ફિર દેખો યારોં : પુસ્તક પાછું ખેંચો, નહીંતર…….!

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

હિન્‍દુ ધર્મમાં દ્વૈતવાદથી અદ્વૈતવાદ સુધીના મતોનો સમાવેશ થયેલો છે. આનો અર્થ એ કે આ બન્ને અંતિમો સહિત તેમની વચ્ચેના અનેક મતો પણ આમાં સામેલ છે. સહિષ્ણુતાનું આ ઉત્તમ અને જીવંત ઉદાહરણ ગણાવી શકાય. તદ્દન વિરોધી મતને પણ આદર હોય, તેનું સ્થાન હોય એ ઉદાત્ત પરંપરા હિન્‍દુ ધર્મનું હાર્દ છે. આ કારણે જ હિન્‍દુ ધર્મનો કોઈ એક ધર્મગ્રંથ નથી કે જેમાં લખાયેલી બાબતો તેના અનુયાયીઓની આચારસંહિતા બની રહે. આ થઈ આદર્શ વાત, પણ વાસ્તવિકતા શી છે? ધર્મનું અર્થઘટન મુઠ્ઠીભર લોકોના હાથમાં જ રહ્યું છે. સંસ્કૃતિની સાથે ધર્મને અને ધર્મ સાથે પોતાના વર્ચસ્વને જોડી દેવામાં આવ્યું છે. હવે રાજકારણમાં પણ ધર્મ પ્રવેશી ગયો છે. તેને પરિણામે ઉદાત્તતા અને ઉદારમતવાદ હિન્‍દુ ધર્મમાં મિથ્યાભિમાન લેવા પૂરતા જ બચ્યાં છે. જે સહિષ્ણુતા અને સર્વસમાવેશકતા માટે તે જાણીતો છે એનો લોપ ક્યારનો થઈ ગયો હોય એમ લાગે છે.

વર્ણવ્યવસ્થા હિન્‍દુ ધર્મનું સૌથી મોટું અનિષ્ટ છે એ હકીકત હવે આપણે બહારથી સ્વીકારતા થયા છીએ. બંધારણ દ્વારા સમાનતાનો મહિમા કરવામાં આવ્યો છે, છતાં વર્ણવ્યવસ્થાનાં મૂળ એટલાં ઊંડાં છે કે જડમાંથી તે નાબૂદ થતાં કોણ જાણે કેટલી સદીઓ જશે. સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં આજે પણ વ્યક્તિની જાતિ પૂછવાનો અને પૂછ્યા વિના તે જણાવવાનો વહેવાર સામાન્ય છે. બીજા પણ ઘણા પ્રદેશોમાં આમ હોઈ શકે છે. તાજેતરમાં હૈદરાબાદસ્થિત લેખક, કર્મશીલ, રાજકીય વિજ્ઞાની કાંચા ઈલૈયા ‘શેફર્ડ’ સામે વિરોધના દેખાવો થયા, અને લેખકના જણાવ્યા મુજબ તેમને હત્યાની ધમકીઓ પણ મળી.

અંગ્રેજીમાં લખાયેલા તેમના પુસ્તક ‘પોસ્ટ-હિન્‍દુ ઈન્ડીયા’માં એક પ્રકરણ છે, જેનું શિર્ષક છે. ‘સોશિયલ સ્મગલર્સ’. પુસ્તકનો તેલુગુમાં અનુવાદ થયા પછી પુસ્તિકારૂપે એક સ્થાનિક પુસ્તકવિક્રેતાએ આ પ્રકરણને પ્રકાશિત કર્યું. થોડા સમયમાં જ આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં આ પુસ્તકની નકલો જાહેરમાં બાળવામાં આવી અને રાજ્ય સરકાર પર તેને પ્રતિબંધિત કરવા માટે દબાણ કરવામાં આવ્યું.

કાંચાના આ પુસ્તકમાં, અને ખાસ તો આ પ્રકરણમાં એવું શું છે કે જેને લઈને બન્ને તેલુગુ રાજ્યનાં આર્ય વૈશ્ય સંગઠનો ભડકી ઉઠ્યાં?

કાંચાએ પ્રતિપાદિત કર્યા મુજબ સામાજિક દાણચોરીની પ્રથા પાંચમી સદીના ઉત્તર ગુપ્તયુગથી શરૂ થઈ હતી, જે આજે પણ ચલણી છે. અંગ્રેજોના આગમન સુધી સંપૂર્ણપણે વર્ણ આધારિત વ્યવસાય માત્ર વણિકોના હાથમાં હતો. અંગ્રેજોએ સુદ્ધાં વર્ણ આધારિત આ વ્યવસાયને ગામડાંથી ઉપરના સ્તરે સ્પર્શ કર્યો ન હતો, જેમાં હિંદુ મંદિરોનાં વિધિવિધાનના અર્થતંત્રનો પણ સમાવેશ થતો હતો. સંપત્તિ અને સોનું મંદિરના ખજાનામાં છુપાવી રાખવામાં આવતું, જેનો બજારમાં પુનર્પ્રવેશ થવા દેવામાં આવતો નહીં. ઉત્પાદક સમુદાયના શોષણ દ્વારા સંપત્તિના સંચયની, તેને વર્ણવ્યવસ્થાકેન્‍દ્રી અર્થતંત્રમાં તાણી લાવવાની અને સમાજમાં આ નાણાંને પાછા ન ફરવા દેવાની પ્રક્રિયાને પશ્ચિમી સમાજ કેવળ ‘શોષણ’ જેવા શબ્દ દ્વારા સમજી શકે એમ નહોતો. આ શબ્દ બહુ નાનો પડે.

આ શોષણમાં સંચિત કરાયેલી સંપત્તિના નિયંત્રણ માટે વર્ણની ‘સામાજિક સીમારેખા’ના ઉપયોગનો મોટો હિસ્સો છે. પોતે સમૃદ્ધ જીવન જીવવા માટે વેપારીઓ તેનો ઉપયોગ કરતા અને ધર્મગુરુઓના ભરણપોષણ માટે મંદિરોને પણ તેઓ પૂરતું દાન આપતા. બાકીની સંપત્તિ જમીનની અંદર, જમીન પર તેમજ મંદિરોમાં સંતાડવામાં આવતી. આ સંપત્તિ કૃષિવિકાસ કે વ્યાપારી મૂડીના ઉત્તેજન સારું રોકાણના સ્વરૂપે રોકડને પાછી આવવા દેતી નહીં. આ આખી પ્રક્રિયા સામાજિક દાણચોરી સિવાય બીજું કશું નથી. આ સંપત્તિ ભારતની બહાર ગઈ નહીં અને માત્ર જ્ઞાતિગત સીમારેખાઓની અંદર જ તેનો ઉપયોગ થતો રહ્યો.

આજે પણ વિવિધ સ્વરૂપે આ પ્રક્રિયા ચાલી રહી છે. અનાજના તમામ બજારોમાં શાહુકારો જ ખેતપેદાશોના મુખ્ય ખરીદનાર હોય છે, જેઓ ખેડૂતો પાસેથી સાવ ઓછી કિંમતે ખરીદી કરીને એ જ ચીજને જંગી કિંમતે વેચે છે.

સામાજિક દાણચોરીવાળા આવા અર્થતંત્રની બીજી મુખ્ય ખાસિયત એ છે કે તેમાં નીચલા વર્ણના ગરીબો પ્રત્યે કોઈ સહાનુભૂતિ નથી. પોતાની જ જ્ઞાતિના ગરીબોને થોડીઘણી મદદ મળી રહે, પણ દલિત, આદિવાસી જેવાં સાવ કચડાયેલા વર્ગો પ્રત્યે કશી સહાનુભૂતિ નહીં. મુસ્લિમ અમીરો ‘જકાત’ના નામે પોતાના ધર્મનાં સંગઠનોમાં ભંડોળ આપે છે, એવું પણ તેમનામાં નથી. ઉચ્ચ વર્ણના લોકો દાવો કરે છે કે અનુસૂચિત જાતિ,જનજાતિ તેમજ અન્ય પછાત વર્ગના લોકો હિંદુ છે, પણ તેઓ આ લોકોનાં કોઈ વિધિવિધાન કે સામાજિક બાબતોમાં કદી એક રૂપિયાનો ખર્ચ પણ ભોગવતા નથી.

કાંચા ઈલૈયાએ આ સિદ્ધાંતને બીજાં અનેક ઉદાહરણો વડે પ્રસ્થાપિત કર્યો છે. આ પુસ્તક છેક 2009માં પ્રકાશિત થયું હતું, પણ આ વર્ષે એક પ્રકરણનો પુસ્તિકારૂપે તેલુગુ અનુવાદ પ્રકાશિત થયો એ સાથે વિરોધ ફાટી નીકળ્યો. તેલુગુ દેશમ પક્ષના વિધાનસભ્ય પી.જી.વેંકટેશે એક પ્રેસ કોન્‍ફરન્‍સમાં સરેઆમ કહ્યું કે મધ્યપૂર્વના દેશોમાં કરવામાં આવે છે એમ કાંચાને જાહેરમાં ફાંસી આપવી જોઈએ. કાંચાની કાર પર પણ જીવલેણ હુમલો થયો, જેમાં તેઓ બચી ગયા.

આર્ય વૈશ્ય સમુદાય આ દલિત લેખક પર બરાબર ખફા છે, જ્યારે રાજ્યના મંત્રીઓએ આ મામલે મૌન ધારણ કર્યું છે. મૌનને સમર્થન ગણી શકાય. કાંચા ઈલૈયા હાલ પોતાના ઘરમાં જ નજરકેદની હાલતમાં છે. કોઈ ચોક્કસ વર્ગને ઉશ્કેરવા માટે તેમણે આ પુસ્તક લખ્યું નથી, પણ આ એક અભ્યાસપૂર્ણ સંશોધન છે, જે તેમણે એક સંશોધક તરીકે રજૂ કરેલું છે. તે ખોટું કે સાચું હોવા વિશે ચર્ચા અવશ્ય થઈ શકે, પણ આ મામલે આવો અણઘડ અભિગમ અપનાવવાથી વાણીસ્વાતંત્ર્યના લોકશાહીના પાયાના અભિગમને જે નુકસાન થાય છે એ અક્ષમ્ય છે. કાંચા ઈલૈયાએ ‘બફેલો નેશનાલિઝમ’, ગૉડ એઝ પોલિટીકલ ફિલોસોફર’, ‘અનટચેબલ ગૉડ’, ‘વ્હાય આઈ એમ નોટ હિન્‍દુ’ જેવાં પુસ્તકો લખેલાં છે. વર્ણવ્યવસ્થાનાં દૂષણો વિશેનાં તેમનાં તારણો અને કેટલાક ઉકેલ અસાધારણ કહેવાય એવા છે. તેમણે નિમ્ન ગણાતી જ્ઞાતિઓ માટે અંગ્રેજી ભાષાની હિમાયત કરી છે. અને પોતાની અટક પોતાના વ્યવસાય મુજબ અંગ્રેજીમાં જ રાખવી એવો અનુરોધ કર્યો છે. પોતાના નામની પાછળ ‘શેફર્ડ’ અટક તેમણે આ ઉપક્રમ હેઠળ જ લગાવી છે.

પોતાની પાડોશના કર્ણાટક રાજ્યમાં કલબુર્ગી અને ગૌરી લંકેશની થયેલી હત્યા પછી તેમને ફડક છે કે પોતાની સાથે પણ આમ ન થાય! તેમની આ ફડક સકારણ છે. સરકારના પ્રતિનિધિઓ ગેરબંધારણીય કહી શકાય એવાં કૃત્યો સામું ખોંખારીને બોલે નહીં ત્યારે કાંચા ઈલૈયાને પોતે નિમ્ન વર્ગના હોવાનો અહેસાસ તીવ્રતર બને છે. તેઓ સ્પષ્ટપણે કહે છે કે સરકાર મારું રક્ષણ ન કરી શકે તો આ દેશમાં અન્ય બૌદ્ધિકોની શી સલામતી?

વર્ણવ્યવસ્થા સદીઓથી ચાલી આવે છે, અને હજી તે મટવાનું નામ લેતી નથી. આજે સર્વત્ર ઉદારીકરણનો માહોલ હોવાની વાત થાય છે. આ માહોલમાં પણ ભિન્ન મત ધરાવનારની આ સ્થિતિ હોય તો અગાઉના રૂઢિચુસ્ત માહોલમાં આ પ્રથા ખરેખર હશે કે કેમ એ બાબતે શંકા જાય એમ છે.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૫-૧૦-૨૦૧૭ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

3 comments for “ફિર દેખો યારોં : પુસ્તક પાછું ખેંચો, નહીંતર…….!

 1. October 26, 2017 at 8:15 pm

  લેખ ગમ્યો. ‘શેફર્ડ’ ની કર્મશીલ, રાજકીય વિજ્ઞાની તરીકે ઓળખ એમના કામનું સરસ મૂલ્યાંકન છે. સામાન્ય માણસો આવી પૂજ્ય, અનુકરણીય વ્યક્તિઓને નવાજતી થાય તો તે પણ સામાજિક પરિવર્તન છે.
  અમેરિકાની ગુલામી પ્રથા આપણા જ્ઞાતિવાદ કરતાં વધારે ક્રૂર હતી. અહીં પણ સમ્પત્તિ સંઘરાય છે પણ એનો મોટો ભાગ વિકાસલક્ષી સાહસોમાં વપરાય છે. મોટાં ચર્ચો તો અહીં પણ બને જ છે. પણ સમ્પત્તિનો એ જ ઉપયોગ ભારતીય સમાજનો એક રોગ લાગે છે. બુદ્ધ જેવા સમર્થ યુગપરિવર્તકના પણ મંદિરો! .
  ભારતે જગતને આપેલી ‘ધ્યાન’ અને આંતર દર્શનની ભેટનો ઉલ્લેખ કરું? ભારતમાં મહાન વિચારકોના ઘડતરમાં આંતરદર્શન હતું. પણ આપણી સામાજિક લાક્ષણિકતાએ એમનાં મંદિરો બાંધ્યા! આશા છે કે, નવી પેઢી આ રોગમાંથી મુક્ત થશે.
  શોષણ, ગુલામી પ્રથા માણસના મનની વિકૃતિમાંથી ઉપજેલો રોગ છે. અમેરિકાના પશ્ચિમ કાંઠાના નેટિવ અમેરિકનો, આફ્રિકાની આદિમ જાતિઓમાં જીતાયેલી પ્રજાને ગુલામ બનાવી શોષણ કરવાનો ચાલ સદીઓથી હતો.
  આવી કુરૂપતાઓ પરની એક કલ્પના –
  https://gadyasoor.wordpress.com/2014/01/06/raxasi

  • October 27, 2017 at 12:28 am

   વિસ્તૃત પ્રતિભાવ બદલ આભાર, સુરેશભાઈ.
   કોઈ પણ વ્યક્તિને મામૂલી બનાવી દેવી હોય તો એની પૂજા કરવા માંડવી. કેમ કે, એ સૌથી સહેલું છે. મોટા ભાગનાઓ એ જ કરે છે.

 2. જનાર્દન
  October 26, 2017 at 9:45 pm

  આ લેખમાં નિર્દેશક પુસ્તકેા ક્યાંથી ખરીદવા ? મારે આ બધાંજ ખરીદવા છે
  બિરેનભાઈ, મદદ કરાે, હું કુલ રકમ advance મા તમને માેકલીશ
  પૂરું સરનામું લખજાે

Leave a Reply to જનાર્દન Cancel reply

Your email address will not be published. Required fields are marked *