યૂં કિ સોચનેવાલી બાત :: બાળકોને તર્કબધ્ધ રીતે વિચારતાં શીખવાડીએ

Facebooktwitterredditpinterestlinkedinmail

– આરતી નાયર

જિંદગીની દરેક પળે આપણે કંઈ કેટલાયે પ્રશ્નોનો સામનો કરતાં રહીએ છીએ એ વાત તો એક શાશ્વત છે. તે ઉપરાંત ફેસબુક, વૉટ્ટ્સ ઍપ્પ, ટી-વી ચેનલો કે સમાચાર પત્રો દ્વારા વહેતો રહેતો સમાચારોનો પ્રવાહ પણ આપણને સતત ઘેરી રહેતો હોય છે. જો યાદ કરીયે તો આપણું શાળા-જીવન પણ એવું જ હતું. આપણે પહોંચી વળી શકીએ તેનાથી વધારે વિષયોનો સામનો કરતા. એમાંનો એક વિષય હતો ‘નૈતિક વિજ્ઞાન’. એ વિષય અમને સાવ નક્કામો તેમ જ કંટાળાજનક લાગતો કારણ કે તેમાં આવતી વાર્તાઓમાં જોવા મળતા દરેક ઉપાયો કદી પણ યથાર્થ ન જ હોય એવા મિથ્યાડંબરી લાગતા. બીજાં સાથે કેમ વર્તવું કે બીજાંનું ખરાબ કરવાનાં શું પરિણામ હોઈ શકે એવી બાબતો એના દ્વારા શીખવાડી શકાય એમ માનવામાં આવતું.

વર્ષો પછી વિદેશમાં ભણવા જવા માટેની GRE તરીકે જાણીતી પ્રવેશ પરીક્ષા માટે તૈયારી કરવાનું શરૂ કર્યું, ત્યારે મારે ‘તર્કસંગત વિચારસરણી’ (Logical Reasoning) નામક એક વિષય સાથે કામ પડ્યું. આ વિષય ઘણો જ રસપ્રદ છે અને તેમાં સુધારાવધારા કરીને તેને નૈતિક વિજ્ઞાનની બદલે શીખવાડવાનું વિચારવું જોઈએ.

તર્કબધ્ધ વિચાર કરવો એ સારી વ્યક્તિ બનવા માટેનો એક સારો માર્ગ છે. આ વિષયમાં કોઇ લેખકે લખેલ બે કે ત્રણ પંક્તિઓ વાંચી ને પછી તેના લગતા પ્રશ્નોના ત્યાં આપેલા પાંચ સંભવિત ઉત્તરોમાંથી એવો ઉત્તર ખોળી કાઢવાનો છે જે ક્યાં તો એ પંક્તિઓમાં કહેવાયેલી વાતનું તર્કબધ્ધ રીતે સમર્થન કે ક્યાં તો ખંડન કરતો હોય. મજાની વાત એ છે કે, આમાં ‘શીખવાડવા’ જેવું ખાસ કંઈ નથી. તથા અહીં રજૂ કરેલ દરેક વિકલ્પ સાચો દેખાતો હોવા છતાં, કોઈ એક જ જવાબ સાચો હોઈ શકે. અહીં કરવાનું એ રહે છે કે મૂળ કથનનું હાર્દ તમને સમજાયું હોવું જોઈએ અને તેમાંથી શું તારણ નીકળવું જોઈએ એ તમને સ્પષ્ટ હોવું જોઈએ. આ વિકલ્પોમાંના તાર્કિક મુદ્દાઓ અને તેમાં રહેલી ખામીઓ વિચારી કાઢવાનું તમને આવડી જાય તે પછી, જો તમે ચાહો તો, આ તર્કસંગત વિચારસરણી તમારી જીવનશૈલી પર પણ બહુ ઊંડી અસર કરી શકે છે.

એક ઉદાહરણ જોઈએ –

એક આત્યંતિક કહી શકાય એવું કથન છે – “ભારત, એક હિંદુ-રાષ્ટ્ર છે અને તેને સન્માન આપવા માટે કોઈએ ગૌમાંસ ન ખાવું જોઈએ.”

અહીં સવાલ એ હોઈ શકે કે, “લેખક આ નિવેદનના નિષ્કર્ષ પેહલા શું પૂર્વધારણા કરે છે?”

આપેલા વૈકલ્પિક જવાબો વાંચવાનું શરૂ કરતાં પહેલાં જ તમારે જાતે આ કથનમાંની તર્કસંગત ખામી અંગે વિચારવું જોઈએ. ધ્યાન એ રાખવાનું છે કે આપણને આ વિષય વિષે કોઈ પૂર્વગ્રહ ન હોવો જોઈએ કે આ વિધાન માટેનો આપણો કોઈ અભિપ્રાય આપણું ધ્યાન બીજે કશે ન દોરી જાય, નહીં તો તમારો જવાબ ખોટો પડી શકે છે. (નોંધઃ આમ તો આ વિષયમાં આવાં ભારત કે કોઈ પણ દેશ કે જાતિ કે ધર્મ વિષે નિવેદનો ભાગ્યે જ હોય. આ તો ફક્ત સમજણ માટે ઉદાહરણ છે.) સૌથી પહેલું તો એ કે, લેખકે માની લીધું છે કે ભારત હિંદુ રાષ્ટ્ર છે. જ્યારે હકીકતે એમ ન પણ હોય. આપણા દેશમાં ભાતભાતનાં લોકો વસે છે અને આ દેશ, એ સૌ લોકોનો પણ છે. તે ઉપરાંત લેખક તારણ કાઢે છે કે દેશનું સન્માન કરવાની એક જ રીત છે. અહીં એક પૂર્વધારણા એ પણ સંકળાયેલી જણાય છે કે ‘હિંદુ સંસ્કૃતિ’ એક જ છે, અને તે એક સંસ્કૃતિના રીત-રિવાજો અને માન્યતાઓ પણ એક સરખાં જ છે. આ માન્યતા પણ સાચી ન હોઈ શકે. આવડા મોટા વિશાળ દેશમાં કોઈ કોઈ તો એવા પ્રદેશ હોઈ શકે જ્યાં હિંદુઓ પણ ગૌમાંસ ખાતાં હોય. જો કે એવું છે, તે સત્ય જ છે. પરંતુ સત્ય શું છે કે નથી, એ અહીંયા પ્રશ્ન નથી. પ્રશ્ન એ છે કે, એવું શું છે, જે અતિશયોક્તિને કારણે ખોટું ‘હોઈ શકે’. તમારા સામાન્ય-જ્ઞાનનું અહીંયા કોઈ જ કામ નથી. એમ તો વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને સાહિત્યના વિષયો માંથી કોઈ પણ પ્રશ્નો આવી શકે છે. બધું આપણને ખબર હોય, તે અનિવાર્ય નથી. દરેક પ્રશ્નને ઉકેલવાની એક તર્કબદ્ધ શૈલી હોય છે, જે શીખવી જરૂરી છે.

ટી-વી કે સમાચાર પત્રો કે સામાજિક માધ્યમો જેવા વિવિધ સ્ત્રોતમાંથી આપણને મળતી માહિતી ઉપર આપણે જે કંઈ પ્રક્રિયા કરીએ છીએ તેના પર તાર્કિક વિચારસ્રણીની સૌથી વધારે અસર પડતી હોય છે; આત્યંતિક સમાચારો વડે આજનાં પ્રસાર માધ્યમો આપણને બહુ જલ્દી ઉશ્કેરી શકે છે. પહેલી વાત તો એ કે મોટા ભાગે આપણે સમાચારને સમગ્રપણે જાણ્યા વિના, માત્ર હેડ-લાઈન્સ વાંચી, સાંભળીને જ તારણો પર પહોંચી જતાં હોઈએ છીએ. લોકોમાં આવી ગેરસમજણો અને સાવ છેવાડાનાં મતવ્યો ફેલાય તેનાથી લાભ ખાટતો પણ એક વર્ગ હોય છે. ધર્મગુરુઓ, રાજકારણીઓ કે પછી ભાતભાતની જાહેરખબરો આપનારાઓ જેવા આ વર્ગનું પ્રતિનિધિત્વ કરતાં લોકોનાં વિધાનોમાંથી, કે જોવાસાંભળવા વાંચવા મળતા સમાચારોમાંથી, જો આપણે તાર્કિકપણે ખામીઓ ખોળી શકીશું તો ત્યાં જે કહેવાયું છે અને જે ખરેખર કહેવા માગે છે તેમાં રહેલાં જુઠાણાં,ત્રુટીઓ કે બહેકાવનારાં ગતકડાંઓને ઓળખી શકીશું.

તાર્કિક વિચારસરણીની આ પધ્ધતિને કારણે આપણને ઘણી વાર એ પણ સમજાય છે કે આપણે જેટલાં માનીએ છીએ તેટલાં તાર્કિક વ્યક્તિ આપણે છીએ નહીં. મોટા ભાગે આપણને જે ખરેખર પૂછવામાં આવ્યું છે તેને બદલે આપણને જે સાચું લાગે, કે આપણે જેને સાચું માનતાં હોઈએ, તે જ આપણે પસંદ કરી લેતાં હોઈએ છીએ.

આપણા દેશની શાળાઓમાં જો તાર્કિક વિચારસરણી શીખવવામાં આવે તો દેશની ભાવિ પેઢીનાં ઘડતરમાં તે બહુ મહત્ત્વનું યોગદાન આપતું પરિબળ બની રહી શકે. આ માટે અભ્યાસક્રમ તૈયાર કરવો એ કદાચ બહુ મુશ્કેલ કામ ન પરવડે; કદાચ તો તે તૈયાર પણ મળી જઈ શકે. આ પ્રકારના અભ્યાસક્રમને લાગૂ કરવામાં મુશ્કેલી પડી શકે છે તાર્કિક વિચારસરણીનાં વિજ્ઞાન અને કળાને શીખવી શકે એવાં સક્ષમ શિક્ષકો મળવામાં કે તૈયાર કરવામાં. શિક્ષકોએ પોતે આ અભ્યાસક્રમને શીખવા ઉપરાંત આ વિચારસરણીને પોતાની જીવનશૈલીમાં અપનાવવાનું પણ પહેલાં શીખવું પડશે.


સુશ્રી આરતી નાયરનો સંપર્ક rtnair91@gmail.com વીજાણુ સરનામે થઈ શકશે.

1 comment for “યૂં કિ સોચનેવાલી બાત :: બાળકોને તર્કબધ્ધ રીતે વિચારતાં શીખવાડીએ

 1. October 26, 2017 at 3:49 am

  તજાસા…..
  તર્ક બદ્ધ વિચાર સરણી વિકસાવવા પ્રગતિશીલ દેશો હોબી પ્રોગ્રામિંગને અભ્યાસ ક્રમમાં હવે એક વિષય ગણે છે, અને એની તાલીમ આપે છે.
  ——–
  એવી એક વેબ સાઈટ…( ટોટલી ફ્રી ! )
  https://scratch.mit.edu/users/SBJ1943/
  એનો ખ્યાલ આપવા વે.ગુ. પર એક લેખ લખ્યો હતો. પણ આપણી આ સાઈટ ક્રેશ થતાં તે વિલીન થઈ ગયો. કોઈને આ બાબત જાણવું હોય તો મારો ઈમેલ સમ્પર્ક કરી જણાવશે તો આ બાબત જાણકારી વધારી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *