એન રૅન્ડની મહાનવલ ‘એટલસ શ્રગ્ગ્ડ’ની ષષ્ઠિપૂર્તિ

Facebooktwitterredditpinterestlinkedinmail

રજૂઆત: અશોક વૈષ્ણવ

 

રશિયન પાસપોર્ટમાંનો એન રેન્ડનો ફોટો

૧૯૫૭માં પ્રસિધ્ધ થયેલ ‘એટલસ શ્રગ્ગ્ડ’ને પૂરી કરવામાં એન રૅન્ડ (અલીસા ઝીનોવ્યૅન્વા રૉઝેનબૌમ | જન્મ ૧૯૦૫ – અવસાન ૧૯૮૨)ને ૧૨ વર્ષ લાગ્યાં હતાં. તેમણે લખેલી ચાર નવલકથાઓમાં ‘એટલસ શ્રગ્ગ્ડ’ છેલ્લી નવલકથા છે. તેમાં માનવ અસ્તિત્વ વિષેનાં તેમનાં અનોખાં જ દર્શનને અત્યંત નાટકીય સ્વરૂપે રજૂ કરેલ છે. એન રૅન્ડનું કહેવું રહ્યું હતું કે”એટલસ શ્રગ્ગ્ડ’નાં કથાનકનું હાર્દ માનવ અસ્તિત્વમાં તેનાં મનની ભૂમિકા છે.’ તેમણે કથાનકને જે રીતે રજૂ કર્યું છે તેમાં જોવા મળે છે કે માનવજાતનાં જ્ઞાન અને મૂલ્યોનું મૂળ માનવીનાં મનમાં છે.

૧૯૫૦ના દાયકામાં અમેરિકામાં સામ્યવાદની વિરૂધ્ધનો ઝોક બૌદ્ધિકો કે રાજકીય વિષ્લેષકોની કક્ષાએથી ખસીને એક છેડે રાજકારણીઓ અને બીજે છેડે સામાન્ય વાચકના માનસપટ પર પ્રભાવ પાડી રહ્યો હતો.આવાં પ્રવાહી કહી શકાય તેવાં સામાજિક વાતાવરણ દરમ્યાન જ્યારે આ પુસ્તક પ્રકાશિત થયું ત્યારથી જ ખૂબ પ્રેમ ભાવથી પૂજતા ચાહકો અને બરાબર એનાથી સાવ અંતિમ છેડે બેઠેલા પુસ્તકના અતિતેજાબી ટીકાકારોની બે છાવણીમાં તેના વાચકો વહેંચાયેલા રહ્યા છે. પુસ્તકનાં પહેલાં પ્રકાશન પછીનાં ૬૦ વર્ષોમાં તેની ૮૮ લાખથી વધારે નકલો વેંચાઈ છે અને આજે પણ તેની એટલી જ માંગ છે. ૨૦૦૭નાં પ્રકાશનનાં અર્ધશતાબ્દિની સુવર્ણ જયંતિ સમયે પણ પુસ્તકની લાખથી વધુ નકલો દર વર્ષે વેંચાતી હતી. તે પછી ત્રણ ભાગમાં વહેંચાયેલું એવું તેનું ફિલ્મ સંસ્કરણ પણ ૨૦૧૧ માં થયું.

‘એટલસ શ્રગ્ગ્ડ’નાં જ એક પાત્રનો સંવાદ છે કે ‘ઉજવણીઓ તો જ હોવી જોઈએ જો ખરેખર કંઇ ઉજવવા લાયક હોય’. જો કે સાઠ સાઠ વર્ષ સુધી બની રહેલી ‘એટલસ શ્રગ્ગ્ડ’ની લોકસ્વીકૃતિ એ એક જ કારણ પ્રકાશનની ષષ્ઠિ પૂર્તિ ઉજવવા માટે ન તો જરૂરી છે કે ન તો પૂરતું કહી શકાય. એન રૅન્ડ જેવાં લેખિકામાટે વર્ષોના કે વેચાણના આંકડા મહત્ત્વના ન હોઈ શકે. મહત્ત્વનું હોઈ શકે માત્ર અને માત્ર એન રૅન્ડદ્વારા પ્રસ્થાપિત કરેલ તેમની આગવી – સમજમાં આવે એવી ભાષામાં કહીએ તો કટ્ટર જમણેરી આર્થિક અભિગમ (!) – ફીલોસોફી્નું પ્રવર્તમાન વૈશ્વિક સંજોગોના સંદર્ભમાં કથાનકના પાયામાં સમાયેલ વિચારતત્ત્વનું પ્રસ્તુત રહેવું.

‘એટલસ શ્રગ્ગ્ડ’નાં પ્રકાશનનાં અર્ધશતાબ્દિ વર્ષ પછી અમેરિકામાં આર્થિક ક્ષેત્રે જે પ્રકારની અને જે ઝડપથી ઘટનાઓ બની અને પહેલાં તેનાં યુરોપ પર અને પછી વિકસિત અર્થતંત્રો પર મેક્ષિકન વેવની જેમ પ્રસરતી ગઈ તેમ તેમ એન રૅન્ડ અને તેમની ફિલોસૉફીની તરફેણની અને વિરૂધ્ધની ચર્ચા પણ વધારે ને વધારે વ્યાપક અને ઉત્તેજના જગાવતી બનતી ગઈ. સંદર્ભ અને સંજોગોના બદલવા સાથે એન રૅન્ડની વિચારસરણીનાં અર્થઘટન પણ સ્વાભાવિકપણે બદલતાં રહ્યાં છે.

અહીં એમ કહેવાનો આશય નથી કે ૨૦૦૮ પછી જે વિશ્વના આર્થિક પ્રવાહોમાં જે કંઇ – અપેક્ષિત કે બીનઅપેક્ષિત – બદલાવ આવ્યા તે બધા સાથે એન રેન્ડની વિચારસરણી સુસંગત છે. તેમના ચાહકોમાંના એક વર્ગને આ બદલાવોમાંથી ઘણા બદલાવોની આગાહીઓના ઈશારા તેમની નવલકથાઓ કે અન્ય લખાણોમાં જોવા મળે છે. પણ અહીં એમ પણ કહેવાનો આશય નથી. હા, એન રેન્ડનું એ માનવું કે દુનિયાનાં ચાલક બળની ઉર્જા મુઠ્ઠીભર પ્રકૃતિગત સર્જનાત્મક લોકોની તેમનાં કામ પ્રત્યેની અદમ્ય લગની છે તે બધા જ કાળમાં ખરૂં જરૂર રહ્યું છે. આ લોકો જે કંઈ કરવું છે તે વિશાળ બહુમતીમાં રહેલ પરોપજીવી લોકોના પ્રચંડ વિરોધ વચ્ચે રહીને પણ કરી ને જ રહે છે.

clip_image007

નેટપર શોધખોળ કરતાં વિશ્વના જૂદા જૂદા દેશોમાં એન રૅન્ડ અને તેમની નવલકથાઓ તેમ જ બિન-સાહિત્ય પુસ્તકો કે લેખોની સ્વીકૃતિ અંગેની માહિતી સહેલાઈથી મળી શકશે. જો કે આપણે તો એટલે બધે દૂર જવાની જરૂર પણ નથી. અહીં ગુજરાતમાં જ આ વિચારોની સ્વીકૃતિનાં એક બહુ સ-રસ દૃષ્ટાંત તરફ નજર કરીએ.

એન રૅન્ડની કૃતિઓ ‘ધ ફાઉન્ટનહેડ’ અને ‘એટલસ શ્રગ્ગ્ડ’નાં હાર્દસમ વિચારસરણીને સરળ, સીધી સાદી ગુજરાતીમાં રજૂ કરવાના આશયથી ભાઈશ્રી હરેશ ધોળકિયાએ ૨૦૦૬માં ‘અંગદનો પગ’ શીર્ષસ્થ, એક નાની સરખી, નવલકથાના સ્વરૂપમાં પ્રકાશિત કરી. અત્યાર સુધીમાં આ પુસ્તકની ૧૪ જેટલી આવૃત્તિઓ, ૫૦,૦૦૦ જેટલી નકલો પ્રકાશિત થઈ ચૂકી છે. ઘણી કૉલેજોમાં તે પાઠ્યપુસ્તક તરીકે પણ રહી ચૂકી છે. બે એક વિદ્યાર્થીઓએ તેના પર પી.એચડી.ના મહાનિબંધો પણ લખ્યા છે તેવું પણ જાણવા મળેલ છે.

clip_image009clip_image011

વૈશ્વિક કક્ષાએ ‘એટલસ શ્રગ્ગ્ડ’ દ્વારા વહેતી મૂકાયેલી વિચારસરણી હવે મુખ્ય ધારાનો એક અવિભાજ્ય હિસ્સો બની ગઈ છે. એન રેન્ડના ચાહકો જેટલાં વધ્યાં છે તેટલાં જ તેના ટીકાકારો પણ એટલાં જ વધ્યાં છે. બસ, છેલ્લાં કેટલાંક વર્ષોમાં હવે ચિત્ર એવું થતું ચાલ્યું છે કે તમે એન રેન્ડ સાથે સહમત ન હો તો પણ તમે એના વિષે તમારો અભિપ્રાય તો જરૂર જાહેરમાં વ્યક્ત કરશો.

સૌથી વધારે પ્રભાવક બદલાવ તો ડિજિટલ સંચાર માધ્યમોએ ભરેલી હરણફાળ છે જેને કારણે ભલભલી માહિતી આજે હાથવગી બની છે અને તે પણ, વપરાશકારનાં ખીસ્સાં પર બહુ ઓછા બોજથી, ૨૦૦૭માં એન રેન્ડનાં વ્યક્તવ્યોની ટેપ કે સીડી ખરીદવા જેટલા ડોલર ખર્ચવા પડતા એટલી પેનીમાં હવે આ બધું સાહિત્ય ડિજિટલ માધ્યમ દ્વારા ઉપલબ્ધ છે. તે ઉપરાંત ઘણી નવી માહિતી સામગ્રી તો યુ ટ્યુબ માધ્યમ પર એમ ને એમ જ ઉપલબ્ધ છે.જેમ કે, એન રેન્ડ ઇન્સ્ટિટ્યુટની યુ ટ્યુબ ચેનલ પરનો એન રેન્ડનો ઇન્ટરવ્યુ – Introducing Objectivism – અને એવી અન્ય સામગ્રીઓ. આપણી ‘અંગદનો પગ’ પણ હવે એમેઝૉન અને ફ્લિપકાર્ટ જેવાં માધ્યમો થકી ઘેર બેઠાં પણ ખરીદી શકાય છે.

માહિતી ટેક્નોલોજીને કારણે કોઈ પણ વિચારનો પ્રસાર કદાચ બહુ ઊંડાણથી ભલે નહીં પણ બહુ ઝડપથી, બહુ વ્યાપક સ્તરે તો થવાનું શક્ય બનવા લાગ્યું છે. વિશ્વમાં મોટા ભાગનાં બહુ દૂરગામી સંશોધનો મોટા ભાગના કિસ્સાઓમાં બહુ ટાંચાં સાધનો જેને ઉપલ્બધ છે એવાં સામાન્યત: એવા વર્ગનાં લોકોએ જ કર્યાં છે જેને ભદ્ર વર્ગ તરીકે નથી ઓળખવામાં આવતા. માહિતી અને અને ડિજિટલ ટેક્નોલોજીની પણ આખી રમત રમવાની મૂળ રીતમાં જ ફેરફારો કરી નાખતો મોટા ભાગનો વિકાસ પણ આવાં મુઠ્ઠીભર નવોન્મેષી સાહસિકોની જે કંઇ કરવું એ સ્વઆનંદ માટે કરવું એવી મૂળભૂત માન્યતામાં થી જ જન્મેલ છે. તેઓ જે કંઇ કરી શકે છે તેનાથી દુનિયા બદલશે કે નહીં બદલે એવી ગણતરી એ લોકોની માન્યતાનાં મૂળમાં નથી. હા, પછીથી તેનો મહત્તમ વાણિજ્યિક લાભ મળવામાં પણ વૈશ્વિક બજારોના સંજોગોનો જ ફાળો મોટો રહ્યો છે.

સ્વઆનંદથી દોરવાતા સ્વાર્થહીન લોકોને તેમનાં કામ માટે જે શ્રેય મળતું રહ્યું છે, કે મળવું જોઈએ, તેની વાત ‘એટલસ શ્રગ્ગ્ડ’નાં કથાનકનો મૂળતઃ સૂર છે. ‘એટલસ શ્રગ્ગ્ડ’ની ષષ્ઠી પૂર્તિ એક એવો અવસર કહી શકાય જ્યારે આવાં મુઠ્ઠીભર સર્જકોના પ્રયાસથી બહુમતીને થતા લાભનું પ્રતિબિંબ એ લાભાર્થી વર્ગને ફરી ફરીને બતાવી શકાય. એ જ રીતે આ અરીસાઓની મદદથી શક્ય બનતાં ગુણક પ્રતિબિંબોથી એ સર્જકોને પણ તેમનાં કામનાં મહત્વને બીરદાવવા માટેનો આ અવસર છે.

+ + + +

આજથી લગભગ ચાર વર્ષ પહેલાં મેં The History of Atlas Shrugged: An Essay on the Genesis of the Bookનો અનુવાદ કર્યો હતો, ‘એટલસ શ્રગ્ગ્ડ’ ષષ્ઠિપૂર્તિ અવસરે એ ફરીથી સાદર રજૂ કરૂં છું –

ઍટલસ શ્રગ્ગ્ડ - ઉત્પત્તિ અને ઇતિહાસ - એક નિબંધ

3 comments for “એન રૅન્ડની મહાનવલ ‘એટલસ શ્રગ્ગ્ડ’ની ષષ્ઠિપૂર્તિ

 1. samir dholakia
  October 20, 2017 at 1:38 pm

  Both Fountainhead and Atlas Shrugged had lasting impression on me when I read them before 41 years. Thanks for making me a part of 60th birthday of this book. Even after 60 years both the book remain relevant .
  Thanks again !

  • October 21, 2017 at 9:13 am

   આજે પણ આ પુસ્તકોનું પહેલું વાંચન મોટા ભાગે કિશોર વયનાં લોકો વધારે કરતાં હોય છે તેવું જોવા મળે છે.
   આ કારણે તેમનાં ((સુષુપ્ત) મન પર (પણ) એન રૅન્ડની વિચારસરણી અંકાઈ જતી હોય છે.
   પછીથી આગળ જતાં વિચારસરણીની યાદો તેમનાં જીવનને સીધી યા પરોક્ષ રીતે પ્રભાવિત પણ કરતી હોઈ શકે.
   આમાંનાં ઘણાં વાંચકો ઉમરના એ તબક્કે પુસ્તકની ફરીથી વાંચતાં હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *