





– વીનેશ અંતાણી
હૈદરાબાદના અમારા ઘરની સામે ગુલમહોરનું ઝાડ છે. ફૂલીફાલીને વિશાળ થઈ ગયું, છતાં તેમાં ફૂલો બેસતાં ન હતાં. બે-ત્રણ મોસમથી તો દર વરસે રાહ જોઈએ, પણ મોસમ ખાલી વીતી જતી હતી. તે વિસ્તારનાં બીજાં સમવયસ્ક ગુલમહોરો તો ક્યારનાં ફૂલ આપવા લાગ્યાં હતાં. નિ:સંતાન લોકોનાં વડીલો-ચાહકોને થાય તેવી ચિંતા અમને અમારા ગુલમહોર માટે થવા લાગી હતી. આ વરસે કળીઓ બેઠી, વધતી જાય, છતાં તેમાંથી ફૂલ દેખા દેતાં ન હતાં. ચિંતા થવા લાગી. મારે અમદાવાદ આવવાનું હતું. રાહ જોઈ જોઈને થાક્યાં. છેવટે અમે અમદાવાદ આવ્યાં ત્યાર પછી થોડા દિવસે સમાચાર આવ્યા: આપણા ગુલમહોરમાં ફૂલો ખીલ્યાં છે! આનંદ- આનંદ થઈ ગયો, જાણે સુખનો મોટો ખજાનો હાથ લાગ્યો હોય. આપણે મોટાં સુખોની એટલી બધી પ્રતીક્ષા કરીએ છીએ કે વચ્ચેવચ્ચે આવી જતાં નાનાં સુખો તરફ તો આપણું ધ્યાન જ જતું નથી.
સાવલીમાં રહેતા મિત્ર અને કવિ જયદેવ શુક્લને ઋતુપરિવર્તનની સાથે કુદરતનાં બદલાતાં રૂપોને માણવાની ખૂબ મજા આવે છે. તેઓ વસંતને ખુલ્લા મને વધાવે, પાનખરનાં રૂપોને પણ આસ્વાદે. પોતે તો રોમાંચિત થાય જ, મિત્રોની સાથે પણ પોતાનો આનંદ વહેંચે. ધીરગંભીર દેખાતા સર્જક-વિવેચક, સાહિત્ય અને અન્ય કળાઓના મર્મજ્ઞ એવા શિરીષભાઈ પંચાલને કેરીની મોસમ વખતે જોવા જોઈએ. એમને કેરી ખૂબ પ્રિય ફળ છે. કેરી વિશે માહિતિ અને પરખ પણ જબરી. શિરીષભાઈને કેરીનું ફળ હાથમાં લઈને તેને પંપાળતા, પ્રેમ કરતા, જોવાની મજા જ જુદી છે. એવું જ લાગે, જાણે એમના માટે કેરી વિશેના નાનાનાના આનંદથી વિશેષ મોટું સુખ બીજું કોઈ નથી. કેરીની મોસમ ચાલતી હોય ત્યારે મને બંને હાથે પાકી કેરી ગોળીને તેનો રસ પીવાની ઈચ્છા થઈ આવે. પહેલી નજરે તો જરા અજુગતું લાગે કે આ ઉંમરે કેરી ગોળીને જાહેમાં ચૂસીએ તો કેવું દેખાય! પણ પછી સમજાય કે મનમાં નાનપણનાં નાનાં નાનાં સુખ જાગતાં હોય તો એનો આનંદ માણી લેવો જોઈએ.
થોડા દિવસો પહેલાં ચાળીસ વરસની વયની વ્યક્તિના ઘરમાં એક બિલાડી તેનાં જન્મેલાં ત્રણ બચ્ચાંને લઈને આવી. એ પ્રૌઢ પુરુષ બાળકો જેવો ખુશ થઈ ઊઠ્યો. બચ્ચાંને ઉપાડે, પંપાળે, દૂધ પીવા આપે, ઓફિસની વ્યસ્તતાની વચ્ચે પણ ફોન કરીને બચ્ચાંની પૃચ્છા કરી લે. સાંજે ઘેર આવી પહેલું કામ બિલાડીનાં બચ્ચાં સાથે રમવાનું કરે. પ્રાણીનાં બચ્ચાંની સાથે તે પુરુષનું બાળપણ પણ જાણે ફરી જાગી ઊઠ્યું હતું.
કવિ રમેશ પારેખને તેમના વતનગામ અમરેલીએ અપાર સુખ આપ્યું છે. કવિના મિત્ર હર્ષદ ચંદારાણાએ રન્નાદે પ્રકાશનના સામયિક ‘ઓળખ’ના મે ૨૦૧૦ના અંકમાં રમેશ-વિશેષ નામનો સુંદર સ્મૃતિલેખ લખ્યો છે. તેમાં મૂકેલા પ્રસંગોમાથી રમેશને કેવી કેવી નાની બાબતો સુખ આપી જતી અને કેવી કેવી નાની બાબતો વિચલિત કરી જતી તેના વિશે જાણવા મળે છે. ૨૭મી નવેમ્બર ૧૯૯૧ના દિવસે અમરેલીમાં રમેશ પારેખની સમગ્ર કવિતાના અદ્વિતીય પુસ્તક ‘છ અક્ષરનું નામ’ની શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં પ્રસન્નચિત્તે સામેલ થયેલા રમેશનું હર્ષદભાઈએ વર્ણન કર્યું છે: માથે કેસરી સાફો, મોઢામાં બીડી, લાંબો રેશમી ઝભ્ભો. બાળકો જ્યારે કશાયથી – નાની નાની બાબતોથી પણ – પ્રસન્ન થઈ ઊઠે છે ત્યારે તેઓ પોતાની પ્રસન્નતાને છુપાવતા નથી, પણ કશા દેખાડા વિના પૂરેપૂરી પ્રગટ થવા દે છે. જાણીતી વાત છે કે રમેશ પારેખ જેવા મહાન કવિ અને અદ્દભુત વ્યક્તિમાં છેવટ સુધી એક બાળક જીવતું રહ્યું હતું. તે જ કારણે એમણે અત્યંત સુંદર બાળકાવ્યો ગુજરાતને આપ્યાં છે.
ખુશી જન્મી હોય તો કશા જ છોછ વિના જાહેરમાં પ્રગટ કરવી જોઈએ. મારા એક પરિચિતને કશાયથી સંતોષ અને આનંદ થતો જ નથી. તેમ ગમે તેટલી હળવી વાતો કરો, એમની ગંભીરતા ક્યારેય ઓસરતી નથી. એમને લાગે છે કે જાણે પ્રસન્ન થવું તે કોઈ બાલિશ લક્ષણ છે. બાલિશ તો બાલિશ, માણસે નાની નાની વાતોમાંથી સુખ મેળવતાં શીખી લેવું જોઈએ. એક વાર અમે થોડા મિત્રો શાહબુદ્દીનભાઈ રાઠોડના વનેચંદના વરઘોડામાંથી નિષ્પન્ન થતી હાસ્યની છોળોનો આનંદ માણી રહ્યા હતા. તે સમયે ગુજરાતનાં એક વરિષ્ઠ પત્રકાર ત્યાં હાજર હતા. એમને નવાઈ લાગી કે તેમાં આટલું બધું હસવા જેવું શું છે.
ઘણા લોકોને સમજાશે નહીં કે સુખ, મજા, આનંદ શેમાંથી મેળવી શકાય. તેવા લોકોને સોગિયા મોઢાનો, કારણ વિના ગંભીર જ રહેવાનો, દરેક બાબતોથી અસંતુષ્ટ જ રહેવાનો શાપ મળ્યો હોય છે. તેમને કશું જ પ્રસન્ન કરી શકતું નથી. તેમના પર ચોવીસે કલાક દુખના ડુંગર જ ઊતરી પડયા હોય છે. તેની સામે નાની નાની બાબતોમાંથી પણ મોજ માણી શકતા લોકો ચોવીસે કલાક હળવાફૂલ રહી શકે છે. તેઓ ગમે તેવી મુશ્કેલીને પણ હસતા હસતા સહન કરી જવાનું વરદાન મેળવેલા લોકો હોય છે.
***
શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com