આપણા આદિકાવ્યોમાં ગુરુ-શિષ્ય અનુબંધ

Facebooktwitterredditpinterestlinkedinmail

ડૉ.દર્શના ધોળકિયા

હિંદુ સંસ્કૃતિએ આમ સમાજને જે આચારનિષ્ઠાની ભેટ આપી છે તેમાંની એક અતિ મહત્વની છે ગુરુ-શિષ્ય સંબંધનો ખયાલ. ‘આચાર્ય દેવો ભવ’માં માનતી આપણી ઋષિપરંપરાએ ગુરુ-શિષ્યની બેલડીનાં કેટલાંક ઉત્તમોત્તમ દ્રષ્ટાંતો નિર્દશનરૂપે પૂરાં પાડ્યાં છે. આપણાં આદિકાવ્યો રામાયણ અને મહાભારતમાં વ્યક્ત થતો ગુરુ-શિષ્ય સંબંધ એમાં રહેલી જીવનલક્ષિતાનો, વિદ્યોપાસનાની મહત્તાનો ને એ સંબંધની સુગંધનો પરિયાચક છે.

વાલ્મીકિ રામાયણનો તો ઉઘાડ જ ગુરુ-શિષ્ય સંબંધની નજાકતનાં સ્થાપનથી થાય છે. પોતાનાં યજ્ઞકર્મમાં અસુરો દ્વારા અપાતા ત્રાસથી ત્રસ્ત થયેલા ઋષિ વિશ્વામિત્ર સામે ચાલીને રઘુકુળતિલક રાજા દશરથ પાસે આવીને તેમના જયેષ્ઠ પુત્ર રામચંદ્રની સહાય યાચે છે. આ સમયે રામ તો હજુ તરુણાવસ્થામાં છે, સુકોમળ છે, જીવનના વિષમ અનુભવોથી અનભિજ્ઞ છે ને છતાંય, વિશ્વામિત્ર જેવા પ્રખર ઋષિને જાણ છે રામનાં સત્વની, રામની હેસિયતની જેને લીધે એ રામને વિશ્વાસપૂર્વક અજમાવવા તૈયાર થયા છે. સાચા ગુરુની આ પ્રથમ ઓળખ છે. –શિષ્યમાં રહેલાં બીજને પારખવાની, તેનામાં પડેલી અનંત શક્યતાઓને તાગવાની.

પિતા તરીકે પુત્ર રામને અસુરો સમક્ષ ઉપસ્થિત કરવામાં અચકાતા દશરથને વિશ્વામિત્રે રામનો સાચો પરિચય આપ્યો છે. જેમાં ગુરુને છાજતું તાટસ્થ્ય છે ને ઝવેરીની પારખુ નજર છે.

વિશ્વામિત્રની સાથે ચાલી નીકળેલા રામ-લક્ષ્મણને વિશ્વામિત્રે વગર માગ્યે અભરે ભરી દીધા છે. પોતાનાં નિવાસસ્થાને પહોંચવા પહેલાં જ વિશ્વામિત્રે રામચંદ્રને બલા અને અતિબલા નામક મંત્રસમુદાયથી દીક્ષિત કર્યા છે. જેના પ્રભાવથી રામને થાક ન લાગે, રોગ તેમનાથી યોજનો દૂર રહે, તેમના રૂપમાં વિકાર ન આવે, નિદ્રાવસ્થામાં કોઈ તેમના ઉપર હુમલો ન કરે ને રામચંદ્ર સૌભાગ્ય, ચાતુર્ય, જ્ઞાન અને બુદ્ધિના સંદર્ભમાં અતુલ્ય પુરૂષ તરીકે પ્રસ્થાપિત થાય. આ બે વિદ્યા સ્વયં પ્રજાપિતા બ્રહ્માની પુત્રીઓ હોઈ, વિશ્વામિત્રે એનું સંક્રમણ રામચંદ્રમાં કરવું ઉચિત ગણ્યું છે. એનું કારણ પણ આપતાં વિશ્વામિત્રે સ્પષ્ટતા કરી છે તેમ, રામચંદ્ર પોતાના ગુણસમુદાયને લઈને આ વિદ્યા ધારણ કરવા માટે યોગ્ય પાત્ર છે.

આ વિદ્યાનું રામમાં પ્રત્યારોપણ કરતી વેળા વિશ્વામિત્રે કરેલું વિધાન ભારે નોંધપાત્ર બને છે. તેઓ રામને જણાવે છે : ‘આ વિદ્યાઓ મેં મારી તપસ્યાથી અર્જિત કરી છે. મારી તપસ્યાથી એ રસાયેલી હોવાથી તારા માટે એ અનેક પ્રમાણે સાર્થક પ્રમાણિત થશે.

વાલ્મીકિએ અહીં સ્થાપવું એ છે કે ગુરુએ શિષ્યને પ્રદાન કરેલી વિદ્યા તપસ્યાથી પુષ્ટ થયેલી હોવી જોઈએ. ગુરુમાં જ જો ઊંડાણ સિદ્ધ ન થયું હોય તો એણે આપેલી વિદ્યા કુલવતી સિદ્ધ ન થઈ શકે.

પોતાના આશ્રમ ભણી રામ-લક્ષ્મણને દોરતા ગયેલા વિશ્વામિત્રે બંને શિષ્યોની એકેએક ક્ષણ અભ્યાસથી પરિમાર્જિત કરી છે. આસપાસથી પ્રકૃતિ, રસ્તામાં આવતાં સ્થળોનો ઈતિહાસ, રામના વંશની કથાઓ – આ સઘળાથી બંનેને અવગત કરતા ગયેલા વિશ્વામિત્ર બંનેને માતૃવત્ વાત્સલ્યથી સીંચતા રહ્યા છે. તેમને સૂવાડીને, જગાડીને, જમાડીને વિશ્વામિત્રે બંનેની રીતસર શુશ્રૂષા કરી જાણી છે.

રામ-લક્ષ્મણે પોતાનાં અનન્ય પરાક્રમથી રાક્ષસો સામે લડીને વિશ્વામિત્રનું યજ્ઞકર્મ સંપન્ન કરીને પોતાનું અસાધારણ શિષ્યત્વ પ્રમાણિત કરી બતાવ્યું. એ પછી વિશ્વામિત્ર બંનેને રાજા જનકની મિથિલાનગરી ભણી દોરી ગયા છે, જનક પાસે રહેલાં શિવ ધનુષ્યનું દર્શન કરાવવાના બહાને. પણ આ પાછળનું એમનું દર્શન સ્પષ્ટ છે. પોતાના શિષ્ય રામની હેસિયત પ્રમાણતા વિશ્વામિત્ર ત્રિકાળદર્શી છે. રાજા જનકે આ ધનુષ્યને જે ચઢાવી શકે તેને પોતાની અયોનિજા ને અસાધારણ પુત્રી સીતા વરાવવાની પ્રતિજ્ઞા લીધી છે. જેને પોતાનાં તપોબળથી જાણી ગયેલા વિશ્વામિત્રનો ઈરાદો પોતાના યજ્ઞકર્મની રક્ષા કરનાર શિષ્યનું ઋણ ચૂકવવાનો છે, જેની ગંધ સુદ્ધાં એમણે રામ કે જનકને આવવા નથી દીધી.

મિથિલા જઈને ધનુષ્ય જોવાનો ડોળ કરતાં વિશ્વામિત્રે ધાર્યું કરાવ્યું છે ને ધનુષ્યને લીલામાત્રમાં ચઢાવી શકેલા રામને વીર્યશુલ્કા (વીર્યની કીમત ધરાવનારી) સીતા સંપડાવીને જ વિશ્વામિત્ર જંપ્યા પણ છે ને રામનાં જીવનમાંથી ખસ્યા પણ છે.

વાલ્મીકિને મતે સાચો ગુરુ માત્ર આપે છે, લેવાનો તો એ માત્ર ડોળ કરે છે. જેથી શિષ્યને એનો ભાર ન લાગે. રામચંદ્રનાં ભવિષ્યમાં આવનારી ઘોર ઘટનાઓને પોતાની દર્શનશક્તિથી જાણી લઈને વિશ્વામિત્રે રામને ધર્નુર્વિદ્યામાં અનન્યતા પ્રદાન કરી છે જેથી વનવાસ ને યુદ્ધમાં રામનું સૌંદર્ય, રામની શ્રી અખંડ રહે. હા, એ માટે શિષ્ય પાસે એમની એક જ શરત છે – વિનમ્રતા, શીખવાની લગન અને ઝીલવાની શક્તિ. રામે જો આ સઘળું પ્રમાણિત કર્યું તો વિશ્વામિત્રની જ્ઞાનગંગા રામની જટા ભણી અનવરત વહેતી રહી.

વાલ્મીકિ રામાયણમાં આવી બીજી બેલડી છે સ્વયં ઋષિ વાલ્મીકિ અને રામપુત્રો એવા લવ-કુશ. રામે પ્રજા માટે ત્યાગેલી સીતાને સ્વયં વાલ્મીકિએ પોતાના આશ્રમમાં માનભેર સ્થાન આપ્યું છે તેમજ સીતાએ એ જ આશ્રમમાં પ્રસવેલા બે પુત્રો લવ-કુશના ગુરુનું સ્થાન સંભાળ્યું છે.

વાલ્મીકિ પાસે વિદ્યાપ્રાપ્તિ કરીને સજ્જ થયેલા લવ-કુશને રામે કરેલા અશ્વમેઘ યજ્ઞમાં રામાયણનું જ્ઞાન પ્રસ્તુત કરવા વાલ્મીકિએ પ્રેર્યા છે બંનેને લઈને વાલ્મીકિ સ્વયં અયોધ્યામાં પ્રસ્તુત થયા છે.

રામને સીતાનાં પાવિત્ર્યની ને બંને પુત્રોની ઓળખ કરાવવાના ઈરાદે રામ સમક્ષ ઉપસ્થિત થવા લવ-કુશને પ્રેરતા વાલ્મીકિ બંને ભાઈઓને અયોધ્યાની ગલીઓમાં, બ્રાહ્મણો સમક્ષ, રાજમાર્ગો ઉપર ને પછીથી રામચંદ્ર ઈચ્છે તો તેમના દરબારમાં રામાયણનું ગાન કરવાનો આદેશ આપે છે.

આ ક્ષણે બંને બાલકુમારોને આચારનિષ્ઠાનું શિક્ષણ આપતા વાલ્મીકિની અપેક્ષા નોંધવા જેવી છે. વાલ્મીકિ કહે છે તેમ, ‘તમારે આ ગાન ધનની ઈચ્છાથી બિલકુલ કરવાનું નથી. આપણા જેવા આશ્રમમાં રહેતા ને ફળ-મૂળ આરોગતા વનવાસીઓને ધનની શી આવશ્યકતા હોય ? ને જો રામચંદ્ર તમને ‘કોના પુત્ર છો ?’ એવી પૃચ્છા કરે તો એમને માત્ર એટલું જ કહેવાનું છે કે તમે વાલ્મીકિના શિષ્ય છો. તમે લોકો રાજાનું અપમાન ન થાય એવો કોઈ વ્યવહાર ન કરશો. કેમ કે ધર્મની દ્રષ્ટિએ રામ સૌના પિતા છે.’

વાલ્મીકિ પોતે એક સન્યાસી હોવા છતાં લવ-કુશનાં ઘડતરમાં વિશેષ રસ લીધો છે. સીતાનાં પાતિવ્રત્ય પ્રત્યેના આદરને લઈને. રામનાં નેતૃત્વને અંજલિ આપવા ને પિતાની છત્રછાયાથી દૂર થયેલા લવ-કુશ પ્રત્યે પોતાના આપદ્ ધર્મને સ્વીકારીને.

ગુરુએ શિષ્યને શીખવવાનાં છે જીવનના પાયાના સિદ્ધાંતો. વિનય, અપરિગ્રહ, સ્વાભિમાન, સામી વ્યક્તિનું સન્માન જાળવવાનું ઔચિત્ય. વાલ્મીકિએ લવ-કુશનું ગુરુકૃત્ય બજાવીને ગુરુની ગરિમાનો મહિમા ઉજાગર કર્યો છે.

વાલ્મીકિ રામાયણમાં ગુરુની પ્રજ્ઞાનું ને શિષ્યની પ્રજ્ઞાને ધારણ કરવાની ક્ષમતાનું અપાર મહિમાગાન થયું છે. ગુરુ-શિષ્યના મૌન સંવાદનું મહર્ષિ વાલ્મીકિ જેવા મિતભાષી કવિએ આનંદપૂર્વક ગાન કરીને સહૃદયોને જીવતરનું અમૂલ્ય ભાથું બંધાવ્યું છે.

રઘુકુળ રાજગુરુ મહર્ષિ વશિષ્ઠએ રઘુવંશના તમામ રાજાઓને આરાધ્યા છે. પણ પિતાનાં વચનમાં અનૌચિત્ય હોઈ, મહર્ષિ વશિષ્ઠ રામને રાજા થવા સમજાવે છે ને ભરતને પણ પિતા અને રામનું કહ્યું માનીને રાજ્ય ગ્રહણ કરવા સૂચવે છે. ત્યારે ‘મારે મન પિતાની આજ્ઞા જ શ્રેષ્ઠ છે.’ એમ કહેતા રામ ને ‘રામચંદ્રને અન્યાય કરીને પિતાનું કહ્યું ન માની શકવાની’ સ્પષ્ટતા કરતો ભરત ગુરુનાં ગૌરવને સાચવવા છતાં સત્યને જે રીતે વળગી રહે છે તેમાં એ બંનેની જીવનનાં સત્યથી ઉપરવટ ન થઈ શકવાની સમજનો વાલ્મીકિએ અને ખુદ વિશિષ્ઠે પણ મહિમા કર્યો છે. ગુરુભક્તિ ને સિદ્ધાંત એ બે વચ્ચે પસંદગી કરવાની આવે ત્યારે ગુરુએ દીધેલી સમજથી જ સિદ્ધાંતની પસંદગી કરવાની ક્ષમતા પણ વાલ્મીકિના આ અવતારપુરૂષો પ્રમાણિત કરી શક્યા છે, જેમાં તેમના ગુરુનો રાજીપો ને સિદ્ધિ બંનેનો મહિમા થયો છે.

મહર્ષિ વાલ્મીકિની લગોલગ મહર્ષિ વ્યાસની ગુરુ-શિષ્ય સંબંધની સમજ આધુનિક સમયસંદર્ભમાંય ધન્ય કરી દે એ રીતે આલેખાઈ છે.

મહાભારતનો પ્રધાન શિષ્ય છે આ કૃતિનો મહાનાયક અર્જુન. એક વિદ્યાર્થી તરીકે અર્જુનનો જોટો જડે તેમ નથી. વિદ્યોપાસનાની તેની લગન, એ માટેની તેની તપસ્યા ને આજીવન વિદ્યાની ઉપાસના અર્જુનને જગતનો શ્રેષ્ઠ શિષ્ય સાબિત કરે છે.

વિદ્યાર્થીકાળથી જ અર્જુનનું અનોખાપણું કોર કાઢતું રહ્યું છે. પાંડવો-કૌરવોમાં અર્જુન વિદ્યાતપે કરીને હંમેશા બળૂકો સાબિત થતો રહ્યો છે. અર્જુનની વિદ્યાજિજ્ઞાસા અનન્ય છે. ગુરુ દ્રોણ, અશ્વસ્થામા પ્રત્યેના અપત્યપ્રેમના કારણે સો શિષ્યોને પાણી ભરવા મોકલે છે ત્યારે વિલંબ થાય એ માટે બીજાઓને કમંડળ અને પુત્રને ઘડો આપે છે. બીજાઓ પહોંચે એ પહેલાં તેઓ અશ્વત્થામાને ધનુર્વિદ્યાની શ્રેષ્ઠ ક્રિયાઓ શીખવી દે છે. પણ વિચક્ષણ અર્જુને આ વાત જાણી લીધી ને વરુણાસ્ત્રથી કમંડળ ભરીને અશ્વત્થામા સાથે જ પહોંચી આવવા માંડ્યું. અંધારામાં ભોજન લેતા અર્જુનને એક વાર વિચાર આવ્યો કે જો અભ્યાસથી અંધારામાં કોળિયો મોઢામાં જ જાય છે તો પછી અંધારામાં અસ્ત્રનું સંધાનપણ શક્ય જ છે. આ વિચારથી પ્રેરાયેલો અર્જુન અંધારામાંયે શસ્ત્રસંધાન શીખીને જ જંપ્યો છે. યોગ્ય અસ્ત્રોના પ્રયોગોમાં, શીઘ્રતામાં અને ચપળતામાં દ્રોણના સૌ શિષ્યોમાં એ ચડિયાતો સાબિત થયો. દ્રોણ સ્વયં પણ તેને અજોડ શિષ્ય માને છે. સૌ કુમારોની ગુરુએ લીધેલી પરીક્ષામાંય પક્ષીની આંખ વીંધીને અર્જુને પ્રથમ ક્રમ મેળવ્યો છે તો એક વાર મગરથી ઘેરાયેલા ગુરુને છુટકારોય અર્જુને જ અપાવ્યો છે.

સૌ કુમારોનો વિદ્યાકાળ પૂર્ણ થતાં આચાર્યે સૌની અસ્ત્રવિદ્યા કુટુંબીજનોને દેખાડવા એક સભાનું આયોજન કર્યું છે ત્યારે શિષ્ય પ્રત્યેના ગર્વથી છલકાતા ગુરુ દ્રોણે અર્જુનની ઓળખ સહુને આપતાં કહ્યું કે : ‘જે મને પુત્રથીય પ્રિયતર છે, સર્વ શાસ્ત્રોમાં વિશારદ છે, ઈન્દ્રપુત્ર છે ને ઉપેન્દ્ર સમાન છે તે અર્જુનને તમે જુઓ.’ દ્રોણના આ શબ્દો અર્જુને આજીવન સાચા ઠેરવ્યા છે. કુરુસભા તો શું, યુદ્ધ કરતા અર્જુનને સ્વયં મહાદેવ શિવ, પિતા ઈન્દ્ર, પિતામહ ભીષ્મ, મહાન યોદ્ધો કર્ણ, સ્વયં અગ્નિ-સૌ જોતા રહી ગયા છે. ગુરુ પાસે હંમેશા નતમસ્તક રહેલા અર્જુને ગુરુદક્ષિણામાં દ્રોણની ઈચ્છા પ્રમાણે રાજા દ્રુપદ સામે ચડાઈ કરીને દ્રુપદને હરાવીને દ્રોણ સમક્ષ ખડો કર્યો છે.

તો અર્જુનની લગોલગ પોતાનાં ઉદ્દાત શિષ્યત્વને પ્રમાણિત કર્યું છે મહારથી કર્ણે. કુળને કારણે અન્ય રાજકુમારોની જેમ કર્ણને વિધિવત્ વિદ્યાપ્રાપ્તિ થઈ શકી નથી. પણ વિદ્યાવ્યાસંગી, ક્ષત્રિયનું લોહી ધરાવતા કર્ણે ગમે તેમ કરીને અસ્રવિદ્યામાં અસાધારણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. માત્ર બ્રાહ્મણોને વિદ્યા આપતા શસ્ત્રવિશારદ પરશુરામ પાસે બ્રાહ્મણ બનીને કર્ણ પહોંચ્યો છે ને અસ્ત્ર-શસ્ત્રોમાં પારંગત બન્યો છે. પણ નિયતિનેય કર્ણની પ્રગતિ જાણે મંજૂર નથી. એક વાર કર્ણનાં ખોળામાં માથું મૂકીને ગુરુ પરશુરામ નિદ્રાધીન થયા છે ત્યારે ભાવિને ધ્યાનમાં રાખીને અર્જુનનું કુશળ ઈચ્છાતા ઈન્દ્રે ભ્રમર બનીને કર્ણની જાંઘ કોતરી નાખી છે. ગુરુની નિદ્રાને ધ્યાનમાં રાખીને ભયંકર પીડામાંય અડોલ રહેલા કર્ણની કોરાયેલી જાંઘમાંથી વહેતી લોહીની ધારા પરશુરામને ભીંજવે છે અને તેથી જાગી ગયેલા ગુરુ કર્ણની તિતિક્ષા જોઈને એના બ્રાહ્મણત્વ વિશે શંકા સેવે છે. કર્ણને મુખેથી એ બ્રાહ્મણ ન હોવાનું જાણીને અનન્ય ગુરુભક્તિ ધરાવતા કર્ણનો ઘોર તિરસ્કાર કરીને પરશુરામે અણીની વેળાએ વિદ્યા ભૂલી જવાનો પુરસ્કાર શાપરૂપે કર્ણને આપ્યો છે ! એ ક્ષણે સહેજ પણ વિચલિત થયા વિના ગુરુએ આપેલી વિદ્યાનો કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર કરીને કર્ણે ગુરુની વિદાય લીધી છે.

મહાભારતના આ બે પ્રધાન શિષ્યોને પોતાની સિદ્ધાંતનિષ્ઠાથી, વિદ્યાપ્રીતિ-રતિથી ને ગુરુજનોનાં પક્ષપાત કે જાતિભેદ જેવા નિમ્ન વલણોને ગળી જઈને ગુરુતત્વનું અતિક્રમણ કરી જાણ્યું છે.

એકલવ્ય મહાભારતનું ગૌણ પાત્ર ગણાય છે, પણ ગુરુભક્તિમાં તેની અનન્યતા અદ્યાપિ ચિરંજીવ રહી છે. જાતિભેદને લઈને દેખીતી રીતે એ દ્રોણશિષ્ય બની શક્યો નથી. પણ એક વાર મનમાં એકલવ્યનું બેજોડ પરાક્રમ નિહાળીને તેમ જ એકલવ્યને મોઢેથી પોતાનો ગુરુ તરીકે ઉલ્લેખ સાંભળીને સડક થઈ જવા છતાં, દ્રોણે તેના પાસેથી ગુરુદક્ષિણામાં તેના જમણા હાથનો અંગૂઠો માગી લેવાની અનધિકૃત ચેષ્ટા કરી લીધી છે. પણ સહજભાવે ગુરુની આ ઈચ્છા ફળીભૂત કરીને એકલવ્ય તેના કહેવાતા ગુરુના ઋણમાંથી મુક્ત થઈ ગયો છે. કર્ણ, અર્જુન અને એકલવ્ય આ અર્થમાં એમના ગુરુજનોથીય ચડેરા શિષ્યો તરીકે મહાભારતમાં ઊભર્યા છે.

આપણાં બંને આદિકાવ્યોના આર્ષદ્રષ્ટા સર્જકો વાલ્મીકિ અને વ્યાસને મન ગુરુ-શિષ્યનો સંબંધ સખ્યનો સંબંધ છે. બંને કૃતિના ગુરુજનોએ આ શિષ્યોની ઝોળી વિદ્યાતત્વથી છલકાવી દીધી છે. અને એક વાર શિષ્યોને વિદ્યાધનથી તવંગર બનાવ્યા પછી એમનાં જીવનમાં ડોકિયું સુદ્ધાં કર્યું નથી. ગુરુનો ધર્મ છે આપીને ધન્ય થવાનો ને શિષ્યનો ગુરુએ આપેલું ઉજાગર કરીને ગુરુને ધન્ય કરવાનો.

રામ ને અર્જુને ગુરુએ આપેલી વિદ્યાનો આવશ્યકતા અનુસાર જ ઉપયોગ કર્યો છે. આ બંને શિષ્યો વખત આવે એમની વિદ્યાને પાછીયે વાળી શક્યા છે, ચિત્તમાં સાચવીને ગોપનીય પણ રાખી શક્યા છે ને એમના સમકાલીન વિદ્યાવાનોનો – એ દુશ્મન હોય તોય આદર કરી શક્યા છે. હાથમાં કાયમ શસ્ત્રો ધારણ કરવા છતાં આ અર્થમાં રામ અને અર્જુન શસ્ત્રસન્યાસી ઠર્યા છે. આ જ છે એમનાં વિરલ શિષ્યત્વનું રહસ્ય, જેને વાલ્મીકિ અને વ્યાસના સહૃદય ભાવકો સંવેદી શક્યા છે.

રામાયણ અને મહાભારત રામ, અર્જુન, કર્ણ, એકલવ્ય ને વિશ્વામિત્ર, દ્રોણ, પરશુરામ જેવા ગુરુ-શિષ્યોના અનુબંધના આલેખનથી પારાયણ યોગ્ય કાવ્યકૃતિ તરીકે જગતસાહિત્યમાં આદરની અધિકારી કૃતિઓ બની છે ને સાથોસાથ એમાંના વિરલ ગુરુજનોની માનવીય રેખાઓની રજથી ઝાંખી પડેલી આકૃતિને પોતાની નમ્રતાનાં વસ્ત્રથી લૂછી આપીને એમની ઉત્તમતાને જ આગળ ધરનારા કર્ણ ને એકલવ્ય જેવા શિષ્યોથી આ કૃતિઓ, એના સર્જકો અને એના અભિભાવકો અડસઠ તીર્થની યાત્રાની અનુભૂતિ કરીને ઉપશમને વરે છે. એ છે આ સંબંધની અંતિમ ફલશ્રુતિ.

******

ડૉ. દર્શના ધોળકિયાનાં સંપર્કસૂત્રઃ
• પત્રવ્યવહારનું સરનામું: ન્યૂ મિન્ટ રોડ, ભુજ (કચ્છ), ભારત ૩૭૦૦૦૧

• ઇ-પત્રવ્યવહારનું સરનામું: dr_dholakia@rediffmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *