દીવો-દીપક ફિલ્મીગીતોમાં

Facebooktwitterredditpinterestlinkedinmail

નિરંજન મહેતા

ગયા અઠવાડિયે દીપોત્સવ ઉજવાઈ ગયો અને લોકોએ જુદા જુદા પ્રકારના દીવાથી ઘરમાં ઉજાસ પાથર્યો. આપણી હિન્દી ફિલ્મોમાં પણ અનેક ગીતો દિવાળી અને દીવા પર રચાયા છે પણ આ લેખમાં ફક્ત દીવા પર રચાયેલ ગીતોનો ઉલ્લેખ કરૂં છું.

૧૯૪૩માં આવેલી ફિલ્મ ‘તાનસેન’ના ગીતોએ તે વખતે ધૂમ મચાવી હતી. તાનસેનની સંગીત પ્રતિભા અપ્રતિમ હતી અને કહેવાય છે કે દીપક રાગ ગાઈને તે દ્વારા તે દીવા પ્રજ્વલ્લિત કરી શકતો. અકબર બાદશાહના અને તેની શાહજાદીનાં અતિ આગ્રહને કારણે તે આ રાગ તો ગાય છે પણ તેને કારણે તેની અંદર જે આગ ઊઠે છે તે ત્યારે જ શમી શકે જ્યારે કોઈ મલ્હાર રાગ જાણકાર તે રાગ ગાય તો જ.

આ દીપક રાગમાં જે ગીત ગવાયું છે તે છે:
दिन सूना सूरज बीन और चंदा बीन रैना
घर सूना दीपक बीना ज्योति बीन सूना नैना
दीया जलाव ज़गमग ज़गमग दीया जलाव

કલાકાર અને ગાયક એક જ હોવાની પ્રથા ત્યારે પ્રચલિત હતી અને તેથી આ ગીત પડદા ઉપર કે.એલ.સાયગલે ભજવ્યું છે અને ગાયું છે. ગીતના શબ્દો ડી. એન. મધોક્ના અને સંગીત ખેમચંદ પ્રકાશનું.

બળવાન સાથે નિર્બળની લડાઈ થાય ત્યારે સ્વાભાવિક છે કે નિર્બળની જીત ન થાય પણ તેમ છતાં તે જે હામથી બાથ ભીડે છે તેને દીવાને પ્રતિકરૂપ ગણીને ઉજાગર કરતુ ગીત છે ૧૯૫૬ની ફિલ્મ ‘તુફાન ઔર દીયા’નું.

निर्बल से लड़ाई बलवां की
ये कहानी है दिए की और तूफ़ान की

ફિલ્મની શરૂઆતમાં આવતા ટાઈટલની પશ્ચાદભૂમિમા આ ગીત મુકાયું છે જે મન્નાડેના સ્વરમાં છે. પંડિત ભરત વ્યાસના શબ્દોને સ્વરબદ્ધ કર્યા છે વસંત દેસાઈએ.

તો આંખોને દીવા સાથે સરખાવી સુનીલ દત્ત ૧૯૫૯ની ફિલ્મ ‘સુજાતા’માં આ ગીત ગાય છે

जलते है जिसके लिये तेरी आँखों के दीये
ढूंढ लाया हूं वही गीत मै तेरे लिये

એક છેડે સુનીલ દત્ત ટેલીફોન પર આ ગીત સંભળાવે છે ત્યારે સામે છેડે નૂતનના જે પ્રતિભાવ આવે છે તે તે જોઈ શકતો નથી અને અનેક ઉપમાઓ સાથે પોતાની લાગણી વ્યક્ત કરવાનું ચાલુ રાખે છે. ગીતના સુમધુર સંગીત સાથે સાથે નૂતનના પ્રતિભાવ પણ માણવા જેવા છે. ગીતકાર મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર સચિન દેવ બર્મન. ગીતને કંઠ આપ્યો છે તલત મહમુદે.

૧૯૬૨ની રહસ્યમય ફિલ્મ ‘બીસ સાલ બાદ’માં એક રહસ્યમય ગીત છે જેમાં દીવાનો ઉલ્લેખ છે.

कही दीप जले कही दिल
ज़रा देख ले आ कर परवाने
तेरी कौनसी है मंज़िल

બિશ્વજિતને પોતાની તરફ ખેંચવા વહીદા રહેમાન આ ગીત ગાય છે જેને સ્વર મળ્યો છે લતાજીનો. ગીતના રચયિતા છે શકીલ બદાયુની અને સંગીત હેમંતકુમારનું.

તાનસેન પર એક અન્ય ફિલ્મ આવી હતી ૧૯૬૨માં ‘સંગીત સમ્રાટ તાનસેન’. આમાં પણ ૧૯૪૩ની ફિલ્મનાં ગીત दीया जलाव જેમ દીવાને લગતું દિપક રાગમાં એક ગીત છે અને દ્રશ્ય પણ તેવું જ છે – બીમાર શાહજાદી માટે ગવાતું આ ગીત છે

चाँद छुपा सूरज छुपा भुजा है मन का दीप
ज्योति बिन सूना नैन, ज्यूँ मोती बिन सिप
दीपक जलाओ ज्योति जगाओ

ભારતભૂષણનાં અભિનયમાં ગવાતા આ ગીતને સ્વર આપ્યો છે રફીસાહેબે. શૈલેન્દ્રના શબ્દોને સંગીત આપ્યું છે એસ.એન.ત્રિપાઠીએ.

કોઈએ પ્રગટાવેલી વિરહની આગમાં સળગતા દિલને દીવા સાથે સરખાવતું એક ગીત છે ૧૯૬૫ની ફિલ્મ ‘આકાશદીપ’નું.

दिल का दीया जला के गया
यह कौन मेरी तन्हाई में

રેકર્ડ પર ગવાતું આ ગીત ફિલ્માવાયું છે નિમ્મી પર. ગીત ગાયું છે લતાજીએ જેના શબ્દો છે મજરૂહ સુલાતાનપુરીના અને સંગીત છે ચિત્રગુપ્તનું.

સાથીની ખોજમાં ગવાયેલ એક ગીત છે ૧૯૬૭ની ફિલ્મ ‘રાત ઔર દિન’નુ જેમાં મનને દીવા સાથે સરખાવાયો છે અને કહે છે કે મનરૂપી દીવો પ્રજવલિત તો છે તો પણ મારાં મનમાં અંધારૂં છે.

रात और दिन दीया जले
मेरे मन में फिर भी अंधियारा है

કલાકાર નરગિસ માટે કંઠ આપ્યો છે લતાજીએ. ગીતના શબ્દો શૈલેન્દ્રના અને સંગીત શંકર જયકિસંનનું.

એક બહુ જ સુંદર કલ્પના કરાઈ છે ૧૯૬૬ની ફિલ્મ ‘મમતા’માં. પ્યારને છુપાવવાનો સંદેશ પણ કેવો ! એવી રીતે છુપાવો જેમ મંદિરના દીવામાં રહેલી વાટ.

छुपा लो यूँ दिल में प्यार मेरा
के जैसे मंदिर में लौ दीये की

બહુ જ મંદ સ્વરમાં ગવાતું આ ગીત જાણે સાંભળ્યા કરીએ. યુગલ ગીત અશોકકુમાર અને સુચિત્રા સેન પર ફિલ્માયું છે જેને સ્વર આપ્યો છે લતાજી અને હેમંતકુમારે. ગીતના શબ્દો છે મજરૂહ સુલાતાનપુરીના અને સંગીત છે રોશનનું.

પ્રિયજનનું નામ લેતા જ જાણે સો દીવા પ્રગટી ઊઠ્યા એવો ભાવ છે ૧૯૬૭ની ફિલ્મ ‘બહારોં કે સપને’ના આ ગીતમાં:

क्या जानू सजन होती है क्या ग़म की शाम
जल उठे सौ दीये जब लिया तेरा नाम

રાજેશ ખન્નાને ઉદ્દેશીને ગવાયેલા આ ગીતના કલાકાર છે આશા પારેખ. ગીતકાર હસરત જયપુરી અને સંગીતકાર આર. ડી. બર્મન. સ્વર છે લતાજીનો.

ઘણા સમય પછી આવેલી સાંજને યાદગાર કરવા પ્રેમનો દીવો પ્રગટાવવાની વાત છે ૧૯૬૯ની ફિલ્મ ‘ધરતી કહે પુકારકે’નાં આ ગીતમાં.

दीये जलाए प्यार के चलो इसी खुशी में
बरस बीता के आयी है ये शाम जिंदगीमे

પરદા ઉપર આ ગીત ગાનારા કલાકાર છે લીબી રાણા જેને વિષે કોઈ માહિતી નથી. ગીતને કંઠ આપ્યો છે લતાજીએ. ગીતના શબ્દો મજરૂહ સુલાતાનપુરીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

૧૯૭૩ની ફિલ્મ ‘નમકહરામ’નું આ ગીત દીવાને જુદા જ સંદર્ભમાં યાદ કરે છે.

दीये जलाते है फूल खिलते है
बड़ी मुश्किल से मगर

दुनिया में दोस्त मिलते है

દોસ્તીમાં નાસીપાસ રાજેશ ખન્ના આ ગીત દ્વારા દોસ્તી માટે પોતાના મનોભાવ દેખાડે છે જેને ગાયું છે કિશોરકુમારે. ગીતકાર આનંદ બક્ષી અને સંગીતકાર આર. ડી. બર્મન.

કોઈના પ્રેમને કારણે દિલમાં સળગતા દીવારૂપી મનને શું દુનિયાની આંધીઓ બુઝાવી દેશે? આવા જ ભાવાર્થવાળું ગીત છે ૧૯૭૫ની ફિલ્મ ‘એક મહલ હો સપનો કા’નું.

दिल में कीसी के प्यार का जलता हुआ दीया
दुनिया की आंधियो से भला ये बुझेगा क्या

શર્મિલા ટાગોરની અદાકારીમાં ગવાયેલ આ ગીતને કંઠ મળ્યો છે લતાજીનો જેના શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીતકાર છે રવિ.

એક કલ્પનાશીલ ગીત છે ૧૯૭૬ની ફિલ્મ ‘ચિતચોર’નું. પ્રિયતમાને મિલન માટે આ ગીત દ્વારા સંકેત આપે છે કે

जब दीप जले आना
जब शाम ढले आना
संकेत मिलन का भूल न जाना
मेरा प्यार न बीसराना

અમોલ પાલેકર અને ઝરીના વહાબ પર ફીલ્માયેલ આ ગીતના ગાનાર કલાકાર છે યેસુદાસ અને હેમલતા. શબ્દો અને સંગીત રવીન્દ્ર જૈનના.

૨૦૦૨ની ‘દેવદાસ’ ફિલ્મના આ ગીતની શરૂઆતમાં ઐશ્વર્યા રાય હાથમાં દીવો લઈને આવે છે અને તેના સાથી કલાકારો તેને બુઝાવવાનો પ્રયત્ન કરે છે પણ તેમાં તેઓ અસફળ રહે છે કારણ

सीलसीला ये चाहत का ना मैंने बुझने दिया
ओ पीया ये दिया ना बुझा है ना बुझेगा
मेरी चाहत का दिया

સ્વર છે શ્રેયા ઘોસાલનો અને શબ્દો છે નુસરત બદ્રના. સંગીત છે ઈસ્માઈલ દરબારનું.

આમ જુદી જુદી રીતે અને જુદા જુદા સંદર્ભમાં દીપકને ફિલ્મીગીતોમાં સામેલ કરાયા છે.

ઉપરના ગીતો ચૂંટેલા ગીતો છે કારણ હજી પણ આવા ગીતો મળી આવશે.


નિરંજન મહેતા

A/602, Ashoknagar(Old),

Vaziranaka, L.T. Road,

Borivali(West),

Mumbai 400091

Tel. 28339258/9819018295

E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

7 comments for “દીવો-દીપક ફિલ્મીગીતોમાં

 1. October 28, 2017 at 8:21 pm

  दीपक बगैर कैसे
  परवाने जल रहे हैं
  कोई नहीं चलाता और
  तीर चल रहे हैं
  तड़पेगा कोई कब तक
  बेआस बेसहारे
  लेकिन ये कह रहे हैं
  दिल के मेरे इशारे

  आयेगा, आयेगा, आयेगा
  आयेगा आनेवाला, आयेगा, आयेगा, आयेगा

  https://www.youtube.com/watch?v=03DXW_rV54U

  • November 3, 2017 at 3:12 pm

   આભાર. આપે સૂચવેલ ગીત મારા ધ્યાનમાં હતું પણ દીવાનો ઉલ્લેખ ગીતની મધ્યમાં હતો એટલે મેં ઉલ્લેખ નહોતો કર્યો.

 2. Prafull Ghorecha
  October 29, 2017 at 4:19 pm

  બહુ જ ઉમદા કલેક્શન.
  ઉપરાંત –
  ફિલ્મ – શીશમ
  શબ્દો –
  सुना है के उसने सितारे बनाए
  दिये सैंकड़ों आस्माँ पर जलाये
  आस्माँ पर जलाये
  बुझा जो हमारा चिराग-ए-तमन्ना
  उसे ये दिया तो जलाना न आया
  जलाना न आया

  • November 3, 2017 at 3:10 pm

   આપને ગમ્યું તે બદલ આભાર. આ અગાઉ પણ કેટલાક લેખો મુકાઈ ગયા છે જે આપે જોયા હશે. દર પહેલા અને ત્રીજા શનિવારે આવા જુદા જુદા વિષયો પર મારા લેખ આવશે. આશા છે આપ તેને પણ માણશો.

 3. Gajanan Raval
  November 1, 2017 at 11:18 am

  Excellent… You have depicted a very nice collection on Deeya songs…I am sure your task would make many persons happy by these illuminated Deeyas…Hearty congrats…

  • November 3, 2017 at 3:09 pm

   આભાર. આ અગાઉ પણ કેટલાક લેખો મુકાઈ ગયા છે જે આપે જોયા હશે. દર પહેલા અને ત્રીજા શનિવારે આવા જુદા જુદા વિષયો પર મારા લેખ આવશે. આશા છે આપ તેને પણ માણશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *