.
સ્નેહા ગઈ તેને ‘ જેશ્રીકૃષ્ણ’ કહેવાની તક ન પણ ન મળી અને હવે ખબર નહીં હવે એ છોકરી ફરી ક્યારે મળશે, એ વિચારે સરલાબહેન મનોમન અફસોસ થયો .
નંદાએ ચાનો ખાલી કપ કિચનમાં લઈ જતાં જતાં સરલાબહેનને પૂછ્યું, ‘ મમ, તેં કેથીનો ફોન નંબર લીધો કે નહીં ?’
‘ ના બેટા, આ બધી ધમાલમાં મને તો યાદે ય ન આવ્યું! કાલે રાત્રે મને વિચાર આવ્યો હતો, કે સ્નેહાને તારો જૂનો ફોન આપી રાખીશું કે જેથી એને જ્યારે આપણો સંપર્ક કરવો હોય ત્યારે કરી શકે, ઓ, ભગવાન, તે ય રહી ગયું !’ પછી કાંઈ યાદ આવ્યું , ‘ અરે હા, યાદ આવ્યું, કેથી એના ધોવાયેલા કપડાં લેવા કાલે આવવાની છે ત્યારે યાદ રાખીને આ બન્ને કામ કરી લઈશ.’
અફસોસ કરતાં સરલાબહેનને થોડા દિવસોમાં એકપછી એક બનેલા અણચિંતવ્યા બનાવોનો થાક એકદમ જાણે એક સામટો શરીરમાં ઊભરાતો હોય તેમ લાગ્યું. છતાં ય સાંજે કામે જવાનું છે, ઘરનાં રોજીંદા કામો આટોપવાનાં છે એ વિચારે , ‘ હવે ક્યાંથી કયા કામની શરુઆત કરું ‘ એ મુંઝવણમાં સોફામાં બેઠાં.
આખરે ધનુબાથી ન રહેવાયું, ‘ મને ખબર જ હતી કે એ છોકરીને ઘરમાં ઘૂસવા દીધી…..’
એ સાંભળી નંદાને સાચે જ દુઃખ સાથે નવાઈ લાગી, ‘ બા, તમને કોઈ દિવસ કોઈની દયા જ ન આવે ? બધાએ તમારી દયા ખાવાની. મારી મમ તમારું આટલું કરે છે તો ય ક્યારે ય પણ મેં જોયું નથી કે તમને એની પર દયા આવી હોય! મને તો તમને મારા બા કહેતાં પણ..’
‘બસ કર નંદા, મોટાની આમાન્યા રાખતાં શીખ.’
કિશન પણ નંદાની વહારે ધાયો, ‘ મમ, નંદુ સાચું જ કહે છે. બા હમેશા બધાનું નેગેટીવ જ જોય. તેમને મેં ક્યારે ય કોઈનું સારું બોલતાં તો સાંભળ્યા જ નથી. ‘
આજે હવે વાત નીકળી જ છે તો નમને પણ મનનો ઊભરો ઠાલવ્યો, ‘ બા, અમે નાના હતા અને અમારી મમ ઘરે ન હોય ત્યારે તેને વિષે કેટલું ખરાબ બોલતાં ! અમે નાના હતાં, ગાંડા નહોતાં. મમની ગેરહાજરીમાં તમે એને ‘રાંડ’ કહેતાં એનો અર્થ આજે પણ ખબર નથી પણ તેમાં રહેલો તમારો મમ તરફનો તિરસ્કાર ન સમજાય તેવો નહોતો. ‘
ધનુબાને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે તેમનું છોડેલું તીર તેમના તરફ જ પાછું વળશે !
સરલાબહેને ફરી રસોડામાંથી બૂમ પાડી સૌને ચૂપ રહેવા કહ્યું.
ત્રણેય જણને ખબર છે એમના મમના સ્વભાવની એટલે વાત બદલતા નમને પૂછ્યું, ‘ એની વે મમ, આજે કોણે શૉપ ઉપર જવાનું છે?’
સરલાબહેન હાથ લૂછતાં લૂછતાં સીટીંગરૂમમાં આવ્યાં, ‘ તારા ડેડ સાથે એવી કોઈ વાત તો થઈ નથી, પણ તમે ત્રણે ય જણ નક્કી કરી લોને! જે દિવસે તમારા ત્રણે ય થી ન જવાશે તે દિવસે હું તો છું જ ને?
‘લૂક, હું ગઈકાલે આખો દિવસ સ્નેહા સાથે હતી, સખ્ખત થાકી ગઈ છું. તમારામાંથી જેને ડૅડને લાડકા થવું હોય તે આજે જાય, કાઊંટમી આઉટ.’
‘આખી રાત સૂતા અને આટલા મોડા ઊઠ્યા તોય કુંવરીબાઈનો થાક નથી ઊતર્યો, વાહ પ્રિન્સેસ!’ નમન ઉવાચ !
‘તારે જે કહેવું હોય તે કહેને, હું નથી જવાની એટલે નથી જવાની, અન્ડર્સ્ટેન્ડ ?’
કિશને હંમેશની જેમ દલીલ ટાળવા કહી દીધું, ‘ ઓ.કે બાબા, હું જઈશ, પણ કાલે કોણ જશે તે તમે બન્ને નક્કી કરી લેજો.’ કહી તૈયાર થવા ગયો.
ધનુબા તો થોડીવાર પહેલા જ છોકરાઓએ કરેલા અચાનક પ્રહારથી ઘાયલ થઈ ગયા હતાં અને એની કળ હજુ વળી નહોતી.
સરલાબહેનને હવે ઘરનાં કામો આટોપવાનાં હોઈ રોજની જેમ ધનુબાને પૂછ્યું, ‘ બા, બપોરે શું જમશો ?’
ધનુબા જવાબ આપે ત્યાં તો ફોનની રીંગ વાગી.
નંદા ત્યાં જ બેઠી હતી તેણે જ ફોન ઉઠાવ્યો, ‘ હલો…હાય ફોઈ, યા, આપું હં.’
કહી સરલાબહેનને ફોન આપ્યો.
‘ કેમ છો બેન, ?….હા સ્નેહાને તો સૉશ્યલવર્કર હોસ્ટેલમાં લઈ ગઈ. પણ સાંભળો બેન, એક ગજબ થઈ ગયો, (પછી થોડો અવાજ ધીમો કરી બોલ્યા) બાજુવાળા લક્ષ્મીબહેન…હા..સ્નેહાના સાસુએ, આજે સવારના સ્યુસાઈડ કરવાની કોશીશ કરી…..હા કાલે રાતના મોડેથી ત્યાં ઘરે આવ્યા ત્યારે ઘરના બારણાનો અવાજ આવ્યો હતો……ખબર નહી…પોલીસ આપણને થોડી જ કોઈ માહિતિ આપે ! આ તો પેલી કેથી….હા… એ જ સોશ્યલવર્કર….જઈને પૂછી આવી એટલે ખબર પડી……..હા, કહોને…., થોભો બા અહીંજ બેઠા છે, તેમને પૂછી જોઉં…..’
પેલી તડાફડીથી ડરી ગયેલાં ધનુબાને માથે ફરી ‘ઘરડા ઘરનું ‘ ભૂત સવાર થઈ ગયું, ‘હું ઘરડા ઘરમાં નથી જવાની એને કહી દે.’
‘બા, હવે તમારા મગજમાંથી ઓલ્ડપીપલ હાઉસની વાતને ભૂલી જાઓ. આ તો બહેન પૂછે છે કે તમારે અઠવાડિયે એક-બે વખત લંચીન ક્લબમાં જવું છે?’
‘હવે આ ઉં મરે મારે કોઈ કલબ-બલબમાં જવું નથી.’
રૂમમાં બેઠેલાં સૌ હસી પડ્યાં. સામે છેડે લતાબહેને પણ સાંભળ્યું અને એ પણ હસી પડ્યા.
‘બા, આતો તમારી ઉંમરનાં બધાં એક જગ્યાએ ભેગા થઈને નવી નવી પ્રવૃત્તિઓ કરે અને બપોરનાં ત્યાં જ સૌ સાથે જમે, તેની વાત કરું છું. યાદ છે પેલા સવિતાબા-તમારા બહેનપણી પણ તમને ત્યાં જવાનું કહેતા હતાં.
‘મારે ક્યાંય જવું નથી’, પછી સાવ રડીમસ અવાજે કહ્યું, ‘ હું તમને બધાને ભારે પડતી હોય તો જઈશ.’
સરલાબહેને ફોન તેમને જ પકડાવી દીધો. ધનુબાએ પરાણે ફોન લીધો, ‘જેસ્રીક્રીસ્ન, તું તો દીકરી છે કે દુશ્મન?
સારું છે તારે ત્યાં નથી રહેતી…ના…મારે કંઈ જ સાંભળવું નથી, મારે એ બધા સાથે પંચાત કરવા જવું જ નથી, સો વાતની એક વાત……હું…ઉં જક્કી છું! મારે તારી સાથે વાત જ નથી કરવીને… ‘ કહીને નંદાને ફોન આપી દીધો.
‘તમને ખબર તો છે ફોઈ, કે બાના મોઢામાંથી એકવાર ‘ના’ થઈ પછી માત્ર મારા ડેડી સિવાય…
’ખબરદાર જો તારા ડેડીને વાત કરી છે તો! ’, ધનુબાનો અસલ સ્વભાવ પ્રગટ્યો.
નમન બાને ચિડવવાનો મોકો શા માટે જવા દે?, ‘બા, અમે ડેડને વાત કરી દઈએ તો તમે શું કરશો ?’
સરલાબહેન, નંદા અને સામે છેડે લતાબહેન સૌ હસી પડ્યાં.
‘આ બાજુવાળાની જેમ દળે ટૂંપો દઈશ, તમે લોકો હમજો છો શું ? જે હથિયાર હાથવગું મળ્યું તેનો ઉપયોગ ધનુબાએ કર્યો.
‘બા, ફોઈ કહે છે આને ઈમોશનલ બ્લેકમેઈલ કહેવાય.’
‘શું કહેવાય? ગુજરાતીમાં બોલ તો કાંઈ હમજાય.’
સરલાબહેને પણ વાતને હળવી કરવા નંદાને સપડાવી, ‘ લે નંદુ, હવે બાને ગુજરાતીમાં સમજાવે ત્યારે ખરી! ‘
બીજે છેડે ફોન ઉપર લતાબહેનને કોઈ જગ્યાએ જવાનું હોવાથી ‘જે શ્રીકૃષ્ણ અને બાય‘ કહી વાત આટોપી લઈ નંદા સરલાબહેન તરફ ફરી બોલી, ‘શું કહ્યું તેં મમ ?’
‘ઈમોશનલ્લ બ્લેકમેઈલનું ગુજરાતી કર જોઈએ !’
‘આઈ ડોન્ટ નો ‘
નમનનું ગુજરાતીનું જ્ઞાન ખાસ ખરાબ નહોતું, ‘મને ખબર છે ઈમોશન એટલે લાગણી, બટ આઈ ડોન્ટ નો મીનીંગ ઓફ બ્લેકમેઈલ ‘
‘કાળો પત્ર ‘ , નંદા ગંભીર થઈ બોલી.
બધા હસી પડ્યા.
ધનુબાનો પારો હજુ ઊંચો જ હતો, ‘પછી હસજો બધા, લતાએ શું કીધું તે હમજાવો પહેલા.’
સરલાબહેને ‘બ્લેકમેઈલ’ નો અર્થ સમજાવવાનો પ્રયત્ન કર્યો, ‘કોઈની લાગણીનો ખોટો દુરુપયોગ કરવો-એવો કાંઈ મતલબ થાય, બા.’
‘હાય, હાય મારી પેટની જણી આવું કહે છે ? સરલા તારે માટે તે કેવું કેવું બોલતી’તી તે હાંભળવું છે ?’
ક્રમશઃ
સુશ્રી નયનાબહેન પટેલનું વીજાણુ સંપર્ક સરનામું: ninapatel47@hotmail.com