અય મેરે દિલ સુના કોઈ કહાની ::૨::

મૌલિકા દેરાસરી

દિલની કોઈ કહાણી હોય તો એ સંગીતમય જ હોય. ખુશીની જેમ વેદનાનુંય એક અલગ સંગીત છે.

એમાંય અવાજ હોય રશોકિ રમાકુનો, તો ક્યા બ્બાત!

જી હાં… રશોકિ રમાકુ યાને કે કિશોર કુમાર, જેમને પોતાનું નામ પૂછવામાં આવે તો આવો જ જવાબ મળે. ક્રિએટિવીટીને તો જાણે ગળામાં રમાડી જાણતા કિશોર કુમારે ફિલ્મના ગીતોને પણ આમ જમણેથી ડાબે ગાવામાં મહારત હાંસલ કરી હતી.

કિશોર કુમાર – મનમૌજી અને ખીલખીલાતું એક વ્યક્તિત્વ, જેમના હસતાં ચહેરાની પાછળ કોણ જાણે કેટલીય કહાણીઓ છુપાયેલી હશે!

કહેવાય છે કે અનેક પ્રતિભાના માલિક એવા કિશોર કુમારે પોતાનો ધૂની અને તરંગી ચહેરો એટલા માટે લોકો સમક્ષ રમતો રાખ્યો હતો કે એમની આગળ-પાછળ ખુશામતખોરો ચક્કર લગાવવાં આવે જ નહિ.

આ ચહેરા પાછળનો ચહેરો ધીર, ગંભીર અને જીનીયસ પણ હતો. જે માત્ર હસવા, હસાવવા કે ગાવામાં જ નહિ પણ ગીત, સંગીત, અભિનય, દિગ્દર્શન જેવી અનેક કળાઓમાં માહિર હતો.

ચલતી કા નામ ગાડી કે હાફ ટીકીટના કિશોરદા દૂર ગગન કી છાંવ મેંના કિશોરદા કરતા સાવ જુદા છેડાના છે એ અનુભવી શકાય છે.

આ શ્રેણીમાં આપણે કિશોરકુમારના આ વિવિધરંગી રૂપ માણી રહ્યા છીએ. કિશોરદા સંભળાવે છે એમના પહાડી અને ઘૂંટાયેલા અવાજમાં એમની ફિલ્મોના એમણે જ ગાયેલાં અને સંગીતબદ્ધ કરેલાં ગીતો, જેને સાંભળીને મન ઝૂમી ઉઠે છે.

એક કોરસ ગાયકના રૂપમાં શરૂ થયેલી એમની સફર આજે આપણા દિલો સુધી પહોંચીને રાજ કરે છે.

દિલ કી દૌલત જીતને નિકલે, હમ દો ડાકુ રંગરંગીલે…

તોપ સે ના તલવાર સે હો, કામ જો પલ મેં પ્યાર સે હો.

બે દિવસની કહાની જેવી જિંદગીને જીવી લેવાની વાત કરે છે કિશોર કુમાર અને અનુપ કુમાર, ફિલ્મ હમ દો ડાકુમાં. શૈલેન્દ્રએ લખ્યાં હતાં આ ફિલ્મના ગીત.

કિશોર કુમાર અને અનુપ કુમારના અવાજમાં એક ઓર ગીત, જેમાં અલ્લાહ અને ભગવાનને અનોખી રીતે ગીતમાં ગૂંથી લીધા છે.

અલ્લાહ ખૈર બાબા ખૈર, રબ્બા ખૈર મૌલા ખૈર, રાધેશ્યામ, સીતારામ, સીતા રામ જય સિયારામ.

કિશોર કુમાર, ઉષા મંગેશકર અને આશા ભોંસલે દિલ હથેળી પર લઈને નગ્મે મોહબ્બત કે ગાય છે.

કિશોર કુમાર અને અનુપ કુમારની સાથે તાલ મિલાવે છે આશા ભોંસલે અને ઉષા મંગેશકર.

પગ ઘૂંઘરું બાંધ, ગુરુ નાચ… સાવ નોખા અંદાજમાં ગવાયેલું આ ગીત કેવું મસ્તીભર્યું છે, એ તો સાંભળીને જ અંદાજ આવશે.

આ ગીત ફિલ્મમાં કોઈ કારણોસર લેવાયું ન હતું. તેનો ફક્ત ઓડિયો જ સાંભળવા મળે છે.

એવાં ગીત છે એમની એક ઓર ફિલ્મ દૂર કા રાહીમાં, જેને સાંભળીને દુનિયા ઝૂમી ઉઠે. ફિલ્મના ગીતકાર છે ઈર્શાદ અને શૈલેન્દ્રકુમાર.

ફિલ્મ દૂર કા રાહીમાં કિશોર કુમારની સર્વતોમુખી પ્રતિભા ખીલેલી જોવા મળે છે.

જે વિષે ‘ધ હિંદુ’નો એક સરસ લેખ અહીં વાંચવા મળશે.

http://www.thehindu.com/features/friday-review/Door-Ka-Raahi-1971/article13999539.ece

બેકરાર દિલ તું ગાયે જા, ખુશીયો સે ભરે વો તરાને –

કિશોર કુમાર અને સુલક્ષણા પંડિતના અવાજમાં આ ખુબસુરત ગીત બે ભાગમાં છે.

એક અલગ જ રાહના પંથી- કિશોર કુમાર ગાય છે –

પંથી હું મૈં ઉસ પથ કા, અંત નહીં જિસકા

આસ મેરી હૈ જિસકી દિશા, આધાર મેરે મન કા.

જિંદગીની એક એવી ડગર, જે બસ ચાલતી રહે છે અને મંઝિલની ખબર નથી છતાં આગળ વધતો રહે છે – દૂરનો રાહી.

જીવનની સંઘર્ષમય ફિલસુફીને સંગીતમય રીતે સમજાવતું ગીત

જીવન સે ના હાર જીને વાલે

બાત મેરી માન રે મતવાલે

હર ગમ કો તું અપના કર, દિલ કા ગમ છુપાકર

બઢતા ચલ તું લહરા કર…

વીતી જનારા સમયને સમજાવતું ગીત – મન્નાડેના અવાજમાં –એક દિન ઓર ગયા, હાય રોકે ન રૂકાછાયા અંધિયારા

ઉપરાંત એક ગીત એવું પણ છે જેને શબ્દસ્થ કર્યું હતું કિશોર કુમારે અને અમિત કુમારના સ્વરમાં ગવાયું હતું આ લહેરાતું ગીત. દુનિયાના બાગમાં આવતું, જતું અને ગાતું; મતવાલું અને નિરાળું પંખી,

કિશોરદાની એક ઓર ફિલ્મ- ઝમીન આસમાન, જેમાં ઇન્દીવર અને આનંદ બક્ષીએ લખેલા ગીત જેને સ્વર આપ્યો હતો કિશોરકુમારની સાથે આશા ભોંસલે અને લતા મંગેશકરે.

આંખે તુમ્હારી દો જહાં, આંચલ તુમ્હારા આસમાન – કિશોરકુમારના અવાજમાં છે આ ગીત.

આશાજીના અવાજમાં બાત એક રાત કી અને દિલની જાન-પહેચાનની વાત.

આશાજીને સંગ કિશોરદાની સંગત-

પ્યાર કે સફર મેં હમસફર બન ચલે, હમ તુમ ચલે… ફિલ્મનું આ એક ગીત આનંદ બક્ષીએ લખ્યું હતું.

દિલ અને આંસુઓની જુબાંને બખૂબી વ્યક્ત કરતું વેદનાભર્યું ગીત, લતા મંગેશકરના અવાજમાં.

કાચિંડાની જેમ રંગ બદલતાં, ધન દોલત પાછળ પાગલની જેમ દોડતાં, હીરાને બદલે કાચ જેવાં બેઈમાન માણસને ખુલ્લમખુલ્લાં ખુલ્લો કર્યો છે કિશોર કુમારે આ ગીતમાં.

ઉંદર-બિલાડીની રેસવાળા ‘સ્ટુપિડ સિટી’ મુંબઈને બદલે પોતાના વતન ખંડવામાં જ મરવા માંગતા કિશોર કુમારે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે આ ફિલ્મ લાઈનના માણસો મારા મિત્રો નથી, એ મને કંટાળો આપે છે. એના કરતા હું મારાં વૃક્ષો સાથે વાત કરવાનું પસંદ કરું છું.

દંભી અને બેવડાં ધોરણો ધરાવતા માણસ પ્રત્યે નફરત ધરાવનાર કિશોર કુમાર એટલાં જ મૃદુહૃદયી અને સાલસ પણ હતા. તેમણે નવ મહિના સુધી પણ ન જીવી શકત એવાં મધુબાલા સાથે એક વચન ખાતર લગ્ન કરી, એમની એવી સંભાળ રાખી કે તેઓ નવ વર્ષ વધારે જીવી ગયા.

આ ૧૩ ઓક્ટોબરે તેઓની મૃત્યુ તિથી હતી, પણ કિશોરદા મરતા નથી. તેઓ જીવે છે, અવાજમાં, ગીતોમાં, દિલોમાં…


મૌલિકા દેરાસરીનાં વીજાણુ સંપર્કસૂત્ર

· ઇ-પત્રવ્યવહારઃ maulika7@gmail.com
· નેટ જગતઃ મનરંગી

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail

2 comments for “અય મેરે દિલ સુના કોઈ કહાની ::૨::

  1. October 28, 2017 at 6:28 pm

    આજે જ આ બન્ને લેખ પર નજર પડી અને …. ઝૂમી ઊઠ્યો. શનિવારી સવાર સુધરી ગઈ. ફટ કરતાંકને અમારા છાપે પણ ચઢાવી દીધું – ન્યાં કણે…અમારી હાદ ઈ-સ્ટાઈલમાં જ તો !

    https://dhavalrajgeera.wordpress.com/2017/10/28/kishor_kumar/

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.