ઠેકાણું : ઠગવા નગરિયા :: ભારતભરની કહેવતો- ૧: નાત-જાતની ભાત ભાતની

Facebooktwitterredditpinterestlinkedinmail

– અમિત જોશી

ભાષા ચિંતાની ભીડમાં dialect/બોલી,લઢણની હ્રાસ ચિંતાનો વિષય છે. જે મિત્રો સાથે જે બોલીમાં દ્વાપર યુગમાં ઉછર્યા હોય પણ નોકરી ધંધા અર્થે જેવા પાસેના શહેરમાં ઠરીઠામ થાય ત્યારે પહેલો ભરપૂર પ્રયત્ન બોલી બદલવાનો કર્યે રાખે છે. હવે જયારે મળવાનું થાય ત્યારે આપણે હજી દ્વાપરમાં જ હોઈએ અને પેલો મિત્ર તો ત્રેતામાં પહોચ્યો હોય ત્યારે યુગો યુગોની ખાઈ વર્તાય છે. બોલી સાથે અદૃશ્ય એવી ઘણી બાબતો નાશ પામે છે અને દૃશ્યમાન એવી કહેવતો એનો પહેલો ભોગ બને છે. કહેવત વગરની ભાષા એટલે પાણી વગરનો નદી પટ. પુલ છે,સરકસ આવે છે, બજાર ભરાય છે પણ બધું છે ખાલી. નથી તો નદીની ઓળખ સમું પાણી. હમણાં પુણેના વિશ્વનાથ દિનકર નરવણે સંપાદિત ભારતીય કહાવત સંગ્રહ હાથમાં આવ્યો. વિષય વૈવિધ્યની દૃષ્ટિએ ખૂબ જહેમતથી બનાવેલા સંગ્રહમાંથી આપણે વિષયવાર દેશભરની કહેવતો માણીશું.

‘જનમ સે પહેલે આ જાતી હૈ પર મરને કે બાદ ભી નહિ જાતી વો હૈ જાતિ’ વિનોબા ભાવેના નામે ચઢેલા આ કહેવત જેવા જ વાક્યથી આજે જાતિ અંગેની કહેવતો હાથમાં લીધી છે. સંવેદનશીલ છતાં વાસ્તવિકતાવાળા આ વિષયની પસંદગી કોઈ ચોક્કસ સમૂહનું અપમાન કરવાનો કે કોઈનો મહિમા ગાવાનો નથી માત્ર ભાષાની બળકટતા માણવાનો છે. ખાસ તો આ પ્રકારની કહેવતોમાં પરસ્પર અવિશ્વાસ, દ્વેષ તો છે જ પણ વિવિધ જ્ઞાતિના લક્ષણ – અપલક્ષણ પણ છતાં થાય છે.

સૌં પ્રથમ હિન્દીમાં પ્રચલિત કહેવતો જોઈએ. જ્ઞાતિ અને પક્ષી-પ્રકૃતિના લક્ષણોમાં સમાનતા કેવી હોય! અંબા ,નીંબુ, બનિયા ગર દાબે રસ દેય (આંબો.એટલે કે કેરી, લીંબુ અને વાણિયો ગળું દબાવો તો રસ કાઢે_કાયથ ,કૌવા ,કરહટા(એક પક્ષી) મુર્દા હુ સો લેય. તો આગળની કહેવતમાં આહીર અને બ્રાહ્મણના પેટના તળને નોખી રીતે માપવામાં આવ્યા છે. ‘અહીર કા પેટ ગહીર (ઊંડું)/બામણ કા પેટ મદાર (ખાડો)’.આપણે ત્યાં ‘બામણ ભીખ માગે અમને મંગાવે’ એવી કહેવતને મળતી કહેવત ‘આપ ડુબે બામના/જીજમાને લે ડૂબે’. ડોક્ટરની સીઝન હોય એમ બ્રાહ્મણની સીઝન ક્યારે હોય? જુઓ જવાબ : ‘આયે કનાગત (શ્રાદ્ધ) ફૂલે કાસ, બામન ઉછલે નૌ નૌ બાંસ’ કાસ એટલે રાતોરાત ફૂટી નીકળતું ઘાસ.

કારીગરોની માગવાની આદતનું જ્ઞાતિવાર વર્ગીકરણ : ‘કચ્ચા તો કચોરી માંગે,પૂરી માંગે પુરા/નોન મિરચ તો કાયથ માંગે /બામન માંગે બુરા(ખાંડ)’

કોનો ભરોસો ન કરવો : કરિઆ(કાળો) બામન,ગોર ચમાર /તેકરા સંગ ન ઉતરે પાર. હવે જુઓ એકદમ સટીક કહેવત : ‘કાશ્મીરી સે ગોરા સો કોઢી’ .

કોનો વસ્તાર કેવો હોય ? : ‘છત્રી (ક્ષત્રિય) કા શોહદા(લંપટ),કાયથ કા બોદા, બામન કા બૈલ,બનિયે કા ઉત(મૂર્ખ)’

ક્યાં કોનાથી કેવી સાવચેતી રાખશો ?’ જંગલ જાટ ન છેડીયે, હાટાં(બજાર)બીચ કિરાડ(વાણિયો),રાંગડ(રાજપૂત) કદે ન છેડીયે પટકે ટાંગ પછાડ’

વેપારી વાણિયાને દિવસમાં કેટલીયે વાર ઉઠબેસ કરવી પડે,સોની સીધી મુછ રાખે તો ફૂંકણી વખતે બળવાની ધાસ્તી રહે અને કુંભાર ચાકડા પાસે પલાંઠી મારી બેસે તો થયું કામ ! જુઓ આ કહેવત. ઢીલી ધોતી બનિયા,ઉલટી મૂંછ સુનાર,બૈડે પીર કુમ્હાર કે તીનો કી યહ પહચાન.

ભલે ગામમાં બે મુસલમાન હોય પણ કદી એકમત ન હોય – દો ઘર મુસલમાની,તિસ મેં ભી આનાકાની.

આગળ સાદી કહેવત છે: પર ઘર નાચે તીન જન/કાયથ,વૈદ, દલાલ. બામન,કુત્તા,વાણિયા /જાત દેખ ગુર્રાય.

મુસલમાનોમાં ત્રણ વર્ગ વિભાજન જુઓ – ભૂખા ફકીર,ધાયા અમીર, મર્યા પીર. (ભૂખ્યો હોય તે ફકીર કહેવાય, ધરાયેલો અમીર અને મરે તે પીર બની જાય!)

આગળની કહેવતમાં અકબરની ચેલેન્જના જવાબમાં બિરબલ એક બામણ બચ્ચો લઈ આવે છેઃ લા કોઈ બીરબલ ઐસા નર, પીર, બબરચી, ભીસ્તી, ખર.(બધાં કામ કરી શકે એવો. બીરબલે બ્રાહ્મણ હાજર કર્યો!)

ફ્રેંચ અને અંગ્રેજો વચ્ચેના ગજગ્રાહને પ્રદર્શિત કરતી કહેવત – When the Ethiopian is white, the French will love English. અથવા યહૂદીઓ માટેની માનસિકતાનો પડઘો : To undo a Jew is charity, and not sin.

દારૂ ગાળનાર કલાલને શાશ્વત બનાવતી પંજાબી કહેવત – કાલ ટલે, કલાલ ના ટલે

સિંધી કહેવત છે : લડકી ભી છોટી તો જુમ્મા ભી જ્યાદા (મુસલમાન અઠવાડિયે એકવાર જુમ્મા સ્નાન કરે એ દિવસે પત્નીને ત્યાં પણ જાય એટલે પત્ની જેટલી નાની એટલા જુમ્મા વધારે ).

કણબીને રાતવરાત પાણી વાળવા જવાનું હોય, બ્રાહ્મણ અકરાંતિયો હોય અને સોનીને ફૂંકણી નડે – પણ થોડી મૂકે ?

જુઓ આ મરાઠી કહેવત કણબી ભૂતથી,બ્રાહ્મણ વિકારથી અને સોની પિત્તથી મરે.

જો તમારે કામ કઢાવવું હોય તો આ કહેવત યાદ રાખો- બામણને ભૂખ્યો ન રાખો.મુસલમાનને કદી ન આપો. તીન શેન્ડે(મારવાડી),સાબર બોન્ડે(થોરીયા ) અને લાલ તોંડે (અંગ્રેજ )હંમેશા વધતા રહેવાના. ખીર મેં કાંટા, બ્રાહ્મણમાં મરાઠા.

વરણાગિયા પારસીઓ પર કહેવત – મુંબઈ ચા પારસી,હાતાત આરસી

ગુજરાતી કહેવતો યથાવત મૂકી છે.

આભને અણી નહિ/બ્રાહ્મણને ધણી નહિ,

કણબીની મત થોડી/બળદ વેચી ઘોડી લીધી,

ગધેડા ચાલે બાર ગાઉ/ કુંભાર ચાલે ચૌદ ગાઉ,

તંબોળીની કુંડીમાં અઢારે વરણ ડૂબી,

ત્રીજે ઘેર તડાકો ને બ્રાહ્મણવાડે ભડાકો,

દોઢ છાણું ને ડોકલી ઘી/ કડવા પરણેને રાત ને દી,

બામણભાઈ જીવતે દેવળિયા અને મુએ વહેવારિયા,

મરતો મોઢ શ્રીમાળીને મારતો જાય,

મિયાંભાઈની યારી ઝાંપા લગી,

રણમુખો સિપાઈ/ઘરમુખો ગુજરાતી,

વાતે રીઝે વાણિયો/રાગે રીઝે રાજપૂત/બ્રાહ્મણ રીઝે લાડવે ડાકલે રીઝે ભૂત,

શ્રાવકનો ખાખરો અને મેશરીની પૂરી , ( દશાશ્રીમાળી વાણિયાઓમાં શ્રાવક અને મેશરી એમ બે વિભાગ છે. વૈષ્ણવ વાણિયાઓ પોતાનામાંના જેઓ શ્રાવક સાથે વહેવાર રાખે છે તેને મેશ્રી કહે છે. મેશ્રી એ મહેશ્વરીનો અપભ્રંશ)

સૈ(દરજી )ચોરે કાપડું/સોની ચોરે રતી/હજામ બિચારો શું ચોરે /માથામાં કઈં નથી,

સૈ,સોની અને સાળવી તેને જમ ન શકે જાળવી,

સુથારની સોડમાં અને લુહારની કોઢમાં કદી બેસવું નહિ

બંગાળી કહેવતોમાં બે કહેવત સ્પષ્ટ છે,

ઘોષ બંશ બડબંશ/ બોસ બંશ દાતા / મીત્તીર કુટિલ અતિ/ દત્ત હરામઝાદા,

તારો પ્રેમ જેમ મુસલમાનનો મરઘી ઉછેર.

બામુન ઘરે ખાબે ભાત/ગોબર દેબે અઢાઇ હાથ આ કહેવતનો અર્થ છે બામણને ઘેર ભુલેચકે ખાવા ગયા તો એ થાળીના બદલામાં અઢી અઢી હાથનું લીંપણ કરાવી વસૂલ કરશે.

ઓડિયા કહેવતમાં બ્રાહ્મણના ઘેર અગણિત આચાર વિચારના પાલન પર કટાક્ષ છે : આઠ હગા,શોલ મુતા તેબે કરીબુ બ્રાહ્મણર બુત્તા(આઠ વાર અઘવા જાવ,સોળ વાર મુતરવા જાવ, ત્યારે થાય બામણને ત્યાં નોકરી),

તેલી ઘર બળદ ગાડીમાં જોતરાય નહિ તો ઘાણીમાં મરે,

બ્રાહ્મણની કૃપણતા પર કટાક્ષ- બ્રાહ્મણ ભાત(ભોજન)/કપાળે હાથ, બાર જાતિ તેર ગોલા વૈશ્નવ હેલે સબુ ગલા(એટલે કે નાત જાતની ગમે એવી આંટીઘુંટીમાંથી આવે પણ વૈષ્ણવ બન્યો એટલે બધું ગયું), નાઈ,બ્રાહ્મણ,ડાકોત અને કૌવા /આંખ ખુલે પર ન મરે,

નાઈ કે વિવાહમેં સબ ઠાકુર,

મહંતી કે પૈસે આગ(આતશબાજી ) ખાય,બંગાળી કે પૈસે મીટ્ટી(મૂર્તિ પાછળ ) ખાય,

આપણે ત્યાં નીઓ રીચમાં જે પ્રવાહ ફૂલ્યો ફાલ્યો છે તે અંગે આ કહેવત જુઓ- મહાંતિ જાતિ/ઉધાર તો હાથી યે ખરીદે/દેવું ચુકવે પ્રપૌત્ર.

તમિલમાં જુઓ વૈષ્ણવ તિલકને કોની સાથે સરખાવ્યું છે! બકરી ગાયના બે સિંગ વૈષ્ણવ અય્યમના પીડારીના ત્રણ.

આગળ જુઓ ગાય ભેંસ સાથે બ્રાહ્મણને કઈ રીતે બાંધ્યો છે! – આસોની ભેંસ અને માગશરનો વૈષ્ણવ બ્રાહ્મણ.(બંને સરખા). સીધી ગાય અને ગરીબ બ્રાહ્મણ ક્યાંય જોયા?

તેલુગુમાં રહસ્યમય સવાલ છે : બધા બ્રાહ્મણ છે તો મરઘીનું શું થયું ?

આવી જ બીજી કહેવત છે : ચોમેર વૈષ્ણવ છતાંયે તાડીની મટકી ગાયબ છે.

શૈવ- વૈષ્ણવ દ્વંદ્વ અહી પણ : સબ સે મૈ નીચ મુઝ સે નીચ નંબી (વૈષ્ણવ પુજારી ).

વૈષ્ણવ જમવા બેઠા, એકે ચાવવામાં કાંકરી આવ્યાની ફરિયાદ કરી તો તો જુઓ બાકીનાઓ એ શું કહ્યું ! : ચલો અચ્છા હુઆ, એક લિંગ મર ગયા,ખુબ ચબકાર નીગલો.

જેના પર હાથ બેસી ગયો હોય એ છોડી બીજું કામ કરવા જઈએ ત્યારે : કિસાન કી પઢાઈ પૈસો કા નાશ,બ્રાહ્મણ કે ખેતી અન્ન કા નાશ અને સૌથી સટીક કહેવત : જૈનના હાથમાં જુ (ના છોડે,ના મારે), મુસલમાન ભગત માટે તાડની છાશ.

કામ વહેંચણી જુઓ : બ્રાહ્મણમાં નાનાને માછીમારમાં મોટાને કામ સોંપાય

કન્નડમાં ચેતવણી જુઓ : તેલીનો બળદ અને પૂજારીની બેટી ક્યારેય ન લેવી.

કોણ શું કામ કમાય ? બ્રાહ્મણ કમાય ખાવા,કણબી દંડ ભરવા અને ઇતર કોમ દારુ પીવા

આ વિષય પર આટલું જ. બાકી ઘણા વિષયો છે, આશા છે આપના તરફથી ફીડબેક સ્વરૂપે બીજી ઘણી અપ્રચલિત કે ખાસ પ્રદેશની કહેવતો મળશે. ફરી એકવાર – અહી નાત જાત અંગે કોઈ મલીન ઈરાદો નથી માત્ર ભૂંસાઈ રહેલા ખજાનાને જાળવી રાખવાનો પ્રયાસ છે.


શ્રી અમિત જોશીનો સંપર્ક pakkagujarati@gmail.com વિજાણુ સરનામે થઇ શકશે

3 comments for “ઠેકાણું : ઠગવા નગરિયા :: ભારતભરની કહેવતો- ૧: નાત-જાતની ભાત ભાતની

 1. Piyush Pandya
  October 24, 2017 at 9:44 am

  ખુબ જ રોચક લેખ. ખાસ કરીને અન્ય ભાષાની કહેવતો માણવાનું ગમ્યું. આ સંગ્રહ ઉપરથી એ સમજાય છે કે દેશમાં લાગણીદુભાઉ સમાજ નજીકના સમયગાળામાં જ અસ્તિત્વમાં આવ્યો છે.

 2. October 25, 2017 at 12:56 pm

  જ્ઞાતિ મુજબના જ વ્યવસાયો હોવાથી જે તે લાક્ષણિકતાઓ પણ મોટે ભાગે સમાન રહેતી. હવે જ્ઞાતિ મુજબના વ્યવસાય રહ્યા નથી, તેથી આ ખજાનો લુપ્ત થતો જાય એ સ્વાભાવિક છે. આ રીતે જળવાય અને રજૂ થાય એનો આનંદ.

  • October 25, 2017 at 1:38 pm

   જ્ઞાતિ મુજબ વ્યવસાય ન રહ્યા , પણ હજૂ જ્ઞાતિઓ તો છે અને વ્યવસાયો તો રહેવાના જ.
   અમુક સમય પછી વ્યવસાયકેન્દ્રી લાક્ષણિઅકતાઓની એક જ્ઞાતિ બની જાય એવું બને? એ સમયે આ કહેવાતોનાં કલેવર બદલશે કે નવી જ કહેવતો બનશે?

   જ્ઞાતિ અને તના પરંઅપરાગત વ્ય્વસાયને કારણે અમુક લાક્ષણિકતાઓ પેઢી દર પેઢી રૂઢ થતી ગઈ હશે તે હવે વ્યવસાય બદલે તો નવા વ્યવસાયમાં પણ આયાત થતી હશે ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *