અધૂરપની અનિશ્ચિતતા વચ્ચે આગળ કેમ કરી વધવું ?

ઉત્પલ વૈશ્નવ

તમને ઘણી વાર એવું લાગતું હશે, કે ધારણા મુજબ કંઈ આગળ વધતું નથી જણાતું?

જેમાં ધારી સફળતા મેળવવા માટે આગળ વધવા માટેનો કંડારેલો માર્ગ તમને દેખાય એવો સાવે સાવે સાચો કહી શકાય એવા જવાબની તમે રાહ જૂઓ છો ?

ધાર્યાં કામ ન થવા માટે આ એક બહુ અગત્યનું પરિબળ છે.

માર્ગ સ્પષ્ટ ન હોય ત્યારે સફર માટે નીકળી પડવું એ કામ મુશ્કેલ તો છે; એટલે, સૌથી પહેલાં તો આપણે સાચો રસ્તો અને ખરો સમય ખોળી કાઢવા માટે રાહ જોવાની તક ખોળી કાઢતાં હોઇએ છીએ.

પણ જે કંઈ કરવું છે, જે અને જેટલું દેખાય છે તે પૂરેપૂરી રીતે યોગ્ય અને પર્યાપ્ત છે એ વિષે બહુ લાંબો વિચાર કરવાને બદલે એ દિશામાં તમે જે રીતે વિચારો છો તેના પર ધ્યાન આપવાથી સફળતાના માર્ગ પર આગળ વધી શકવાની શક્યતા વધારે રહેલ હોય છે.

નાનાં નાનાં પગલાં ભરો. ધીમે ધીમે આગળ વધો. સીધી અને સ્પષ્ટ વાત લખવાની છે એવો એ અઘરો જણાતો ઇ-મેલ લખવાનું શરૂ કરો. ગરમાગરમી થવાની સંભાવનાવાળો એ સંવાદ પણ શરૂ તો કરો જ. પગલું ભરવાની શરૂઆત કર્યા પછી સફળતાના ધ્રુવતારક તરફની દિશાએ આગળ ન વધ્યા સિવાય કોઇ બીજો માર્ગ જ નથી રહેતો હોતો.

શક્ય છે કે પરિણામ અક્ષુણ્ણ સંપૂર્ણ ન હોય; પરંતુ સાવ જ આગળ ન વધ્યાં હોત એ કરતાં તો જેટલું પણ આગળ વધાયું એ વધારે મૂલ્યવાન જરૂર છે.

રાહ ન જૂઓ. શરૂઆત કરો. ભલે ખોટો પણ રસ્તો પકડી લો. કોશીશ ચાલુ રાખો. શું પરિણામ આવે છે એ જૂઓ, ભલેને ઠોકર વાગે. ફરીથી ઊભાં થાઓ, ભલે બીજી , અને ત્રીજી વાર પણ, ઠોકર વાગે. દરેક વખતે ફરીથી ઊભાં તો થાઓ જ. ધીરજ ન છોડશો. જરૂર પડ્યે શું શું ખોટું થયું એ વિષે વિચારો અને તેમાંથી શીખીને નવેસરથી શરૂઆત કરો. કર્યે જ રાખો.

એક દિવસ એવો જરૂર આવશે જ્યારે બધા ખોટા નીવડતા રસ્તાઓ ખૂટી પડશે – જરૂરી એ છે કે આપણે પગલાં ભરવામાં ક્યારે પણ પાછી પાની ન કરીએ.

गर्मी-ए-सुखन से कुछ काम बन नहीं सकता

मिल ही जायेगी मज़िल दो कदम बढाने से

                                                                                                  શકીલ બદાયુની

[વાણીની તાકાતથી કોઈ કામ પાર નથી પડતું.

જો મજ઼િલ પર પહોંચવું હોય તો બે ડગલાં ભરવાં પડે છે.]


શ્રી ઉત્પલ વૈશ્નવનાં સંપર્ક વીજાણુ સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: hello@utpal.me | Twitter: @UtpalVaishnav | Facebook | Skype: skype@utpal.me


સંપાદકીય નોંધઃ

અહીં મૂકેલ ઈમેજ નેટ પરથી વિષયના સંદર્ભને રજૂ કરવાના આશયથી લીધેલ છે. તેના પ્રકાશાનાધિકાર તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે.

Facebooktwitterredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.