સાયન્સ ફેર :: માસ હિસ્ટીરિયા : શ્રદ્ધા અને અંધ શ્રદ્ધા વચ્ચેનું વિજ્ઞાન

જ્વલંત નાયક

૧૩-૧૦-૨૦૧૭ના અંકમાં આપણે ગુજરાત અને ઉત્તર ભારતમાં અનેક સ્થળોએ સ્ત્રીઓની ચોટલી કપાવાની જે ઘટનાઓ બની, એના વિષે અને એ જ પ્રકારની બીજી કેટલીક ઘટનાઓ વિષે વાત કરેલી. જ્યારે ઘણા બધા લોકો એક સરખા પ્રકારની તકલીફોથી પીડાવા માંડે (સામુહિક બિમારી) કે એક સરખી વિચિત્ર વર્તણૂક કરવા માંડે, ત્યારે તજજ્ઞો આ ઘટનાઓને ‘માસ હિસ્ટીરિયા’ સાથે જોડે છે. માસ હિસ્ટીરિયા એટલે શું, એ સમજવા માટે તમારે ન્યૂરો સાયન્સ, કોગ્નીટીવ સાઈકોલોજી (જ્ઞાનાત્મક મનોવિજ્ઞાન) અને ફિલોસોફી ઓફ પર્સેપ્શનનો ઊંડો અભ્યાસ કરવો પડે! અબ યે થોડા જ્યાદા હો ગયા! કોઈ બાત નહિ, સાદી ગુજરાતીમાં તબક્કાવાર થોડું સમજીએ.

તમે ગરમ ઇસ્ત્રીને અડકો તો શું થાય? આપમેળે તમારો હાથ વીજળીક ઝડપે પાછો ખેંચાઈ જાય. કારણકે તમારી ચામડી મગજને ત્વરિત સંદેશો મોકલે છે, અને મગજમાં ‘ઈમરજન્સી એલાર્મ’ વાગતાની સાથે જ હાથ પાછો ખેંચી લેવાના મેસેજ છૂટે છે. આમાં તમે કશું વિચારો એ પહેલા જ શરીર પ્રતિક્રિયા આપી દે છે. આ આખી પ્રક્રિયા તમારી ‘સેન્સ’ને આભારી છે. સેન્સ એટલે આપણી પાંચ ઇન્દ્રિયો. ત્વચા (સ્પર્શેન્દ્રિય), કાન (શ્રવણેન્દ્રિય), જીભ (સ્વાદેન્દ્રિય), ગંધ (ઘ્રાણેન્દ્રિય) અને ચક્ષુ (દ્રષ્ટિ). આ તમામ ઇન્દ્રિયો દ્વારા આપણે આપણી આસપાસના વાતાવરણને અનુભવીએ છીએ, અને એ અંગેનો મેસેજ મગજને પહોંચાડીએ છીએ. મગજ આ મેસેજનું પૃથક્કરણ કરીને શું કરવું એનો કમાંડ શરીરના વિવિધ અંગોને પહોંચાડે છે. આ બધું અતિશય ઓછા સમયમાં બની જાય છે. હવે આપણી આ સેન્સરી સિસ્ટમમાં કોઈક વાર ગરબડ ઉભી થઇ જાય, દા.ત. જે હોય નહિ એવું દેખાવા માંડે. કોઈનો પડછાયો જોઈને ભૂતનો વહેમ પડે, હવાના સુસવાટામાં કોઈનો અવાજ સંભળાય, અથવા કોઈ અવાસ્તવિક માન્યતા ઘર કરી જાય. (પેલી ફિલ્મમાં મુન્નાભાઈને ગાંધીજી દેખાતા હતા, એમ જ) આવી ગરબડ “ઈલ્યુઝન” તરીકે ઓળખાય છે. આ ઈલ્યુઝન હદ બહાર વધી જાય, ત્યારે ‘હિસ્ટીરિયા’ તરીકે ઓળખી શકાય. (હિસ્ટીરિયાના અનેક પ્રકાર હોઈ શકે, જે વિષદ છણાવટ માંગી લે. અહીં માત્ર ‘માસ હિસ્ટીરિયા’ની સમજ પૂરતા માર્યાદિત અર્થમાં લેવું.) અમુક વખત લાગણીઓ બેકાબૂ બની જાય, એ સમયની વર્તણૂકને પણ હિસ્ટીરિયા કહી શકાય. કોઈકને વળગાડ હોય કે માતાજી આવતા હોય, એવા કિસ્સાને પણ હિસ્ટીરિયા સાથે જોડી શકાય.

એકાદ વ્યક્તિમાં હિસ્ટીરિયાના લક્ષણો દેખાય, ત્યાં સુધી એ બહુ ચર્ચાનો વિષય નથી બનતો. પરંતુ ઘણી વાર એકાદ જણને લાગેલો હિસ્ટીરિયા ચેપી રોગની જેમ ફેલાય છે (કલેકટીવ ઓબ્સેશનલ બીહેવિઅર), જે ‘માસ હિસ્ટીરિયા’ તરીકે ઓળખાય છે. માટીની બનાવેલી મૂર્તિ કોઈક વાર ‘કેષાકર્ષણ’ના સિદ્ધાંત મુજબ થોડું ઘણું પ્રવાહી શોષી લે, તો એકાદ અંધશ્રધ્ધાળુને લાગશે કે ગણપતિની મૂર્તિએ દૂધ પીધું! આમાં વિજ્ઞાન બાજુએ રહી જાય છે, અને પેલા ભાવકની અંધશ્રદ્ધા પ્રગટપણે બહાર આવે છે. એટલું અવશ્ય યાદ રાખવું, કે તમારા મનના જે વિચારને તમે વધુ મહત્વ આપશો, એ જ વિચાર તમને સાચો લાગશે. તમે વિજ્ઞાનને મહત્વ આપશો તો કેશાકર્ષણનો સિધ્ધાંત કામ કરતો દેખાશે, અને તમે અંધશ્રધ્ધાળુ હશો તો તમને ગણપતિ દૂધ પીતા હોય એવું દેખાશે! અને જો તમે વધુ પડતા અંધશ્રધ્ધાળુ હશો, તો ગણપતિની આંખો તમને જોતી હોય એવો અભાસ પણ થઇ શકે! અહીં પેલું ‘ઈલ્યુઝન’ – ખોટો આભાસ બહુ મોટો ભાગ ભજવી જાય છે. આવું ઈલ્યુઝન એક જણને થાય, એટલે એની આજુબાજુ રહેલા બીજા લોકોને પણ થાય. (વર્ગખંડમાં એક જણ બગાસું ખાય, એટલે તરત બીજા આઠ-દસને બગાસું આવે જ, કોઈ વાર નોંધજો!) ધીમે ધીમે વીસ-પચીસ જણને એવો આભાસ થાય, કે ‘ગણપતિએ દૂધ પીધું!’ એમાં પાછું પોતાની શ્રદ્ધા કેટલી ‘પવિત્ર’ છે, એનું મિથ્યાભિમાન પણ ઉમેરાય, એટલે આખી ઘટનાને બઢાવી-ચઢાવીને બીજા લોકો આગળ રજૂ કરાય. (આમાં કોઈને બહુ વાંક નથી હોતો, આ તો માનવનું સ્વભાવગત લક્ષણ છે.) આમાં વળી મીડિયા અને સોશિયલ મિડીયા પર ન્યૂઝ-મેસેજીસ વાઈરલ થાય. પરિણામ એ આવે, કે છેક ન્યુયોર્ક અને સિંગાપુર સુધીના ગણપતિ “દૂધ પીતા” થઇ જાય! આવું જ કંઈક દરિયાનું પાણી મીઠું થઇ જવા બાબતે હોવાનું. કોઈ દેખીતા કારણ વિના, અને તમામ મેડિકલ રિપોર્ટસ નોર્મલ હોવા ચતા લોકો ટપોટપ માંદા પડે, એની પાછળ પણ માસ હિસ્ટીરિયા જવાબદાર હોઈ શકે.

આજકાલ બાબાઓ ચર્ચામાં છે. આ અભણ બાબાઓ ભણેલા લોકો કરતાં સાઈકોલોજીના વધારે ઊંડા અભ્યાસુ હોય છે! સોશિયલ મિડીયામાં એક બાબાનો વિડીયો વાઈરલ થયો છે, જે પોતાના ભક્તોને માત્ર હાથ ઉંચો કરીને વીજળીનો કરંટ આપે છે. આવું કરવાનું પ્રયોજન શું, એ તો બાબા જાણે, પરંતુ અનેક ભક્તો એકસાથે – ખરેખર વીજળીનો ઝાટકો લાગ્યો હોય એમ – તરફડતા જોવા મળે છે! આ માસ હિસ્ટીરિયા નહિ તો બીજું શું છે?

…અને સ્ત્રીઓ શા માટે આવા જોકર છાપ બાબાઓનો આસાન શિકાર બની જાય છે?


ઇસકે પીછે ભી એક સાયન્સ હૈ, જે ૧૦-૧૧-૨૦૧૭ના અંકમાં.

 

 


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.