કેડી ઝંખે ચરણ : પ્રકરણ ૧૧

Facebooktwitterredditpinterestlinkedinmail

નયના પટેલ

લક્ષ્મીબહેનના ઘરમાંથી બારણું પછડાવવાનો અવાજ સાંભળી નંદાએ સ્નેહાનો હાથ પોતાના હાથમાં લઈને મમ્મી સામે જોયું અને સરલાબહેને મનુભાઈ સામે જોયું.

મનુ ભાઈ જમતાં જમતાં ઊઠ્યા અને આગળની બારીમાંથી બહાર નજર કરી અને પાછા આવી કહ્યું, ‘કાર નથી દેખાતી એટલે લક્ષ્મીબહેન એકલા જ આવ્યા લાગે છે. સ્નેહાનો હાથ નંદાએ પકડ્યો હતો અને તેના હાથમાંથી ઊઠતી ધ્રુજારી, ઈલેક્ટ્રિક કરંટની જેમ એના મનમાં ય પ્રસરી ગઈ.

મનુભાઈએ સ્નેહાને આશ્વાશન આપ્યું, ‘ ડોન્ટ વરી, એ લોકોને ક્યાં ખબર છે કે તું અહીંયા છે? ‘

‘અરે, અમે જમ જેવાં બેઠાં છે, એકવાર ખબર પડે તોય એમની તાકાત છે તને આંગળી ય અડકાડે ? ‘ સરલાબહેનનાં સ્વભાવ વિરુધ્ધની આ વાત સાંભળીને સૌએ એમના તરફ આશ્ચર્યથી જોયું !

ધનુબા તો ક્યારના સૂવા માટે જતાં રહ્યાં હતાં. નમન અને કિશન પણ સૌને ‘જેશ્રીકૃષ્ન‘ કહી સૂવા ગયા. રાતના સાડા અગિયાર થવા આવ્યા હતા. નંદાને પોલીસની સૂચના યાદ આવી-બાજુના ઘરે કોઈ પણ આવે કે તરત જ તેમને જાણ કરવી. તેણે સરલાબહેનને યાદ કરાવ્યું. પરંતુ મનુભાઈએ એને હમણા ફોન ન કરવાનું કહી ઉમેર્યું, ‘સવારનાં બધું થઈ રહેશે, તમે લોકો ખૂબ થાક્યા છો, હમણા સૌ સૂઈ જાઓ.‘

ફફડતે હૈયે સ્નેહા નંદા સાથે તેનાં રૂમમાં સૂવા માટે ગઈ.

એક જ દિવસમાં કેટલું બધું બની ગયું ! સરલાબહેન ડીશવોશરમાં વાસણ ગોઠવતાં ગોઠવતાં વિચારતા હતાં.

રોજ જેવી જ બીજા દિવસની સવાર છે, પરંતુ સ્નેહા માટે તો સ્વતંત્રતા દિન ઊગ્યો છે. આજે કેટલાય મહિનાઓ પછી શાંતીથી સૂઈ રહી હતી-તેણે બ્રશ કરતાં કરતાં વિચાર્યું. ધનુબાના રૂમમાંથી ઘંટડીનો અવાજ આવતો હતો.

સ્નેહા જરાય અવાજ ન થાય તેમ નીચે આવી. સરલાબહેન રસોડામાં હતાં. સ્નેહાને આવતી જોઈ સરલાબહેને તેને ‘જેશ્રીકૃષ્ન, બેટા ! તું શું પીશ ચા કે કૉફી ?’ પૂછી સ્નેહાને માથે સ્નેહથી હાથ ફેરવ્યો.

મમ્મીને ત્યાં સવારના તે હમેશા કોફી પીતી અને તે પણ નકરા દૂધની. સાસરે આવી ને જોયું તો ઘરમાં કોફી નહોતી એટલે પરાણે ચા જ ગટગટાવી લેતી.

આજે તેનાથી બોલાઈ ગયું, ‘કોફી !‘

પછી થોડી ઓઝપાઈ જઈ બોલી, ‘ગમે તે ચાલશે, માસી.’

‘માસી કહે છે પણ વર્તે છે જાણે તારી માસીસાસુ હોઉં તેમ.‘ કહી ટપલી મારી તેને નાસ્તાનો ડબ્બો આપ્યો, અને સ્નેહા માટે કોફી મુકી. પછી યાદ આવતાં ઉમેર્યું, ‘અરે હા, જો તારા માસા કહી ગયા છે કે નાસ્તા-પાણી કરીને પછી પોલીસને જાણ કરવાની છે. પછી ખબર નહીં તને કેટલો વખત બહાર રહેવું પડે!’

‘માસી, આજથી તો મારે હૉસ્ટેલમાં રહેવા જવું પડશે.‘ કહી તે સાવ સૂનમૂન થઈ ગઈ.

સરલાબહેનના માતૃત્વના વડલાની ત્રણ વડવાઈની સાથે જાણે બીજી એક શાખા સ્નેહા થઈને ફૂટી નીકળી !

‘ના હં, હું તને ક્યાં ય નથી જવા દેવાની. ‘

‘માસી, મારે જવું જ પડશે, કારણ કે કેથી (સોશ્યલવર્કર) કહેતી હતી કે જો ભાવિનને ખબર પડે કે હું અહીં રહું છું તો મારી સલામતી…’

‘જો કે એ લોકોની વાતે ય સાચી છે, પણ બેટા, તને જવા દેવા માટે મારું મન નથી માનતું ! એની વે, ચાલ તું સરખો નાસ્તો કરી લે પછી હું પોલીસને ફોન કરું.’

‘માસી, પોલીસને આપણે એમ કહીશું કે આપણે રાત્રે બાજુના ઘરે અવાજ સાંભળ્યો હતો તો….’

સરલાબહેનને સ્નેહાની નિર્દોષતા પર એવું તો વહાલ આવ્યું ને કે તેને આગળ બોલવાય ન દીધી અને તેના માથે ચુંબન લેતાં બોલ્યા, ‘મારા ભોળા પારેવડાં, આપણે બાજુના ઘરમાં કેટલા વાગ્યે અવાજ સાંભળ્યો તેનો સમય રાતનો કહેવાની જરુર નથી. સહેજ ખોટું બોલવાથી આભ નથી તૂટી પડવાનું બેટા, સમજી? આપણે સૌએ કહેવાનું કે આપણે સવારના બારણું પછડાવાનો અવાજ સાંભળ્યો. ‘

સ્નેહાએ નાસ્તો પતાવ્યો એટલે સરલાબહેને પોલીસને ફોન જોડી એમને સૂચના આપનાર ઑફીસર પીટરને બાજુના ઘરમાં અવાજ સાંભળ્યાનું જણાવ્યું. પીટરે સ્નેહાના સમાચાર પૂછી ઉમેર્યું કે કેથી આવે નહીં ત્યાં સુધી સ્નેહાને કહેજો કે ઘરની બહાર ન નીકળે. બાજુમાં ખબર ન પડવી જોઈએ કે તે ત્યાં છે. અને પીટર લક્ષ્મીબહેનના ઘરે તપાસ કરવા પોલીસ સ્ટેશનેથી નીકળ્યો.

ધનુબા પણ પૂજા-પાઠ પતાવી, નીચે આવી અને તેમને માટે ઢાંકેલી ચા અને નાસ્તો કરવા બેઠાં.

સ્નેહા ધડકતે હૈયે ટી.વી જોવાનો પ્રયત્ન કરતી હતી પરંતુ તેનું ધ્યાન તો બહાર પોલીસકાર આવી કે નહી અને પછી શું થશે તેની ચિંતામાં હતું.

ત્યાં તો તેણે કોઈ વાહનનો અવાજ અને પછી બાજુના ઘરના ડોર બેલનો અવાજ સાંભળ્યો. તેના હૃદયના ધબકારા અગણિત ગતિથી વધી ગયા. થોડીવાર બેલ વાગવાનો અને પછી જોર જોરથી બારણું ખખડાવવાનો અવાજ આવ્યો. સરલાબહેન અત્યાર સુધી ધીરજથી કામ કરવાનો પ્રયત્ન કરતાં હતાં પરંતુ જેવો જોર જોરથી બારણું ખખડાવવાનો અવાજ સાંભળ્યો એટલે આગલે બારણે ડોકીયું કર્યું.

જોયું તો ગઈકાલે આવેલા પીટરની સાથે બીજા ત્રણ પોલીસો પણ હતાં. રીંગ મારીને કંટાળ્યા અને કોઈ પ્રતિભાવ ન મળતાં બારણું ખખડાવતાં હતાં.

સરલાબહેનને જોયાં એટલે પીટર એમની પાસે આવ્યો અને પૂછીને ખાત્રી કરી કે એમણે જ હમણા થોડીવાર પહેલા ફોન કર્યો હતો. પછી જ્યારે ચોક્કસ કરવા માટે સરલાબહેનને ‘ક્યારે અવાજ સાંભળ્યો ‘ પૂછ્યું ત્યારે ક્ષણભર માટે સરલાબહેન પણ થોડાં ગભરાઈ ગયાં, છતાંય હિંમત કરી કહ્યું કે ‘સમય તો બરાબર યાદ નથી.’

લક્ષ્મીબહેનના ઘરનું આગલનું બારણું ન ખૂલ્યું તે ન જ ખૂલ્યું. એટલે પાછળના ગાર્ડનમાં જવાના દરવાજાને ઠેકીને એક પોલીસ અંદર ગયો અને દરવાજો ખોલી નાંખ્યો. પીટર સરલાબહેન સાથે વાતે વળગ્યો અને બાકીના પોલીસોએ પાછળની બારીમાંથી અંદર જોવાનો પ્રયત્ન કર્યો…..અને એકદમ પીટરને રાડ પાડી બોલાવ્યો. પીટર દોડ્યો.

સરલાબહેન મુંઝાયા, પીટરની પાછળ જવું કે ઘરમાં જવું ! ત્યાં તો કેથીની અવતી જોઈ એટલે તેની રાહ જોતાં તેમના ઘરના બારણામાં જ ઊભા રહ્યા. કેથી આવી એટલે હાલની પરિસ્થિતિથી એને વાકેફ કરી. વાત કરતાં કરતાં બન્ને જણે જોયું કે પોલીસની હીલચાલ એકદમ વધી ગઈ છે. એક પોલીસ દોડતો આવીને તેમની કારમાંથી બારણું તોડવાનું સાધન લઈને લક્ષ્મીબહેનના ગાર્ડનમાં ગયો.

પોલીસને એમનું કામ કરવા દેવાનું યોગ્ય ધારી, કેથી અને સરલાબહેન ઘરમાં આવ્યા. કિશન અને નમન પાછળની ફેન્સ પરથી પોલીસની કાર્યવાહી જોતા હતા અને નંદા હજુ હમણા જ ઊઠી હતી તે પણ ચા બનાવતાં બનાવતાં બાજુના ઘરમાં ચાલી રહેલી ધમાલ જોતી હતી.

ડરી ગયેલી સ્નેહા હાથ પગ સંકોડી સોફા પર બેઠી હતી. કેથીને જોઈને રડી પડી. કેથીએ જોયું કે તે સૂકા પાંદડાની જેમ ધ્રૂજતી હતી. સરલાબહેને તેને સોડમાં લીધી તોય તેનું ન તો રડવાનું રોકી શકી કે ન તો ધ્રૂજારી પર કાબૂ રાખી શકી .

ધનુબા તાલ જોતાં હતાં અને ‘મેં તો કીધું જ હતું, પણ મારું કોણ સાંભળે?’ એવું કાંઈક કહેવાના મોકાની જ રાહ જોતાં હતાં.

કેથીએ સ્નેહાને એની જે કોઈ વસ્તુ હોય તે પૅક કરવા કહ્યું.

ઘરમાંથી ફેંકી દીધેલી સ્નેહા પાસે શું હોય ?

તેનાં ધોવાનાં કપડાની એક જોડ હતી તે સરલાબહેને કહ્યું કે તે પછી પહોંચાડી દેશે.

‘સૉરી, તમે તે ન પહોંચાડી શકો, કારણ કાયદા મુજબ એ જે હૉસ્ટેલમાં રહેવાની છે એનું સરનામું ગુપ્ત રાખવામાં આવે. સ્નેહાને એ કપડાં હું કાલે અહીંથી લઈને પહોંચાડી દઈશ. લેટસ ગો…’ હજુ તો વાક્ય પૂરું કરે તે પહેલા તો નમન દોડતો ઘરમાં આવ્યો, ‘ મમ….મમ…બાજુવાળા માસીને…..’


ક્રમશઃ


સુશ્રી નયનાબહેન પટેલનું વીજાણુ સંપર્ક સરનામું: ninapatel47@hotmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *